ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે બિહારમાં ભારત-નેપાળ સરહદની ફતેહપુરમાં BOPની મુલાકાત લીધી હતી અને પિલ્લર નંબર 151 અને 152નું નિરીક્ષણ કર્યું હતું તેમજ SSB સાથે સરહદી વિસ્તારમાં વિવિધ ગતિવિધીની સમીક્ષા કરી
Posted On:
24 SEP 2022 4:40PM by PIB Ahmedabad
શ્રી અમિત શાહે ફતેહપુર BOP ખાતે ફતેહપુર, પેકટોલા, બેરિયા, અમગાછી અને રાણીગંજ BOP ઇમારતોનું ઉદ્ઘાટન કર્યું, જવાનો સાથે સંવાદ કર્યો અને તેમની સાથે નાસ્તો કર્યો, શ્રી શાહે બુધી કાલી માતા મંદિરની પણ મુલાકાત લીધી અને પૂજા-અર્ચના કરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી માને છે કે પોતાના જીવનનો સ્વર્ણીમ સમય દેશની સુરક્ષા માટે સરહદ પર મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરીને વિતાવનારા બહાદુર સૈનિકોની સુવિધાઓ અને કલ્યાણની કાળજી લેવાની અમારી જવાબદારી છે
મોદી સરકારે છેલ્લા આઠ વર્ષમાં, સરહદ પર તૈનાત સુરક્ષા દળોના જવાનો અને તેમના પરિવારો માટે રહેણાંક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે સમયબદ્ધ અને તબક્કાવાર કામ કર્યું છે, જે અંતર્ગત આજે 25 કરોડ રૂપિયાના ખર્ચે પાંચ ઇમારતોનું ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું છે
મોદીજી પ્રધાનમંત્રી બન્યા તે પછી સરહદ પર આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન આપીને સરહદોના રક્ષણ પ્રત્યે તેમણે પોતાનો સંકલ્પ દર્શાવ્યો છે
2008થી 2014 સુધીમાં સરહદી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું બજેટ માત્ર 23700 રૂપિયા કરોડ હતું, તેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ 2014-2020માં વધારીને રૂપિયા 44600 કરોડ કરી દીધું છે
દેશમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં, આપત્તિના સમયે રાહત અને બચાવ કામગીરીમાં અને નિષ્પક્ષ રીતે ચૂંટણીઓનું આયોજન કરાવવામાં દેશના સુરક્ષા દળોનું યોગદાન ખૂબ જ મહત્વનું હોય છે
સશસ્ત્ર સીમા દળના બહાદુર જવાનોએ પોતાની હિંમત અને પરાક્રમથી એક લાંબી લડાઇ લડીને દેશના પૂર્વીય વિસ્તારોમાંથી ડાબેરી ઉગ્રવાદને જડમૂળમાંથી નાબૂદ કરવામાં અજોડ યોગદાન આપ્યું છે, સશસ્ત્ર દળોના ત્યાગ, સમર્પણ અને બલિદાનને કૃતજ્ઞ દેશ ક્યારેય ભૂલશે નહીં
ખુલ્લી સરહદોના રક્ષણ માટે ટેકનોલોજીનો ઉપયોગ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે, તમામ દળોએ એકબીજાની સારી પદ્ધતિઓ અપનાવીને તેનો વધુ ઉપયોગ કરવા તરફ આગળ વધવું જોઇએ
ગૃહ મંત્રાલયના વૃક્ષારોપણ અભિયાન અંતર્ગત રોપાઓનું વાવેતર કરવાનું હોય કે પછી સરહદી વિસ્તારોમાં ઘરે ઘરે ઘરમાં 10 લાખ તિરંગાનું વિતરણ કરીને દેશભક્તિની ભાવનાને પ્રબળ કરવાની હોય, દરેક વખતે SSB પોતાના લક્ષ્યો પૂરા કરવામાં અગ્રેસર રહ્યું છે, આના માટે SSB તમામ જવાનોને ખૂબ ખૂબ અભિનંદન
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે બિહારમાં ભારત-નેપાળ સરહદ ખાતે ફતેહપુર BOPની મુલાકાત લીધી હતી અને પિલ્લર નંબર 151 અને 152નું નિરીક્ષણ કર્યું હતું તેમજ SSB સાથે સરહદી વિસ્તારમાં વિવિધ ગતિવિધીઓની સમીક્ષા કરી હતી.
શ્રી અમિત શાહે ફતેહપુર BOP પર, ફતેહપુર, પેકાટોલા, બેરિયા, અમગાછી અને રાનીગંજ BOP પર ભવનોનું ઉદ્ઘાટન કર્યું હતું.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ આ મુલાકાત દરમિયાન SSBના જવાનો સાથે સંવાદ ક્રયો હતો અને તેમની સાથે નાસ્તો પણ કર્યો હતો.
શ્રી શાહે કિશનગંજ ખાતે બુધી કાલી માતાના મંદિરે દર્શન કર્યા હતા અને પૂજા-અર્ચના પણ કરી હતી.
બિહારના વિવિધ વિસ્તારોમાં પાંચ સરહદી આઉટપોસ્ટના નવી ઇમારતોના ઉદ્ઘાટન પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે દેશની સરહદોની સુરક્ષાને દેશના સુરક્ષા દળોના જવાનો દ્વારા મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ સુનિશ્ચિત કરવામાં આવે છે. તેમણે ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ દેશના સુરક્ષા દળો માટે ઘણી સુવિધાઓ પૂરી પાડી છે, જેમાંથી કેટલીક સુવિધાઓનું આજે લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, દેશના સુરક્ષા દળો કાયદો અને વ્યવસ્થાની જાળવણી, આપદાઓ દરમિયાન રાહત અને બચાવ કામગીરી તેમજ નિષ્પક્ષ રીતે ચૂંટણીઓનું આયોજન કરાવવામાં મહત્વની ભૂમિકા નિભાવે છે.
શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, મોદી સરકાર છેલ્લા આઠ વર્ષમાં સરહદ પર તૈનાત સુરક્ષા દળોના જવાનો અને તેમના પરિવારો માટે રહેઠાણની સુવિધા પૂરી પાડવા માટે સમયબદ્ધ અને તબક્કાવાર કામ કરી રહી છે. આ રાષ્ટ્રીય કાર્યક્રમ અંતર્ગત આજે રૂપિયા 25 કરોડના ખર્ચે બાંધવામાં આવેલી પાંચ ઇમારતોનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં સરકાર એવું માને છે કે, આપણા સુરક્ષા દળોના જવાનો દેશની સુરક્ષા માટે સરહદો પર મુશ્કેલ પરિસ્થિતિઓમાં પોતાના જીવનના સુવર્ણ વર્ષો વિતાવે છે, તો પછી સરકારની ફરજ છે કે તેમની સુવિધાઓનું ધ્યાન રાખવામાં આવે. શ્રી શાહે જણાવ્યું હતું કે, આ અંતર્ગત આજે જવાનોના આવાસ, NCO બેરેક, ચોકી ઇન્ચાર્જ આવાસ, મેસ, શસ્ત્રાગાર, સ્ટોરેજ અને આશરે 10 કિલોવોટ ક્ષમતાના સોલાર પાવર પ્લાન્ટનું આજે લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે. આ સાથે, પેકાટોલામાં 5 એકર જમીન પર 7.50 કરોડ રૂપિયાના ખર્ચે, બેરિયામાં 4.5 કરોડ રૂપિયા અને અરરિયા તેમજ રાણીગંજમાં લગભગ 3.5 કરોડ રૂપિયાના ખર્ચે ઇમારતોનું નિર્માણ કરવામાં આવ્યું છે.
કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, સશાસ્ત્ર સીમા દળનો એક અલગ ઇતિહાસ છે અને જ્યારથી અટલજીના સમયથી ભારત સરકાર દ્વારા એક રાષ્ટ્ર અને એક સીમા સુરક્ષા દળની નીતિ અપનાવવામાં આવી હતી, ત્યારથી ભારત- નેપાળ અને ભારત-ભૂતાનની ખુલ્લી સરહદોની સુરક્ષા કરવાની મુશ્કેલ જવાબદારી સશસ્ત્ર સીમા દળને સોંપવામાં આવી છે અને આ દળે પોતાની જવાબદારી ખૂબ જ સારી રીતે નિભાવી છે. તેમણે ઉમેર્યું હતું, કે ખુલ્લી સરહદોની સુરક્ષા અને સાવચેતીમાં ખૂબ જ વધુ સતર્કતા રાખવાની જરૂર હોય છે અને SSB આ કામ ખૂબ જ સારી રીતે કરીને કોઇપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિને રોકવામાં સફળ રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, આવી સ્થિતિમાં ગામડાંઓ સાથેનો આપણો સંપર્ક, માહિતીનું નેટવર્ક અને સેવા દ્વારા ગ્રામીણો સાથે સેવાના માધ્યમથી આપણો વ્યવહાર જ સરહદોને સુરક્ષિત કરવામાં મહત્વપૂર્ણ સાબિત થાય છે. આ કારણે જ સેવા, ખૂબ જ સમજી વિચારીને સશસ્ત્ર સીમા દળને સુરક્ષા અને બંધુત્વનું સૂત્ર આપવામાં આવ્યું છે.
શ્રી અમિત શાહે આગળ જણાવ્યું હતું કે જ્યારે બિહાર અને ઝારખંડમાં ડાબેરી ઉગ્રવાદ તેની ચરમસીમા પર હતો ત્યારે ડાબેરી ઉગ્રવાદ સામેની લડાઇમાં SSB જવાનોએ ખૂબ જ મોટું યોગદાન આપ્યું છે, જેને દેશ ક્યારેય ભૂલી શકશે નહીં. SSBના જવાનોએ ઘણા બલિદાન આપીને દેશના પૂર્વ વિસ્તારમાં ફેલાયેલા નક્સલવાદ સામે ખૂબ જ મુશ્કેલ જંગ લડી હતી અને તેના પરિણામે જ આજે બિહાર અને ઝારખંડમાં નક્સલવાદ લગભગ ખતમ થવાના આરે છે. તેમણે કહ્યું હતું કે, જ્યારે સરહદ ખુલ્લી હોય ત્યારે ટેકનોલોજીનો ઉપયોગ ખૂબ જ જરૂરી બની જાય છે. CCTV હોય કે ડ્રોન, વિવિધ પ્રકારની ટેકનોલોજી અપનાવીને સરહદોની સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઇએ. તેમણે જણાવ્યું હતું કે, તમામ દળોએ એકબીજાના સારા વ્યવહાર અપનાવીને ટેકનોલોજી અપનાવવી જોઇએ કારણ કે ટેકનોલોજી સરહદોને સુરક્ષિત કરવા માટે એક ખૂબ જ મોટું માધ્યમ બની શકે છે.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, 2019માં જ્યારે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા વૃક્ષારોપણ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું, ત્યારે તમામ સુરક્ષા દળોમાં SSB તેમના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં પ્રથમ રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, તાજેતરમાં જ પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં, દેશે અમૃત મહોત્સવની ઉજવણી કરી, હર ઘર તિરંગા અભિયાન ચલાવ્યું અને ખાસ કરીને સીમાંત વિસ્તારના ગામડાઓમાં દેશભક્તિની ભાવનાને વધુ પ્રેરિત કરવાનું તેમાં લક્ષ્ય રાખવામાં આવ્યું હતું. આ અંતર્ગત SSBના જવાનોએ ઘરે ઘરે જઇને 10 લાખ તિરંગાનું વિતરણ કર્યું હતું અને તેને લહેરાવવાનું કામ પણ કર્યું હતું. શ્રી શાહે કહ્યું હતું કે, SSBના તમામ જવાનો બે રાષ્ટ્રોને જોડતી આંતરરાષ્ટ્રીય સરહદની કર્તવ્ય નિષ્ઠા અને દેશભક્તિ સાથે સુરક્ષા કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, SSB હેઠળ આવતો વિસ્તાર સિલિગુડી કોરિડોરની નજીક છે અને તે આપણા દેશ માટે ખૂબ જ સંવેદનશીલ વિસ્તાર છે. એક તરફ પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને આસામ છે અને બીજી તરફ નેપાળ, ભૂતાન અને બાંગ્લાદેશ છે. આમ આ આખી સરહદ ખૂબ જ સંવેદનશીલ છે જ્યાં સિલિગુડી જેવા સંવેદનશીલ કોરિડોરની સાથે જ તમારી ડ્યૂટી છે અને આ કારણે જ તમારે વધારે સજાગ રહીને કામ કરવું પડશે.
શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, 2014માં કેન્દ્રમાં શ્રી નરેન્દ્ર મોદીજીની સરકાર બન્યા બાદ સરહદ પર ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓને વધારવામાં કોઇ જ કસર બાકી રાખવામાં આવી નથી. 2008થી 2014ની વચ્ચે લગભગ રૂપિયા 23,700 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. પરંતુ નરેન્દ્ર મોદીજીની સરકાર આરૂઢ થયા પછી 23,700 કરોડ રૂપિયાથી વધારીને 44,600 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. અગાઉ દર વર્ષે રૂપિયા 4000 કરોડનો ખર્ચ કરવામાં આવતો હતો જ્યારે હવે રૂપિયા 6000 કરોડનો ખર્ચ કરવામાં આવે છે. રસ્તાઓના નિર્માણમાં લગભગ સાડા ત્રણ ગણો વધારો કરવામાં આવ્યો છે અને આ બાબત જ સરહદોની સુરક્ષા માટે ભારત સરકારની પ્રાથમિકતા દર્શાવે છે. દેશની સરહદોની સુરક્ષા આપણા સુરક્ષા દળોના અથાક પરિશ્રમ અને બલિદાન વગર સુનિશ્ચિત ન થઇ શકે.
YP/GP/JD
(Release ID: 1862012)
Visitor Counter : 262