પ્રધાનમંત્રીનું કાર્યાલય

ઇન્ટરનેશનલ ડેરી ફેડરેશન વર્લ્ડ ડેરી સમિટ 2022નાં ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીનાં વક્તવ્યનો મૂળપાઠ

Posted On: 12 SEP 2022 1:45PM by PIB Ahmedabad

ઉત્તર પ્રદેશના લોકપ્રિય મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સાથી શ્રી પરષોત્તમ રૂપાલાજી, અન્ય મંત્રીઓ, સાંસદો, ઇન્ટરનેશનલ ડેરી ફેડરેશનના અધ્યક્ષ પી. બ્રજાલેજી, આઇડીએફનાં ડીજી કેરોલિન એમન્ડજી, અહીં ઉપસ્થિત અન્ય મહાનુભવો, દેવીઓ અને સજ્જનો!

મને ખુશી છે કે, ડેરી ક્ષેત્રનાં સમગ્ર વિશ્વના નિષ્ણાતો, નવપ્રવર્તકો આજે ભારતમાં એકત્ર થયા છે. વિશ્વ ડેરી સમિટમાં વિવિધ દેશોથી આવેલા તમામ મહાનુભાવોનું ભારતના કોટિ કોટિ પશુઓ તરફથી, ભારતના કોટિ કોટિ નાગરિકો તરફથી, ભારત સરકાર તરફથી હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ સ્વાગત કરું છું. ડેરી ક્ષેત્રનું સામર્થ્ય ગ્રામીણ અર્થતંત્રને તો વેગ આપે જ છે, પણ સાથે સાથે તે વિશ્વભરના કરોડો લોકોની આજીવિકાનું પણ એક મોટું સાધન છે. મને વિશ્વાસ છે કે આ સમિટ વિચારો, ટેકનોલોજી, કુશળતા અને ડેરી ક્ષેત્ર સાથે જોડાયેલ પરંપરાઓનાં સ્તર પર એક બીજાની જાણકારી વધારવામાં અને એકબીજા પાસેથી શીખવામાં ઘણી મોટી ભૂમિકા નિભાવશે.

સાથીઓ,

આજનો આ કાર્યક્રમ એવા સમયે થઈ રહ્યો છે જ્યારે ભારતની આઝાદીનાં 75 વર્ષ પૂરાં થઈ ગયાં છે. આ પણ એક સંયોગ છે કે આજનાં આ આયોજનની સાથે જ ટેકનોલોજીનાં માધ્યમથી ભારતના 75 લાખથી વધુ ડેરી ખેડૂતો પણ આ કાર્યક્રમમાં આપણી સાથે જોડાઈ રહ્યા છે. આ પ્રકારની સમિટ માટે અને તેમાં છેવાડાના લાભાર્થી, આપણાં એવાં જ  ખેડૂત ભાઈ-બહેનો હોય છે. હું મારા ખેડૂત સાથીઓને પણ વર્લ્ડ ડેરી સમિટમાં આવકારું છું, હું તેમને અભિનંદન આપું છું.

સાથીઓ,

પશુધન અને દૂધને લગતા વ્યવસાયો ભારતની હજારો વર્ષ જૂની સંસ્કૃતિનો અભિન્ન ભાગ રહ્યા છે. આપણા આ વારસાએ ભારતનાં ડેરી ક્ષેત્રને કેટલીક વિશિષ્ટતાઓ સાથે સશક્ત બનાવ્યું છે. હું આ સમિટમાં અન્ય દેશોમાંથી જે નિષ્ણાતો આવ્યા છે, તેમની સમક્ષ આ વિશેષતાઓનો ખાસ ઉલ્લેખ કરવા માગું છું.

સાથીઓ,

વિશ્વના અન્ય વિકસિત દેશોથી અલગ , ભારતમાં ડેરી ક્ષેત્રની અસલી તાકાત નાના ખેડૂતો છે. ભારતનાં ડેરી ક્ષેત્રની ઓળખ "સામૂહિક ઉત્પાદન- માસ પ્રોડક્શન" કરતાં "સમૂહ દ્વારા ઉત્પાદન- પ્રોડક્શન બાય માસીઝ"ની છે. ભારતમાં ડેરી ક્ષેત્ર સાથે સંકળાયેલા મોટાભાગના ખેડૂતો પાસે કાં તો એક પશુ, 2 પશુ અથવા ત્રણ પશુ છે. આ જ નાના ખેડૂતોનાં પરિશ્રમ અને તેમનાં પશુધનને કારણે આજે ભારત સમગ્ર વિશ્વમાં સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ છે. આજે આ ક્ષેત્ર ભારતના 8 કરોડથી વધુ પરિવારોને રોજગાર પ્રદાન કરે છે. ભારતનાં ડેરી ક્ષેત્રની આ વિશિષ્ટતા તમને ભાગ્યે જ બીજે ક્યાંય જોવા મળશે. આજે, હું વર્લ્ડ ડેરી સમિટમાં આ વાતનો ઉલ્લેખ એટલા માટે પણ કરી રહ્યો છું કારણ કે તે વિશ્વના ઘણા ગરીબ દેશોના ખેડૂતો માટે એક વધારે સરસ બિઝનેસ મોડેલ બની શકે છે.

સાથીઓ,

ભારતનાં ડેરી ક્ષેત્રની આ ખાસિયતને એક અન્ય વિશિષ્ટતાનો જબરદસ્ત ટેકો મળે છે. આપણાં ડેરી ક્ષેત્રની બીજી વિશેષતા છે, ભારતની ડેરી સહકારી સિસ્ટમ. આજે ભારતમાં ડેરી સહકારી મંડળીઓનું એક એવું વિશાળ નેટવર્ક છે, જેનું ઉદાહરણ સમગ્ર વિશ્વમાં શોધવું મુશ્કેલ છે. આ ડેરી સહકારી મંડળીઓ દેશનાં બે લાખથી વધુ ગામોમાં આશરે બે કરોડ ખેડૂતો પાસેથી દિવસમાં બે વખત દૂધ એકઠું કરે છે, અને એને ગ્રાહકો સુધી પહોંચાડે છે. આ સમગ્ર પ્રક્રિયામાં વચ્ચે કોઈ મિડલમેન નથી હોતો, અને ગ્રાહકો પાસેથી જે પૈસા મળે છે એનાં 70 ટકાથી વધુ નાણાં સીધા ખેડૂતોના ખિસ્સામાં જાય છે. એટલું જ નહીં, જો હું ગુજરાત રાજ્યની વાત કરું તો આ તમામ પૈસા સીધા મહિલાઓના બૅન્ક ખાતામાં જાય છે. આખા વિશ્વમાં બીજા કોઈ પણ દેશમાં આટલું ઊંચું પ્રમાણ નથી. હવે તો ભારતમાં થઇ રહેલી ડિજિટલ ક્રાંતિનાં કારણે ડેરી સેક્ટરમાં મોટા ભાગના વ્યવહારો ખૂબ જ ઝડપથી થવા લાગ્યા છે. મને લાગે છે કે ભારતની ડેરી સહકારી મંડળીઓનો અભ્યાસ, તેમના વિશેની માહિતી, ડેરી ક્ષેત્રમાં વિકસિત કરવામાં આવેલી ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ, વિશ્વના ઘણા દેશોના ખેડૂતોને ખૂબ ઉપયોગી થઈ શકે છે.

આથી, ભારતનાં ડેરી ક્ષેત્રની બીજી એક મોટી તાકાત છે, એક બીજી વિશિષ્ટતા પણ છે, આપણી દેશી પ્રજાતિઓ, ગાય અને ભેંસની સ્થાનિક જાતિઓ જે ભારત પાસે છે, તે ખૂબ જ મુશ્કેલ હવામાનમાં પણ ટકી રહેવા માટે જાણીતી છે. હું તમને ગુજરાતની બન્ની ભેંસનું ઉદાહરણ આપવા માગું છું. આ બન્ની ભેંસ કચ્છનાં રણમાં અને ત્યાંની પરિસ્થિતિઓમાં એટલી હદે ભળી ગઈ છે કે ઘણી વખત જોઈને નવાઈ લાગે છે. દિવસમાં ખૂબ જ ભયાનક તડકો હોય છે, ખૂબ જ ગરમી હોય છે, આકરો તડકો હોય છે. આથી આ બન્ની ભેંસ રાત્રિનાં નીચાં તાપમાનમાં ઘાસ ચરવા નીકળી પડે છે. વિદેશથી આવેલા આપણા સાથીઓને એ જાણીને પણ નવાઇ લાગશે કે તે બન્ની ભેંસની સાથે કોઇ એનો પાલક, એનો ખેડૂત એની સાથે નથી હોતો, તે જાતે જ ગામડાંઓની નજીકના ગોચરમાં જાય છે. રણમાં પાણી ઓછું હોય છે એટલે બહુ ઓછાં પાણીમાં પણ બન્ની ભેંસનું કામ ચાલી જાય છે. બન્ની ભેંસ રાત્રે 10-10, 15-15 કિલોમીટર દૂર જાય છે અને ઘાસ ચર્યા પછી પણ સવારે જાતે જ ઘરે ચાલી જાય છે. ભાગ્યે જ એવું સાંભળવા મળે છે કે કોઈની બન્ની ભેંસ ખોવાઈ ગઈ હોય અથવા તો ખોટાં ઘરમાં જતી રહી હોય. મેં તમને બન્ની ભેંસનું જ ઉદાહરણ આપ્યું છે, પરંતુ ભારતમાં મુર્રાહ, હેસાણા, જાફરાબાદી, નીલી રવિ, પંઢરપુરી જેવી અનેક પ્રજાતિની ભેંસ આજે પણ પોતપોતાની રીતે વિકસી રહી છે. એ જ રીતે ગાય હોય, એમાં ગીર ગાય, સહીવાલ, રાઠી, કાંકરેજ, થારપરકર, હરિયાણા, એવી કેટલીય ગાયની પ્રજાતિઓ છે, જે ભારતનાં ડેરી ક્ષેત્રને અનન્ય બનાવે છે. ભારતીય જાતિનાં આ પ્રાણીઓમાંથી મોટાભાગનાં આબોહવા સહજ પણ હોય છે એટલા જ અનુકૂલન સાધનારાં પણ.

સાથીઓ,

અત્યાર સુધી, મેં તમને ભારતનાં ડેરી ક્ષેત્રની ત્રણ વિશિષ્ટતાઓ જણાવી છે, જે તેની ઓળખ છે. નાના ખેડૂતોની શક્તિ, સહકારી મંડળીની શક્તિ અને ભારતીય જાતિનાં પશુઓની શક્તિ એક સાથે મળીને એક અલગ જ તાકાત બનાવે છે. પરંતુ ભારતનાં ડેરી ક્ષેત્રની એક ચોથી વિશિષ્ટતા પણ છે, જેની ચર્ચા એટલી નથી થતી, એટલી માન્યતા મળતી નથી. વિદેશથી આવેલા આપણા મહેમાનોને કદાચ એ જાણીને આશ્ચર્ય થશે કે મહિલા શક્તિ ભારતનાં ડેરી ક્ષેત્રમાં ૭૦ ટકા કાર્યબળનું પ્રતિનિધિત્વ કરે છે. ભારતનાં ડેરી ક્ષેત્રની અસલી કર્ણધાર મહિલાઓ છે. એટલું જ નહીં, ભારતની ડેરી સહકારી મંડળીઓમાં પણ એક તૃતીયાંશથી વધુ સભ્યો મહિલાઓ જ છે. તમે અંદાજ લગાવી શકો છો કે, ભારતમાં ડેરી ક્ષેત્ર, જે  8.5 લાખ કરોડ રૂપિયાનું છે, જેનું મૂલ્ય ડાંગર અને ઘઉંનાં કુલ ઉત્પાદન કરતા પણ વધારે છે, તેનું ચાલક બળ ભારતના ગ્રામીણ વિસ્તારોમાં રહેતી મહિલાઓ છે, આપણી માતાઓ છે, આપણી બેટીઓ છે. હું વર્લ્ડ ડેરી સમિટ સાથે જોડાયેલા તમામ મહાનુભવોને આગ્રહ કરીશ કે, ભારતની નારીશક્તિની આ ભૂમિકાને સ્વીકૃતિ આપો, તેને વિશ્વના વિવિધ મંચો પર પણ લઈ જાઓ.

સાથીઓ,

વર્ષ 2014થી અમારી સરકારે ભારતનાં ડેરી ક્ષેત્રનાં સામર્થ્યને વધારવા માટે સતત કામ કર્યું છે. આજે તેનું પરિણામ દૂધ ઉત્પાદનથી લઈને ખેડૂતોની વધેલી આવકમાં પણ દેખાય છે. વર્ષ 2014માં ભારતમાં 14.6 કરોડ ટન દૂધનું ઉત્પાદન થતું હતું. હવે તે વધીને 210 મિલિયન ટન સુધી પહોંચી ગયું છે. એટલે કે લગભગ 44 ટકાનો વધારો થયો છે. આજે દૂધનું ઉત્પાદન સમગ્ર વિશ્વમાં 2 ટકાની ઝડપે વધી રહ્યું છે, જ્યારે ભારતમાં તેની ઝડપ 6 ટકાથી પણ વધુ છે. ભારતમાં દૂધની માથાદીઠ ઉપલબ્ધતા સમગ્ર વિશ્વની સરેરાશ કરતા ઘણી વધારે છે. વીતેલાં 3-4 વર્ષોમાં જ અમારી સરકારે ભારતના નાના ખેડૂતોનાં બૅન્ક ખાતામાં લગભગ 2 લાખ કરોડ રૂપિયા સીધા ટ્રાન્સફર કર્યા છે. આનો મોટો ભાગ ડેરી ક્ષેત્ર સાથે સંકળાયેલા ખેડૂતોનાં ખાતામાં પણ ગયો છે.

સાથીઓ,

આજે, અમારું ધ્યાન દેશમાં એક સંતુલિત ડેરી ઇકોસિસ્ટમનાં નિર્માણ પર કેન્દ્રિત છે. એક એવી ઇકોસિસ્ટમ જેમાં અમારું ધ્યાન માત્ર દૂધની ગુણવત્તા અને તેની સાથે સંકળાયેલાં ઉત્પાદનોની ગુણવત્તા પર તો છે જ, સાથે અન્ય પડકારોના ઉકેલ પર પણ છે. ખેડૂતને વધારાની આવક, ગરીબોનું સશક્તીકરણ, સ્વચ્છતા, રસાયણ મુક્ત ખેતી, સ્વચ્છ ઊર્જા અને પશુઓની સારસંભાળ આ બધું એકબીજા સાથે જોડાયેલું છે. એટલે કે, અમે ડેરી ક્ષેત્રને, પશુપાલનને ભારતનાં ગામડાઓમાં હરિયાળા અને ટકાઉ વિકાસનું ખૂબ મોટું માધ્યમ બનાવી રહ્યા છીએ. રાષ્ટ્રીય ગોકુલ મિશન, ગોબરધન યોજના, ડેરી ક્ષેત્રનું ડિજિટાઇઝેશન અને પશુઓનું સાર્વત્રિક રસીકરણ આ દિશામાં થઈ રહેલા પ્રયાસો છે. એટલું જ નહીં, ભારતમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક બંધ કરવાની ઝુંબેશ પર્યાવરણની દ્રષ્ટિએ તો મહત્વનું છે જ, પરંતુ જે જીવદયામાં માને છે, જે પશુધનમાં, તેનાં કલ્યાણમાં વિશ્વાસ રાખે છે, એમને ખબર છે કે પ્લાસ્ટિક પશુઓ માટે કેટલું જોખમી બની રહ્યું છે. ગાય-ભેંસ માટે તે કેટલું ખતરનાક બની રહ્યું છે. એ સિંગલ-યુઝ પ્લાસ્ટિકને પણ બંધ કરવા, ખતમ કરવાના બહુ સતત પ્રયાસ અમે શરૂ કર્યા છે.

સાથીઓ,

ભારતનાં ડેરી ક્ષેત્રનો જેટલો મોટો વ્યાપ છે, એને  વિજ્ઞાન સાથે જોડીને તેના વ્યાપને વધુ વિસ્તૃત કરવામાં આવી રહ્યો છે. ભારત, ડેરી પશુઓનો સૌથી મોટો ડેટાબેઝ તૈયાર કરી રહ્યું છે. ડેરી ક્ષેત્ર સાથે સંકળાયેલાં દરેક પશુને ટેગ કરવામાં આવી રહ્યાં છે. આધુનિક ટેકનોલોજીની મદદથી અમે પશુઓની બાયોમેટ્રિક ઓળખ કરી રહ્યા છીએ. અમે તેને-પશુ આધાર નામ આપ્યું છે. પશુઓની ડિજિટલ ઓળખ પશુ આધાર દ્વારા કરવામાં આવી રહી છે, જે તેમનાં સ્વાસ્થ્ય પર નજર રાખવાની સાથે સાથે ડેરી ઉત્પાદનો સંબંધિત બજારને વિસ્તૃત કરવામાં પણ મદદ કરશે.

સાથીઓ,

આજે ભારતનું બહુ મોટું ધ્યાન પશુપાલનનાં ક્ષેત્રમાં ઉદ્યમશીલતા, ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા પર પણ કેન્દ્રિત છે. અમે ખેડૂત ઉત્પાદક સંસ્થાઓ અને મહિલા સ્વ-સહાય જૂથો મારફતે ડેરી ક્ષેત્ર સાથે સંકળાયેલા નાના ખેડૂતોની તાકાતને એક કરી રહ્યા છીએ, તેમને એક મોટું બજાર પરિબળ બનાવી રહ્યા છીએ. અમારી યુવા પ્રતિભાનો ઉપયોગ અમે કૃષિ અને ડેરી ક્ષેત્રોમાં સ્ટાર્ટ-અપ્સનું નિર્માણ કરવા માટે પણ કરી રહ્યા છીએ. તમને એ પણ જાણવું ગમશે કે ભારતમાં છેલ્લાં 5-6 વર્ષમાં કૃષિ અને ડેરી ક્ષેત્રમાં 1000થી વધુ સ્ટાર્ટ અપ્સ બન્યાં છે.

સાથીઓ,

ભારત કેવી રીતે અનોખા પ્રયાસો કરી રહ્યું છે તેનું પણ એક ઉદાહરણ ગોબરધન યોજના પણ છે. હમણાં જ આપણા રૂપાલાજીએ અર્થતંત્રમાં ગાયનાં છાણનું વધતું મહત્ત્વ વર્ણવ્યું હતું. આજે ભારતમાં પશુઓનાં છાણમાંથી બાયોગેસ અને બાયો-સીએનજી બનાવવાનું એક બહુ મોટું અભિયાન ચાલી રહ્યું છે. અમારો પ્રયાસ છે કે ડેરી પ્લાન્ટ્સ તેમની જરૂરિયાતની મોટાભાગની વીજળી ગોબરથી પૂર્ણ કરે. એનાથી ખેડૂતોને પણ ગોબર માટે પૈસા મળવવાનો માર્ગ બની રહ્યો છે. આ પ્રક્રિયામાં જે ઓર્ગેનિક ખાતર બને છે તેનાથી ખેડૂતોને ખેતી માટે એક સસ્તું માધ્યમ મળી જશે. તેનાથી ખેતીનો ખર્ચ પણ ઓછો થશે અને જમીન પણ સુરક્ષિત રહેશે. ભારતમાં આજે કુદરતી ખેતી પર, નેચરલ ફાર્મિંગ પર પણ અભૂતપૂર્વ ભાર મૂકવામાં આવી રહ્યો છે, જેમાં પશુઓની ખૂબ મોટી ભૂમિકા છે.

સાથીઓ,

હું ઘણી વાર કહું છું કે ખેતીમાં મોનોકલ્ચર જ એકમાત્ર ઉપાય નથી, પરંતુ વિવિધતાની ખૂબ જરૂર છે. આ વાત પશુપાલનને પણ લાગુ પડે છે. તેથી, આજે, ભારતમાં દેશી જાતિઓ અને સંકર જાતિઓ બંને પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આનાથી જળવાયુ પરિવર્તનથી થનારાં નુકસાનના ખતરાની આશંકાઓ પણ ઘટાડી શકાશે.

સાથીઓ,

બીજું એક મોટું સંકટ એ પશુઓને થતા રોગોનું છે. જ્યારે પશુ બીમાર હોય છે, ત્યારે તે ખેડૂતનાં જીવનને તો અસર કરે જ છે, તેની આવકને પણ અસર કરે છે. તે પશુઓની ક્ષમતા, તેનાં દૂધ અને તેનાથી સંબંધિત અન્ય ઉત્પાદનોની ગુણવત્તાને પણ અસર કરે છે. તેથી, ભારતમાં, અમે પશુઓનાં સાર્વત્રિક રસીકરણ પર પણ ભાર મૂકી રહ્યા છીએ. અમે સંકલ્પ કર્યો છે કે વર્ષ 2025 સુધીમાં અમે 100 ટકા પશુઓને ફૂટ એન્ડ માઉથ રોગ અને બ્રુસલૉસિસ સામે રસી આપીશું. અમે આ દાયકાના અંત સુધીમાં આ રોગોથી સંપૂર્ણ મુક્તિનું લક્ષ્ય રાખીને ચાલી રહ્યા છીએ.

સાથીઓ,

આજે જ્યારે તમારી વચ્ચે ચર્ચા થઈ રહી છે, ત્યારે હું ડેરી ક્ષેત્ર સામે આવેલા સૌથી તાજેતરના પડકારનો પણ ઉલ્લેખ કરીશ. તાજેતરમાં ભારતના અનેક રાજ્યોમાં લમ્પી નામની બીમારીને કારણે પશુધનને નુકસાન થયું છે.

વિવિધ રાજ્ય સરકારો સાથે મળીને કેન્દ્ર સરકાર તેને નિયંત્રિત કરવા માટે પૂરજોરથી કોશીશ કરી રહી છે. આપણા વૈજ્ઞાનિકોએ લમ્પી સ્કિન રોગ માટે સ્વદેશી રસી પણ તૈયાર કરી દીધી છે. રસીકરણ ઉપરાંત પરીક્ષણમાં ઝડપ લાવવા, પશુઓની અવરજવરને નિયંત્રિત કરીને તે રોગને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

સાથીઓ,

પશુઓનું રસીકરણ હોય કે પછી અન્ય ટેકનોલોજી, ભારત હંમેશાં સમગ્ર વિશ્વમાં ડેરી ક્ષેત્રમાં ફાળો આપવા અને તમામ સાથી દેશો પાસેથી શીખવા માટે હંમેશા તત્પર રહ્યું છે. ભારતે તેનાં ખાદ્ય સલામતી ધોરણો પર ખૂબ જ ઝડપથી કામ કર્યું છે. આજે ભારત પશુધન ક્ષેત્ર માટે એક એવી ડિજિટલ સિસ્ટમ પર કામ કરી રહ્યું છે, જે આ ક્ષેત્રની એન્ડ-ટુ-એન્ડ પ્રવૃત્તિઓને કૅપ્ચર કરશે. આનાથી આ ક્ષેત્રમાં સુધારા માટે જરૂરી સચોટ માહિતી મળી શકશે. આવી અનેક ટેકનોલોજીને લઈને દુનિયાભરમાં જે કામ થઈ રહ્યું છે, તેને આ સમિટ પોતાની સમક્ષ મૂકશે. એની સાથે સંબંધિત કુશળતાને આપણે કેવી રીતે શેર કરી શકીએ, એના માર્ગો સૂચવશે. હું ડેરી ઉદ્યોગના વૈશ્વિક નેતાઓને ભારતમાં ડેરી ક્ષેત્રને સશક્ત બનાવવાનાં અભિયાનમાં સામેલ થવા આમંત્રણ આપું છું. હું આંતરરાષ્ટ્રીય ડેરી ફેડરેશનની પણ ઉત્કૃષ્ટ કાર્ય અને યોગદાન બદલ પ્રશંસા કરું છું. હું આપ સહુને, જે વિદેશથી મહેમાનો આવ્યા છે, હું એમનું ફરીથી સ્વાગત કરું છું, અભિનંદન આપું છું અને હું એક લાંબા અરસા બાદ, લગભગ 5 દાયકા પછી ભારતને આપ સૌનું સ્વાગત કરવાનો અવસર મળ્યો છે, આપ સૌની સાથે ચર્ચા-વિચારણા કરવાનો અવસર મળ્યો અને અહીંથી મંથનમાંથી જે અમૃત નીકળશે, એ અમારા આ અમૃત કાળમાં દેશનાં ગ્રામીણ જીવનની અર્થવ્યવસ્થાને વિકસિત કરવામાં, દેશનાં પશુધનનાં સામર્થ્યને વધુ મજબૂત કરવામાં અને દેશના ગરીબમાં ગરીબ વ્યક્તિનાં સશક્તીકરણમાં પણ બહુ મોટું યોગદાન આપશે, એ જ અપેક્ષા અને આશા સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર.

ઘણી શુભકામનાઓ. ધન્યવાદ.

YP/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1858807) Visitor Counter : 253