મંત્રીમંડળ
azadi ka amrit mahotsav

મંત્રીમંડળે ભારતના અપડેટ કરેલા રાષ્ટ્રીય નિર્ધારિત પ્રદાન (એનડીસી)ની જાણકારી યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શ ઓન ક્લાઇમેટ ચેન્જને આપવાની દરખાસ્ત મંજૂર કરી


COP 26માં પ્રધાનમંત્રીએ જાહેરાત કરેલાં આબોહવાલક્ષી સંવર્ધિત લક્ષ્યાંકો ‘પંચામૃત’ને પાર પાડવામાં આવશે

વર્ષ 2070 સુધીમાં નેટ-ઝીરોના ભારતના લાંબા ગાળાના લક્ષ્યાંકને હાંસલ કરવાની દિશામાં એક પગલું

હવે ભારત વર્ષ 2030 સુધીમાં એની જીડીપીમાં કાર્બનની ઉત્સર્જનતામાં 45 ટકા સુધીનો ઘટાડો કરવા કટિબદ્ધ

પ્રધાનમંત્રીએ આબોહવાના પરિવર્તનનો સામનો કરવા ચાવીરૂપ પરિબળ તરીકે ‘LIFE’– ‘Lifestyle for Environment’ (‘LIFE’– ‘પર્યાવરણ માટે લાભદાયક જીવનશૈલી’) માટે સામૂહિક પહેલની વિભાવના પ્રસ્તુત કરી છે

Posted On: 03 AUG 2022 2:33PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આયોજિત કેન્દ્રીય મંત્રીમંડળે ભારતના અપડેટ કરેલા રાષ્ટ્રીય નિર્ધારિત પ્રદાન (એનડીસી)ની જાણકારી યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ (યુએનએફસીસીસી)ને આપવાની મંજૂરી આપી છે.

આ અપડેટ કરેલા એનડીસી પેરિસ સમજૂતી અંતર્ગત સંમત થયા મુજબ, આબોહવામાં પરિવર્તનના જોખમને ઘટાડવા વૈશ્વિક કામગીરીને મજબૂત કરવાના સીમાચિહ્નમાં ભારતના પ્રદાનને વધારવા ઇચ્છે છે. આ પ્રકારની કામગીરી ભારતને ઓછા ઉત્સર્જનમાં વૃદ્ધિના માર્ગે અગ્રેસર કરવામાં મદદરૂપ પણ થશે. આ દેશના હિતોનું રક્ષણ કરશે તથા યુએનએફસીસીસીના સિદ્ધાંતો અને જોગવાઈઓ પર આધારિત એની ભવિષ્યની કામગીરીનું રક્ષણ કરશે.

ભારતે કોન્ફરન્સ ઓફ પાર્ટીઝના 26મા સત્ર  (COP26)થી લઈને બ્રિટનના ગ્લાસગૉમાં યોજાયેલી યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ (યુએનએફસીસીસી)માં ભારતની આબોહવાલક્ષી કામગીરીના પાંચ પરિબળો (પંચામૃત) દુનિયા સમક્ષ રજૂ કરીને પોતાની આબોહવાલક્ષી કામગીરીને વધારે અસરકારક રીતે પ્રસ્તુત કરી હતી. ભારતના હાલના એનડીસીમાં આ અપડેટ આબોહવાના સંવર્ધિત લક્ષ્યાંકોમાં COP 26માં જાહેર થયેલા પંચામૃતમાં પરિવર્તિત થયા છે. આ અપડેટ વર્ષ 2070 સુધીમાં નેટ-ઝીરો સુધી પહોંચવાના ભારતના લાંબા ગાળાના લક્ષ્યાંકો હાંસલ કરવાની દિશામાં એક નોંધપાત્ર પગલું છે.

અગાઉ, ભારતે 2 ઓક્ટોબર, 2015ના રોજ એના ઓળખ કરેલા ઇચ્છિત રાષ્ટ્રીય નિર્ધારિત પ્રદાન (એનડીસી)ને યુએનએફસીસીસીમાં રજૂ કર્યા હતા. 2015 એનડીસીમાં આઠ લક્ષ્યાંકો સામેલ છેઃ તેમાંથી ત્રણ લક્ષ્યાંકો વર્ષ 2030 સુધીમાં માત્રાત્મક લક્ષ્યાંકો ધરાવે છે – એક, બિન-અશ્મિભૂત ઇંધણના સંસાધનોમાંથી કુલ વીજ ઉત્પાદનની સ્થાપિત ક્ષમતા વધારીને 40 ટકા કરવી, બે, વર્ષ 2005ના સ્તરથી જીડીપીમાં ઉત્સર્જનની તીવ્રતા ઘટાડીને 33થી 35 ટકા કરવી અને ત્રણ, વધારાના જંગલો અને વૃક્ષના કવચ દ્વારા 2.5થી 3 અબજ ટન કાર્બન ડાયોકસાઇડ (CO2)ની કાર્બનની વધારાની સિંક ઊભી કરવી.

અપડેટ કરેલા એનડીસી મુજબ, અત્યારે ભારત વર્ષ 2030 સુધીમાં વર્ષ 2005ના સ્તરથી એની જીડીપીમાં ઉત્સર્જનની તીવ્રતા ઘટાડીને 45 ટકા કરવા કટિબદ્ધ છે અને વર્ષ 2030 સુધીમાં બિન-અશ્મિભૂત ઇંધણ-આધારિત ઊર્જા સંસાધનોમાંથી આશરે 50 ટકા વીજળીની સ્થાપિત ક્ષમતા હાંસલ કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે. આજની મંજૂરી આદરણીય પ્રધાનમંત્રીના પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી અને ઉચિત આબોહવાના વિઝનને આગળ વધારશે, જેના પરિણામે આબોહવામાં પરિવર્તનની નુકસાનકારક અસરોમાંથી ગરીબો અને નબળાં વર્ગોનું રક્ષણ થશે. અપડેટ કરેલા એનડીસીમાં જણાવ્યું છે કે, "આબોહવામાં પરિવર્તનની સમસ્યાનું સમાધાન કરવા ચાવીરૂપ પરિબળ છે - ‘LIFE’– ‘Lifestyle for Environment’ (જીવન – પર્યાવરણને લાભદાયક જીવન) માટે સામૂહિક અભિયાન મારફતે પરંપરાઓ પર આધારિત જીવનની સ્વસ્થ અને પર્યાવરણને અનુકૂળ રીત તેમજ સંરક્ષણ અને સંચાલનના મૂલ્યોને આગળ વધારવા અને પ્રોત્સાહન આપવું." સંવર્ધિત એનડીસીના પ્રદર્શન પર નિર્ણય ગ્રીનહાઉસ વાયુના ઉત્સર્જનમાં ઘટાડાથી લઈને આર્થિક વૃદ્ધિમાં વધારા માટે ભારતની કટિબદ્ધતાનું સર્વોચ્ચ સ્તર પ્રદર્શિત કરે છે.

ભારતના અપડેટ કરેલા એનડીસીને આપણા રાષ્ટ્રીય સ્થિતિસંજોગો તથા સામાન્ય, પણ જવાબદારીઓ અને સંબંધિત ક્ષમતાઓ (સીબીડીઆર – આરસી)ના સિદ્ધાંતોનો કાળજીપૂર્વક વિચાર કર્યા પછી તૈયાર કરવામાં આવ્યાં છે. જ્યારે ભારતના અપડેટ કરેલા એનડીસી કાર્બનનું ઉત્સર્જન ઘટાડવા માટે કટિબદ્ધ છે, ત્યારે સાથે સાથે સતત વિકાસ લક્ષ્યાંકો હાંસલ કરવા પ્રયાસરત છે.

આબોહવામાં પરિવર્તનમાં જીવનશૈલી મોટી ભૂમિકા ભજવે છે એ સમજીને ભારતના આદરણીય પ્રધાનમંત્રીએ COP 26માં વૈશ્વિક સમુદાય સમક્ષ વન-વર્ડ મૂવમેન્ટની દરખાસ્ત રજૂ કરી હતી. આ એક શબ્દ છે – LIFE એટલે કે …L, I, F, E, એટલે કે Lifestyle For Environment (પર્યાવરણને લાભદાયક કે એની અનુકૂળતા હોય એવી જીવનશૈલી). LIFEનું વિઝન એક જીવનશૈલીને જીવંત કરવાનું છે, જે આપણી પૃથ્વીને સુસંગત છે અને એને નુકસાન કરતી નથી. ભારતના અપડેટ કરેલા એનડીસીમાં આબોહવામાં પરિવર્તનની સમસ્યાનો સામનો કરવા આ નાગરિક કેન્દ્રિત અભિગમ પણ સમાવ્યો છે.

અપડેટ કરેલા એનડીસી વર્ષ 2021થી વર્ષ 2030 સુધીના સમયગાળા માટે સ્વચ્છ ઊર્જા તરફ ભારતના હસ્તાંતરણ માટે માળખાગત કાર્યનું પ્રતિનિધિત્વ પણ કરે છે. અપડેટ કરેલા માળખામાં સરકારની અન્ય ઘણી પહેલોમાં કરવેરાલક્ષી છૂટછાટો તથા પુનઃપ્રાપ્ય ઊર્જાના ઉત્પાદન અને તેની સ્વીકાર્યતાના સંવર્ધન માટે ઉત્પાદન સાથે જોડાયેલી પ્રોત્સાહન યોજના જેવા પ્રોત્સાહનો સામેલ છે, જે ભારતની ઉત્પાદન ક્ષમતાઓમાં વધારો કરવાની તથા નિકાસને વેગ આપવા માટેની તક પ્રદાન કરશે. એનાથી પર્યાવરણલક્ષી કામગીરીઓમાં સંપૂર્ણ વધારો થશે, જેમ કે પુનઃપ્રાપ્ય ઊર્જા, ઓટોમોટિવ્સમાં સ્વચ્છ ઊર્જાલક્ષી ઉદ્યોગો, ઇલેક્ટ્રિક વાહનો અને અતિ ઊર્જાદક્ષ ઉપકરણો જેવા ઓછું ઉત્સર્જન કરતાં ઉત્પાદનોનું નિર્માણ તથા ગ્રીન હાઇડ્રોજન વગેરે જેવી નવીન ટેકનોલોજીઓ. ભારતના અપડેટ કરેલા એનડીસીનો અમલ પ્રસ્તુત મંત્રાલયો/વિભાગોના કાર્યક્રમો અને યોજનાઓ દ્વારા વર્ષ 2021થી વર્ષ 2030ના ગાળા દરમિયાન થશે, જેમાં રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોનો ઉચિત સાથસહકાર મળશે. સરકારે પર્યાવરણલક્ષી પહેલોની સ્વીકાર્યતા અને ગ્રીનહાઉસ ગેસોના ઉત્સર્જનમાં ઘટાડો એમ બંને પર ભારતની કામગીરી વધારવા ઘણી યોજનાઓ અને કાર્યક્રમો શરૂ કર્યા છે. જળ, કૃષિ, વન, ઊર્જા અને ઉદ્યોગસાહસ, પર્યાવરણને અનુકૂળ પરિવહન અને હાઉસિંગ, કચરાનું વ્યવસ્થાપન, ફરતું અર્થતંત્ર અને સંસાધનોની અસરકારકતા વગેરે તમામ ઘણા ક્ષેત્રોમાં આ યોજનાઓ અને કાર્યક્રમો હેઠળ વિવિધ પગલાં હાથ ધરવામાં આવ્યો છે. કથિત પગલાંઓના પરિણામે ભારતે તબક્કાવાર રીતે ગ્રીનહાઉસ વાયુના ઉત્સર્જનમાં ઘટાડા સાથે આર્થિક વૃદ્ધિ તરફ અગ્રેસર થવાનું જાળવી રાખ્યું છે. ફક્ત ભારતીય રેલવેનો વર્ષ 2030 સુધીમાં જ નેટ ઝીરો લક્ષ્યાંક વર્ષ 60 મિલિયન ટન સુધીના ઉત્સર્જનમાં ઘટાડા તરફ દોરી જશે. એ જ રીતે ભારતનાં સામૂહિક એલઇડી બલ્બ અભિયાને ઉત્સર્જનમાં વર્ષે 40 મિલિયન ટન સુધીનો ઘટાડો કર્યો છે.

અત્યાર સુધી ભારતની આબોહવાલક્ષી કામગીરીઓને મુખ્યત્વે સ્થાનિક સંસાધનોમાંથી ધિરાણ પ્રાપ્ત થતું હતું. જોકે યુએનએફસીસીસી અને પેરિસ સમજૂતી અંતર્ગત વિકસિત દેશોની કટિબદ્ધતાઓ અને જવાબદારીઓમાં વૈશ્વિક સ્તરે આબોહવાના પરિવર્તનની સમસ્યાનું સમાધાન કરવા ટેકનોલોજીનું હસ્તાંતરણ તેમજ નવા અને વધારાના નાણાકીય સ્ત્રોતો પ્રદાન કરવાની જવાબદારી સામેલ છે. ભારતને આ પ્રકારના આંતરરાષ્ટ્રીય સ્તરના નાણાકીય સંસાધનો અને ટેકનોલોજીકલ સપોર્ટમાંથી એનો ઉચિત હિસ્સો મેળવવાની પણ જરૂર પડશે.

ભારતના એનડીસી કોઈ ચોક્કસ ક્ષેત્રમાં ઘટાડાની જવાબદારી કે કામગીરી પ્રત્યે બંધાયેલા નથી. ભારતનો લક્ષ્યાંક ઉત્સર્જનમાં સંપૂર્ણ ઘટાડો કરવાનો અને સમયની સાથે એના અર્થતંત્રમાં ઊર્જાદક્ષતા વધારવાનો છે તથા સાથે સાથે અર્થતંત્રના નબળાં ક્ષેત્રો અને આપણા સમાજના વર્ગોનું રક્ષણ કરવાનો છે.

SD/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com(Release ID: 1847826) Visitor Counter : 243