પશુ સંવર્ધન, ડેરી અને મત્સ્ય ઉછેર મંત્રાલય
કેન્દ્રીય મંત્રી શ્રી પરશોત્તમ રૂપાલાએ પ્રતિષ્ઠિત સ્થળ સોમનાથ ખાતે યોગાભ્યાસ કર્યો
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની કાઉન્ટડાઉન ઇવેન્ટમાં હજાર ઉપરાંત ડેરી ખેડૂતોએ ભાગ લીધો, સાત લાખ લોકો વર્ચ્યુઅલી જોડાયા
Posted On:
17 JUN 2022 6:31PM by PIB Ahmedabad
ભારત સરકાર આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરી રહી છે અને તેના ભાગ રૂપે, આયુષ મંત્રાલયે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (IDY)નાં કાઉન્ટડાઉન તરીકે કાર્યક્રમોનું આયોજન કરવાની દરખાસ્ત કરી છે. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બૉર્ડ (NDDB) અને ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)ના સહયોગથી ભારત સરકારના મત્સ્ય, પશુપાલન અને ડેરી મંત્રાલયના પશુપાલન અને ડેરી વિભાગે ઓળખરૂપ સ્થળ સોમનાથ, ગુજરાત ખાતે 17મી જૂન, 2022ના રોજ IDY-2022 યોગોત્સવની કાઉન્ટડાઉન ઇવેન્ટની ઉજવણી કરી હતી. યોગોત્સવનો મુખ્ય થીમ યોગ્ય જીવન અને પૌષ્ટિક આહાર સાથે યોગ છે.
ભારત સરકારના મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી શ્રી પરશોત્તમ રૂપાલા મુખ્ય અતિથિ તરીકે યોગોત્સવમાં સામેલ થયા હતા જેમાં ગુજરાત સરકારના પશુપાલન અને ગાય-સંવર્ધન , રાજ્ય મંત્રી શ્રી દેવાભાઈ માલમ, માનનીય સંસદ સભ્ય (જૂનાગઢ-ગીર, સોમનાથ) શ્રી રાજેશ ચૂડાસમા અને પશુપાલન અને ડેરી, ભારત સરકારના સચિવ શ્રી અતુલ ચતુર્વેદી પણ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી ત્યારબાદ શ્રી નિરમદાન ગઢવી દ્વારા લોક પ્રદર્શન 'ડાયરો' અને શ્રી અપૂર્વ ઓમ દ્વારા યોગ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
શરૂઆતમાં NDDBના ચેરમેન શ્રી મીનેશ શાહે આજુબાજુના વિસ્તારોમાંથી ભાગ લેનાર મહાનુભાવો અને ડેરી ખેડૂતોનું સ્વાગત કર્યું હતું.
યોગોત્સવને સંબોધતા, ભારત સરકારના મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરીના મંત્રી શ્રી પરશોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે યોગની વિશ્વવ્યાપી સ્વીકૃતિ ભારત માટે ગર્વની વાત છે, કારણ કે યોગ એ આપણા સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાનું અભિન્ન અંગ છે. વ્યક્તિને માત્ર વ્યાયામ (યોગ દ્વારા) જ નહીં, પણ સ્વસ્થ અને પૌષ્ટિક ખોરાકની પણ જરૂર છે. તે સારી રીતે સ્થાપિત છે કે દૂધ એ તમામ મહત્વપૂર્ણ પોષક તત્વોનો સારો સ્ત્રોત છે અને લગભગ સંપૂર્ણ આહાર છે. આજે, આપણે વર્ષ 2020-21 દરમિયાન 209.96 મિલિયન ટનનું વાર્ષિક ઉત્પાદન હાંસલ કરીને વિશ્વના સૌથી મોટા દૂધ ઉત્પાદક છીએ. આ ક્ષેત્ર ખાસ કરીને સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો (MSMEs) માટે મહત્વપૂર્ણ છે અને ગ્રામીણ વિસ્તારોમાં નોકરીઓનું સર્જન કરે છે, કારણ કે તે ઉદ્યોગ અને કૃષિ વચ્ચે મહત્વપૂર્ણ જોડાણ પૂરું પાડે છે અને ભારતના વિકાસ માટે ખૂબ મહત્વ ધરાવે છે. તેમણે NDDB દ્વારા વિકસિત ગોબર ગેસ સ્લરી આધારિત ઓર્ગેનિક ખાતર અને શિશુ સંજીવની (સુપોષણ કીટ) પણ લોન્ચ કરી હતી.
પશુપાલન અને ડેરી, ભારત સરકારના સચિવ શ્રી અતુલ ચતુર્વેદીએ ભાર મૂક્યો કે જ્યારે સમુદાયો અને સમાજો પર લાગુ કરવામાં આવે ત્યારે યોગ ટકાઉ જીવનનો માર્ગ પ્રદાન કરે છે અને વિભાગનો ઉદ્દેશ્ય દૂધ અને ડેરી ઉત્પાદનોને પ્રોત્સાહન આપીને આરોગ્ય અને સુખાકારી માટે ચળવળ તરીકે વધુ ને વધુ લોકોને IDY-2022ની પ્રવૃત્તિઓમાં લાવવાનો છે. તેમણે જણાવ્યું કે વિભાગ ડેરી સહકારી, વ્યક્તિઓ અને ખાનગી કંપનીઓના લાભ માટે, FMD અને બ્રુસેલોસિસ સહિતના પ્રાણીઓના રોગોને નાબૂદ કરવા અને પ્રાણીઓના ખોરાક અને ઘાસચારાની ઉપલબ્ધતાને સુનિશ્ચિત કરવા માટે ઘણી યોજનાઓ પણ ચલાવી રહ્યો છે.
ગુજરાત સરકારના પશુપાલન અને ગૌસંવર્ધન રાજ્ય મંત્રી શ્રી દેવાભાઈ માલમ અને માનનીય સંસદસભ્ય (જૂનાગઢ-ગીર, સોમનાથ) શ્રી રાજેશ ચુડાસમાએ પણ આપણાં રોજિંદાં જીવનમાં યોગનાં મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો અને આ પ્રસંગ આપણાં જીવન અને વિશ્વ દૃષ્ટિકોણમાં યોગની ભાવનાના પ્રચાર અને સંવર્ધન માટે અસર અને સંકલ્પ સર્જશે.
માનનીય કેન્દ્રીય મંત્રીએ અરબી સમુદ્રમાં અસ્ત થતા સૂર્યની પૃષ્ઠભૂમિમાં સોમનાથ મંદિર પરિસર ખાતે જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને રાજકોટના હજારથી વધુ ડેરી ખેડૂતો સાથે યોગ સત્રમાં ભાગ લીધો હતો. દેશભરની વિવિધ સહકારી અને દૂધ ઉત્પાદક કંપનીઓના 7 લાખથી વધુ ડેરી ખેડૂતોએ યોગોત્સવમાં વર્ચ્યુઅલ રીતે જોડાઇ યોગનો અભ્યાસ કર્યો હતો.
કાર્યક્રમના સમાપનમાં, ભારત સરકારના પશુપાલન અને ડેરી વિભાગના સંયુક્ત સચિવ શ્રી જીએન સિંઘે તમામ મહાનુભાવો, રાજ્ય વહીવટીતંત્ર, NDDB, GCMMF અને સહભાગી ડેરી ખેડૂતોનો આભાર વ્યક્ત કર્યો. તેમણે એ પણ માહિતી આપી હતી કે વિભાગ દ્વારા 21મી જૂન, 2022ના રોજ ગુજરાતના મોઢેરા સૂર્ય મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (IDY) 2022ની ઉજવણી કરવામાં આવશે.
SD/GP/JD
(Release ID: 1834872)
Visitor Counter : 215