પશુ સંવર્ધન, ડેરી અને મત્સ્ય ઉછેર મંત્રાલય
azadi ka amrit mahotsav

શ્રી પરશોત્તમ રૂપાલા આવતીકાલે યોગ સત્રમાં ભાગ લેશે


ગુજરાતના સુપ્રસિદ્ધ સોમનાથ ખાતે યોગોત્સવનું આયોજન

1000 કરતાં વધુ ખેડૂતો આ કાર્યક્રમમાં જોડાશે

દૂધ અને ડેરી ઉત્પાદનોને પ્રોત્સાહન આપીને આરોગ્ય અને સુખાકારી માટે જન આંદોલન ચલાવવાનો ઉદ્દેશ

કાર્યક્રમની થીમ - યોગ્ય જીવનશૈલી અને પોષક આહાર સાથે યોગ

ઋષિકેશ અને કન્યાકુમારી ખાતે યોજાનારા આવા જ કાર્યક્રમોમાં અનુક્રમે ડૉ. સંજીવ કુમાર બલયાન અને ડૉ. એલ. મુરુગન ભાગ લેશે

આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો કાઉન્ટડાઉન કાર્યક્રમ

Posted On: 16 JUN 2022 5:06PM by PIB Ahmedabad

ભારત સરકાર આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરી રહી છે અને તેના ભાગરૂપે, આયુષ મંત્રાલય દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (IDY)ના ઉપલક્ષ્યમાં કાઉન્ટડાઉન કાર્યક્રમોનું આયોજન કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. ભારત સરકારના મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી ઉદ્યોગ મંત્રાલય અંતર્ગતના પશુપાલન અને ડેરી વિભાગ દ્વારા રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ (NDDB) તેમજ ગુજરાત સહકારી દૂધ માર્કેટિંગ સંઘ (GCMMF)ના સહયોગથી 17 જૂન 2022ના રોજ ગુજરાતના પ્રસિદ્ધ સોમનાથ ધામ ખાતે IDY-2022 કાઉન્ટડાઉન કાર્યક્રમ યોગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. યોગોત્સવની મુખ્ય થીમ યોગ્ય જીવનશૈલી અને પોષક આહાર સાથે યોગ રાખવામાં આવી છે.

ભારત સરકારમાં મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી ઉદ્યોગ મંત્રી શ્રી પરશોત્તમ રૂપાલા આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહીને કાર્યક્રમની શોભા વધારશે. અરબી સમુદ્રની પૃષ્ઠભૂમિમાં પ્રસિદ્ધ સોમનાથ મંદિરના પરિસંકુલમાં યોજાનારા આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી આ યોગ સત્રમાં ભાગ લેશે અને તેમની સાથે જુનાગઢ, અમરેલી તેમજ રાજકોટના હજારથી પણ વધારે દૂધ ઉત્પાદક ખેડૂતો પણ યોગ કરવા માટે જોડાશે.

આ કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરવા માટે ઉપસ્થિત રહેનારા અન્ય મહાનુભાવોમાં ગુજરાત રાજ્ય મંત્રી, પશુપાલન અને ગાય-સંવર્ધન, શ્રી દેવાભાઇ માલમ, આદરણીય સાંસદ (જુનાગઢ- ગીર, સોમનાથ) શ્રી રાજેશ ચુડાસમા અને ભારત સરકારના પશુપાલન અને ડેરી ઉદ્યોગ સચિવ શ્રી અતુલ ચતુર્વેદી પણ સામેલ છે. 

આ કાર્યક્રમનો પ્રારંભ શ્રી કિર્તીદાન ગઢવી દ્વારા લોકસંગીતના કાર્યક્રમ ડાયરા સાથે થશે. આ કાર્યક્રમના ભાગરૂપે NDDB દ્વારા તૈયાર કરવામાં આવેલું ગોબર ગેસના કચરામાંથી બનેલું જૈવિક ખાતર અને શિશુસંજીવનીને ભારત સરકારના આદરણીય મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી ઉદ્યોગ મંત્રી શ્રી પરશોત્તમ રૂપાલા દ્વારા લોન્ચ કરવામાં આવશે.

આ વિભાગ દૂધ અને ડેરી ઉત્પાદનોને મહત્વપૂર્ણ આવશ્યક પોષક તત્વોના સારા સ્રોત અને લગભગ સંપૂર્ણ ખોરાક તરીકે પ્રોત્સાહન આપીને આરોગ્ય અને સુખાકારી માટે જન આંદોલન તરીકે IDY-2022 ની પ્રવૃત્તિઓમાં વધુ લોકોને લાવવાનો ઉદ્દેશ ધરાવે છે.

પશુપાલન અને ડેરી ઉદ્યોગ વિભાગ દ્વારા આવા જ કાઉન્ટડાઉન કાર્યક્રમોનું આયોજન ઉત્તરાખંડમાં ગંગા ઘાટ, ઋષિકેશ અને તમિલનાડુમાં કન્યાકુમારી ખાતે વિવેકાનંદ રૉક મેમોરિયલ ખાતે પણ કરવામાં આવી રહ્યું છે. આદરણીય મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી ઉદ્યોગ રાજ્યમંત્રી ડૉ. સંજીવ કુમાલ બલયાન, આદરણીય મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી ઉદ્યોગ રાજ્યમંત્રી ડૉ. એલ. મુરુગન પણ યોગોત્સવની શોભામાં વૃદ્ધિ કરશે અને તેઓ અનુક્રમે ઋષિકેશ અને કન્યાકુમારી ખાતે યોજાનારા કાર્યક્રમોમાં ડેરી ખેડૂતો સાથે યોગ સત્રમાં ભાગ લેશે.

SD/GP/JD


(Release ID: 1834567) Visitor Counter : 230