યુવા બાબતો અને રમત મંત્રાલય
શ્રી અનુરાગસિંહ ઠાકુરે બોક્સિંગ વિશ્વ ચેમ્પિયન અને તીરંદાજી વર્લ્ડ કપ ટીમનું સન્માન કર્યું; એથલેટ્સને ઓલિમ્પિક્સ 2024માં ભારત માટે વધુ ચંદ્રકો જીતવા માટે અનુરોધ કર્યો
Posted On:
24 MAY 2022 9:29PM by PIB Ahmedabad
ભારતના રમતક્ષેત્ર માટે મંગળવારનો દિવસ બમણી ઉજવણીનો રહ્યો હતો કારણ કે, કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી શ્રી અનુરાગસિંહ ઠાકુરે ભારતની તીરંદાજી અને બોક્સિંગ ટીમોનું સન્માન કર્યું હતું જેઓ અનુક્રમે કોરિયામાં યોજાયેલા વર્લ્ડ કપ અને તૂર્કીમાં યોજાયેલી મહિલા વર્લ્ડ ચેમ્પિયનશીપમાંથી પરત આવ્યા હતા.
સન્માન કાર્યક્રમનું આયોજન ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ ખાતે SAIના રાષ્ટ્રીય ઉત્કૃષ્ટતા કેન્દ્ર ખાતે કરવામાં આવ્યું હતું. આ સ્થળ ભારતના ટોચના બોક્સરો માટે તાલીમની જગ્યા પણ છે. છેલ્લા કેટલાક દિવસોમાં ભારતે તીરંદાજી વર્લ્ડ કપમાં 5 ચંદ્રકો જીત્યા છે અને મહિલા બોક્સિંગ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ત્રણ ચંદ્રકો જીત્યા છે. મેન્સ કમ્પાઉન્ડ તીરંદાજીમાં 16 ભારતીય તીરંદાજો સુવર્ણ ચંદ્રક, 1 રજત ચંદ્રક અને 3 કાંસ્ય ચંદ્રક જીત્યા છે જ્યારે મહિલા બોક્સરોએ વર્લ્ડ ચેમ્પિયનશીપ ખાતે સુવર્ણ, રજત અને કાંસ્ય ચંદ્રક પ્રાપ્ત કર્યું છે.
બોક્સર નિખાત ઝરીન કે જેઓ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં પોતાની વેઇટ કેટેગરીમાં સુવર્ણ ચંદ્રક જીત્યા છે અને આ સિદ્ધિ પ્રાપ્ત કરનારી પાંચમી ભારતીય મહિલા બન્યા છે તેમણે આ ઇવેન્ટ દરમિયાન પૂરા ઉત્સાહ સાથે કહ્યું હતું કે, “આજે હું અહીં વર્લ્ડ ચેમ્પિયન તરીકે ઉભી છું અને હું અહીં ફરી વખત ઓલમ્પિક ચંદ્રક વિજેતા તરીકે પણ ઊભી રહીશ.” ચંદ્રક વિજેતા બોક્સર મનિષા મૌન અને પરવિને કાંસ્ય ચંદ્રક જીત્યો છે.
નિખાતના જુસ્સાની પ્રશંસા કરતા કેન્દ્રીય રમતગમત મંત્રી શ્રી અનુરાગસિંહ ઠાકુરે જણાવ્યું હતું કે, “આપણી દીકરીઓએ આપણને ગૌરવ અપાવ્યું છે. એક એવો સમય હતો જ્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી બેટી બચાવો, બેટી પઢાવો અભિયાન વિશે વાત કરતા હતા અને આજે તેના પરિણામો મળવાની શરૂઆત થઇ ગઇ છે. નિખાતે કહ્યું હતું કે, તે અહીં અટકવા માંગતી નથી; તે આગળ વધુ ચંદ્રકો જીતવા માંગે છે. તમારી પાસેથી અમને આવી જ ધગશ અને સમર્પણની જરૂર છે. આપણે આગળ વધતા રહેવાનું છે. તમે પાયાના સ્તરના એથલેટ્સ માટે પ્રેરણાસ્રોત છો. TOPS યોજના દરેકને સુવિધા પ્રાપ્ત થાય તેવું સુનિશ્ચિત કરે છે. આપણે આજે જે કંઇપણ સિદ્ધિ મેળવી તેની અવશ્ય ઉજવણી કરવી જોઇએ પરંતુ હંમેશા આગામી મોટી ચેમ્પિયનશીપ જીતવાની મહત્વાકાંક્ષા પણ રાખવી જોઇએ. ચાલો ઓલિમ્પિક્સ 2024માં ભારત માટે વધુ ચંદ્રકો જીતી લાવીએ.”
સન્માન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા લોકોને ચંદ્રક વિજેતાઓ પ્રત્યે તેમની પ્રશંસા દર્શાવવા માટે અનુરોધ કરતા, શ્રી, ઠાકુરે કહ્યું, “આ ચંદ્રક જીતવા માટે તેમણે ખૂબ મહેનત કરી છે, મને ખાતરી છે કે આપણે તેમના પ્રત્યે પ્રશંસા બતાવવા માટે તાળીઓના ગડગડાટથી તેમને વધાવીને દેશ માટે આ વિજયનો શું અર્થ છે તે બતાવી શકીએ છીએ. આપણે અવશ્યપણે આપણા એથ્લેટ્સ માટે આપણી પ્રશંસા દર્શાવવાની આદત કેળવવી જોઇએ, કારણ કે તેઓ દેશ માટે આમ કરી રહ્યા છે.” આટલું કહીને તેમણે રમતવીરોની મહેનતને બિરદાવવા માટે અનોખા ઇશારામાં લાંબા સમય સુધી તાળીઓ પાડી હતી.
તીરંદાજીમાં જે શાખાઓમાં ભારતીય ખેલાડીઓનો વિજય થયો તેમાં મેન્સ કમ્પાઉન્ડ તીરંદાજી ટીમ અને વ્યક્તિગત ચંદ્રકો, વિમેન્સ કમ્પાઉન્ડ ટીમ, મિક્સ્ડ કમ્પાઉન્ડ ટીમ અને વિમેન્સ રીકર્વ ટીમનો સમાવેશ થાય છે. અભિષેક વર્મા, રજત ચૌહાણ અને અમન સાનીની મેન્સ કમ્પાઉન્ડ ટીમને સુવર્ણ જ્યારે એક માત્ર વ્યક્તિગત રજત ચંદ્રક મોહન ભારદ્વાજને મેન્સ કમ્પાઉન્ડ તીરંદાજીમાં મળ્યું હતું. વિમેન્સ કમ્પાઉન્ડ ટીમની મુસ્કાન રિકાર, અવનિત કૌર, પ્રિયા ગુર્જર, મિક્સ્ડ કમ્પાઉન્ડ ટીમના અભિષેક વર્મા અને અવનિત કૌર તેમજ વિમેન્સ રિકર્વ ટીમની રિદ્ધિ, કોમોલિકા બારી અને અંકિતા ભકતને ત્રણ કાંસ્ય ચંદ્રકો મળ્યા છે.
આ ટૂર્નામેન્ટ અંગે પોતાનો અનુભવ જણાવતા અભિષેક વર્માએ કહ્યું હતું કે, “અમે એશિયન ગેમ્સ માટે તૈયારી કરી રહ્યા હતા તેથી ટીમ હવે શાનદાર ફોર્મમાં છે. ચોકસાઇ અને ટેકનિકલ પાસાઓના સંદર્ભમાં ભારતીય તીરંદાજીમાં નોંધપાત્ર સુધારો થયો છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કોચિંગ, એક્સપોઝર, શિબિરોના સંદર્ભમાં ફેડરેશન અને સરકાર તરફી મળી રહેલા સંપૂર્ણ સમર્થનના પરિણામે, અમે ઘણી સારી સિદ્ધિ મેળવવા માટે સમર્થ બન્યા છીએ. અમે આગળ પણ આ ગતિ એકધારી જાળવી રાખીશું અને જૂનમાં, અમે વર્લ્ડ કપના આગામી તબક્કામાં જવાના હોવાથી અમે વધુ ચંદ્રકો જીતીને પાછા આવીશું.”
બોક્સિંગ ઇવેન્ટમાં BFIના પ્રમુખ અજય સિંહ, સેક્રેટરી જનરલ હેમંત કલિતાએ હાજરી આપી હતી જ્યારે તીરંદાજી ઇવેન્ટમાં ભારતીય તીરંદાજી સંગઠનની કોર કમિટિના સભ્ય વિરેન્દ્ર સચદેવ ઉપસ્થિત રહ્યા હતા. SAIના મહા નિદેશક સંદીપ પ્રધાન, યુવા બાબતોના મંત્રાલયના સંયુક્ત સચિવ એલ.એસ. સિંહ અને TOPS ના CEO કોમડોર ગર્ગ આ ઇવેન્ટ્સમાં ઉપસ્થિત રહ્યા હતા.
SD/GP/JD
(Release ID: 1828212)
Visitor Counter : 187