પ્રધાનમંત્રીનું કાર્યાલય
નેપાળમાં 2566મી બુદ્ધ જયંતી અને લુમ્બિની દિવસ 2022 કાર્યક્રમમાં પ્રધાનમંત્રીનું સંબોધન
Posted On:
16 MAY 2022 9:45PM by PIB Ahmedabad
નમો બુદ્ધાય!
નેપાળના પ્રધાનમંત્રી માનનીય શ્રી શેર બહાદુર દેઉબાજી,
આદરણીય શ્રીમતી આરઝુ દેઉબાજી,
બેઠકમાં ઉપસ્થિત નેપાળ સરકારના મંત્રીઓ,
બૌદ્ધ સાધુઓ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત બૌદ્ધ ધર્મના લોકો,
વિવિધ દેશોના મહાનુભાવો,
બહેનો અને સજ્જનો!
બુદ્ધ જયંતીના શુભ અવસર પર, લુમ્બિનીની પવિત્ર ભૂમિ તરફથી અહીં ઉપસ્થિત સૌને, તમામ નેપાળીઓને અને વિશ્વના તમામ ભક્તોને બુદ્ધ પૂર્ણિમાની શુભકામનાઓ.
ભૂતકાળમાં પણ, વૈશાખ પૂર્ણિમાના દિવસે, મને ભગવાન બુદ્ધ સાથે સંકળાયેલી ઘટનાઓ માટે, તેમની સાથે સંકળાયેલાં દિવ્ય સ્થળોની મુલાકાત લેવાની તક મળતી રહી છે. અને આજે, મને ભારતના મિત્ર નેપાળમાં ભગવાન બુદ્ધનાં પવિત્ર જન્મસ્થળ લુમ્બિનીની મુલાકાત લેવાનો લહાવો મળ્યો છે. થોડા સમય પહેલા માયાદેવી મંદિરના દર્શન કરવાનો જે મોકો મળ્યો તે પણ મારા માટે અવિસ્મરણીય છે. ભગવાન બુદ્ધ પોતે જ્યાં જન્મ્યા હતા તે સ્થાન, ત્યાંની ઊર્જા, ત્યાંની ચેતના, તે એક અલગ જ અનુભૂતિ છે. મને એ જોઈને પણ આનંદ થાય છે કે 2014માં મેં આ સ્થાન પર જે મહાબોધિ વૃક્ષનો રોપો ભેંટ કર્યો હતો તે હવે વૃક્ષ બની રહ્યું છે.
સાથીઓ,
ભલે તે પશુપતિનાથજી હોય, મુક્તિનાથજી હોય, જનકપુરધામ હોય કે લુમ્બિની હોય, જ્યારે પણ હું નેપાળ આવું છું, નેપાળ તેનાં આધ્યાત્મિક આશીર્વાદથી મને પ્રસન્ન કરે છે.
સાથીઓ,
જનકપુરમાં મેં કહ્યું હતું કે નેપાળ વિના આપણા રામ પણ અધૂરા છે. હું જાણું છું કે આજે જ્યારે ભારતમાં ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર બની રહ્યું છે ત્યારે નેપાળના લોકો પણ એટલી જ ખુશી અનુભવી રહ્યા છે.
સાથીઓ,
નેપાળ એટલે, વિશ્વના સૌથી ઊંચા પર્વત-સાગરમઠનો દેશ!
નેપાળ એટલે, વિશ્વનાં અનેક પવિત્ર યાત્રાધામો, મંદિરો અને મઠોનો દેશ!
નેપાળ એટલે વિશ્વની પ્રાચીન સંસ્કૃતિને સાચવનાર દેશ!
જ્યારે હું નેપાળ આવું છું, ત્યારે મને અન્ય કોઈપણ રાજકીય મુલાકાત કરતાં અલગ આધ્યાત્મિક અનુભવ થાય છે.
ભારત અને ભારતના લોકો હજારો વર્ષોથી નેપાળને આ દ્રષ્ટિ અને વિશ્વાસથી જોતા આવ્યા છે. હું માનું છું કે, થોડા સમય પહેલા જ્યારે શેર બહાદુર દેઉબાજી અને શ્રીમતી. આરઝૂ દેઉબાજી ભારત આવ્યા હતા, અને કાશી વિશ્વનાથ ધામ, બનારસની મુલાકાત લીધી હતી, જેમ કે દેઉબાજી દ્વારા વર્ણવવામાં આવ્યું છે, તેમને પણ એવી જ અનુભૂતિ ભારત માટે હોય એ ખૂબ જ સ્વાભાવિક છે.
સાથીઓ,
આ સમાન વારસો, સમાન સંસ્કૃતિ, સમાન વિશ્વાસ અને સમાન પ્રેમ, આ આપણી સૌથી મોટી સંપત્તિ છે. અને, આ સંપત્તિ જેટલી સમૃદ્ધ હશે, તેટલી અસરકારક રીતે આપણે સાથે મળીને ભગવાન બુદ્ધનો સંદેશ વિશ્વ સુધી પહોંચાડી શકીશું અને વિશ્વને દિશા આપી શકીશું.આજે જે પ્રકારની વૈશ્વિક પરિસ્થિતિઓનું નિર્માણ થઈ રહ્યું છે, તેમાં ભારત અને નેપાળની સતત મજબુત મિત્રતા અને આપણી નિકટતા, સમગ્ર માનવતાના હિતમાં રહેશે. અને આમાં, ભગવાન બુદ્ધ પ્રત્યેની આપણા બંને દેશોની શ્રદ્ધા, તેમના માટે અમર્યાદિત આદર, આપણને એક દોરામાં બાંધે છે અને એક પરિવારના સભ્ય બનાવે છે.
બહેનો અને ભાઇઓ,
બુદ્ધ માનવતાની સામૂહિક ભાવનાનો અવતાર છે. બુદ્ધની ધારણાઓ છે અને બુદ્ધ સંશોધનો પણ છે. બુદ્ધ વિચારો છે, અને બુદ્ધ સંસ્કારો પણ છે. બુદ્ધ વિશેષ છે કારણ કે તેમણે માત્ર ઉપદેશ જ આપ્યો ન હતો, પરંતુ તેમણે માનવતાને જ્ઞાનની અનુભૂતિ કરાવી હતી. તેમણે મહાન ભવ્ય રાજ્ય અને સુખ-સુવિધાઓનો ત્યાગ કરવાની હિંમત કરી. ચોક્કસપણે, તેમનો જન્મ એક સામાન્ય બાળક તરીકે થયો ન હતો. પરંતુ તેમણે આપણને અહેસાસ કરાવ્યો કે પ્રાપ્તિ કરતા ત્યાગ વધુ મહત્વપૂર્ણ છે. પ્રાપ્તિ માત્ર ત્યાગ દ્વારા જ પૂર્ણ થાય છે. તેથી જ, તેઓ જંગલોમાં વિહર્યા, તેમણે તપસ્યા કરી, સંશોધન કર્યું. એ આત્મનિરીક્ષણ પછી જ્યારે તેઓ જ્ઞાનના શિખરે પહોંચ્યા ત્યારે તેમણે ક્યારેય પણ લોકોના કલ્યાણ માટે કોઈ ચમત્કાર કરવાનો દાવો કર્યો ન હતો. તેના બદલે, ભગવાન બુદ્ધે આપણને તે માર્ગ બતાવ્યો જે તેઓ પોતે જીવ્યા હતા. તેમણે આપણને મંત્ર આપ્યો હતો - "આપ દીપો ભવ ભિખ્વે" "પરીક્ષા ભિક્ષાવો, ગ્રહ્યમ મદ્દાછો, ન તુ ગૌરવત." એટલે કે, તમે તમારા પોતાના દીવા બનો. મારા શબ્દોને પણ મારા માટે આદરથી ગ્રહણ કરશો નહીં, બલ્કે તેની પરીક્ષા કરો અને તેને આત્મસાત કરો.
સાથીઓ,
ભગવાન બુદ્ધને લગતો બીજો એક વિષય છે, જેનો મારે આજે ઉલ્લેખ કરવો જ જોઇએ. બુદ્ધનો જન્મ વૈશાખ પૂર્ણિમાના દિવસે લુમ્બિનીમાં સિદ્ધાર્થ તરીકે થયો હતો. આ દિવસે બોધ ગયામાં, તેઓ બોધપ્રાપ્ત કરી ભગવાન બુદ્ધ બન્યા. અને આ દિવસે કુશીનગરમાં તેમનું મહાપરિનિર્વાણ થયું હતું. એ જ તારીખ, એ જ વૈશાખ પૂર્ણિમા, ભગવાન બુદ્ધની જીવનયાત્રાના આ તબક્કાઓ કેવળ સંયોગરૂપ ન હતા. તેમાં બુદ્ધત્વનો દાર્શનિક સંદેશ પણ છે, જેમાં જીવન, જ્ઞાન અને નિર્વાણ બધું એક સાથે છે. ત્રણેય એકબીજા સાથે જોડાયેલાં છે. આ માનવ જીવનની પૂર્ણતા છે અને કદાચ તેથી જ ભગવાન બુદ્ધે પૂર્ણિમાની આ પવિત્ર તિથિ પસંદ કરી હશે જ્યારે આપણે માનવ જીવનને આ પૂર્ણતામાં જોવાનું શરૂ કરીએ છીએ, ત્યારે વિભાજન અને ભેદભાવ માટે કોઈ જગ્યા બાકી રહેતી નથી. પછી આપણે 'વસુધૈવ કુટુંબકમ'ની ભાવના જીવવાનું શરૂ કરીએ છીએ જે 'સર્વે ભવન્તુ સુખિના'થી લઈને 'ભવતુ સબ મંગલમ'ના બુદ્ધ ઉપદેશ સુધી પ્રતિબિંબિત કરે છે. તેથી જ, ભૌગોલિક સીમાઓથી ઉપર વધીને, બુદ્ધ દરેકના માટે છે.
સાથીઓ,
ભગવાન બુદ્ધ સાથે મારો બીજો સંબંધ પણ છે, જે એક અદ્ભુત સંયોગ પણ છે અને જે ખૂબ જ સુખદ પણ છે. હું જ્યાં જન્મ્યો હતો તે સ્થળ, ગુજરાતનું વડનગર, સદીઓ પહેલા બૌદ્ધ શિક્ષણનું એક મહાન કેન્દ્ર હતું. આજે પણ ત્યાં પ્રાચીન અવશેષો ખોદવામાં આવી રહ્યા છે, જેના સંરક્ષણનું કામ ચાલી રહ્યું છે.અને આપણે જાણીએ છીએ કે ભારતમાં આવા ઘણાં નગરો છે, ઘણાં શહેરો છે, ઘણી જગ્યાઓ છે, જેને લોકો ગર્વથી તે રાજ્યની કાશી તરીકે ઓળખે છે. આ ભારતની વિશેષતા રહી છે, અને તેથી તમે પણ જાણો છો કે કાશી પાસેના સારનાથ સાથે મારી આત્મીયતા છે. ભારતના સારનાથ, બોધગયા અને કુશીનગરથી નેપાળના લુમ્બિની સુધી, આ પવિત્ર સ્થાનો આપણા સહિયારા વારસા અને સહિયારા મૂલ્યોનું પ્રતીક છે. આપણે સાથે મળીને આ વારસાનો વિકાસ કરવો પડશે અને તેને વધુ સમૃદ્ધ બનાવવો પડશે. અત્યારે આપણા બંને દેશોના પ્રધાનમંત્રીઓએ અહીં ઈન્ડિયા ઈન્ટરનેશનલ સેન્ટર ફોર બુદ્ધિસ્ટ કલ્ચર એન્ડ હેરિટેજનો શિલાન્યાસ પણ કર્યો છે. તેનું નિર્માણ ઈન્ટરનેશનલ બુદ્ધિસ્ટ કોન્ફેડરેશન ઑફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવશે. આપણા સહયોગના દાયકાઓ જૂના સપનાને સાકાર કરવામાં પ્રધાનમંત્રી દેઉબાજીનું મહત્વનું યોગદાન છે. લુમ્બિની ડેવલપમેન્ટ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે તેમણે આ જમીન આંતરરાષ્ટ્રીય બૌદ્ધ સંઘને આપવાનો નિર્ણય લીધો હતો. અને હવે આ પ્રોજેક્ટને પૂર્ણ કરવામાં તેમના તરફથી સંપૂર્ણ સહકાર પણ આપવામાં આવી રહ્યો છે.આ માટે આપણે સૌ તેમના હૃદયપૂર્વક આભારી છીએ. મને આનંદ છે કે નેપાળ સરકાર બુદ્ધ સર્કિટ અને લુમ્બિનીના વિકાસ માટેના તમામ પ્રયાસોને સમર્થન આપી રહી છે, વિકાસની તમામ શક્યતાઓને સાકાર કરી રહી છે. નેપાળમાં લુમ્બિની મ્યુઝિયમનું નિર્માણ પણ બંને દેશો વચ્ચેના સંયુક્ત સહયોગનું ઉદાહરણ છે. અને આજે અમે ડૉ. લુમ્બિની બૌદ્ધ યુનિવર્સિટીમાં બૌદ્ધ અભ્યાસ માટે બાબાસાહેબ આંબેડકર પીઠ સ્થાપવાનો નિર્ણય પણ લીધો છે.
સાથીઓ,
ભારત અને નેપાળનાં ઘણાં તીર્થસ્થાનોએ સદીઓથી સભ્યતા, સંસ્કૃતિ અને જ્ઞાનની વિશાળ પરંપરાને વેગ આપ્યો છે. આજે પણ વિશ્વભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ દર વર્ષે આ મંદિરોમાં આવે છે. આપણે ભવિષ્યમાં આપણા પ્રયત્નોને વધુ વેગ આપવો પડશે. અમારી સરકારોએ ભૈરહવા અને સોનૌલીમાં એકીકૃત ચેકપોસ્ટ બનાવવા જેવા નિર્ણયો પણ લીધા છે. તેનું કામ પણ શરૂ થઈ ગયું છે. આ પોસ્ટ્સ પૂર્ણ થયા બાદ સરહદ પર લોકોની અવરજવર માટેની સુવિધામાં વધારો થશે. ભારતમાં આવતા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ નેપાળમાં વધુ સરળતાથી આવી શકશે. ઉપરાંત, આનાથી આવશ્યક વસ્તુઓના વેપાર અને પરિવહનમાં ઝડપ આવશે. ભારત અને નેપાળ બંને દેશો વચ્ચે સાથે મળીને કામ કરવા માટે આટલી અપાર સંભાવનાઓ છે. આ પ્રયાસોથી બંને દેશોના નાગરિકોને ફાયદો થશે.
સાથીઓ,
ભારત અને નેપાળ વચ્ચેનો સંબંધ હિમાલય જેવો અટલ અને હિમાલય જેટલો જૂનો છે. આપણે આપણા સહજ અને સ્વાભાવિક સંબંધોને હિમાલય જેટલી નવી ઊંચાઈ આપવી પડશે. ખાન-પાન, સંગીત, તહેવારો અને રીતરિવાજોથી માંડીને કૌટુંબિક સંબંધો સુધી જે સંબંધો આપણે હજારો વર્ષોથી જીવ્યા છીએ, તેને હવે વિજ્ઞાન, ટેક્નોલોજી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવાં નવા ક્ષેત્રો સાથે પણ જોડવા પડશે. મને સંતોષ છે કે ભારત આ દિશામાં નેપાળ સાથે ખભે ખભા મિલાવીને કામ કરી રહ્યું છે. લુમ્બિની બૌદ્ધ યુનિવર્સિટી, કાઠમંડુ યુનિવર્સિટી અને ત્રિભુવન વિશ્વવિદ્યાલયમાં ભારતનો સહકાર અને પ્રયાસો તેના ઉત્તમ ઉદાહરણો છે. હું આ ક્ષેત્રમાં અમારો પરસ્પર સહયોગ વિસ્તારવા માટે ઘણી મોટી શક્યતાઓ જોઉં છું. આપણે સાથે મળીને આ શક્યતાઓ અને ભારત અને નેપાળનાં સપનાને સાકાર કરીશું. આપણા સક્ષમ યુવાનો સફળતાના શિખરે પહોંચશે અને સમગ્ર વિશ્વમાં બુદ્ધના ઉપદેશોના સંદેશવાહક બનશે.
સાથીઓ,
ભગવાન બુદ્ધ કહે છે:સુપ્પબુદ્ધં પબુજ્ઝન્તિ, સદા ગોતમ-સાવકા। યેસં દિવા ચ રત્તો ચ, ભાવનાયે રતો મને॥
એટલે કે જેઓ સદૈવ મિત્રતામાં, સદ્ભાવનામાં જોડાયેલા હોય છે, તે ગૌતમના અનુયાયીઓ હંમેશા જાગૃત રહે છે. એટલે જ તેઓ બુદ્ધના સાચા અનુયાયીઓ છે. આજે આપણે સમગ્ર માનવતા માટે કામ કરવાનું છે. આ ભાવના સાથે આપણે વિશ્વમાં મિત્રતાની ભાવનાને મજબૂત કરવી પડશે. મને વિશ્વાસ છે કે આ માનવતાવાદી સંકલ્પને પરિપૂર્ણ કરવા માટે ભારત-નેપાળ મિત્રતા સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખશે.
આ ભાવના સાથે, વૈશાખ પૂર્ણિમાના અવસર પર ફરી એકવાર આપ સૌને શુભેચ્છાઓ.
નમો બુદ્ધાય!
નમો બુદ્ધાય!
નમો બુદ્ધાય!
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1825921)
Visitor Counter : 354
Read this release in:
Marathi
,
Tamil
,
English
,
Urdu
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Telugu
,
Kannada
,
Malayalam