પ્રધાનમંત્રીનું કાર્યાલય
દેવઘર બચાવ કામગીરીમાં સામેલ લોકો સાથે પ્રધાનમંત્રીની વાતચીતનો મૂળપાઠ
Posted On:
13 APR 2022 10:59PM by PIB Ahmedabad
ગૃહ મંત્રી શ્રી અમિત શાહજી, સંસદ સભ્ય શ્રી નિશિકાંત દુબેજી, ગૃહ સચિવ, ચીફ ઑફ આર્મી સ્ટાફ, એર સ્ટાફના વડા, ઝારખંડના ડીજીપી, એનડીઆરએફના ડીજી, આઈટીબીપીના ડીજી, સ્થાનિક વહીવટીતંત્રના સાથીઓ, અમારી સાથે જોડાયેલા તમામ બહાદુર જવાનો, કમાન્ડો, પોલીસકર્મીઓ, અન્ય સાથી ગણ,
તમને બધાને નમસ્કાર!
ત્રણ દિવસ, ચોવીસ કલાક સુધી લાગેલા રહીને, તમે મુશ્કેલ બચાવ કામગીરી પૂર્ણ કરી અને ઘણા દેશવાસીઓના જીવ બચાવ્યા છે. આખા દેશે તમારી હિંમતની પ્રશંસા કરી છે. હું તેને બાબા બૈદ્યનાથજીની કૃપા પણ માનું છું. જો કે, આપણને દુઃખ છે કે આપણે કેટલાક સાથીઓનો જીવ બચાવી શક્યા નથી. ઘણા સાથીઓ ઘાયલ પણ થયા છે. પીડિતોના પરિવારો સાથે આપણાં બધાની ઊંડી સંવેદના છે. હું તમામ ઈજાગ્રસ્તોને ઝડપથી સાજા થવાની કામના કરું છું.
સાથીઓ,
જેણે પણ આ ઓપરેશન ટીવી માધ્યમો પર જોયું છે, તે આશ્ચર્યચકિત હતા, પરેશાન હતા. તમે બધા તો સ્થળ પર હતા. આપના માટે તે સંજોગો અને પરિસ્થિતિ કેટલી મુશ્કેલ હતી, એની કલ્પના થઈ શકે છે. પરંતુ દેશને ગર્વ છે કે તેની પાસે આપણી સેના, આપણી વાયુ સેના, આપણા NDRFના જવાનો, ITBPના જવાનો અને પોલીસ દળના જવાનોનાં રૂપમાં એવું કુશળ દળ છે, જે દેશવાસીઓને દરેક સંકટમાંથી સુરક્ષિત રીતે બહાર લાવવાની ક્ષમતા ધરાવે છે. આ અકસ્માત અને આ બચાવ મિશનમાંથી આપણને ઘણા પાઠ શીખવા મળ્યા છે. તમારા અનુભવો ભવિષ્યમાં ખૂબ ઉપયોગી થશે. હું તમારા બધા સાથે વાત કરવા માટે પણ ખૂબ ઉત્સુક છું. કારણ કે હું આ ઓપરેશન સાથે સતત દૂરથી જોડાયેલો હતો અને હું દરેક બાબતની જાણકારી લેતો હતો. પણ આજે મારા માટે આવશ્યક છે કે તમારા મુખેથી આ બધી વાતો જાણું. ચાલો આપણે પહેલા એનડીઆરએફના બહાદુરો પાસે જઈએ, પરંતુ હું એક વાત કહીશ કે, એનડીઆરએફએ પોતાની એક ઓળખ બનાવી છે અને તેની મહેનત, તેના પરિશ્રમથી, પુરુષાર્થથી અને પોતાના પરાક્રમથી આ ઓળખ બનાવી છે. અને એનડીઆરએફ હિંદુસ્તાનમાં જ્યાં-જ્યાં પણ છે, એના આ પરિશ્રમ અને એની ઓળખ માટે પણ અભિનંદનનું અધિકારી છે.
સમાપન ટિપ્પણી
આ બહુ સારી વાત છે કે આપ સૌએ બહુ ઝડપથી કામ કર્યું. અને બહુ જ સંકલિત રીતે કર્યું, આયોજન કરીને કર્યું. અને મને પહેલેથી જ ખબર છે કે આ સમાચાર પહેલા જ દિવસે સાંજે આવ્યા હતા. પછી સમાચાર આવ્યા કે ભાઈ હૅલિકોપ્ટર લઈ જવું મુશ્કેલ છે કારણ કે હૅલિકોપ્ટરનું વાઇબ્રેશન છે,તેની જે હવા છે એના લીધે જ ક્યાંક વાયરો હલવા લાગશે, ક્યાંક ટ્રોલીમાંથી લોકો બહાર પડવા લાગે. જેથી હૅલિકોપ્ટર લઈ જવું એ પણ ચિંતાનો વિષય હતો, તેની ચર્ચા આખી રાત ચાલી હતી. પરંતુ આ બધા હોવા છતાં, તમે લોકોએ જે સંકલન સાથે કામ કર્યું છે તે હું જોઉં છું અને હું સમજું છું કે આવી આપત્તિઓમાં સમય-પ્રતિભાવ સમય એક ખૂબ જ મહત્વપૂર્ણ પરિબળ છે. તમારી ઝડપ જ આવાં ઓપરેશનની સફળતા કે નિષ્ફળતા નક્કી કરે છે. લોકોને યુનિફોર્મમાં ઘણી શ્રદ્ધા છે. જ્યારે પણ સંકટમાં લોકો તમને જુએ છે, ત્યારે NDRFનો ગણવેશ પણ હવે પરિચિત થઈ ગયો છે. તમે લોકો પહેલેથી પરિચિત છો જ. તેથી તેઓને વિશ્વાસ થઈ જાય છે કે હવે તેમનું જીવન સુરક્ષિત છે. તેમનામાં એક નવી આશા જાગે છે. તમારી હાજરી માત્રથી જ આશાનું, જુસ્સાનું કામ એટલે કે એક રીતે શરૂ થઇ જાય છે. આવા સમયે વરિષ્ઠ નાગરિકો અને બાળકોની વિશેષ કાળજી લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે અને મને સંતોષ છે કે તમે તમારાં આયોજન અને કામગીરીની પ્રક્રિયામાં આ બાબતને ઘણી પ્રાથમિકતા આપી છે અને તેને ખૂબ જ સારી રીતે કર્યું છે. તમારી ટ્રેનિંગ ખૂબ જ સારી છે, એક રીતે આ ફિલ્ડમાં ખબર પડી ગઈ કે તમારી તાલીમ કેટલી સરસ છે અને તમે કેટલા સાહસિક છો અને તમે તમારી જાતને હોમી દેવા માટે કઈ રીતે તૈયાર રહો છો. દરેક અનુભવ સાથે આપણે એ પણ જોઈએ છીએ કે તમે તમારી જાતને સશક્ત બનાવતા જાવ છો. એનડીઆરએફ સહિત તમામ બચાવ ટીમોને આધુનિક વિજ્ઞાન, આધુનિક સાધનોથી સજ્જ કરવા, એ અમારી પ્રતિબદ્ધતા છે. સમગ્ર ઓપરેશન સંવેદનશીલતા, સૂઝબૂઝ અને સાહસનો પર્યાય બની રહ્યું છે. આ દુર્ઘટનામાં બચી ગયેલા દરેક વ્યક્તિને હું અભિનંદન આપું છું કે તમે આટલા મોટા અકસ્માત પછી પણ કોઠાસૂઝથી કામ કર્યું. મને કહેવામાં આવ્યું કે લોકોએ ઘણા કલાકો લટકીને વિતાવ્યા, આખી રાત ઊંઘ ન આવી. તેમ છતાં, આ બધાં ઓપરેશનમાં તેમની ધીરજ, તેમની હિંમત એ એક ઓપરેશનમાં બહુ મોટી વાત છે. જો તમે બધાએ, તમામ નાગરિકોએ હિંમત છોડી દીધી હોત, તો આટલા જવાનો જોતરાયાં બાદ પણ આ પરિણામો કદાચ તેઓ મેળવી શક્યાં ન હોત. તેથી જ જેઓ ફસાયેલા નાગરિકો હતા તેમની હિંમતનું પણ ખૂબ મહત્વ રહેલું છે. આપે પોતાની જાતને સંભાળી, લોકોને હિંમત આપી અને બાકીનું કામ આપણા બચાવકર્મીઓએ પૂરું કર્યું. અને મને આનંદ છે કે તે વિસ્તારના નાગરિકોએ જે રીતે ચોવીસે કલાક રાત-રાત એક કરીને તમને બધાને મદદ કરી, તેમનાથી જે થઈ શકે તે કરવાનો પ્રયાસ કર્યો. તેમની પાસે જે કંઈ સમજ હતી, સાધન હતા, પરંતુ આ નાગરિકોનું સમર્પણ વિશાળ હતું. આ તમામ નાગરિકો પણ અભિનંદનના અધિકારી છે. જુઓ, આ દુર્ઘટનાએ ફરી એકવાર એ સ્પષ્ટ કરી દીધું છે કે જ્યારે પણ દેશમાં કોઈ સંકટ આવે છે, ત્યારે આપણે બધા તે સંકટ સામે લડવા માટે એક થઈને એ સંકટ સામે મોરચો માંડીએ છીએ અને તે સંકટમાંથી બહાર નીકળી બતાવીએ છીએ. આ દુર્ઘટનામાં પણ સબ કા પ્રયાસે બહુ મોટી ભૂમિકા ભજવી છે. હું બાબા ધામના સ્થાનિક લોકોની પણ પ્રશંસા કરીશ કારણ કે તેઓએ આ રીતે સંપૂર્ણ મદદ કરી છે. ફરી એકવાર અસરગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. હું તમામ ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. અને તમારામાંથી જેઓ આ ઓપરેશનમાં સામેલ હતા, હું આપ સૌને આગ્રહ કરું છું કારણ કે આ પ્રકારનાં ઓપરેશનમાં જેમ કે પૂર આવવું, વરસાદ પડવો, આ બધું તમારું રોજિંદું કામ બની જાય છે પરંતુ આવી ઘટનાઓ બહુ ઓછી બને છે. તમને આ વિષયમાં જે પણ અનુભવ છે, તેને ઘણી સારી રીતે લખો. એક રીતે, તમે એક માર્ગદર્શિકા-મેન્યુઅલ બનાવી શકો છો અને આપણાં જેટલાં પણ દળોએ તેમાં કામ કર્યું છે, એક દસ્તાવેજીકરણ હોવું જોઈએ જેથી ભવિષ્યમાં આપણી પાસે પણ તાલીમનો આ ભાગ હોય કે આવા સમયે પડકારો કયા કયા હોય છે. આ પડકારોને હૅન્ડલ કરવા શું શું કરવું કારણ કે પહેલા જ દિવસે સાંજે મને ખબર પડી કે સાહેબ હૅલિકોપ્ટર લઈ જવું મુશ્કેલ છે કારણ કે તે વાયર આટલા વાઇબ્રેશનને સહન કરી શકશે નહીં. તેથી હું પોતે જ ચિંતિત હતો કે હવે શું રસ્તો નીકળશે. એટલે કે, તમે આવા દરેક તબક્કાથી પરિચિત છો, તમે તેનો અનુભવ કર્યો છે. જેટલી વહેલી તકે આપણે તેને યોગ્ય રીતે દસ્તાવેજીકૃત કરીએ, તો આગળ જતાં આપણી તમામ વ્યવસ્થાને આગળની તાલીમનો એક ભાગ આપણે બનાવી શકીએ છીએ અને આપણે તેનો સતત કેસ સ્ટડી તરીકે ઉપયોગ કરી શકીએ છીએ કારણ કે આપણે સતત આપણી જાતને સજાગ રાખવાની હોય છે. બાકી તો જે કમિટી બેઠી છે, આ રોપ-વેનું શું થયું વગેરે બાબતો રાજ્ય સરકાર પોતાની તરફથી કરશે. પરંતુ આપણે એક સંસ્થા તરીકે આ વ્યવસ્થાઓને સમગ્ર દેશમાં વિકસાવવાની છે. હું ફરી એકવાર તમારા લોકોનાં પરાક્રમ માટે, તમારા લોકોના પુરુષાર્થ માટે, નાગરિકો પ્રત્યે જે સંવેદના સાથે આપે કાર્ય કર્યું છે, એ માટે ખૂબ-ખૂબ અભિનંદન આપું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર!
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1816742)
Visitor Counter : 220
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam