પ્રધાનમંત્રીનું કાર્યાલય

પશ્ચિમ બંગાળમાં શ્રીધામ ઠાકુરનગર ખાતે મતુઆ ધર્મ મહા મેળા દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 29 MAR 2022 10:25PM by PIB Ahmedabad

જોય હરિ બોલ, જોય હરિ બોલ, શ્રી શ્રી હરિચાંદ ઠાકુરેર દુશો એગારો તમો, આબિરભાવ તિથિ ઉપો-લોકખે, શૉકોલ પુન્નાર્થી, શાધુ, ગોશાઈ, પાગોલ, દૌલોપોતી, ઓ મતુઆ માઈદેર, જાનાઈ આંતોરિક સુભેક્ષા અભિનંદન ઔર નમસ્કાર !

 

કેન્દ્રીય મંત્રીમંડળના મારા સહયોગી અને ઑલ ઈન્ડીયા મતુઆ મહાસંઘના સંઘાધિપતિ શ્રી શાંતનુ ઠાકુરજી, શ્રી મંજૂલ કૃષ્ણ ઠાકુરજી, શ્રીમતી છબિરાની ઠાકુરજી, શ્રી સુબ્રતા ઠાકુરજી, શ્રી રવિન્દ્ર વિશ્વાસજી, અન્ય મહાનુભવ અને મોટી સંખ્યામાં આજે અહીં હાજર રહેલા મારા ભાઈઓ અને બહેનો !

 

મારૂં એ સૌભાગ્ય રહ્યું છે કે ગયા વર્ષે ઓરંકાદીમાં શ્રી શ્રી ગુરૂચાંદ ઠાકુરજી અને મહાન મતુઆ પરંપરાને શ્રધ્ધાપૂર્વક નમન કરવાની મને તક મળી હતી. આજે ઠાકુરવાડી જેવા મહાતીર્થ પ્રસંગે આપ સૌ સાથીઓ સાથે ટેકનોલોજીના માધ્યમથી સંવાદ કરવાની તક મળી છે. આપ સૌના દર્શનની તક મળી છે. જ્યારે હું ઓરંકાદી ગયો હતો ત્યારે મને ત્યાં પોતાપણું પ્રાપ્ત થયું હતું. ખૂબ જ આશિર્વાદ મળ્યા હતા અને ઠાકુરવાડીએ તો હંમેશાં મને પોતાપણુ આપ્યુ જ છે, ખૂબ જ સ્નેહ આપ્યો છે.

 

સાથીઓ,

મતુઆ ધર્મીઓનો આ મહામેળો એ મતુઆ પરંપરાને નમન કરવાનો અવસર છે. આ એ મૂલ્યો તરફ આસ્થા પ્રગટ કરવાનો અવસર છે કે જેનો પાયો શ્રી શ્રી હરિચાંદ ઠાકુરજીએ નાખ્યો હતો. તેને ગુરૂચાંદ ઠાકુરજી અને બોરોમાએ સશક્ત બનાવ્યો હતો, અને આજે શાંતનુજીના સહયોગથી આ પરંપરા હાલમાં સમૃધ્ધ બની રહી છે. સંઘભાવના, ભારતીયતા અને પોતાની આસ્થા તરફ સમર્પણ ભાવ રાખતાં રાખતાં આધુનિકતાને અપનાવવી તે બોધ આપણને મહાન મતુઆ પરંપરામાંથી પ્રાપ્ત થઈ છે. આજે આપણે જ્યારે સ્વાર્થ માટે ખૂન-ખરાબી થતી જોઈ રહ્યા છીએ ત્યારે અને જ્યારે સમાજમાં ભાગલા પાડવાની કોશિશ થઈ રહી છે ત્યારે અને જયારે ભાષા અને પ્રદેશને આધારે ભેદભાવ ઊભો કરવાની પ્રવૃત્તિ જોવા મળે છે ત્યારે શ્રી શ્રી હરિચાંદ ઠાકુરજીનુ જીવન, તેમની વિચારધારા, વધુ મહત્વનું બની જાય છે. એટલા માટે આ મેળો એક ભારત, શ્રેષ્ઠ ભારતનાં મૂલ્યોને પણ સશક્ત બનાવનાર પુરવાર થશે.

 

ભાઈઓ અને બહેનો,

આપણે ઘણી વાર કહેતા હોઈએ છીએ કે આપણી સંસ્કૃતિ અને આપણી સભ્યતા મહાન છે. તે મહાન એટલા માટે છે કારણ કે તેમાં નિરંતરતા છે, તે પ્રવાહમાન છે, એમાં પોતાની જાતને સશક્ત કરવાની સ્વાભાવિક પ્રવૃત્તિ છે. જે પોતાનો રસ્તો જાતે બનાવી લે છે તેવી તે એક નદીના જેવી છે અને માર્ગમાં જે કાંઈ પણ અવરોધો આવે છે. તે મુજબ તે પોતાની જાતને ઢાળી દે છે. આ મહાનતાનુ શ્રેય શ્રી શ્રી હરિચાંદ ઠાકુરેજી કે જેમણે સમાજ સુધારણાના પ્રવાહને કયારેય પણ અટકવા દીધો નથી તેવા શ્રી શ્રી હરિચાંદ ઠાકુરજી જેવા સુધારકોને પણ જાય છે. શ્રી શ્રી હરિચાંદ ઠાકુરજીના સંદેશાઓને જે કોઈ પણ વ્યક્તિ સમજે છે, તે હરિલીલા અમૃતનો પાઠ કરતો હોય છે. તે જાતે જ પોકારી ઉઠે છે કે તેમણે સદીઓને અગાઉથી જ જોઈ લીધી હતી. પણ આજે જે સ્ત્રી-પુરૂષ વ્યવસ્થાની વાત દુનિયા કરી રહી છે તેને 18મી સદીમાં શ્રી શ્રી હરિચાંદ ઠાકુરેજીએ પોતાનું મિશન બનાવી દીધી હતી. તેમણે દીકરીઓને શિક્ષણથી માંડીને કામ કરવા સુધીના અધિકારો આપવા સુધીની બાબતો માટે અવાજ ઉઠાવ્યો હતો. માતાઓ, બહેનો અને દીકરીઓની ગરિમાને સામાજીક વિચારધારામાં આગળ લાવવાનો પ્રયાસ કર્યો હતો. તે સમયે તેમણે મહિલા કોર્ટ અને દીકરીઓ માટે શાળાઓ જેવી કામગીરીઓ કરી હતી. આ બાબત દર્શાવે છે કે તેમનું વિઝન શું હતું. તેમનુ મિશન શું હતું !  

 

ભાઈઓ અને બહેનો,

ભારત આજે જયારે બેટી બઢાઓ, બેટી પઢાઓ જેવા અભિયાનને સફળ બનાવી રહ્યું છે ત્યારે, માતાઓ, બહેનો અને દીકરીઓને સ્વચ્છતા, સ્વાસ્થય અને સ્વાભિમાન બક્ષી રહ્યુ છે ત્યારે અને જ્યારે શાળા કોલેજોમાં દીકરીઓને પોતાનુ સામર્થ્ય દેખાડતી હોવાનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે, જ્યારે સમાજના દરેક ક્ષેત્રમાં આપણી બહેનો અને દીકરીઓ દીકરાઓ સાથે ખભા મિલાવીને રાષ્ટ્રના નિર્માણમાં યોગદાન આપતી જોઈ રહ્યો છે ત્યારે આપણને લાગે છે કે આપણે સાચા અર્થમાં હરિચાંદ ઠાકુરજી જેવી મહાન વિભૂતિઓનુ સન્માન કરી રહયા છીએ. જ્યારે સરકાર, સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ સાથે સરકારી યોજનાઓને જન જન સુધી પહોંચાડી રહી છે ત્યારે સૌનો વિકાસ રાષ્ટ્ર વિકાસની શક્તિ જગાવી રહયો છે ત્યારે આપણે સર્વસમાવેશી સમાજના નિર્માણ તરફ આગળ વધવાનો ચાલુ રાખી રહ્યા છીએ.

 

સાથીઓ,

ભારતના વિકાસમાં મતુઆ સમાજની ભાગીદારી ખૂબ જ મહત્વની છે. એટલા માટે ભારત સરકારની શક્ય તે તમામ કોશિશ એવી રહી છે કે આ સમાજ સાથે જોડાયેલા દરેક પરિવારનુ જીવન આસાન બને. કેન્દ્ર સરકારની દરેક લોક કલ્યાણની યોજનાઓ ખૂબ ઝડપી ગતિથી મતુઆ પરિવાર સુધી પહોંચે તે માટે રાજય સરકારને પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે. પાકું ઘર હોય કે નળથી જળ આપવાનુ હોય, મફત રાશન હોય કે, 60 વર્ષ પછી પેન્શન આપવાનું હોય, લાખો રૂપિયાનો વીમો હોય કે એવી દરેક યોજનાના વ્યાપમાં મતુઆ પરિવારો આવે, તે માટેના અમારા પ્રયાસો ચાલુ છે.

 

સાથીઓ,

શ્રી શ્રી હરિચાંદ ઠાકુરજીએ વધુ એક સંદેશો એ આપ્યો છે કે આઝાદીનો અમૃતકાળ દરેક ભારતવાસી માટે

પ્રેરણાના સ્ત્રોત સમાન છે. તેમણે ઈશ્વરીય પ્રેમની સાથે સાથે આપણા કર્તવ્યો અંગે પણ આપણને જાગૃત કર્યા છે. પોતાના પરિવાર તરફની અને સમાજ પ્રત્યેની આપણી જવાબદારીઓને કઈ રીતે નિભાવી શકાય તે બાબત ઉપર તેમણે વિશેષ ભાર મુકયો છે. કર્તવ્યની આ ભાવનાને આપણે રાષ્ટ્ર વિકાસનો આધાર બનાવવાની છે. આપણા બંધારણે આપણને ઘણા બધા અધિકારો આપ્યા છે. આ અધિકારોને આપણે આપણાં કર્તવ્યો પ્રમાણિકતાથી નિભાવીને જ સુરક્ષિત રાખી શકીએ તેમ છીએ. એટલા માટે આજે હું મતુઆ સમુદાયના તમામ સભ્યોને આગ્રહ કરવા માગું છું કે વ્યવસ્થામાંથી ભ્રષ્ટાચારને દૂર કરવા માટે સમાજના દરેક સ્તરે તમામની જાગૃતિને આપણે વધુ આગળ ધપાવવાની છે. જે કોઈ પણ જગાએ, કોઈનું શોષણ થઈ રહ્યું હોય તો ત્યાં ચોકકસ અવાજ ઉઠાવવો તે આપણું સમાજ તરફનું અને રાષ્ટ્ર તરફનું કર્તવ્ય છે. રાજનીતિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવો તે આપણો લોકશાહી અધિકાર છે, પણ રાજકીય વિરોધને કારણે જો કોઈને હિંસાથી ડરાવીને કે ધમકાવીને જો કોઈ રોકતું હોય તો તે બીજાના અધિકારનો ભંગ છે. આથી આપણું એ પણ કર્તવ્ય બની રહે છે કે જો હિંસા અને અરાજકતાની ભાવના જો સમાજમાં ક્યાંય પણ જોવા મળે તો તેનો વિરોધ કરવામાં આવે. સ્વચ્છતા અને આરોગ્ય અંગેના પોતાનાં કર્તવ્યો આપણે હંમેશાં યાદ રાખવાં જોઈએ. ગંદકીને આપણે પોતાના ઘર કે પોતાની ગલીથી દૂર રાખવાની છે. આ બાબત આપણા સંસ્કારોમાં લાવવાની છે. વોકલ ફોર લોકલ, તેને પણ આપણો પોતાના જીવનનો હિસ્સો બનાવવાનું છે. પશ્ચિમ ભારતના, શ્રમિકોનો, મજૂરોનો, કિસાનોનો પરસેવો જે સામાન ઉપર લાગેલો હોય, તેની ખરીદી ચોકકસ કરો. અને આપણુ સૌથી મોટું કર્તવ્ય એ બની રહે છે કે રાષ્ટ્ર પ્રથમની નીતિ અપનાવવામાં આવે! રાષ્ટ્રથી વધારે કશુ નથી. આપણા દરેક કામ રાષ્ટ્રને આગળ રાખીને કરવામાં આવતું હોવું જોઈએ. કોઈ પણ કદમ ઉઠે તે પહેલાં આપણે એ જરૂર વિચારવું જોઈએ કે એ કામમાં રાષ્ટ્રનુ હિત ચોકકસપણે હોવું જોઈએ.

 

સાથીઓ,

મતુઆ સમાજ પોતાની ફરજો તરફ હંમેશાં જાગૃત રહ્યો છે અને મને વિશ્વાસ છે કે આઝાદીના આ અમૃતકાળમાં અને એક નવા ભારતના નિર્માણમાં તમારો સહયોગ એ રીતે જ મળતો રહે. આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, ખૂબ ખૂબ ધન્યવાદ !  

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1811363) Visitor Counter : 201