પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

LBSNAA ખાતે 96મા કોમન ફાઉન્ડેશન કોર્સના સમાપન સમારોહને પ્રધાનમંત્રીએ સંબોધન કર્યું


"આગામી 25 વર્ષના અમૃત કાલમાં રાષ્ટ્રના વિકાસમાં તમારો બૅચ મુખ્ય ભૂમિકા ભજવશે"

"મહામારી પછીની ઉભરતી નવી વિશ્વ વ્યવસ્થામાં, ભારતે તેની ભૂમિકા વધારવી પડશે અને ઝડપી ગતિએ પોતાનો વિકાસ કરવો પડશે"
"આત્મનિર્ભર ભારત અને આધુનિક ભારત એ 21મી સદીમાં આપણા માટે સૌથી મોટા ધ્યેય છે, તમારે હંમેશા તેનું ધ્યાન રાખવું જોઈએ"
"તમારી સેવાનાં તમામ વર્ષોમાં, સેવા અને ફરજનાં પરિબળો તમારી વ્યક્તિગત અને વ્યાવસાયિક સફળતાના માપદંડ હોવા જોઈએ"

"તમારે સંખ્યાઓ માટે નહીં પણ લોકોનાં જીવન માટે કામ કરવું પડશે"

“અમૃત કાલના આ સમયગાળામાં આપણે રિફોર્મ, પર્ફોર્મ, ટ્રાન્સફોર્મને આગલા સ્તર પર લઈ જવાનું છે. તેથી જ આજનું ભારત ‘સબ કા પ્રયાસ’ની ભાવના સાથે આગળ વધી રહ્યું છે”
"તમારે ક્યારેય સરળ કામ ન મળે તે માટે પ્રાર્થના કરવી જોઈએ"
“તમે જેટલું વધુ કમ્ફર્ટ ઝોનમાં જવાનું વિચારશો, તેટલું જ તમે તમારી પ્રગતિ અને દેશની પ્રગતિને રોકશો

Posted On: 17 MAR 2022 1:32PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઑફ એડમિનિસ્ટ્રેશન (LBSNAA) ખાતે 96મા કોમન ફાઉન્ડેશન કોર્સના સમાપન સમારોહને સંબોધિત કર્યો હતો. તેમણે નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું પણ ઉદ્ઘાટન કર્યું અને સુધારેલા હેપ્પી વેલી કોમ્પ્લેક્સ રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું.

શરૂઆતમાં, પ્રધાનમંત્રીએ અધિકારીઓને તેમનો અભ્યાસક્રમ પૂર્ણ કરવા બદલ શુભેચ્છા પાઠવી હતી અને હોળીના આનંદી અવસર પર તેમની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે જઈ રહેલી બેચની વિશિષ્ટતાની નોંધ લીધી હતી કેમ કે આ બેચ આઝાદી કા અમૃત મહોત્સવ’નાં વર્ષમાં સક્રિય સેવામાં પ્રવેશી રહ્યો છે. "આગામી 25 વર્ષના અમૃત કાલમાં તમારી બેચ દેશના વિકાસમાં મુખ્ય ભૂમિકા ભજવશે", એમ તેમણે ઉમેર્યું હતું.

પ્રધાનમંત્રીએ મહામારી પછીની દુનિયામાં ઉભરી રહેલી નવી વિશ્વ વ્યવસ્થાને રેખાંકિત કરી હતી. તેમણે કહ્યું કે 21મી સદીના આ વળાંક પર દુનિયા ભારત તરફ જોઈ રહી છે. "આ નવી વિશ્વ વ્યવસ્થામાં, ભારતે તેની ભૂમિકા વધારવી પડશે અને ઝડપી ગતિએ પોતાનો વિકાસ કરવો પડશે", એમ તેમણે કહ્યું હતું. તેમણે અધિકારીઓને '21મી સદીના સૌથી મોટા ધ્યેય' એટલે કે આત્મનિર્ભર ભારત અને આધુનિક ભારતના લક્ષ્ય પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને આ સમયગાળાનાં મહત્વને ધ્યાનમાં રાખવા જણાવ્યું હતું. "આપણને આ તક ગુમાવવી પાલવે તેમ નથી", એમ તેમણે કહ્યું હતું.

નાગરિક સેવાઓ અંગે સરદાર પટેલના વિચારોનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે સેવા અને ફરજની ભાવના એ તાલીમનો અભિન્ન ભાગ છે. "તમારાં સેવાનાં તમામ વર્ષોમાં, સેવા અને ફરજના આ પરિબળો તમારી વ્યક્તિગત અને વ્યાવસાયિક સફળતાનું માપદંડ હોવા જોઈએ", એમ તેમણે ઉમેર્યું હતું. તેમણે કહ્યું કે જ્યારે ફરજ અને હેતુની ભાવના સાથે કામ કરવામાં આવે છે ત્યારે તે ક્યારેય બોજ નથી. તેમણે અધિકારીઓને કહ્યું કે તેઓ હેતુની ભાવના સાથે સેવામાં આવ્યા છે અને સમાજ અને દેશના સંદર્ભમાં સકારાત્મક પરિવર્તનનો ભાગ બનવા માટે આવ્યા છે.

પ્રધાનમંત્રીએ ફિલ્ડના અનુભવને સ્વીકારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો કારણ કે ફાઇલના મુદ્દાઓની વાસ્તવિક અનુભૂતિ ફિલ્ડમાંથી આવે છે. તેમણે કહ્યું કે ફાઈલોમાં માત્ર સંખ્યા અને આંકડા જ નથી હોતા પરંતુ તેમાં લોકોનાં જીવન અને આકાંક્ષાઓ હોય છે. "તમારે સંખ્યાઓ માટે નહીં પરંતુ લોકોનાં જીવન માટે કામ કરવાની જરૂર છે", એમ તેમણે કહ્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું કે અધિકારીઓએ કાયમી ઉકેલ લાવવા માટે હંમેશા સમસ્યાઓનાં મૂળ કારણ અને નિયમોના તર્ક તરફ જવું જોઈએ. પ્રધાનમંત્રીએ કહ્યું કે અમૃત કાલના આ સમયગાળામાં આપણે રિફોર્મ, પરફોર્મ, ટ્રાન્સફોર્મને આગલા સ્તર પર લઈ જવાનું છે. તેથી જ આજનું ભારત ‘સબ કા પ્રયાસ’ની ભાવના સાથે આગળ વધી રહ્યું છે. તેમણે મહાત્મા ગાંધીના મંત્રને પણ યાદ કર્યો કે દરેક નિર્ણયનું મૂલ્યાંકન છેલ્લી પંક્તિમાં છેલ્લી વ્યક્તિનાં કલ્યાણની કસોટી પર થવું જોઈએ.

પ્રધાનમંત્રીએ અધિકારીઓને સ્થાનિક સ્તરે તેમના જિલ્લાના 5-6 પડકારોને ઓળખવાનું અને તે મુદ્દાઓ માટે કામ કરવાનું કાર્ય આપ્યું હતું. તેમણે કહ્યું કે પડકારોની ઓળખ એ પડકારોને સુધારવાનું પ્રથમ પગલું છે. તેમણે ગરીબો માટે પાકાં મકાનો અને વીજળી કનેક્શન આપવાના પડકારોની સરકારની ઓળખનું ઉદાહરણ આપ્યું હતું, જેને પીએમ આવાસ યોજના, સૌભાગ્ય યોજના જેવી યોજનાઓ અને આકાંક્ષી જિલ્લાઓ માટેની યોજનાઓ દ્વારા ઉકેલવામાં આવ્યા હતા. તેમણે આ યોજનાઓની સંતૃપ્તિના નવા નિર્ધારની પણ વાત કરી હતી. તેમણે વિવિધ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં સંકલનની જરૂરિયાત પર ભાર મૂક્યો અને કહ્યું કે પીએમ ગતિશક્તિ માસ્ટર પ્લાન તેને ઘણી હદ સુધી સંબોધશે.

પ્રધાનમંત્રીએ નાગરિક સેવાઓનાં ક્ષેત્રમાં નવા સુધારાઓ એટલે કે મિશન કર્મયોગી અને આરંભ કાર્યક્રમનો ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું કે અધિકારીઓએ પ્રાર્થના કરવી જોઈએ કે તેઓને ક્યારેય સરળ કામ ન મળે કારણ કે પડકારરૂપ કામનો પોતાનો આનંદ હોય છે. પ્રધાનમંત્રીએ કહ્યું, "તમે જેટલું વધુ કમ્ફર્ટ ઝોનમાં જવાનું વિચારશો, તેટલું તમે તમારી પ્રગતિ અને દેશની પ્રગતિને રોકશો."

પ્રધાનમંત્રીએ અધિકારીઓને સલાહ આપી હતી કે તેઓ એકેડેમીમાંથી તેમની વિદાય વેળાએ એમની આકાંક્ષાઓ અને યોજનાઓને નોંધે અને સિદ્ધિનાં સ્તરનું મૂલ્યાંકન કરવા માટે 25 કે 50 વર્ષ પછી ફરી એને જોઇ જાય. તેમણે સિલેબસમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સંબંધિત અભ્યાસક્રમો અને સંસાધનોનો સમાવેશ કરવા માટે પણ કહ્યું હતું કારણ કે ભવિષ્યની સમસ્યાઓમાં ડેટા સાયન્સનું અને તે ડેટામાંથી વિશ્લેષણ કરવાની ક્ષમતાનું વિશાળ તત્વ હશે.

96મો ફાઉન્ડેશન કોર્સ એ LBSNAA ખાતેનો પ્રથમ કોમન ફાઉન્ડેશન કોર્સ છે જે મિશન કર્મયોગીના સિદ્ધાંતો પર આધારિત છે, જેમાં નવા શિક્ષણ શાસ્ત્ર અને કોર્સ ડિઝાઇન છે. બેચમાં 16 સેવાઓ અને 3 રોયલ ભૂટાન સેવાઓ (વહીવટી, પોલીસ અને વન)ના 488 ઓટીનો સમાવેશ થાય છે.

યુવા બેચની સાહસિક અને નવીન ભાવનાનો ઉપયોગ કરવા માટે, મિશન કર્મયોગીના સિદ્ધાંતો દ્વારા સંચાલિત નવાં શિક્ષણશાસ્ત્રની રચના કરવામાં આવી હતી. "સબ કા પ્રયાસ" ની ભાવનામાં પદ્મ પુરસ્કાર વિજેતાઓ સાથે વાર્તાલાપ અને ગ્રામીણ ભારતના અપાર અનુભવ માટે ગામની મુલાકાત જેવી પહેલ દ્વારા અધિકારી તાલીમાર્થીને વિદ્યાર્થી/નાગરિકમાંથી જાહેર સેવકમાં રૂપાંતરિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. અધિકારી તાલીમાર્થીઓએ આ વિસ્તારોમાં રહેતા લોકો દ્વારા સામનો કરવામાં આવતા પડકારોને સમજવા માટે અંતરિયાળ/સરહદ વિસ્તારોના ગામોની પણ મુલાકાત લીધી હતી. અભ્યાસક્રમ માટે મોડ્યુલર અભિગમ સતત ક્રમાંકિત શિક્ષણ અને સ્વ-માર્ગદર્શિત શિક્ષણના સિદ્ધાંતને અનુરૂપ અપનાવવામાં આવ્યો હતો. સ્વાસ્થ્ય પરીક્ષણો ઉપરાંત, 'પરીક્ષાના બોજવાળા વિદ્યાર્થી'ને 'તંદુરસ્ત યુવા નાગરિક કર્મચારી'માં ફેરવવાને સમર્થન આપવા માટે ફિટનેસ ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા. તમામ 488 અધિકારી તાલીમાર્થીઓને ક્રાવ માગા અને અન્ય વિવિધ રમતોમાં પ્રથમ સ્તરની તાલીમ આપવામાં આવી હતી.

SD/GP/MR

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1806935)