પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ગ્રામીણ વિકાસ પર કેન્દ્રીય બજેટની સકારાત્મક અસર અંગે વેબિનારને સંબોધન કર્યું
"બજેટમાં સરકારી વિકાસ યોજનાઓના લાભોના સંતૃપ્તિના ધ્યેયને હાંસલ કરવા અને કેવી રીતે પાયાની સુવિધાઓ સો ટકા વસતી સુધી પહોંચી શકે તે માટે સ્પષ્ટ રોડમેપ આપવામાં આવ્યો છે"
"બ્રૉડબેન્ડ માત્ર ગામડાઓમાં જ સુવિધાઓ નહીં આપે પરંતુ ગામડાઓમાં કુશળ યુવાનોનો મોટો પૂલ પણ બનાવશે"
"આપણે સુનિશ્ચિત કરવું પડશે કે મહેસૂલ વિભાગ પર ગ્રામીણ લોકોની નિર્ભરતા ઓછી થાય."
"વિવિધ યોજનાઓમાં 100 ટકા કવરેજ હાંસલ કરવા માટે, આપણે નવી તકનીક પર ધ્યાન કેન્દ્રીત કરવું પડશે, જેથી પ્રોજેક્ટ ઝડપ સાથે પૂર્ણ થાય અને ગુણવત્તા સાથે પણ બાંધછોડ ન થાય"
“મહિલા શક્તિ એ ગ્રામીણ અર્થતંત્રનો પાયો છે. નાણાકીય સમાવેશને કારણે પરિવારોના નાણાકીય નિર્ણયોમાં મહિલાઓની વધુ સારી ભાગીદારી સુનિશ્ચિત થઈ છે”
Posted On:
23 FEB 2022 11:44AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગ્રામીણ વિકાસ પર કેન્દ્રીય બજેટની સકારાત્મક અસર અંગે વેબિનારને સંબોધન કર્યું. આ શ્રેણીમાં આ બીજો વેબિનાર છે. આ પ્રસંગે સંબંધિત કેન્દ્રીય મંત્રીઓ, રાજ્ય સરકારોના પ્રતિનિધિઓ અને અન્ય હિતધારકો હાજર હતા.
પ્રધાનમંત્રીએ સરકારની તમામ નીતિઓ અને કાર્યો પાછળ પ્રેરણા તરીકે સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસના મંત્રનું પુનરાવર્તન કરીને શરૂઆત કરી. "આઝાદી કા અમૃત કાળ માટેના અમારા સંકલ્પો દરેકના પ્રયત્નોથી જ સાકાર થશે અને દરેક વ્યક્તિ એ પ્રયાસ ત્યારે જ કરી શકશે જ્યારે દરેક વ્યક્તિ, વર્ગ અને પ્રદેશને વિકાસનો સંપૂર્ણ લાભ મળશે",એમ શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું.
તેમણે સમજાવ્યું કે બજેટમાં સરકારી વિકાસના પગલાં અને યોજનાઓના સંતૃપ્તિના લક્ષ્યને હાંસલ કરવા અને કેવી રીતે મૂળભૂત સુવિધાઓ સો ટકા વસતી સુધી પહોંચી શકે તે માટે સ્પષ્ટ માર્ગ નકશો આપવામાં આવ્યો છે. "બજેટમાં પીએમ આવાસ યોજના, ગ્રામીણ સડક યોજના, જલ જીવન મિશન, ઉત્તર-પૂર્વની કનેક્ટિવિટી, ગામડાઓમાં બ્રોડબેન્ડ જેવી દરેક યોજના માટે આવશ્યક ફાળવણી કરવામાં આવી છે", તેમણે કહ્યું. "તે જ રીતે, વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ, જે બજેટમાં જાહેર કરવામાં આવ્યો છે તે સરહદી ગામો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે", તેમણે ઉમેર્યું.
પ્રધાનમંત્રીએ સરકારની પ્રાથમિકતાઓ વિશે વિગતવાર જણાવ્યું હતું અને કહ્યું હતું કે ઉત્તર-પૂર્વ ક્ષેત્ર માટે પ્રધાનમંત્રી વિકાસ પહેલ (PM-DevINE) ઉત્તર-પૂર્વ પ્રદેશમાં મૂળભૂત સુવિધાઓની સંતૃપ્તિની ખાતરી કરશે. તેવી જ રીતે, સ્વામિત્વ યોજના ગામડાઓમાં રહેઠાણો અને જમીનને યોગ્ય રીતે સીમાંકન કરવામાં મદદ કરી રહી છે કારણ કે 40 લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડ જારી કરવામાં આવ્યા છે. યુનિક લેન્ડ આઇડેન્ટિફિકેશન પિન જેવા પગલાંથી, મહેસૂલ અધિકારીઓ પર ગ્રામીણ લોકોની નિર્ભરતા ઘટશે. તેમણે રાજ્ય સરકારોને જમીનના રેકોર્ડ અને સીમાંકન ઉકેલોને આધુનિક ટેકનોલોજી સાથે જોડવા માટે સમયરેખા સાથે કામ કરવા જણાવ્યું હતું. "વિવિધ યોજનાઓમાં 100 ટકા કવરેજ હાંસલ કરવા માટે, આપણે નવી તકનીક પર ધ્યાન કેન્દ્રીત કરવું પડશે, જેથી પ્રોજેક્ટ ઝડપ સાથે પૂર્ણ થાય અને ગુણવત્તા સાથે પણ બાંધછોડ ન થાય",એમ તેમણે ઉમેર્યું.
જલ જીવન મિશન હેઠળ 4 કરોડ વોટર કનેક્શનના લક્ષ્યાંક વિશે વાત કરતા પ્રધાનમંત્રીએ પ્રયાસો વધારવા જણાવ્યું હતું. તેમણે દરેક રાજ્ય સરકારને પાઈપલાઈન અને પાણીની ગુણવત્તા અંગે ખૂબ જ સતર્ક રહેવા અપીલ કરી હતી. “આ યોજનાની મુખ્ય વિશેષતાઓમાંની એક એ છે કે ગ્રામ્ય સ્તરે માલિકીની ભાવના હોવી જોઈએ અને 'જળ શાસન' મજબૂત બને છે. આ બધાને ધ્યાનમાં રાખીને, આપણે 2024 સુધીમાં દરેક ઘરમાં નળનું પાણી પહોંચાડવાનું છે”, એમ પ્રધાનમંત્રીએ કહ્યું.
પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું કે ગ્રામીણ ડિજિટલ કનેક્ટિવિટી હવે માત્ર આકાંક્ષા નથી રહી પરંતુ જરૂરિયાત બની ગઈ છે. "બ્રૉડબેન્ડ માત્ર ગામડાઓમાં જ સુવિધાઓ પૂરી પાડશે નહીં પરંતુ ગામડાઓમાં કુશળ યુવાનોનો મોટો પૂલ પણ બનાવશે",એમ તેમણે કહ્યું. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, બ્રોડબેન્ડ દેશમાં ક્ષમતાઓ વધારવા માટે સેવા ક્ષેત્રનું વિસ્તરણ કરશે. તેમણે બ્રોડબેન્ડ ક્ષમતાઓના યોગ્ય ઉપયોગ અંગે યોગ્ય જાગૃતિની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો જ્યાં કામ પહેલેથી જ પૂર્ણ થયું છે.
પ્રધાનમંત્રીએ ગ્રામીણ અર્થવ્યવસ્થાના પાયા તરીકે મહિલા શક્તિની ભૂમિકાને રેખાંકિત કરી હતી. "નાણાકીય સમાવેશથી પરિવારોના નાણાકીય નિર્ણયોમાં મહિલાઓની વધુ સારી ભાગીદારી સુનિશ્ચિત થઈ છે. સ્વ-સહાય જૂથો દ્વારા મહિલાઓની આ સહભાગિતાને વધુ આગળ વધારવાની જરૂર છે”,એમ તેમણે ઉમેર્યું.
નિષ્કર્ષમાં, પ્રધાનમંત્રીએ તેમના અનુભવથી ગ્રામીણ વિકાસ માટે શાસન સુધારવાના ઘણા રસ્તાઓ સૂચવ્યા. તેમણે સૂચન કર્યું કે ગ્રામીણ મુદ્દાઓ માટે જવાબદાર તમામ એજન્સીઓએ સુમેળ અને સંકલન સુનિશ્ચિત કરવા માટે નિયમિત અંતરાલ પર એકસાથે બેસવું જોઈએ તે મદદરૂપ થશે. "પૈસાની ઉપલબ્ધતા કરતાં વધુ, તે સિલોસની હાજરી અને કન્વર્જન્સનો અભાવ છે જે સમસ્યા છે", તેમણે કહ્યું. તેમણે સરહદી ગામોને વિવિધ સ્પર્ધાઓનું સ્થળ બનાવવા, નિવૃત્ત સરકારી અધિકારીઓ તેમના વહીવટી અનુભવથી તેમના ગામોને લાભ આપવા જેવી ઘણી નવીન રીતો સૂચવી. તેમણે એવું પણ સૂચન કર્યું હતું કે ગામનો કોઈ દિવસ જન્મદિવસ તરીકે નક્કી કરીને ગામની સમસ્યાઓ હલ કરવાની ભાવના સાથે ઉજવવાથી લોકોનો તેમના ગામ સાથેનો લગાવ મજબૂત થશે અને ગ્રામ્ય જીવન સમૃદ્ધ બનશે. કૃષિ વિજ્ઞાન કેન્દ્રો કુદરતી ખેતી માટે થોડા ખેડૂતોને પસંદ કરે છે, કુપોષણ દૂર કરવાનો નિર્ણય લેતા ગામડાઓ અને ડ્રોપઆઉટ દર જેવા પગલાં ભારતના ગામડાઓ માટે વધુ સારા પરિણામો તરફ દોરી જશે, એમ તેમણે જણાવ્યું હતું.
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1800482)
Visitor Counter : 255
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam