પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ઉત્તરપ્રદેશના મેરઠમાં મેજર ધ્યાનચંદ સ્પોર્ટ્સ યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યો


“ભારતના ઇતિહાસમાં, મેરઠ માત્ર એક શહેર નથી પરંતુ સંસ્કૃતિ અને શક્તિનું મહત્વપૂર્ણ કેન્દ્ર રહ્યું છે”

“દેશમાં રમતગમતોને વેગ મળે તે માટે, યુવાનોને રમત ક્ષેત્રમાં વિશ્વાસ હોય તે જરૂરી છે અને તેમને રમત ક્ષેત્રને પ્રોફેશન તરીકે પસંદ કરવા પ્રોત્સાહન આપવું જોઇએ. આ મારો સંકલ્પ છે, આ મારું સપનું છે”

“ગામડાંઓ અને નાના શહેરોમાં રમતગમતની માળખાકીય સુવિધાઓના આગમન સાથે, આવા સ્થળો પરથી આવતા રમતવીરોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે”

“સંસાધનોથી સ્પોર્ટિંગ ઇકો-સિસ્ટમનો ઉદય થઇ રહ્યો છે અને સંભાવનાઓના નવા પ્રવાહનું સર્જન થઇ રહ્યું છે. આનાથી સમાજમાં વિશ્વાસ બેસી રહ્યો છે કે, રમત ક્ષેત્રની દિશામાં આગળ વધવું એ સાચો નિર્ણય છે”

“મેરઠ માત્ર વોકલ ફોર લોકલ નથી પરંતુ લોકલને ગ્લોબલમાં રૂપાંતરિત પણ કરી રહ્યું છે”

“અમારું લક્ષ્ય સ્પષ્ટ છે. યુવાનોએ માત્ર રોલ મોડલ ન બનવું જોઇએ પરંતુ પોતાના રોલ મોડલને ઓળખવા પણ જોઇએ”

Posted On: 02 JAN 2022 4:38PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશના મેરઠ ખાતે નિર્માણ પામનારી મેજર ધ્યાનચંદ સ્પોર્ટ્સ યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યો હતો. આ સ્પોર્ટ્સ યુનિવર્સિટીની સ્થાપના લગભગ 700 કરોડ રૂપિયાના ખર્ચે થશે અને તે આધુનિક તેમજ અદ્યતન રમતગમતની માળખાકીય સુવિધાઓથી સજ્જ હશે જેમાં સિન્થેટિક હોકી ગ્રાઉન્ડ, ફુટબોલ ગ્રાઉન્ડ, બાસ્કેટબોલ / વોલીબોલ / હેન્ડબોલ / કબડ્ડીનું ગ્રાઉન્ડ, લોન ટેનિસ કોર્ટ, જીમ્નેશિયમ હોલ, સિન્થેટિક રનિંગ સ્ટેડિયમ, સ્વિમિંગ, પૂલ, બહુલક્ષી હોલ અને સાઇકલિંગ વેલોડ્રોમ પણ સામેલ રહેશે. આ યુનિવર્સિટીમાં શુટિંગ, સ્ક્વૉશ, જીમ્નાસ્ટિક્સ, વેઇટ લિફ્ટિંગ, તીરંદાજી, કેનોઇંગ અને કેયકીંગ તેમજ અન્ય સુવિધાઓ પણ સમાવી લેવામાં આવશે. આ યુનિવર્સિટીની ક્ષમતા 1080 રમતવીરોને તાલીમ આપવાની રહેશે જેમાં 540 મહિલાઓ અને 540 પુરુષ તાલીમાર્થીઓ રહેશે.

આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધન આપતા પ્રધાનમંત્રીએ ભારતની સ્વતંત્રતાને નવી દિશા આપવામાં મેરઠ અને તેની આસપાના વિસ્તારોએ આપેલા નોંધનીય યોગદાનનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું હતું કે, આ પ્રદેશના લોકોએ દેશની સુરક્ષા માટે સરહદે બલિદાનો આપ્યા છે અને રમતના મેદાનમાં પણ દેશનું ગૌરવ વધાર્યું છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ પ્રદેશે દેશભક્તિની જ્યોતિને હંમેશા પ્રજ્વલિત રાખી છે. પ્રધાનમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, “ભારતના ઇતિહાસમાં, મેરઠ માત્ર એક શહેર નથી પરંતુ સંસ્કૃતિ અને શક્તિનું મહત્વપૂર્ણ કેન્દ્ર રહ્યું છે.” પ્રધાનમંત્રીએ સ્વતંત્રતા સંગ્રહાલય, અમર જવાન જ્યોતિ અને બાબા ઔઘરનાથજીના મંદિરની ભાવનાની અનુભૂતિ પર પોતાના ઉત્સાહનું વર્ણન કર્યું હતું.

પ્રધાનમંત્રીએ મેજર ધ્યાનચંદને યાદ કર્યા હતા, જેઓ મેરઠમાં સક્રિય હતા. થોડા મહિના પહેલાં, કેન્દ્ર સરકારે ભારતમાં રમતજગતના સૌથી મોટા પુરસ્કારને રમત ક્ષેત્રની આ મહાન હસ્તીનું નામ આપ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આજે મેરઠમાં નિર્માણ પામી રહેલી સ્પોર્ટ્સ યુનિવર્સિટી પણ મેજર ધ્યાનચંદને સમર્પિત છે.

પ્રધાનમંત્રીએ ઉત્તરપ્રદેશમાં આવેલા નૈતિક પરિવર્તનની નોંધ લીધી હતી. અગાઉના સમયમાં અહીં ગુનેગારો અને માફિયાઓ પોતાની રમત રમતા હતા. તેમણે એ સમયગાળો યાદ કર્યો હતો કે જ્યાં ગેરકાયદેસર વ્યવસાય, દીકરીઓની છેડતી ખુલ્લેઆમ અને બેરોકટોક થતા હતા. તેમણે પહેલાંના સમયની અસલામતી અને અંધેર સ્થિતિને યાદ કરી હતી. તેમણે યોગી સરકારની પ્રશંસા કરતા કહ્યું હતું કે, હવે યોગી સરકારના સમયમાં આવા ગુનેગારોમાં કાયદાનો ડર બેસી ગયો છે. આ પરિવર્તનના કારણે દીકરીઓમાં હવે આખા દેશ માટે નામ ઉજ્જવળ કરવાનો આત્મવિશ્વાસ જાગ્યો છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, યુવાનો નવા ભારતના પાયાનું નિર્માણ કરનારા મુખ્ય પથ્થરો છે અને તેઓ જ વિસ્તરણના મુખ્ય આધાર પણ છે. યુવાનો વધુ તેજ છે અને તેઓ નવા ભારતના પ્રહરીઓ પણ છે. આજે આપણા યુવાનો પાસે પ્રાચીનતાનો વારસો છે અને આધુનિકતાની ભાવના પણ છે. અને આથી જ યુવાનો જ્યાં જશે ત્યાં ભારત પણ આગળ વધશે. અને ભારત જ્યાં જશે ત્યાં દુનિયા જશે.

પ્રધાનમંત્રીએ છેલ્લા કેટલાક વર્ષો પર પ્રકાશ પાડતા કહ્યું હતું કે, તેમની સરકારે ભારતના ખેલાડીઓને ચાર સાધનો એટલે કે સંસાધનો, તાલીમ માટેની અદ્યતન સુવિધાઓ, આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રદર્શન કરવાની તક અને પસંદગીમાં પારદર્શકતા આપવા પર સૌથી વધારે પ્રાથમિકતા આપી છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, દેશમાં રમતગમતનો વિકાસ થાય તે માટે યુવાનોને રમતગમતમાં વિશ્વાસ હોવો જોઇએ અને રમતગમતને વ્યવસાય તરીકે લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે તે જરૂરી છે. તેમણે કહ્યું હતું કે, આ મારો સંકલ્પ છે, અને મારું સપનું પણ છે! હું ઇચ્છું છું કે આપણા યુવાનો રમતગમતને અન્ય વ્યવસાયોના દૃષ્ટિકોણથી જુએ. પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી કે સરકારે રમતગમતને રોજગાર સાથે જોડી છે. ટાર્ગેટ ઓલિમ્પિક્સ પોડિયમ (TOPS) જેવી યોજનાઓના કારણે ટોચના ખેલાડીઓને ઉચ્ચ સ્તરે સ્પર્ધા કરવા માટે તમામ સહાયતા પૂરી પાડવામાં આવે છે. ખેલો ઈન્ડિયા અભિયાન ખૂબ જ વહેલી તકે પ્રતિભાવાન રમતવીરોને ઓળખી લેવામાં આવે છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેમને તૈયાર કરવા માટે તમામ સમર્થન આપવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ઓલિમ્પિક્સ અને પેરા-ઓલિમ્પિક્સમાં ભારતનું તાજેતરમાં જોવા મળેલું પ્રદર્શન રમતગમતના ક્ષેત્રમાં નવા ભારતના ઉદયનો પુરાવો છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, નવી શિક્ષણ નીતિમાં રમતોને પ્રાથમિકતા આપવામાં આવી છે. રમતગમતને હવે વિજ્ઞાન, વાણિજ્ય કે અન્ય અભ્યાસ જેવી જ શ્રેણીમાં રાખવામાં આવે છે. અગાઉ રમતગમતને અભ્યાસેતર પ્રવૃત્તિઓ તરીકે માનવામાં આવતી હતી, પરંતુ હવે સ્પોર્ટ્સ શાળાઓમાં તે યોગ્ય વિષય તરીકે રહેશે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, રમતો, રમતગમત વ્યવસ્થાપન, રમતગમત લેખન, રમતગમત મનોવિજ્ઞાન વગેરેને સમાવતી સ્પોર્ટિંગ ઇકો-સિસ્ટમ નવી સંભાવનાઓનું સર્જન કરે છે. તેમણે કહ્યું હતું કે, આના કારણે સમાજમાં વિશ્વાસ બેસી રહ્યો છે કે, રમત ક્ષેત્રની દિશામાં આગળ વધવું એ સાચો નિર્ણય છે. તેમણે ઉમેર્યું હતું કે, સંસાધનોની મદદથી, રમતગમતની સંસ્કૃતિ આકાર લે છે અને સ્પોર્ટ્સ યુનિવર્સિટી આમાં ખૂબ જ મોટી ભૂમિકા નિભાવશે. મેરઠમાં રમતગમતની સંસ્કૃતિ વિશે વાત કરતા પ્રધાનમંત્રીએ ટાંક્યું હતું કે, આ શહેર 100 કરતાં વધારે દેશોમાં રમતને લગતા માલસામાનની નિકાસ કરે છે. આ પ્રકારે, મેરઠ માત્ર વોકલ ફોર લોકલ નથી પરંતુ તે લોકલને ગ્લોબલમાં પરિવર્તિત કરવાનું પણ કામ કરે છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક કહ્યું હતું કે, ભરતી રહેલા રમતગમતના ક્લસ્ટરની મદદથી આ ક્ષેત્રમાં ભારતને આત્મનિર્ભર બનાવવું જરૂરી છે.

પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે, ઉત્તરપ્રદેશમાં ડબલ એન્જિનની સરકાર સંખ્યાબંધ યુનિવર્સિટીઓની સ્થાપના કરી રહી છે. તેમણે ગોરખપુરમાં મહાયોગી ગુરુ ગોરખનાથ આયુષ યુનિવર્સિટી, પ્રયાગરાજમાં ડૉ. રાજેન્દ્ર પ્રસાદ લૉ યુનિવર્સિટી, લખનઉમાં સ્ટેટ ઇન્સ્ટિટ્યુટ ઓફ ફોરેન્સિક સાયન્સ, અલીગઢમાં રાજા મહેન્દ્ર પ્રતાપસિંહ સ્ટેટ યુનિવર્સિટી, સહારનપુરમાં મા શાકુંબરી યુનિવર્સિટી અને મેરઠમાં મેજર ધ્યાનચંદ યુનિવર્સિટી વગેરેનો ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, અમારું લક્ષ્ય સ્પષ્ટ છે. યુવાનોએ માત્ર રોલ મોડલ બનવું જોઈએ નહીં પરંતુ તેમના રોલ મોડલને ઓળખવા પણ જોઈએ.

પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, સ્વામીત્વ યોજના હેઠળ 75 જિલ્લામાં 23 લાખ કરતા વધારે મકાનોના હક પત્ર (ઘરૌની) આપવામાં આવ્યા છે. રાજ્યના ખેડૂતોને પ્રધાનમત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ તેમના બેંક ખાતાઓમાં કરોડો રૂપિયા પ્રાપ્ત થયા છે. શેરડીના ખેડૂતોને વિક્રમી પ્રમાણમાં કરવામાં આવેલી ચુકવણી દ્વારા પણ રાજ્યના ખેડૂતોને લાભ મળ્યો છે. પ્રધાનમંત્રીએ વધુમાં માહિતી આપતા કહ્યું હતું કે, એવી જ રીતે ઉત્તરપ્રદેશમાંથી રૂપિયા 12 હજાર કરોડની કિંમતના ઇથેનોલની પણ ખરીદી કરવામાં આવી છે.

પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, સરકારની ભૂમિકા પાલક જેવી હોય છે. સરકારે જેમનામાં પાત્રતા હોય તેમને પ્રોત્સાહન આપવું જોઇએ અને ભૂલોને યુવાનોમાં રહેલી ખામીઓ તરીકે ન ગણાવવી જોઇએ. પ્રધાનમંત્રીએ ઉત્તરપ્રદેશની વર્તમાન સરકારે વિક્રમી સંખ્યામાં યુવાનોને નોકરીઓ આપી તે બદલ તમને અભિનંદન પાઠવ્યા હતા. ITI માંથી તાલીમ મેળવનારા હજારો યુવાનોને મોટી કંપનીઓમાં પણ રોજગારી પ્રાપ્ત થઇ છે. તેમણે ઉમેર્યું હતું કે, લાખો યુવાનોને રાષ્ટ્રીય એપ્રેન્ટિસશીપ યોજના અને પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાથી ફાયદો થયો છે. મેરઠ ગંગા એક્સપ્રેસ-વે, રિજનલ રેપિડ રેલ ટ્રાન્ઝિટ સિસ્ટમ અને મેટ્રોની મદદથી કનેક્ટિવિટીનું પણ હબ બની રહ્યું છે.

SD/GP/JD



(Release ID: 1786967) Visitor Counter : 294