પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં હિમાચલ પ્રદેશ વૈશ્વિક રોકાણકાર સંમેલનની બીજી ગ્રાઉન્ડ બ્રેકિંગ સેરેમની યોજાઇ


પ્રધાનમંત્રીએ હિમાચલ પ્રદેશના મંડીમાં રૂપિયા 11,000 કરોડ કરતાં વધારે મૂલ્યની જળવિદ્યુત પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો

“આજે શરૂ કરવામાં આવેલી જળવિદ્યુત પરિયોજનાઓ ભારતની ઇકો-ફ્રેન્ડલી વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરશે”

“2016માં, ભારતે 2030 સુધીમાં પોતાની કુલ વિદ્યુત ક્ષમતામાંથી 40 ટકા સ્થાપિત ક્ષમતા બિન-અશ્મિગત ઊર્જા સ્રોતોમાંથી ઉભી કરવાનું લક્ષ્ય નક્કી કર્યુ હતું. ભારતે આ વર્ષે નવેમ્બર મહિનામાં જ પોતાનું આ લક્ષ્ય પ્રાપ્ત કરી લીધું છે”

“પ્લાસ્ટિક બધે જ ફેલાયેલું છે, નદીઓમાં પ્લાસ્ટિક ઠલવાય છે, હિમાચલને આના કારણે થતું નુકસાન રોકવા માટે આપણે સૌએ સાથે મળીને પ્રયાસ કરવાના છે”

“જો ભારતને આજે ફાર્મસી ઓફ વર્લ્ડ તરીકે ઓળખવામાં આવે છે તો, હિમાચલ તેનું પીઠબળ છે”

“કોરોના વૈશ્વિક મહામારી દરમિયાન હિમાચલ પ્રદેશે માત્ર અન્ય રાજ્યોને મદદ જ નથી કરી પરંતુ અન્ય દેશો સુધી પણ મદદ પહોંચાડી છે”

“વિલંબ કરવાની વિચારધારાએ હિમાચલના લોકોને દાયકાઓ સુધી પ્રતિક્ષા કરાવી છે. આના કારણે, અહીં પરિયોજનાઓમાં કેટલાય વર્ષોનો વિલંબ થઇ ગયો છે”

15-18 વર્ષના વયજૂથના યુવાનોને રસી આપવામ

Posted On: 27 DEC 2021 2:39PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે હિમાચલ પ્રદેશના મંડી ખાતે હિમાચલ પ્રદેશ વૈશ્વિક રોકાણકારોના સંમેલનની બીજી ગ્રાઉન્ડ બ્રેકિંગ સેરેમની યોજાઇ હતી. આ સંમેલનથી આ પ્રદેશમાં અંદાજે રૂપિયા 28,000 કરોડના મૂલ્યની વિવિધ પરિયોજનાઓ દ્વારા રોકાણને વેગ મળશે તેવી અપેક્ષા છે. તેમણે આ દરમિયાન, રૂપિયા 11,000 કરોડના મૂલ્યની વિવિધ જળવિદ્યુત પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કર્યો હતો. આમાંથી કેટલીક પરિયોજનાઓમાં રેણુકાજી ડેમ પરિયોજના, લુહરી સ્ટેજ – 1 જળવિદ્યુત પરિયોજના અને ધૌલસીધ જળવિદ્યુત પરિયોજનાનો સમાવેશ થાય છે. તેમણે અહીં સ્વરા- કુડ્ડુ જળવિદ્યુત પરિયોજનાનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. આ પ્રસંગે હિમાચલ પ્રદેશના રાજ્યપાલ શ્રી રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકર, હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી શ્રી જય રામ ઠાકુર, કેન્દ્રીય મંત્રી શ્રી અનુરાગસિંહ ઠાકુર અને અન્ય મહાનુભાવોએ હાજરી આપી હતી.

આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ હિમાચલ પ્રદેશ સાથેના લાગણીના જોડાણને યાદ કર્યું હતું અને કહ્યું હતું કે, આ રાજ્ય અને તેની ગિરિમાળાઓએ તેમના જીવનમાં ઘણી મોટી ભૂમિકા નિભાવી છે. તેમણે હિમાચલ પ્રદેશમાં ડબલ એન્જિનની સરકારના ચાર વર્ષ પૂર્ણ થવા બદલ રાજ્યના લોકોને અભિનંદન પણ પાઠવ્યા હતા. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ ચાર વર્ષમાં રાજ્યએ મહામારીનો સામનો કર્યો છે અને વિકાસના નવા શિખરો પણ સર કર્યા છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “જય રામજી અને તેમની ખંતીલી ટીમે હિમાચલ પ્રદેશના લોકોના સપનાં સાકાર કરવામાં કોઇ જ કચાશ રાખી નથી.”

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દેશના લોકો માટે ‘ઇઝ ઓફ લિવિંગ’ એ સૌથી પાયાના સ્તરની પ્રાથમિકતાઓમાંથી એક છે અને વીજળી આમાં ખૂબ જ મોટી ભૂમિકા નિભાવે છે. આજે શરૂ કરવામાં આવેલી જળવિદ્યુત પરિયોજનાઓ ઇકો-ફ્રેન્ડલી વિકાસ પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, “જ્યારે ગિરિ નદી પર શ્રી રેણુકાજી ડેમ પરિયોજનાનું કામ પૂરું થઇ ગયું છે ત્યારે, ઘણા મોટા વિસ્તારને તેનાથી લાભ થશે. આ પરિયોજનામાંથી જે પણ આવક ઉભી થશે, તેમાંથી ઘણો મોટો હિસ્સો અહીંના વિકાસ કાર્યો માટે ખર્ચ કરવામાં આવશે.”

પ્રધાનમંત્રીએ નવા ભારતમાં બદલાયેલી કાર્યશૈલી વિશે ભારપૂર્વક જણાવ્યું હતું. તેમણે જે ગતિએ ભારત પર્યાવરણ સંબંધિત પોતે નક્કી કરેલા લક્ષ્યોને પ્રાપ્ત કરી રહ્યું છે તેના વિશે વાત કરી હતી. પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે, “2016માં, ભારતે 2030 સુધીમાં પોતાની કુલ વિદ્યુત ક્ષમતામાંથી 40 ટકા સ્થાપિત ક્ષમતા બિન-અશ્મિગત ઊર્જા સ્રોતોમાંથી ઊભી કરવાનું લક્ષ્ય નક્કી કર્યુ હતું. આજે દરેક ભારતીયને આ વાતનું ગૌરવ છે કે, ભારતે આ વર્ષે નવેમ્બર મહિનામાં જ પોતાનું આ લક્ષ્ય પ્રાપ્ત કરી લીધું છે.” પ્રધાનમંત્રીએ પોતાની વાતને આગળ વધારતા માહિતી આપી હતી કે, “આપણો દેશ પર્યાવરણનું રક્ષણ કરીને જે રીતે વિકાસની દિશામાં હરણફાળ ભરી રહ્યો છે તે જોઇને આખી દુનિયા આપણા દેશની પ્રશંસા કરી રહી છે. સૌર ઊર્જાથી માંડીને જળવિદ્યુત ઊર્જા, પવન ઊર્જાથી માંડીને ગ્રીન હાઇડ્રોજન ઊર્જા પર દેશ એકધારો કામ કરી રહ્યો છે જેથી અક્ષય ઊર્જાના સંસાધનોનો પૂરેપૂરો ઉપયોગ કરી શકાય.”

સિંગલ યુઝ પ્લાસ્ટિકની નાબૂદીની પોતાની થીમ પર પાછા આવતા પ્રધાનમંત્રીએ આના વિશે ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, પ્લાસ્ટિકના કારણે પર્વતોને જે નુકસાન થઇ રહ્યું છે તે અંગે સરકાર સતર્ક છે. સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે રાષ્ટ્રવ્યાપી અભિયાન શરૂ કરવાની સાથે સાથે, સરકારે સરકાર પ્લાસ્ટિકના કચરાના વ્યવસ્થાપનની દિશામાં પણ કામ કરી રહી છે. લોકોની વર્તણુકમાં ફેરફાર કરવાની જરૂરિયાતને સ્પર્શીને શ્રી મોદીએ જણાવ્યું હતું કે, “હિમાચલને સ્વચ્છ રાખવાની, પ્લાસ્ટિક અને અન્ય કચરાથી મુક્ત રાખવાની મોટી જવાબદારી પર્યટકોની પણ છે. અત્યારે પ્લાસ્ટિક સાર્વત્રિક રીતે ફેલાઇ ગયું છે, નદીઓમાં પ્લાસ્ટિક ઠલવાઇ રહ્યું છે, હિમાચલને આના કારણે થઇ રહેલું નુકસાન રોકવા માટે આપણે સૌએ સાથે મળીને પ્રયાસો કરવાના છે.”

પ્રધાનમંત્રીએ હિમાચલ પ્રદેશમાં ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં થયેલા વિકાસની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, “જો ભારતને આજે ફાર્મસી ઓફ વર્લ્ડ તરીકે ઓળખવામાં આવે છે, તો હિમાચલ પ્રદેશ તેનું પીઠબળ છે. કોરોના વૈશ્વિક મહામારી દરમિયાન હિમાચલ પ્રદેશે માત્ર અન્ય રાજ્યોને મદદ જ નથી કરી પરંતુ અન્ય દેશો સુધી પણ મદદ પહોંચાડી છે.” 

રાજ્યની નજરમાં આવી જાય એવી કામગીરીનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “પુખ્ત ઉંમરની તમામ વસતીને રસી આપવા મામલે હિમાચલ પ્રદેશ અન્ય રાજ્યોની સરખામણીએ ઘણું ઝળકી રહ્યું છે. જેઓ અહીં સરકારમાં આરૂઢ છે તેઓ, માત્ર રાજકીય સ્વાર્થથી પ્રભાવિત નથી પરંતુ તેમણે કેવી રીતે હિમાચલ પ્રદેશના પ્રત્યેક નાગરિક રસી મેળવી શકે તેના પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.”

પ્રધાનમંત્રીએ તાજેતરમાં છોકરીઓની લગ્નની લઘુતમ ઉંમરમાં ફેરફાર કરવા અંગેના સરકારના નિર્ણયનો પુનરુચ્ચાર કર્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “અમે નક્કી કર્યું છે કે, દીકરાઓના લગ્ન માટે જે લઘુતમ ઉંમર નક્કી કરવામાં આવી છે એ જ ઉંમર દીકરીઓના લગ્ન માટે પણ નક્કી કરવામાં આવે. દીકરીઓના લગ્નની લઘુતમ ઉંમર 21 વર્ષ કરવાથી તેઓ પૂર્ણ સમયમાં અભ્યાસ પ્રાપ્ત કરી શકશે અને પોતાની કારકિર્દી ઘડી શકશે.”

પ્રધાનમંત્રીએ રસીકરણ માટે નવી નક્કી કરવામાં આવેલી શ્રેણીઓ વિશે તાજેતરમાં કરવામાં આવેલી ઘોષણાઓ વિશે પણ વાત કરી. તેમણે કહ્યું હતું કે, સરકાર દરેક જરૂરિયાતને ધ્યાનમાં રાખીને અત્યંત સંવેદનશીલતા અને સાવધાનીપૂર્વક કામ કરી રહી છે. સરકારે હવે નિર્ણય લીધો છે કે, આગામી 3 જાન્યુઆરી 2022થી 15 થી 18 વર્ષની ઉંમરના બાળકોને પણ રસી આપવામાં આવશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કે આપણા સ્વાસ્થ્ય ક્ષેત્રના લોકો, અગ્ર હરોળમાં કામ કરી રહેલા કર્મચારીઓ, છેલ્લા બે વર્ષથી કોરોના સામેની જંગમાં દેશની તાકાત બનીને ઉભા છે. તેમને તકેદારીના ડોઝ આપવાનું કામ પણ 10 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવશે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, આ ઉપરાંત પહેલાંથી જ સહ-બીમારી ધરાવતા હોય તેવા 60 વર્ષથી વધુ ઉંમરના વડીલોને પણ ડૉકટરોની સલાહ અનુસાર તકેદારીનો ડોઝ આપવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે.

પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે, સરકાર ‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ’ મંત્ર સાથે કામ કરવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું હતું કે, “દરેક દેશની અલગ વિચારધારા હોય છે પરંતુ, આજે આપણા દેશના લોકો સ્પષ્ટરૂપે બે પ્રકારની વિચારધારા જોઇ રહ્યા છે. એક વિચારધારા છે વિલંબ કરવાની અને બીજી છે વિકાસ કરવાની. જેઓ વિલંબ કરવાની વિચારધારા ધરાવે છે તેમણે ક્યારેય પર્વતીય વિસ્તારોમાં વસતા લોકોની કાળજી લીધી જ નહોતી.” પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, વિલંબ કરવાની વિચારધારાના કારણે હિમાચલ પ્રદેશના લોકોને કાયદાઓ સુધી પ્રતિક્ષા કરવી પડી છે. આના કારણે, અટલ ટનલના કામમાં કેટલાય વર્ષોનો વિલંબ થઇ ગયો હતો. રેણુકા પરિયોજના પણ ત્રણ દાયકાથી વિલંબમાં પડી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, વર્તમાન સરકારની પ્રતિબદ્ધતા માત્ર વિકાસ માટે જ છે. તેમણે કહ્યું હતું કે, અટલ ટનલનું કામ પૂરું કરી દેવામાં આવ્યું છે અને ચંદીગઢથી મનાલી અને સિમલા સુધીનો માર્ગ પહોળો કરવાનું કામ પણ કરવામાં આવ્યું છે. 
હિમાચલ પ્રદેશ સંખ્યાબંધ સંરક્ષણ કર્મીઓનું ગૃહ રાજ્ય છે. પ્રધાનમંત્રીએ સંરક્ષણ કર્મીઓ અને સેવા નિવૃત્ત સંરક્ષણ કર્મીઓના કલ્યાણ માટે સરકાર દ્વારા લેવામાં આવેલા વિવિધ પગલાંઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે પોતાની વાતનું સમાપન કરતા કહ્યું હતું કે, “હિમાચલ પ્રદેશમાં દરેક ઘરમાં, દેશની સુરક્ષા માટે તૈનાત બહાદુર દીકરાઓ અને દીકરીઓ છે. છેલ્લા સાત વર્ષમાં દેશની સુરક્ષા માટે અમારી સરકાર દ્વારા જે કામ કરવામાં આવ્યું છે, સૈનિકો, નિવૃત્ત સૈનિકો માટે જે નિર્ણયો લેવામાં આવ્યા છે તેનાથી હિમાચલના લોકોને પણ અત્યંત ફાયદો થયો છે.” 


SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1785540) Visitor Counter : 282