પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી 13 ડિસેમ્બરે વારાણસીની મુલાકાત લેશે અને શ્રી કાશી વિશ્વનાથ ધામનું ઉદ્દઘાટન કરશે


આ પ્રોજેક્ટથી શ્રી કાશી વિશ્વનાથ મંદિરને ગંગા નદીના કાંઠા સાથે જોડતા પાથવેનું નિર્માણ કરવાનું પ્રધાનમંત્રીનું વિઝન સાકાર થશે

આ પ્રોજેક્ટ પાંચ લાખ ચો.ફૂટના જંગી વિસ્તારમાં પથરાયેલો છે. અગાઉ સંકુલ માત્ર 3000 ચો.ફૂટ પૂરતું મર્યાદિત હતું

30 નવા બિલ્ડીંગનું નિર્માણ કરવામાં આવ્યું છે, જે યાત્રીઓ અને ભક્તોને વિવિધ સગવડો પૂરી પાડશે

300થી વધુ અસ્કયામતો હસ્તગત કરવાની કામગીરી સુમેળપૂર્વક પૂર્ણ કરીને તથા આ યોજના માટે પ્રેરકબળ બનીને પ્રધાનમંત્રીએ આ યોજનાને કાનૂની વિવાદથી મુક્ત રાખીને બધાંને સાથે રાખીને પોતાનું આ વિઝન સાકાર કર્યુ છે

40થી વધુ પ્રાચીન મંદિરો શોધી કાઢીને તથા તેમનું સૌંદર્યીકરણ કરીને પુનઃસ્થાપન કરવામાં આવ્યું છે

Posted On: 12 DEC 2021 3:28PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી તા.13 અને 14 ડિસેમ્બરના રોજ વારાણસીની મુલાકાત લેશે. તા.13 ડિસેમ્બરના રોજ 1 વાગ્યા આસપાસ પ્રધાનમંત્રી શ્રી કાશી વિશ્વનાથ મંદિરની મુલાકાત લેશે અને ત્યાં દર્શન કરશે. ત્યારબાદ તે રૂ.339 કરોડના ખર્ચે નિર્માણ પામેલા શ્રી કાશી વિશ્વનાથ ધામના પ્રથમ તબક્કાનું ઉદ્દઘાટન કરશે.

બાબા વિશ્વનાથના યાત્રાળુઓ અને ભક્તો માટે સુવિધા તૈયાર કરવાનું પ્રધાનમંત્રીનું ઘણાં સમય પહેલાંનું વિઝન હતું. આ કામગીરી પૂર્ણ કરવા માટે સાંકડી ગલીઓ અને ઓછી માવજત થતી હોય તેવા આસપાસના વિસ્તારો નડતરરૂપ હતા. અગાઉ પવિત્ર ગંગા નદીમાં ડૂબકી મારીને ત્યાંથી ગંગાજળ લાવીને મંદિરમાં અર્પણ કરવાની વર્ષો જૂની પ્રથા હતી. કાશી વિશ્વનાથ ધામનું વિઝન સાકાર કરવા માટે આ પ્રોજેક્ટનો કન્સેપ્ટ નક્કી કરીને કાશી વિશ્વનાથ મંદિરને ગંગા નદી સાથે જોડતો અને ત્યાં સરળતાથી પહોંચી શકાય તેવો માર્ગ તૈયાર કરવામાં આવ્યો છે. આ પવિત્ર કામગીરીનો પાયો નાંખવાની અને પ્રોજેક્ટનો પ્રારંભ  કરવા માટે  શિલારોપણ વિધિ પ્રધાનમંત્રીએ તા.8 માર્ચ, 2019ના રોજ કરી હતી.

પ્રધાનમંત્રીએ આ પ્રોજેક્ટના દરેક તબક્કે ઊંડો રસ દાખવ્યો હતો અને નિયમિતપણે યોજનાની પ્રગતિ અંગે માહિતી મેળવતા રહીને તેઓ જાતે યોજનાની સમીક્ષા કરતા રહ્યા હતા અને સતત માર્ગદર્શન પૂરૂં પાડી  સમજપૂર્વક પ્રોજેક્ટ સુધારવાની કામગીરી કરતા રહીને તેમણે આ પ્રોજેક્ટને દિવ્યાંગો સહિતના યાત્રાળુઓ માટે ખૂબ જ સુગમ બનાવ્યો છે. આ પ્રોજેક્ટની ડિઝાઈન એ રીતે તૈયાર કરવામાં આવી છે કે જેથી દિવ્યાંગો અને મોટી ઉંમરના લોકો માટે તેમાં રેમ્પસ, એસ્કેલેટર્સ અને અન્ય આધુનિક સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં કુલ 23 બિલ્ડિંગનું ઉદ્દઘાટન કરવામાં આવશે અને ત્યાં શ્રી કાશી વિશ્વનાથ મંદિરની મુલાકાત લેનાર યાત્રાળુઓને યાત્રી સુવિધા કેન્દ્રો, ટુરિસ્ટ ફેસિલીટેશન સેન્ટર્સ, વેદિક કેન્દ્ર, મુમુક્ષુ ભવન, ભોગ શાળા, સિટી મ્યુઝિયમ, વ્યૂઈંગ ગેલેરી, ફૂડ કોર્ટ તથા અન્ય પ્રકારની વિવિધ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.

આ પ્રોજેક્ટમાં શ્રી કાશી વિશ્વનાથ મંદિરની નજીક આવેલી 300થી વધુ અસ્કયામતો ખરીદીને તેને હસ્તગત કરવાનો સમાવેશ થતો હતો. પ્રધાનમંત્રીએ બધાંને સાથે રાખીને એકબીજા સાથે વાટાઘાટો કરાવી  હસ્તાંતરણની કામગીરી પૂર્ણ કરાવી છે. આ પ્રયાસમાં આશરે 1400થી વધુ દુકાનદારો, ભાડુઆતો અને મકાન માલિકોના પુનઃવસનની કામગીરી સુમેળપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. આ મંદિર પ્રોજેક્ટના વિકાસ સંબંધે હસ્તાંતરણ અને પુનઃવસન બાબતે કોઈપણ અદાલતમાં કોઈ વિવાદ પડતર નથી તે આ પ્રોજેક્ટની સફળતાનું ઉદાહરણ છે. પ્રધાનમંત્રીના વિઝનમાં પ્રોજેક્ટના વિકાસ દરમ્યાન તમામ હેરિટેજ સ્ટ્રક્ચરની જાળવણી કરવાની પણ ખાત્રી રાખવામાં આવી હતી. જૂની અસ્કયામતો ખસેડવાની કામગીરીની પ્રક્રિયા  દરમ્યાન 40થી વધુ પૌરાણિક મંદિરો શોધી શકાયા છે. આ મંદિરોની પુનઃસ્થાપના કરીને મૂળ માળખામાં કોઈ ફેરફાર થાય નહી તે રીતે તેને સુંદર બનાવવામાં આવ્યા છે.

આ પ્રોજેકટનો વ્યાપ એટલો વિશાળ છે કે પ્રોજેક્ટ હવે આશરે 5 લાખ ચો.ફૂટના જંગી વિસ્તારમાં પથરાયેલો છે. અગાઉનું સંકુલ માત્ર 3000 ચો.ફૂટ પૂરતું જ મર્યાદિત હતું. કોવિડ મહામારી હોવા છતાં આ પ્રોજેક્ટની કામગીરી નિર્ધારિત સમય મર્યાદામાં આયોજન મુજબ પૂર્ણ કરવામાં આવી છે.

વારાણસીની મુલાકાત દરમ્યાન પ્રધાનમંત્રી આશરે બપોરે 12 કલાકે કાલ ભૈરવ મંદિરની પણ મુલાકાત લેશે અને 13 ડિસેમ્બરના રોજ સાંજના 6 કલાકે રો-રો જહાજમાં બેસીને ગંગા આરતીમાં પણ સામેલ થશે. વારાણસીમાં તા.14 ડિસેમ્બરના રોજ બપોરના 3-30 કલાકે પ્રધાનમંત્રી સદ્દગુરૂ સદા ફલદેવ વિહંગમ યોગ સંસ્થાનની, સ્વરવેદ મહામંદિર ખાતે મુલાકાત લેશે. બે દિવસની તેમની મુલાકાત દરમ્યાન પ્રધાનમંત્રી આસામ, અરૂણાચલ પ્રદેશ, ગોવા, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, મણિપુર, ત્રિપૂરા, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના મુખ્યમંત્રીઓ અને બિહાર અને નાગાલેન્ડના નાયબ મુખ્યમંત્રીઓની કોન્કલેવમાં પણ સામેલ થશે.

આ કોન્કલેવ સરકારી યોજનાઓની ઉત્તમ પ્રણાલિઓને પ્રધાનમંત્રીના વિઝન અનુસાર ટીમ ઈન્ડિયાની ભાવના સાથે આગળ ધપાવવા માટેની માહિતીનું આદાન-પ્રદાન કરવાની તક પૂરી પાડશે.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    


(Release ID: 1780695) Visitor Counter : 310