ઇલેક્ટ્રોનિક્સ તથા સૂચના પ્રોદ્યોગિકી મંત્રી
આઝાદી કા ડિજિટલ મહોત્સવ
ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે “સરકારી શાળાઓ માટેના રાષ્ટ્રીય કાર્યક્રમ: જવાબદાર એઆઇ ફોર યુથ” હેઠળ 20 AI પ્રોજેક્ટ્સને સન્માનિત કર્યા
શ્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા નવીનીકરણને મહત્તમ કરવા માટેના બીએસએફ હાઇ ટેક સાહસોના સ્ટાર્ટ અપ્સને પણ સન્માનિત કરાયા
Posted On:
02 DEC 2021 12:57PM by PIB Ahmedabad
29 નવેમ્બરથી 5 ડિસેમ્બર 2021 દરમ્યાન આઝાદી કા ડિજિટલ મહોત્સવની ઉજવણી ચાલુ રાખતા કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી, રેલવે અને દૂરસંચાર મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે સરકારી શાળાઓ માટેના એક રાષ્ટ્રીય કાર્યક્રમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) (માનવસર્જિત બુદ્ધિ) ફોર યુથનો ઉપયોગ કરીને વિવિધ સામાજિક અને આર્થિક સમસ્યાઓનો ઉકેલ પૂરાં પાડતાં 20 પ્રોજેક્ટ્સને સન્માનિત કર્યા હતા.
તેમણે ભૂમિ (બીએસએફ હાઇ ટેક અંડરટેકિંગ ફોર મેક્સિમાઈઝિંગ ઈનોવેશન) ચૅલેન્જ હેઠળ સ્ટાર્ટ અપ્સને પણ પુરસ્કાર એનાયત કર્યા હતા જેમણે બીએસએફ દ્વારા સામનો કરાતી વિભિન્ન સમસ્યાઓનો સફળ અસરકારક ઉકેલ શોધ્યો હતો.
‘નેશનલ પ્રોગ્રામ ફોર ગવર્મેન્ટ સ્કૂલ્સ: રિસ્પોન્સિબલ એઆઇ ફોર યુથ’ અને ભૂમિ ચેલેન્જના સ્ટાર્ટ અપ્સને સન્માનિત કરવાના પુરસ્કાર વિતરણ સમારોહમાં ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયના સચિવ શ્રી અજય સાહની; દિલ્હીના પોલીસ કમિશનર શ્રી રાકેશ અસ્થાના; ઇન્ટેલ ઈન્ડિયાનાં કન્ટ્રી હેડ અને ઇન્ટેલ ફાઉન્ડ્રી સર્વિસીઝનાં વાઇસ પ્રેસિડેન્ટ સુશ્રી નિવૃતિ રાય; એનઈજીડીના પ્રેસિડેન્ટ અને સીઈઓ શ્રી અભિષેક સિંહ; અને ઈલેક્ટ્રોનિક્સ તેમજ માહિતી ટેકનોલોજી મંત્રાલયના સંયુક્ત સચિવ શ્રી ભુવનેશકુમાર પણ ઉપસ્થિત રહ્યા હતા.
યુવાઓ એઆઇ માટે સજ્જ બને અને કૌશલ્યનો તફાવત ઘટે એ માટે યુવાઓને સશક્ત કરવા ભારત સરકારના ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય અને ઇન્ટેલ ઈન્ડિયા દ્વારા 2020માં ‘નેશનલ પ્રોગ્રામ ફોર ગવર્મેન્ટ સ્કૂલ્સ: રિસ્પોન્સિબલ એઆઇ ફોર યુથ’ શરૂ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો ઉદ્દેશ યુવા વિદ્યાર્થીઓને પ્લેટફોર્મ પૂરું પાડવા અને યોગ્ય એવી નવા યુગની ટેકનોલોજીની માનસિકતા, પ્રસ્તુત કુશળતા સાથે સશક્ત કરવા અને ભવિષ્ય માટે એમને ડિજિટલી તૈયાર કરવા માટે જરૂરી ટૂલ-સેટ્સ સુલભ કરવાનો હતો.
આ કાર્યક્રમ ત્રણ તબક્કામાં આયોજિત થયો હતો. પહેલા તબક્કે,. 35 રાજ્યો અને 5724 શહેરો અને નગરોમાં સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ સુધી કાર્યક્રમ પહોંચાડાયો. 52000થી વધુ નોંધાયેલા વિદ્યાર્થીઓમાંથી 11,466 વિદ્યાર્થીઓએ એઆઇની તાલીમ પૂર્ણ કરી.
બીજા તબક્કામાં, ટોચના 100 આઇડિઆ શોર્ટ લિસ્ટ કરવામાં આવ્યા. 25 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારી શાળાઓ, કેન્દ્ર સરકારના કેન્દ્રીય વિદ્યાલયો, સરકારી અનુદાનથી ચાલતી શાળાઓ અને નવોદય વિદ્યાલયોના 125 વિદ્યાર્થીઓ દ્વારા આ 100 આઇડિઆઝ રજૂ કરાયા એમાં 67 કન્યાઓ અને 58 કિશોર વિદ્યાર્થીઓ હતા.
વિદ્યાર્થીઓ પાયાના એઆઇ વિચારો, ડોમેઇન્સ, પ્રોગ્રામિંગની ભાષાઓની ઓળખ, ડેટા માળખું અને પ્રોજેક્ટ હિંદી અને અંગ્રેજી બેઉમાં હાથ ધરાયેલા બૅચીઝમાં શીખ્યા હતા. આ ઉપરાંત, તાલીમનું પહેલું લેવલ પૂર્ણ કરનારા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર, આદરણીય પ્રધાનમંત્રી, આદરણીય ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રીનો સંદેશ એનાયત કરવામાં આવ્યા અને ઇન્ટરનેટ સુવિધા સાથે તેમને એમની એઆઇ યાત્રા આગળ વધારવા સમર્થ પણ બનાવાયા.
ત્રીજા તબક્કામાં, શૉર્ટ લિસ્ટેડ કરાયેલા 60 આઇડિઆઝને વર્ચ્યુઅલ નિદર્શન અને મૂલ્યાંકન માટે આમંત્રિત કરવામાં આવ્યા અને 27 વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા ટોચના 20 પ્રોજેક્ટ્સને વિજેતાઓ તરીકે શૉર્ટ લિસ્ટ કરવામાં આવ્યા હતા.
આ શૉર્ટ લિસ્ટ કરવામાં આવેલા પ્રોજેક્ટ્સ છે: ધી એઆઇ વૅસ્ટ ક્લાસિફાયર, આયુર્ટેક બેન્ડ, દર્દીઓના નિદાન માટે આરોગ્યસંભાળમાં એઆઇ આઇડિઆ, જે તે સમયે ખેડૂતો શ્રેષ્ઠ લણણી કરી શકે એવા પાકની ઓળખ કરવા ખેડૂતો માટે એપ ઑફ ગ્રોથ, સેરિબ્રલ પાલ્સી શોધક આધારિત કમ્પ્યૂટર વિઝન દિવ્યાંગ રોશની, વર્ચ્યુઅલ આસિસ્ટન્સ કમ પેરેન્ટલ ગાઇડન્સ, ટ્રી થિનિંગ સ્કેનર, ધરા વિશ્લેષણ અને પાકની ભલામણ કરતી ટેકનોલોજી ‘મિટ્ટી કો જાનો, ફસલ પહેચાનો’, આર્ટિફિશલ ઈન્ટેલિજન્સ ઇઝ અ બૂન ફોર હૅલ્થકેર, હેલ્પર ઑફ વિઝ્યુઅલી ચૅલેન્જ્ડ, વિદ્યાર્થીઓને જાગૃત રાખતી અથવા સુસ્તી શોધતી, આત્મનિર્ભર ઍથ્લીટ માટે ઍથ્લીટેક્સ, સ્માર્ટ આઈ, બૉડી ટ્રેકર, એપ ફોર હિઅરિંગ ઈમ્પેર્ડ, વીડ અને ક્રોપ ડિટેક્શન સિસ્ટમ, લાઇફ સેવર અને ડૉક્ટર્સ હૅલ્પર.
આ 20 પ્રોજેક્ટ્સમાંથી, પ્રદર્શન સ્ટૉલ્સ ખાતે ઉત્તરાખંડના ફાટા, રુદ્રપ્રયાગની સરકારી ઇન્ટર કૉલેજ નાં મનિષા રામોલા દ્વારા રજૂ કરાયેલી એઆઇ મોડેલ આધારિત મોબાઇલ એપ મેડિસિનલ લીફ મુખ્ય આકર્ષણોમાંની એક બની હતી. એમની એપ્લિકેશન માત્ર એક જ તસવીર સાથે ઔષધીય પાંદડા અને વનસ્પતિ અંગે ઉંડાણપૂર્વકની માહિતી પૂરી પાડે છે. આ મોડેલ દૂરના વિસ્તારોમાં રહેતા લોકોને એમની આસપાસનાં વૃક્ષો અને વનસ્પતિઓનાં ઔષધીય લાભો સમજવામાં અને એમની સુખાકારી માટે એનો ઉપયોગ કરવામાં મદદ કરશે.
અરૂણાચલ પ્રદેશના આર્ય પેંગિંગ દ્વારા અન્ય એક પ્રોજેક્ટ રસ્તાની રિઅલ ટાઇમ સ્થિતિ શોધવા માટે આર્ટિફિશલ ઇન્ટેલિજન્સ ટૂલનો ઉપયોગ કરે છે અને માર્ગ અકસ્માતોની સંભાવનાને ઓછી કરે છે. આ કમ્પ્યૂટર વિઝન આધારિત ટેકનોલોજી બંધ થઈ ગયેલા રસ્તાઓ વિશે એલર્ટ મોકલવા, જોખમનું મૂલ્યાંકન કરવા અને ચાલકોને અન્ય માર્ગોનું માર્ગદર્શન આપવા ઉપયોગમાં લઈ શકાય છે.
રાજસ્થાનના ઇંદ્રપુરાથી મોહિત ટેલર અને સોનિયા મિશ્રાએ ‘સ્કેરક્રો’ નામનું એક સ્માર્ટ એઆઇ મોડેલ વિક્સાવ્યું હતું જે પાક કે ઉપજનું નુક્સાન અટકાવવા ખેતરમાં પ્રાણીઓ કે પક્ષીઓને શોધી શકે છે અને એમને ભયભીત કરવા મોટો અવાજ વગાડે છે.
વિજેતાઓને સન્માનિત કરતા ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી, રેલવે અને દૂરસંચાર મંત્રી શ્રી અશ્વિની વૈષણવે કહ્યું કે ભાવિ કાર્યદળને નવા જમાનાની આવડતથી પ્રાવીણ્ય કરવાનું અતિ આવશ્યક છે જેથી સમાવેશી આર્થિક વિકાસ અને સામાજિક વિકાસ સુનિશ્ચિત થઈ શકે, મંત્રીશ્રીએ આર્ટિફિશલ ઇન્ટેલિજન્સ દ્વારા ચાલિત ભવિષ્ય માટે આગામી પેઢીને તૈયાર કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયના સચિવ શ્રી અજય સાહનીએ ટિપ્પણી કરી હતી કે, “મને ખરેખર ખુશી છે કે આ વખતે આપણે રિસ્પોન્સિબલ એઆઇ ફોર યુથ પ્રોગ્રામ સરકારી શાળાના વિદ્યાર્થીઓને સમર્પિત કર્યો છે અને એમાં 50,000થી વધુ બાળકોએ ભાગ લીધો હતો. હું ખરેખર માનું છું કે આટલી નાની વયે એઆઇ ટેકનોલોજીમાં નિપુણતા મેળવનારને કોઇ અટકાવી શકે નહીં.”
ઇન્ટેલ ઇન્ડિયાનાં કન્ટ્રી હેડ અને ઇન્ટેલ ફાઉન્ડ્રી સર્વિસીઝનાં વાઇસ પ્રેસિડેન્ટ નિવૃતિ રાયે પોતાના અભિવાદન સંબોધનમાં કહ્યું, “ભાવિ કાર્યદળમાં ડિજિટલ સજ્જતાને વેગ આપવા અને એઆઇ કુશળતાનું નિર્માણ કરવા ઇન્ટેલ પ્રતિબદ્ધ છે અને ઈલેક્ટ્રોનિક્સ તેમજ ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય અને એનઈજીડી સાથેના સહયોગને અમે સમગ્ર ભારતમાં સરકારી શાળાના વિદ્યાર્થીઓને આ સ્કિલસેટ્સ સાથે સજ્જ કરવામાં અનહદ મહત્વનો ગણીએ છીએ. આ વિદ્યાર્થીઓએ આરોગ્યસંભાળ, કૃષિ અને માર્ગ સલામતી જેવા મહત્વના ક્ષેત્રોમાં સમસ્યાઓ ઉકેલવા માટે નેશનલ પ્રોગ્રામ ફોર ગવર્મેન્ટ સ્કૂલ્સ: રિસ્પોન્સિબલ એઆઇ ફોર યુથના ભગારૂપે વિક્સાવેલા આ નવીન એઆઇ પ્રોજેક્ટ્સ જોઇને ખરેખર આનંદ થાય છે. એઆઇ જેવી ઊભરતી ટેકનોલોજીઓ રાષ્ટ્રીય મહત્વની છે કેમ કે એમની પાસે લોકોનું જીવન અને આજીવિકા સુધારવાની શક્તિ છે.”
એનઈજીડી અને MyGovના પ્રેસિડેન્ટ અને સીઈઓ શ્રી અભિષેક સિંહે કહ્યું, “12 કન્યાઓ અને 14 કિશોરો ભારતનાં ભવિષ્યનું પ્રતિનિધિત્વ કરે છે; એ ભવિષ્ય જેનું આવનારા દિવસોમાં વર્ચસ્વ હશે. આ બાળકો એવાં છે જેઓ આગળ વધશે અને આગામી પેઢીના યુનિકોર્ન્સનું નિર્માણ કરશે અને વૈશ્વિક અને ભારતીય બહુરાષ્ટ્રીય કંપનીઓના સીઈઓ બનશે. એમને આ પ્રોગ્રામ સાથે તૈયાર કરવા અને મજબૂત કરવા એ ક્ષમતા નિર્માણનો એક માર્ગ છે અને વિશ્વને એ પણ બતાવે છે કે ભારતમાં આપણી પાસે આઇટી અને એઆઇ ક્ષમતાઓ છે.”
પુરસ્કાર સમારોહના અંતમાં આદરણીય ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી, રેલવે અને દૂરસંચાર મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે ભારતીય સીમા સુરક્ષા દળ (બીએસએફ) દ્વારા અનુભવાતા વિભિન્ન પડકારોનો ઉપાય શોધવા ભૂમિ ચૅલેન્જ હેઠળ સ્ટાર્ટ અપ્સને સન્માનિત કર્યા હતા.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની આત્મનિર્ભર ભારતની પહેલ હેઠળ, ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ) સાથેની ભાગીદારીમાં ‘ભૂમિ’ (બીએસએફ હાઇ-ટેક અંડરટેકિંગ ફોર મેક્સિમાઈઝિંગ ઈનોવેશન) શીર્ષક હેઠળ સીમા સુરક્ષાને મજબૂત કરવા અંગે બીએસએફે ઓળખી કાઢેલા સમસ્યાઓના ઉકેલ માટે સ્ટાર્ટ અપ્સના અસરકારક ઉકેલો ઓળખી કાઢવા એક ગ્રાન્ડ ચૅલેંજ આરંભી હતી.
આ પડકારમાં ચાર મુખ્ય સમસ્યા વર્ણનોનો ઉકેલ શોધવાનો સમાવેશ થતો હતો: ઈલેક્ટ્રોનિક ઉપકરણો (મોબાઇલ ફોન) શોધવા, બોગદાં કે ભૂગર્ભ પ્રવૃત્તિઓ શોધવી, શેડો એરિયાઝમાં વૈકલ્પિક દૂરસંચાર અને ડ્રોન વિરોધી ટેકનોલોજી.
બોર્ડર સિક્યુરિટી ફોર્સે (બીએસએફ) ભારતીય સ્ટાર્ટ અપ્સ અને અગ્રણી સંસ્થાઓ સાથે ભારતીય સાહસિકો દ્વારા સર્જાયેલ નવીનીકરણનો લાભ લેવા હૅકાથોન્સ યોજી હતી.
ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયના સ્ટાર્ટઅપ હબ (એમએસએચ) પોર્ટલ પર કૂલ 47 અરજીઓ મળી હતી જેમાંથી 8 સ્ટાર્ટ અપ્સને ક્ષેત્ર પરીક્ષણ માટે અને બીએસએફને નડતી સમસ્યાઓના નવીન ઉકેલના વિતરણ માટે શૉર્ટ લિસ્ટ કરવામાં આવ્યા હતા.
વિહાન નેટવર્ક્સ લિમિટેડ, જિઓરડાર.એઆઇ, આવૃત્તિ ટેકનોલોજીઝ પ્રા. લિમિટેડ, ડીએસઆરએલ, ડેઝિનફોર્જ, ઑપ્ટિમસલોજિક સિસ્ટમ્સ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, ગુરુત્વા સિસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડ અને બિગ બૅન્ગ બૂમ સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ દરેકને લોજિસ્ટિક મદદ તરીકે અને પ્રોડક્ટ વિકાસના આગામી તબક્કા માટે તેઓ આગળ વધી શકે એ માટે રૂ. 10 લાખ આપવામાં આવ્યા હતા.
આદરણીય મંત્રીશ્રીની સાથે આ પુરસ્કારો એનાયત કરનારા દિલ્હીના પોલીસ કમિશનર શ્રી રાકેશ અસ્થાનાએ કહ્યં “મને ખુશી છે કે યુવા માનસે અહીં બીએસએફને નડતી સમસ્યાઓનો ટેકનોલોજિકલ ઉપાય શોધ્યો છે અને મને આશા છે કે બીએસએફ આ ઊભરતી પ્રતિભાઓને પ્રોત્સાહન આપશે”, એમ તેમણે કહ્યું હતું.
ભૂમિ ચૅલેન્જ વિશે વાત કરતા ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયના સચિવ શ્રી અજય સાહનીએ કહ્યું, “તમામ સમસ્યાઓનો સરકારી સંસાધનો અને માનવશક્તિ સાથે ઉકેલ શોધવાને બદલે પ્રતિભાઓ શોધવાનો આ એક માર્ગ છે. આ અભિગમમાં ફેરફારનો સંકેત છે. ભારતમાં દરેક જગાએ વિપુલ પ્રતિભાઓ છે અને આ પ્રતિભાશાળી લોકો આપણી આસપાસ જ છે અને આપણે એમની સમક્ષ સમસ્યાઓ જ રજૂ કરવાની છે અને તેઓ એને ઉકેલી નાખશે.”
નેશનલ પ્રોગ્રામ ફોર ગવર્મેન્ટ સ્કૂલ્સ: રિસ્પોન્સિબલ એઆઇ ફોર યુથ હેઠળ વિજેતા તમામ વિદ્યાર્થીઓને અને ભૂમિ ચૅલેન્જ હેઠળ ઍવોર્ડ્સ જીતનારા સ્ટાર્ટ અપ્સને ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયના સંયુક્ત સચિવ શ્રી ભુવનેશ કુમારે અભિનંદન આપવાની સાથે આ ભવ્ય પુરસ્કાર વિતરણ સમારોહનું સમાપન થયું હતું.
SD/GP/JD
(Release ID: 1777328)
Visitor Counter : 256