પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ કેદારનાથમાં વિવિધ વિકાસ યોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરી તથા શિલાન્યાસ કર્યો


પ્રધાનમંત્રીએ શ્રી આદિ શંકરાચાર્ય સમાધિનું ઉદ્ઘાટન કર્યું અને શ્રી આદિ શંકરાચાર્યની પ્રતિમાનું અનાવરણ કર્યું
“અમુક અનુભવ એટલા અલૌકિક હોય છે, એટલા અનંત હોય છે કે તેને શબ્દોમાં વર્ણવી શકાય નહીં, બાબા કેદારનાથ ધામમાં મને આવી જ અનુભૂતિ થાય છે”

“આદિ શંકરાચાર્યનું જીવન અસામાન્ય હતું, તેમનું જીવન સામાન્ય માનવીના કલ્યાણ પ્રત્યે સમર્પિત હતું”

“ભારતીય તત્વજ્ઞાનમાં માનવ કલ્યાણ સમાયેલું છે અને તે જીવનને સર્વગ્રાહી રૂપે જુએ છે. આદિ શંકરાચાર્યએ સમાજને આ સત્ય પ્રત્યે જાગૃત કરવાનું કાર્ય કર્યું”

“આજે આપણા સાંસ્કૃતિક વારસાના કેન્દ્રોને જે રીતે જોવા જોઇતા હતા એ જ ઉચિત અને યોગ્ય એવી ગૌરવપૂર્ણ દૃષ્ટિથી જોવામાં આવે છે”

“અયોધ્યામાં ભગવાન શ્રી રામનું એક ભવ્ય મંદિર આકાર લઇ રહ્યું છે. અયોધ્યા તેની ભવ્યતા પુનઃ પ્રાપ્ત કરી રહ્યું છે”

“આજે ભારતે પોતાના માટે આકરા લક્ષ્યાંકો અને ડેડલાઇન્સ સ્થાપી છે. આજે ડેડલાઇન્સ અને લક્ષ્યાંકોને લઇને નબળા બનવાનું ભારતને પોસાય તેમ નથી”

“ઉત્તરાખંડના લોકોની અપાર સંભાવનાને નજરમાં રાખીને તથા તેમની ક્ષમતાઓમાં પૂર્ણ વિશ્વાસ રાખીને, રાજ્ય સરકારે ઉત્તરાખંડના વિકાસનો ‘મહાયજ્ઞ’ છેડ્યો છે”

Posted On: 05 NOV 2021 11:27AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેદારનાથમાં વિવિધ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કર્યો તથા રાષ્ટ્રને સમર્પિત કરી હતી. તેમણે શ્રી આદિ શંકરાચાર્ય સમાધિનું ઉદઘાટન કર્યું તેમજ શ્રી આદિ શંકરાચાર્યની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. તેમણે આંતરમાળખાકીય સુવિધાઓના સંપન્ન થયેલા અને હાલ ચાલી રહેલા કાર્યોની સમીક્ષા કરી હતી તથા નિરીક્ષણ પણ કર્યું હતું. પ્રધાનમંત્રીશ્રીએ કેદારનાથ મંદિરમાં પ્રાર્થના પણ કરી હતી. કેદારનાથ ધામમાં યોજાયેલ કાર્યક્રમની સાથે સાથે સમગ્ર દેશમાં 12 જ્યોતિર્લિંગ અને ચાર ધામમાં પણ પ્રાર્થના કરવામાં આવી હતી અને ઉજવણી કરાઈ હતી. તમામ કાર્યક્રમો કેદારનાથ ધામના મુખ્ય કાર્યક્રમ સાથે સંકળાયેલા હતાં

માનવ મેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ ભારતની સમૃદ્ધ આધ્યાત્મિક ઋષિ પરંપરાનું સ્મરણ કર્યું હતું  અને કેદારનાથ ધામ આવવામાં તેમને જે અવર્ણનીય આનંદ પ્રાપ્ત થયો છે તે અભિવ્યક્ત કર્યો હતો. ગુરુવારે નોશેરામાં સૈનિકો સાથે થયેલી વાતચીતને યાદ કરતા તેમણે કહ્યું કે ગુરુવારે દિવાળીના અવસરે 130 કરોડ ભારતીયોની લાગણીઓને સૈનિકો સુધી પહોંચાડી હતી, અને આજે ગોવર્ધન પુજાના અવસરે હું સૈનિકોની ભૂમિ પર અને બાબા કેદારની દિવ્ય ઉપસ્થિતિમાં આવ્યો છું. પ્રધાનમંત્રીશ્રીએ રામચરિતમાનસની પંક્તિઅબિગત અકથ અપાર, નેતિ-નેતિ નિત નિગમ કહ ટાંકી હતી, જેનો અર્થ એવો થાય છે કે કેટલાક અનુભવો એટલા આધ્યાત્મિક હોય છે, એટલા અસીમ હોય છે કે તેને શબ્દોમાં વર્ણવી શકાતા નથી. તેમણે કહ્યું કે બાબા કેદારનાથની છત્રછાયામાં તેમને આવી લાગણી થાય છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે આશ્રયસ્થાન, સુગમતા કેન્દ્રો જેવી નવી સુવિધાઓ પૂજારીઓ તથા આસ્થાળુઓના જીવનને સરળ બનાવશે અને તેઓ ધાર્મિક યાત્રાના દિવ્ય અનુભવનો સંપૂર્ણપણે અનુભવ કરી શકશે. વર્ષ 2013માં કેદારનાથમાં આવેલા પૂરને યાદ કરતા, પ્રધાનમંત્રીએ કહ્યું કે વર્ષો પહેલા પૂરના કારણે થયેલું નુકસાન અકલ્પનીય હતું. તેમણે કહ્યું કે, અહીં આવતા લોકો એવો વિચાર કરતા હતા કે શું આપણું કેદારનાથ ધામ ફરીથી ઊભું થશે ખરું? પરંતુ મારો અંતરાત્માનો અવાજ એવું કહેતો હતો કે ધામ પહેલા કરતા પણ વધુ ગૌરવ સાથે ઊભું થશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ભગવાન કેદારની કૃપા અને આદિ શંકરાચાર્યની પ્રેરણાના લીધે તથા ભૂજમાં આવેલા ભૂકંપના પરિણામે સર્જાયેલી સ્થિતિને સંભાળવાના તેમના અગાઉના અનુભવના કારણે તેઓ કેદારનાથમાં પૂરના મુશ્કેલ સમયમાં મદદરૂપ થઈ શક્યા હતાં. તેમણે કહ્યું કે જીવનમાં શરૂઆતના સમયગાળામાં જે સ્થળે તેમનો ઉછેર કર્યો હતો સ્થળની તેઓ સેવા કરી શક્યા છે, જે એક આશીર્વાદરૂપ બાબત છે. કેદારનાથ ધામમાં વિકાસકાર્યો અથાગપણે ચાલુ રાખવા માટે તમામ કામદારો, પૂજારીઓ, પૂજારીઓના રાવલ પરિવાર, અધિકારીઓ અને મુખ્યમંત્રીનો પ્રધાનમંત્રીશ્રીએ આભાર માન્યો હતો. તેમણે ડ્રોન તથા અન્ય ટેક્નોલોજિઝના મારફત કામગીરી ઉપર સતત દેખરેખ રાખી હતી. તેમણે કહ્યું કે પૌરાણિક ભૂમિ ઉપર આધુનિકતા અને શાશ્વતતાનું જે સંયોજન થયું છે તે તેમજ વિકાસ કાર્યો બધું ભગવાન શંકરની સ્વાભાવિક કૃપાનું પરિણામ છે.

આદિ શંકરાચાર્ય વિશે પ્રધાનમંત્રી શ્રી મોદીએ કહ્યું કે સંસ્કૃતમાં શંકરનો અર્થ થાય છેશં કરોતિ સઃ શંકરઃ. એટલેકે જે કલ્યાણ કરે છે તે શંકર છે. આચાર્ય શંકરે વાત પ્રત્યક્ષ રીતે સાબિત કરી હતી. તેમણે કહ્યું કે આદિ શંકરાચાર્યનું જીવન અસામાન્ય હતું, અને તે સામાન્ય માનવીના કલ્યાણ પ્રત્યે સમર્પિત હતું. પ્રધાનમંત્રીએ કહ્યું કે એક સમય એવો હતો કે આધ્યાત્મિક્તા અને ધર્મ એક બીબાઢાળ સ્વરૂપ અને જૂની પુરાણી પ્રથાઓ સાથે સંકળાવા લાગ્યા હતાં. ભારતીય તત્વજ્ઞાનમાં માનવ કલ્યાણ સમાયેલું છે અને તે જીવનને સર્વગ્રાહી દૃષ્ટિકોણથી જુએ છે. આદિ શંકરાચાર્યએ સત્ય પ્રત્યે સમાજને જાગૃત કરવાનું કાર્ય કર્યું છે

પ્રધાનમંત્રીશ્રીએ કહ્યું કે આજે આપણા સાંસ્કૃતિક વારસાના કેન્દ્રોને જે રીતે જોવા જોઇતા હતા   ઉચિત અને યોગ્ય એવી ગૌરવપૂર્ણ દૃષ્ટિથી જોવામાં આવે છે. પ્રધાનમંત્રીશ્રીએ કહ્યું કે અયોધ્યામાં ભગવાન શ્રી રામનું એક ભવ્ય મંદિર આકાર લઇ રહ્યું છે. અયોધ્યા તેની ભવ્યતા પુનઃ પ્રાપ્ત કરી રહ્યું છે. ફક્ત બે દિવસ પહેલા આખી દુનિયાએ અયોધ્યામાં દીપોત્સવની ભવ્ય ઉજવણી જોઇ હતી. આજે આપણે કલ્પના કરી શકીએ છીએ કે ભારતની પૌરાણિક સાંસ્કૃતિક ભવ્યતા કેવી રહી હશે!” પ્રધાનમંત્રીએ કહ્યું કે આજનું ભારત તેના વારસા પ્રત્યે આત્મવિશ્વાસ ધરાવે છે. આજે ભારતે પોતાના માટે આકરા લક્ષ્યાંકો અને ડેડલાઇન્સ સ્થાપી છે. આજે ડેડલાઇન્સ અને લક્ષ્યાંકોને લઇને નબળા બનવાનું ભારતને પોસાય તેમ નથી, એવું પ્રધાનમંત્રીશ્રીએ ઉમેર્યું હતું. સ્વાતંત્ર્ય ચળવળના નાયકોના યોગદાન વિશે ચર્ચા કરતા પ્રધાનમંત્રીશ્રીએ ભારતની વૈભવપૂર્ણ સ્વાતંત્ર્ય ચળવળ સાથે સંબંધિત સ્થળો તથા ધાર્મિક યાત્રાના પવિત્ર સ્થળોની મુલાકાત લેવા અને રીતે ભારતના આત્માથી પરિચિત થવા માટે દેશવાસીઓને જણાવ્યું હતું.

પ્રધાનમંત્રીએ કહ્યું કે 21મી સદીનો ત્રીજો દશક ઉત્તરાખંડનો છે. તેમણે માહિતી આપી હતી કે ચાર ધામ હાઇવે સાથે જોડનારી ચાર ધામ રોડ યોજનાનું કામ ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે. ભવિષ્યમાં શ્રદ્ધાળુઓ કેદારનાથજીમાં કેબલ કાર દ્વારા અહીં આવી શકે તે યોજનાનું કામ શરૂ થઈ ગયું છે. અહીં નજીકમાં પવિત્ર હેમકુંડ સાહિબ જી પણ છે. હેમકુંડ સાહિબ જીમાં સરળતાથી દર્શન કરી શકાય તે માટે રોપવેનું નિર્માણ કરવા માટે કામગીરી ચાલી રહી છે. પ્રધાનમંત્રીશ્રીએ કહ્યું કે, ઉત્તરાખંડના લોકોની અપાર સંભાવનાને નજરમાં રાખીને તથા તેમની ક્ષમતાઓમાં પૂર્ણ વિશ્વાસ રાખીને, રાજ્ય સરકારે ઉત્તરાખંડના વિકાસનો મહાયજ્ઞ છેડ્યો છે.

કોરોના સામેની લડાઇમાં ઉત્તરાખંડે દર્શાવેલા શિસ્તની પ્રધાનમંત્રીશ્રીએ પ્રશંસા કરી હતી. ભૌગોલિક મુશ્કેલીઓનો સામનો કરીને ઉત્તરાખંડ અને તેના લોકોએ 100 ટકા સિંગલ ડોઝ વેક્સીનેશનના લક્ષ્યાંકને પ્રાપ્ત કર્યો છે. પ્રધાનમંત્રીશ્રીએ કહ્યું કે ઉત્તરાખંડનું સામર્થ્ય અને શક્તિ છે. પ્રધાનમંત્રીશ્રીએ અંતમાં કહ્યું કે, ઉત્તરાખંડ અત્યંત ઊંચાઈએ વસેલું છે. મારુ ઉત્તરાખંડ ઊંચાઈ કરતા પણ વધુ ઊંચા મુકામ સર કરશે. 

વર્ષ 2013માં આવેલા પૂરમાં નાશ થયા બાદ શ્રી આદિ શંકરાચાર્ય સમાધિનું પુનઃ નિર્માણ કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ પુનઃનિર્માણની આખી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પ્રધાનમંત્રીશ્રીએ યોજનાની પ્રગતિની સતત સમીક્ષા અને દેખરેખ રાખી છે. શુક્રવારે પણ પ્રધાનમંત્રીએ સરસ્વતી આસ્થાપથ પર અમલમાં મૂકાયેલા તથા હાલ ચાલી રહેલા કાર્યોની સમીક્ષા તથા નિરીક્ષણ હાથ ધર્યાં હતાં. આંતરમાળખાકીય સુવિધાઓની સંપન્ન થયેલી મુખ્ય યોજનાઓમાં સરસ્વતી રિટેઇનિંગ વૉલ આસ્થાપથ અને ઘાટ, મંદાકિની રિટેઇનિંગ વૉલ આસ્થાપથ, તીર્થ પુરોહિતના ઘરો, મંદાકિની નદી પર ગરૂડચટ્ટી બ્રિજનો સમાવેશ થાય છે. યોજનાઓને રૂ. 130 કરોડના ખર્ચે પૂર્ણ કરાઈ છે. તેમણે રૂ. 180 કરોડના મૂલ્યની વિવિધ યોજનાઓનો શિલાન્યાસ પણ કર્યો છે, જેમાં સંગમ ઘાટના પુનઃનિર્માણ, ફર્સ્ટ એઇડ એન્ડ ટુરિસ્ટ ફૅસિલિટેશન સેન્ટર, એડમિન ઓફિસ અને હોસ્પિટલ, બે ગેસ્ટ હાઉસ, પોલીસ સ્ટેશન, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, મંદાકિની આસ્થાપથ ક્યૂ મેનેજમેન્ટ, રેઇન શેલ્ટર અને સરસ્વતી સિવિક એમેનિટી બિલ્ડિંગનો સમાવેશ થાય છે

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad &nbs…

(Release ID: 1769532) Visitor Counter : 326