પ્રધાનમંત્રીનું કાર્યાલય

‘મન કી બાત’- 82(બ્યાસીમી કડી)

Posted On: 24 OCT 2021 11:49AM by PIB Ahmedabad

મારા પ્રિય દેશવાસીઓ, તમને સહુને નમસ્કાર. કોટિ-કોટિ નમસ્કાર. અને હું કોટિ-કોટિ નમસ્કાર એટલા માટે પણ કહી રહ્યો છું કે સો કરોડ રસીના ડૉઝ પછી આજે દેશ નવા ઉત્સાહ, નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યો છે. આપણા રસીકરણના કાર્યક્રમની સફળતા, ભારતના સામર્થ્યને દર્શાવે છે. સહુના પ્રયાસના મંત્રની શક્તિને દર્શાવે છે.

સાથીઓ, સો કરોડ રસી ડૉઝનો આંકડો બહુ મોટો જરૂર છે, પરંતુ તેમાં લાખો નાના-નાના પ્રેરક અને ગર્વથી ભરી દેનારા અનેક અનુભવ, અનેક ઉદાહરણ જોડાયેલાં છે. અનેક લોકો પત્ર લખીને મને પૂછી રહ્યા છે કે રસીકરણની શરૂઆત સાથે જ મને એ વિશ્વાસ થઈ ગયો હતો કે આ અભિયાનને આટલી મોટી સફળતા મળશે. મને આ દૃઢ વિશ્વાસ એટલા માટે હતો કારણકે હું મારા દેશ, પોતાના દેશના લોકોની ક્ષમતાઓથી સારી રીતે પરિચિત છું. હું જાણતો હતો કે આપણા આરોગ્ય કર્મચારીઓ દેશવાસીઓના રસીકરણમાં કોઈ કસર નહીં છોડે. આપણા સ્વાસ્થ્ય કર્મચારીઓએ પાતના અથાક પરિશ્રમ અને સંકલ્પથી એક નવું ઉદાહરણ પ્રસ્તુત કર્યું. તેમણે નવીનતાની સાથે પોતાના દૃઢ નિશ્ચયથી માનવતાની સેવાનું એક નવું માપદંડ સ્થાપિત કર્યું. તેમના વિશે અગણિત ઉદાહરણ છે, જે બતાવે છે કે  તેમણે કઈ રીતે સઘળા પડકારોને પાર કરતા વધુમાં વધુ લોકોને સુરક્ષા કવચ પ્રદાન કર્યું. આપણે અનેક સમાચારપત્રોમાં વાંચ્યું છે, બહાર પણ સાંભળ્યું છે, આ કામ કરવા માટે આપણા આ લોકોએ કેટલી મહેનત કરી છે, એક-એકથી ચડિયાતાં અનેક પ્રેરક ઉદાહરણ આપણી સામે છે. હું આજે મન કી બાતના શ્રોતાઓને ઉત્તરાખંડના બાગેશ્વરનાં એક આવા જ એક મહિલા આરોગ્ય કર્મચારી પૂનમ નોટિયાલજી સાથે મેળવવા માગું છું. સાથીઓ, આ બાગેશ્વર ઉત્તરાખંડની એ ધરતી પર છે જે ઉત્તરાખંડે સો ટકા પહેલા ડૉઝ લગાવવાનું કામ પૂરું કરી દીધું છે. ઉત્તરાખંડ સરકાર પણ તેના માટે અભિનંદનને પાત્ર છે કારણકે બહુ જ દુર્ગમ ક્ષેત્ર છે, કઠિન ક્ષેત્ર છે. આ જ રીતે, હિમાચલે પણ આવી કઠિન પરિસ્થિતિઓમાં સો ટકા ડૉઝનું કામ કરી લીધું છે. મને જણાવવામાં આવ્યું છે કે પૂનમજીએ પોતાના ક્ષેત્રના લોકોના રસીકરણ માટે દિવસ-રાત મહેનત કરી છે.

વડા પ્રધાન જી: પૂનમજી નમસ્તે.

પૂનમ નોટિયાલ: સાહેબ પ્રણામ.

વડા પ્રધાન જી: પૂનમજી, પોતાનો પરિચય આપો જરા દેશના શ્રોતાઓ સામે.

પૂનમ નોટિયાલ: સાહેબ, હું પૂનમ નોટિયાલ છું. સાહેબ, હું ઉત્તરાખંડના બાગેશ્વર જિલ્લામાં ચાની કોરાલી સેન્ટરમાં કાર્યરત્ છું. હું એક ANM છું.

વડા પ્રધાન જી: પૂનમજી, મારું સદ્ભાગ્ય છે કે મને બાગેશ્વર આવવાનો અવસર મળ્યો હતો. તે એક રીતે તીર્થક્ષેત્ર રહ્યું છે જ્યાં પ્રાચીન મંદિર વગેરે પણ છે, હું બહુ પ્રભાવિત થયો હતો. સદીઓ પહેલાં લોકોએ કેવી રીતે કામ કર્યું હશે.

પૂનમ નોટિયાલ: હા જી સાહેબ.

વડા પ્રધાન જી: પૂનમજી, શું તમે પોતાના ક્ષેત્રના બધા લોકોનું રસીકરણ કરાવી લીધું છે?

પૂનમ નોટિયાલ: હા જી સાહેબ, બધા લોકોનું થઈ ગયું છે.

વડા પ્રધાન જી: તમને કોઈ પણ પ્રકારની તકલીફનો સામનો કરવો પડ્યો છે શું?

પૂનમ નોટિયાલ: હા જી સાહેબ. સાહેબ, અમે લોકો જેમ વરસાદ પડતો હતો ત્યાં અને રસ્તા બ્લૉક થઈ જતા હતા. સાહેબ, નદી પાર કરીને ગયા છીએ અમે લોકો. અને સાહેબ, ઘરે-ઘરે ગયા છીએ. જેમ કે NHCVC અંતર્ગત અમે લોકો ઘરે-ઘરે ગયા છીએ. જે લોકો કેન્દ્રમાં નહોતા આવી શકતા, જેમ કે વૃદ્ધ લોકો અને દિવ્યાંગ લોકો, ગર્ભવતી મહિલાઓ, ધાત્રી મહિલાઓ, આ લોકો સાહેબ.

વડા પ્રધાન જી: પરંતુ ત્યાં તો પહાડો પર ઘર પણ બહુ દૂર-દૂર હોય છે.

પૂનમ નોટિયાલ: જી.

વડા પ્રધાન જી: તો એક દિવસમાં કેટલું કરી શકતાં હતાં તમે?

પૂનમ નોટિયાલ: સાહેબ, કિલોમીટરનો હિસાબ- 10 કિલોમીટર ક્યારેક 8 કિલોમીટર.

વડા પ્રધાન જી: ઠીક છે, આ જો મેદાનમાં રહેનારા લોકો છે તેમને એ સમજમાં નહીં આવે કે 8-10 કિલોમીટર શું હોય છે. મને ખબર છે કે પહાડના 8-10 કિલોમીટર એટલે આખો દિવસ ચાલ્યો જાય.

પૂનમ નોટિયાલ: હા જી.

વડા પ્રધાન જી: પરંતુ એક દિવસમાં કારણકે આ બહુ મહેનતનું કામ છે અને રસીકરણનો પૂરો સામાન ઉઠાવીને જવું. તમારી સાથે કોઈ સહાયક રહેતા હતા કે નહીં?

પૂનમ નોટિયાલ: હા જી. ટીમ સભ્ય, અમે પાંચ લોકો રહેતા હતા સાહેબ.

વડા પ્રધાન જી: હા.

પૂનમ નોટિયાલ: તો તેમાં ડૉક્ટર આવી ગયા, પછી ANM આવી ગયા, ફાર્માસિસ્ટ આવી ગયા, આશા આવી ગઈ અને ડેટા એન્ટ્રી ઑપરેટર આવી ગયા.

વડા પ્રધાન જી: અચ્છા, તે ડેટા એન્ટ્રી, ત્યાં કનેક્ટિવિટી મળી જતી હતી કે પછી  બાગેશ્વર આવ્યા પછી કરતાં હતાં?

પૂનમ નોટિયાલ: સાહેબ, ક્યાંક ક્યાંક મળી જતી, ક્યાંક-ક્યાંક બાગેશ્વર આવ્યા પછી કરતાં હતાં અમે લોકો.

વડા પ્રધાન જી: અચ્છા. મને જણાવવામાં આવ્યું છે પૂનમજી કે તમે ચીલાથી હટીને લોકોને રસી આપી છે. આ શું કલ્પના આવી. તમારા મનમાં વિચાર કેવી રીતે આવ્યો અને કેવી રીતે કર્યું તમે?

પૂનમ નોટિયાલ: અમે લોકોઓ, પૂરી ટીમે સંકલ્પ કર્યો હતો કે અમે લોકો એક પણ વ્યક્તિ છૂટવી ન જોઈએ. આપણા દેશમાંથી કોરોના બીમારી દૂર ભાગવી જોઈએ. મેં અને આશાએ મળીને પ્રત્યેક વ્યક્તિની ગામ મુજબ યાદી બનાવી, પછી તે મુજબ જે લોકો કેન્દ્રમાં આવ્યા તેમને કેન્દ્રમાં રસી આપી. પછી અમે લોકો ઘરે-ઘરે ગયાં. સાહેબ, તે પછી પણ કેટલાક લોકો છૂટી ગયા હતા, જે લોકો આવી શકતા નહોતા કેન્દ્રમાં.

વડા પ્રધાન જી: અચ્છા, લોકોને સમજાવવા પડતા હતા?

પૂનમ નોટિયાલ: હા જી, સમજાવ્યા, હા જી.

વડા પ્રધાન જી: લોકોનો ઉત્સાહ છે, હજુ પણ રસી લેવાનો?

પૂનમ નોટિયાલ: હા જી સાહેબ, હા જી. હવે તો લોકો સમજી ગયા છે. પહેલાં તો બહુ તકલીફ પડી અમને લોકોને. લોકોને સમજાવવા પડતા હતા કે આ જે રસી છે સુરક્ષિત છે અને અસરકારક છે, અમે લોકો પણ લગાવી ચૂક્યાં છીએ, તો અમે લોકો તો ઠીક છીએ, તમારી સામે છીએ અને અમારા સ્ટાફે, બધાને લગાવી દીધી છે તો અમે લોકો ઠીક છીએ.

વડા પ્રધાન જી: ક્યાંક રસી લગાવ્યા પછી કોઈની ફરિયાદ આવી પછી થી?

પૂનમ નોટિયાલ: ના ના સાહેબ. આવું તો નથી થયું.

વડા પ્રધાન જી: કંઈ નથી થયું?

પૂનમ નોટિયાલ: જી.

વડા પ્રધાન જી: બધાંયને સંતોષ હતો?

પૂનમ નોટિયાલ: હા જી.

વડા પ્રધાન જી: કે ઠીક થઈ ગયું?

પૂનમ નોટિયાલ: હા જી.

વડા પ્રધાન જી: ચાલો, તમે બહુ મોટું કામ કર્યું છે અને હું જાણું છું કે આ સમગ્ર ક્ષેત્ર કેટલું કઠિન છે અને પગપાળા ચાલવું પહાડો પર. એક પહાડ પર જાવ, પછી નીચે ઉતરો, પછી બીજા પહાડ પર જાવ, ઘર પણ દૂર-દૂર, તે છતાં પણ, તમે સારું કામ કર્યું.

પૂનમ નોટિયાલ: ધન્યવાદ સાહેબ. મારું સૌભાગ્ય. તમારી સાથે વાત થઈ મારી.

તમારા જેવી લાખો આરોગ્ય કર્મચારીઓના પરિશ્રમના કારણે જ ભારત સો કરોડ રસી ડૉઝનો મુકામ પાર કરી શક્યું છે. આજે હું માત્ર તમારો જ આભાર વ્યક્ત નથી કરી રહ્યો પરંતુ તે દરેક ભારતવાસીનો આભાર વ્યક્ત કરી રહ્યો છું જેણે બધાને રસી, મફત રસી અભિયાનને આટલી ઊંચાઈ આપી, સફળતા આપી. તમને તમારા પરિવારને મારી ખૂબ ખૂબ શુભકામનાઓ.

મારા પ્રિય દેશવાસીઓ, તમે જાણો છો કે, આગામી રવિવારે 31 ઑક્ટોબરે, સરદાર પટેલજીની જયંતી છે. મન કી બાતના દરેક શ્રોતાની તરફથી, અને મારી તરફથી, હું લોહપરુષને નમન કરું છું. સાથીઓ, 31 ઑક્ટોબરે આપણે રાષ્ટ્રીય એકતા દિવસના રૂપમાં મનાવીએ છીએ. આપણા બધાની જવાબદારી છે કે આપણે એકતાનો સંદેશ આપનારી કોઈ ને કોઈ પ્રવૃત્તિ સાથે જરૂર જોડાઈએ. તમે જોયું હશે, તાજેતરમાં ગુજરાત પોલીસે કચ્છના લખપત કિલ્લાથી સ્ટેચ્યૂ ઑફ યૂનિટી સુધી બાઇક રેલી કાઢી છે. ત્રિપુરા પોલીસના જવાન તો એકતા દિવસ મનાવવા માટે ત્રિપુરાથી સ્ટેચ્યૂ ઑફ યૂનિટી સુધી બાઇક રેલી કરી રહ્યા છે. અર્થાત્, પૂર્વથી લઈને પશ્ચિમ સુધી દેશને જોડી રહ્યા છે. જમ્મુ-કાશ્મીર પોલીસના જવાન પણ ઉડીથી પઠાણકોટ સુધી આવી જ બાઇક રેલી કાઢીને દેશની એકતાનો સંદેશ આપી રહ્યા છે. હું આ બધા જવાનોને નમન કરું છું. જમ્મુ-કાશ્મીરના જ કુપવાડા જિલ્લાની અનેક બહેન વિશે પણ મને ખબર પડી છે. આ બહેનો કાશ્મીરમાં સેના અને સરકારી કાર્યાલયો માટે તિરંગો સિવવાનું કામ કરી રહી છે. આ કામ દેશભક્તિની ભાવનાથી ઓતપ્રોત છે. હું આ બહેનોના જુસ્સાની પ્રશંસા કરું છું. તમારે પણ ભારતની એકતા માટે, ભારતની શ્રેષ્ઠતા માટે કંઈ ને કંઈ જરૂર કરવું જોઈએ. જોજો, તમારા મનને કેટલી સંતુષ્ટિ મળે છે.

સાથીઓ, સરદાર સાહેબ કહેતા હતા કે આપણે પોતાના એકજુટ સાહસથી જ દેશને નવી મહાન ઊંચાઈઓ સુધી પહોંચાડી શકીએ છીએ. જો આપણામાં એકતા નહીં હોય તો આપણે પોતાને નવી-નવી વિપદાઓમાં ફસાવી દઈશું.અર્થાત્ રાષ્ટ્રીય એકતા છે તો ઊંચાઈ છે, વિકાસ છે. આપણે સરદાર પટેલજીના જીવનમાંથી તેમના વિચારોમાંથી ઘણું બધું શીખી શકીએ છીએ. દેશના માહિતી અને પ્રસારણ મંત્રાલયે પણ તાજેતરમાં જ સરદાર સાહેબ પર એક ચિત્રાત્મક જીવનકથા પ્રકાશિત કરી છે. હું ઈચ્છીશ કે આપણે બધા યુવા સાથીઓ તેને જરૂર વાંચીએ. તેનાથી તમને રસપ્રદ અંદાજમાં સરદાર સાહેબના વિશે જાણવાનો અવસર મળશે.

પ્રિય દેશવાસીઓ, જીવન નિરંતર પ્રગતિ ઈચ્છે છે, વિકાસ ઈચ્છે છે, ઊંચાઈઓ પાર કરવા માગે છે. વિજ્ઞાન ભલે જ આગળ વધી જાય, પ્રગતિની ગતિ કેટલી પણ ઝડપી કેમ ન હોય, ભવન કેટલાં ભવ્ય કેમ ન બની જાય, પરંતુ તેમ છતાં જીવનમાં અધૂરપ અનુભવાય છે. પરંતુ તેમાં ગીત-સંગીત, કલા, નાટ્ય-નૃત્ય, સાહિત્ય જોડાય જાય તો તેની આભા, તેની જીવંતતા અનેક ગણી વધી જાય છે. એક રીતે જીવનને સાર્થક બનાવવું હોય તો આ બધું હોવું પણ એટલું જ જરૂરી બની જાય છે. તેથી જ કહેવાય છે કે આ બધી બાબતો આપણા જીવનમાં એક ઉદ્દીપકનું કામ કરે છે, આપણી ઊર્જા વધારવાનું કામ કરે છે. માનવ મનના અંતર્મનને વિકસિત કરવામાં, આપણા અંતર્મનની યાત્રાનો માર્ગ બનાવવામાં પણ ગીત-સંગીત અને વિભિન્ન કલાઓની મોટી ભૂમિકા હોય છે અને તેની એક મોટી તાકાત એ હોય છે કે તેમને ન સમય બાંધી શકે છે, ન સીમા બાંધી શકે છે અને ન તો મત-મતાંતર બાંધી શકે છે. અમૃત મહોત્સવમાં પણ પોતાની કલા, સંસ્કૃતિ, ગીત, સંગીતના રંગ અવશ્ય ભરવા જોઈએ. મને પણ તમારી તરફથી અમૃત મહોત્સવ અને ગીત-સંગીત-કલાની આ તાકાત સાથે જોડાયેલાં અનેક સૂચનો મળી રહ્યાં છે. આ સુઝાવ મારા માટે ખૂબ જ મૂલ્યવાન છે. મેં તેમને સંસ્કૃતિ મંત્રાલયને અભ્યાસ માટે મોકલ્યાં હતાં. મને આનંદ છે કે મંત્રાલયે આટલા ઓછા સમયમાં આ સૂચનોને ઘણી ગંભીરતાથી લીધાં અને તેના પર કામ પણ કર્યું. તેમાંથી જ એક સૂચન છે, દેશબક્તિનાં ગીતો સાથે જોડાયેલી સ્પર્ધા. સ્વતંત્રતાની લડાઈમાં અલગ-અલગ ભાષા, બોલીમાં દેશભક્તિનાં ગીતો અને ભજનોએ સમગ્ર દેશને એક કર્યો હતો. હવે અમૃતકાળમાં, આપણા યુવાનો, દેશભક્તિનું આવું જ ગીત લખીને, આ આયોજનમાં વધુ ઊર્જા ભરી શકે છે. દેશભક્તિનાં આ ગીતો માતૃભાષામાં હોઈ શકે છે, રાષ્ટ્રભાષામાં હોઈ શકે છે અને અંગ્રેજીમાં પણ લખી શકાય છે. પરંતુ એ જરૂરી છે કે આ રચનાઓ નવા ભારતની નવી વિચારસરણીવાળી હોય, દેશની વર્તમાન સફળતામાંથી પ્રેરણા લઈને ભવિષ્ય માટે દેશને સંકલ્પિત કરનારી હોય. સંસ્કૃતિ મંત્રાલયની તૈયારી તાલુકા સ્તરથી રાષ્ટ્રીય સ્તર સુધી તેની સાથે જોડાયેલી સ્પર્ધા કરાવવાની છે.

સાથીઓ, આ જ રીતે મન કી બાતના એક શ્રોતાએ સૂચન કર્યું છે કે અમૃત મહોત્સવને રંગોળી કલા સાથે પણ જોડવો જોઈએ. આપણે ત્યાં રંગોળીના માધ્યમથી તહેવારોમાં રંગ ભરવાની પરંપરા તો સદીઓની છે. રંગોળીમાં દેશની વિવિધતાનાં દર્શન થાય છે. અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ નામોથી અલગ-અલગ વિચાર પર રંગોળી બનાવાય છે. આથી, સંસ્કૃતિ મંત્રાલય તેની સાથે જોડાયેલી એક રાષ્ટ્રીય સ્પર્ધા કરાવવા જઈ રહ્યું છે. તમે કલ્પના કરો, જ્યારે સ્વતંત્રતા આંદોલન સાથે જોડાયેલી રંગોળી બનશે તો લોકો પોતાનાં દ્વાર પર, દીવાલ પર કોઈ સ્વતંત્રતાના સૈનિકનું ચિત્ર બનાવશે, સ્વતંત્રતાની કોઈ ઘટનાને રંગોથી દર્શાવશે, તો અમૃત મહોત્સવનો પણ રંગ વધુ વધી જશે.

સાથીઓ, એક પ્રથા આપણે ત્યાં હાલરડાંની પણ છે. આપણે ત્યાં હાલરડાં દ્વારા નાનાં બાળકોને સંસ્કાર આપવામાં આવે છે, સંસ્કૃતિ સાથે તેમનો પરિચય કરાવવામાં આવે છે. હાલરડાંની પણ પોતાની વિવિધતા છે. તો શા માટે આપણે, અમૃતકાળમાં, આ કલાને પણ પુનર્જીવિત કરીએ અને દેશભક્તિ સાથે જોડાયેલાં આવાં હાલરડાં લખીએ, કવિતાઓ, ગીત, કંઈ ને કંઈ જરૂર લખીએ જે ખૂબ સરળતાથી, દરેક ઘરમાં માતાઓ પોતાનાં નાના-નાનાં બાળકોને સંભળાવી શકે. આ હાલરડાંમાં આધુનિક ભારતનો સંદર્ભ હોય, 21મી સદીના ભારતનાં સપનાંનું દર્શન હોય. તમારા બધા શ્રોતાઓના સૂચનો પછી મંત્રાલયે તેની સાથે જોડાયેલી સ્પર્ધા પણ કરાવવાનો નિર્ણય કર્યો છે.

સાથીઓ, આ ત્રણેય સ્પર્ધા 31 ઑક્ટોબરે સરદાર સાહેબની જયંતીથી શરૂ થવા જઈ રહી છે. આવનારા દિવસોમાં સંસ્કૃતિ મંત્રાલય તેની સાથે જોડાયેલી બધી જાણકારી આપશે. આ જાણકારી મંત્રાલયની વેબસાઇટ પર પણ રહેશે અને સૉશિયલ મિડિયા પર પણ આપવામાં આવશે. હું ઈચ્છીશ કે તમે બધાં તેની સાથે જોડાવ. આપણા યુવા-સાથી જરૂર તેમાં પોતાની કલાનું, પોતાની પ્રતિભાનું પ્રદર્શન કરે. તેનાથી તમારા વિસ્તારની કલા અને સંસ્કૃતિ પણ દેશના ખૂણે-ખૂણા સુધી પહોંચશે, તમારી વાતો સમગ્ર દેશ સાંભળશે.

પ્રિય દેશવાસીઓ, આ સમય આપણે અમૃત મહોત્સવમાં દેશના વીર પુત્રો-પુત્રીઓને તે મહાન પુણ્યાત્માઓને યાદ કરી રહ્યા છીએ, આગામી મહિને 15 નવેમ્બરે આપણઆ દેશના આવ જ મહાપુરુષ વીર યૌદ્ધા, ભગવાન બિરસા મુંડાજીની જયંતી પણ આવનારી છે. ભગવાન બિરસા મુંડાને ધરતી આબા પણ કહેવાય છે. શું તમે જાણો છો કે તેનો અર્થ શું થાય છે? તેનો અર્થ છે ધરતી પિતા. ભગવાન બિરસા મુંડાએ જે રીતે પોતાની સંસ્કૃતિ, પોતાના જંગલ, પોતાની જમીનની રક્ષા માટે સંઘર્ષ કર્યો, તે ધરતી આબા જ કરી શકે. તેમણે આપણને પોતાની સંસ્કૃતિ અને મૂળ પ્રત્યે ગર્વ કરવાનું શીખવાડ્યું. વિદેશી શાસને તેમને અનેક ધમકીઓ આપી, ભારે દબાણ કર્યું, પરંતુ તેમણે આદિવાસી સંસ્કૃતિને છોડી નહીં. પ્રકૃતિ અને પર્યાવરણને જો આપણે પ્રેમ કરવાનું શીખવું હોય તો તે માટે પણ ધરતી આબા ભગવાન બિરસા મુંડા આપણા માટે બહુ મોટી પ્રેરણા છે. તેમણે વિદેશી શાસનની એ દરેક નીતિનો પૂરજોશમાં વિરોધ કર્યો જે પર્યાવરણને નુકસાન પહોંચાડનારી હતી. ગરીબ અને મુસીબતથી ઘેરાયેલા લોકોની મદદ કરવામાં ભગવાન બિરસા મુંડા સદૈવ આગળ રહ્યા. તેમણે સામાજિક કુરીતિઓને સમાપ્ત કરવા માટે સમાજને જાગૃત પણ કર્યો. ઉલગુલાન આંદોલનમાં તેમના નેતૃત્વને ભલા કોણ ભૂલી શકે છે? આ આંદોલને
અંગ્રેજોને હચમચાવી દીધા હતા. તે પછી અંગ્રેજોએ ભગવાન બિરસા મુંડા પર બહુ મોટું ઈનામ રાખ્યું હતું. બ્રિટિશ શાસને તેમને જેલમાં પૂર્યા, તેમને એટલા બધા પ્રતાડિત કર્યા હતા કે 25 વર્ષથી પણ નાની ઉંમરમાં તેઓ આપણને છોડીને ચાલ્યા ગયા. તેઓ આપણને છોડીને ચાલ્યા ગયા પરંતુ માત્ર શરીરથી.

જનમાનસમાં તો ભગવાન બિરસા મુંડા હંમેશાં-હંમેશાં માટે વસેલા છે. લોકો માટે તેમનું જીવન એક પ્રેરણા શક્તિ બનેલું છે. આજે પણ તેમના સાહસ અને વીરતાથી ભરેલાં લોકગીત અને વાર્તાઓ ભારતના મધ્ય વિસ્તારમાં ખૂબ જ લોકપ્રિય છે. હું ધરતી આબાબિરસા મુંડાને નમન કરું છું અને યુવાનોને આગ્રહ કરું છું કે તેમના વિશે વધુ વાંચે. ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં આપણા આદિવાસી સમૂહના વિશિષ્ટ યોગદાન વિશે તમે જેટલું જાણશો, તેટલા જ ગૌરવની અનુભૂતિ થશે.

મારા પ્રિય દેશવાસીઓ, આજે 24 ઑક્ટોબરે, UN Day અર્થાત સંયુક્ત રાષ્ટ્ર દિવસ મનાવાય છે. આ એ દિવસ છે જ્યારે સંયુક્ત રાષ્ટ્રની રચના થઈ હતી, સંયુક્ત રાષ્ટ્રની સ્થાપનાના સમયથી જ ભારત તેની સાથે જોડાયેલું રહ્યું છે. શું તમે જાણો છો કે ભારતની સ્વતંત્રતા પહેલાં 1945માં જ સંયુક્ત રાષ્ટ્રના ઘોષણા પત્ર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા? સંયુક્ત રાષ્ટ્રથી જોડાયેલું એક અનોખું પાસું એ છે કે સંયુક્ત રાષ્ટ્રનો પ્રભાવ અને તેની શક્તિ વધારવામાં, ભારતની નારી શક્તિએ મોટી ભૂમિકા નિભાવી છે. 1947-48માં જ્યારે સંયુક્ત રાષ્ટ્રના માનવ અધિકારોની વૈશ્વિક ઘોષણા તૈયાર થઈ રહી હતી તો તે ઘોષણા પત્રમાં લખાતું હતું, પરંતુ ભારતના એ પ્રતિનિધિએ આ અંગે આપત્તિ વ્યક્ત કરી ત્યારબાદ વૈશ્વિક ઘોષણામાં લખવામાં આવ્યું કે “All men are created equal” આ વાત લૈંગિક સમાનતાની ભારતની સદીઓ જૂની પરંપરાને અનુરૂપ હતી. શું તમે જાણો છો કે શ્રીમતી હંસા મહેતા તેમાં પ્રતિનિધિ હતાં જેમના કારણે તે સંભવ થઈ શક્યું, તે દરમિયાન એક અન્ય પ્રતિનિધિ શ્રીમતી લક્ષ્મી મેનને લૈંગિક સમાનતાના મુદ્દા પર જોરદાર રીતે પોતાની વાત મૂકી હતી. એટલું જ નહીં, 1953માં શ્રીમતી વિજયા લક્ષ્મી પંડિત, સંયુક્ત રાષ્ટ્રની મહા સભાનાં પહેલાં મહિલા પ્રમુખ પણ બન્યાં હતાં.

સાથીઓ, આપણે એ ભૂમિના લોકો છીએ જે આ વિશ્વાસ કરે છે, જેઓ આ પ્રાર્થના કરે છે:

ૐ દ્યો: શાન્તિરન્તરિક્ષં શાન્તિ:,

પૃથ્વી શાન્તિરાપ: શાન્તિરોષધય: શાન્તિ: ।

વનસ્પતય: શાન્તિર્વિશ્વે દેવા: શાન્તિર્બ્રહ્મ શાન્તિ:,

સર્વશાન્તિ: શાન્તિરેવ શાન્તિ:, સા મા શાન્તિરેધિ ।।

ૐ શાન્તિ: શાન્તિ: શાન્તિ: ।।

 

ભારતે સદૈવ વિશ્વ શાંતિ માટે કામ કર્યું છે. આપણને આ વાતનો ગર્વ છે કે ભારત 1950ના દાયકાથી સતત સંયુક્ત રાષ્ટ્ર શાંતિ મિશનનો હિસ્સો રહ્યું છે. ગરીબી હટાવવા, આબોહવા પરિવર્તન અને શ્રમજીવીઓ સાથે સંબંધિત મુદ્દાઓના સમાધાનમાં પણ ભારત અગ્રણી ભૂમિકા ભજવી રહ્યું છે. તે ઉપરાંત યોગ અને આયૂષને લોકપ્રિય બનાવવા માટે ભારત હૂઅર્થાત્ વિશ્વ આરોગ્ય સંસ્થાની સાથે મળીને કામ કરી રહ્યું છે. માર્ચ 2021માં હૂએ ઘોષણા કરી હતી કે ભારતમાં પારંપરિક ચિકિત્સા માટે એક વૈશ્વિક કેન્દ્ર સ્થાપિત કરવામાં આવશે.

સાથીઓ, સંયુક્ત રાષ્ટ્રના વિશે વાત કરતા આજે મને અટલજીના શબ્દો પણ યાદ આવી રહ્યા છે. 1977માં તેમણે સંયુક્ત રાષ્ટ્રને હિન્દીમાં સંબોધિત કરીને ઇતિહાસ રચી દીધો હતો. આજે હું મન કી બાતના શ્રોતાઓને અટલજીના આ સંબોધનનો એક અંશ સંભળાવવા માગું છું. સાંભળો, અટલજીનો પ્રભાવશાળી અવાજ-

યહાં મૈં રાષ્ટ્રોં કી સત્તા ઔર મહત્તા કે બારે મેં નહીં સોચ રહા હૂં. આમ આદમી કી પ્રતિષ્ઠા ઔર પ્રગતિ મેરે લિએ કહીં અધિક મહત્ત્વ રખતી હૈ. અંતત: હમારી સફલતાએં ઔર અસફલતાએં કેવલ એક હી માપદંડ સે નાપી જાની ચાહિએ કિ ક્યા હમ પૂરે માનવ સમાજ, વસ્તુત: હર નર-નારી ઔર બાલક કે લિયે ન્યાય ઔર ગરિમા કી આશ્વસ્તિ દેને મેં પ્રયત્નશીલ હૈ?”

સાથીઓ, અટલજીની આ વાતો આપણને આજે પણ દિશા દર્શાવે છે. આ ધરતીને એક વધુ સારો અને સુરક્ષિત ગ્રહ બનાવવામાં ભારતનું યોગદાન વિશ્વ ભર માટે ખૂબ જ મોટી પ્રેરણા છે.

મારા પ્રિય દેશવાસીઓ, હમણાં કેટલાક દિવસો પહેલાં જ 21 ઑક્ટોબરે આપણે પોલીસ સ્મૃતિ દિવસ મનાવ્યો છે. પોલીસના જે સાથીઓએ દેશની સેવામાં પોતાના પ્રાણ ન્યોચ્છાવર કર્યા છે તે દિવસે આપણે તેમને વિશેષ રીતે યાદ કરીએ છીએ. હું આજે આપણા આ પોલીસ કર્મચારીઓની સાથે તેમના પરિવારોને પણ યાદ કરવા ઈચ્છું છું. પરિવારના સહયોગ અને ત્યાગ વગર પોલીસ જેવી કઠિન સેવા ખૂબ જ મુશ્કેલ છે. પોલીસ સેવા સાથે જોડાયેલી એક બીજી વાત છે જે હું મન કી બાતના શ્રોતાઓને બતાવવા ઈચ્છું છું. પહેલાં એ ધારણા બની ગઈ હતી કે સેના અને પોલીસ જેવી સેવા માત્ર પુરુષો માટે જ હોય છે. પરંતુ આજે એવું નથી. બ્યુરૉ ઑફ પોલીસ રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટના આંકડા બતાવે છે કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં મહિલા પોલીસ કર્મચારીઓની સંખ્યા બમણી થઈ ગઈ છે. 2014માં જ્યાં તેમની સંખ્યા એક લાખ પાંચ હજારની નજીક હતી ત્યાં 2020 સુધી તેમાં બે ગણીથી પણ  વધુ વૃદ્ધિ થઈ છે અને આ સંખ્યા હવે બે લાખ પંદર હજાર સુધી પહોંચી ગઈ છે. એટલે સુધી કે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોમાં પણ છેલ્લાં સાત વર્ષોમાં મહિલાઓની સંખ્યા લગભગ બમણી થઈ છે. અને હું માત્ર સંખ્યાની જ વાત નથી કરી રહ્યો. ઉદાહરણ તરીકે, કેટલીક દીકરીઓ સૌથી અઘરી ગણાતી Trainingમાંની એક વિશેષ જંગલ યુદ્ધ કમાન્ડોનું પ્રશિક્ષણ લઈ રહી છે. તે આપણી કૉબ્રા બટાલિયનનો હિસ્સો બનશે.

સાથીઓ, આજે આપણે વિમાન મથકે જઈએ છીએ, મેટ્રો સ્ટેશને જઈએ છીએ કે પછી સરકારી કાર્યાલયોને જોઈએ છીએ, સીઆઈએસએફની જાબાંજ મહિલાઓ દરેક સંવેદનશીલ જગ્યાની સુરક્ષા કરતી જોવા મળે છે. તેની સૌથી સકારાત્મક અસર આપણા પોલીસ બળની સાથોસાથ સમાજના મનોબળ પર પણ પડી રહી છે. મહિલા સુરક્ષા કર્મચારીઓની ઉપસ્થિતિથી લોકોમાં, ખાસ કરીને મહિલાઓમાં સહજ જ એક વિશ્વાસ ઉત્પન્ન થાય છે. તેઓ તેમનાથી સ્વાભાવિક રીતે પોતાને જોડાયેલી અનુભવે છે. મહિલાઓની સંવેદનશીલતાના કારણે પણ લોકો તેમના પર વધુ ભરોસો કરે છે. આપણી આ મહિલા પોલીસ કર્મચારીઓ દેશની લાખો વધુ દીકરીઓ માટે પણ આદર્શ બનવા લાગી છે. હું મહિલા પોલીસ કર્મચારીઓને અનુરોધ કરવા માગીશ કે તેઓ શાળા ખુલ્યા પછી પોતાનાં ક્ષેત્રોની શાળાઓની મુલાકાત લે, ત્યાં બાળકીઓ સાથે વાત કરે. મને વિશ્વાસ છે કે આ વાતચીતથી આપણી નવી પેઢીને એક નવી દિશા મળસે. એટલું જ નહીં, તેનાથી પોલીસ પર જનતાનો વિશ્વાસ પણ વધશે. હું આશા કરું છું કે ભવિષ્યમાં પણ વધુ સંખ્યામાં મહિલાઓ પોલીસ સેવામાં જોડાશે, આપણા દેશની નવા યુગની Policingનું નેતૃત્વ કરશે.

મારા પ્રિય દેશવાસીઓ, વિતેલાં કેટલાંક વર્ષોમાં આપણા દેશમાં આધુનિક ટૅક્નૉલૉજીનો ઉપયોગ જે ઝડપે વધી રહ્યો છે, તેના પર ઘણી વાર મને મન કી બાતના શ્રોતાઓ પોતાની વાતો લખતા રહે છે. આજે હું આવા જ એક વિષયની ચર્ચા તમારી સાથે કરવા માગું છું, જે આપણા દેશ, વિશેષ તો આપણા યુવાનો અને નાનાં-નાનાં બાળકો સુધીનાની કલ્પનાઓમાં છવાયેલો છે. આ વિષય છે ડ્રૉનનો, ડ્રૉનની ટૅક્નૉલૉજીનો. કેટલાંક વર્ષો પહેલાં સુધી જ્યારે ક્યાંક ડ્રૉનનું નામ આવતું હતું તો લોકોના મનમાં પહેલો વિચાર શું આવતો હતો? સેનાનો, હથિયારોનો, યુદ્ધનો. પરંતુ આજે આપણે ત્યાં કોઈ લગ્ન જાન હોય કે કાર્યક્રમ થાય છે તો આપણે ડ્રૉનથી ફૉટો અને વિડિયો બનાવતા જોઈએ છીએ. ડ્રૉનનું પરીઘ, તેની તાકાત માત્ર આટલી જ નથી. ભારત દુનિયાના એ પહેલા દેશોમાંથી છે જે ડ્રૉનની મદદથી જમીનનો ડિજિટલ રેકૉર્ડ તૈયાર કરી રહ્યું છે. ભારત ડ્રૉનનો ઉપયોગ પરિવહન માટે કરવા પર બહુ વ્યાપક રીતે કામ કરી રહ્યું છે. પછી તે ગામમાં ખેતીવાડી હોય કે ઘર પર સામાનની ડિલિવરી હોય. સંકટના સમયે મદદ પહોંચાડવાની હોય કે કાયદા વ્યવસ્થા પર નજર રાખવાની હોય. એ હવે બહુ દૂરની વાત નથી કે આપણે જોઈશું કે ડ્રૉન આપણી આ બધી જરૂરિયાતો માટે હાજર હશે. તેમાંથી મોટા ભાગની તો શરૂઆત થઈ ચૂકી છે. જેમ કે કેટલાક દિવસો પહેલાં ગુજરાતના ભાવનગરમાં ડ્રૉન મારફત ખેતરોમાં નૈનો યૂરિયાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. કૉવિડ રસી અભિયાનમાં પણ ડ્રૉન પોતાની ભૂમિકા નિભાવી રહ્યાં છે. તેની એક તસવીર આપણને મણિપુરમાં જોવા મળી હતી. ત્યાં એક દ્વીપ પર ડ્રૉનથી રસી પહોંચાડવામાં આવી હતી. તેલંગાણામાં પણ ડ્રૉનથી રસી પહોંચાડવા માટે પરીક્ષણ થઈ ચૂક્યું છે. એટલું જ નહીં, હવે આંતરમાળખામાં અનેક મોટા પ્રૉજેક્ટ પર નજર રાખવા માટે ડ્રૉનનો ઉપયોગ થઈ રહ્યો છે. મેં એક એવા યુવાન વિદ્યાર્થી વિશે પણ વાંચ્યું છે જેણે પોતાના ડ્રૉનની મદદથી માછીમારોનું જીવન બચાવવાનું કામ કર્યું છે.

સાથીઓ, પહેલાં આ ક્ષેત્રમાં એટલા નિયમો, કાયદાઓ અને પ્રતિબંધ લગાવીને રખાયા હતા કે ડ્રૉનની સાચી ક્ષમતાનો ઉપયોગ પણ સંભવ નહોતો. જે ટૅક્નૉલૉજીને અવસર તરીકે જોવો જોઈતો હતો, તેને સંકટ તરીકે જોવામાં આવ્યો. જો તમારે કોઈ પણ કામ માટે ડ્રૉન ઉડાડવું હોય તો લાયસન્સ અને પરમિશનની એટલી ઝંઝટ રહેતી હતી કે લોકો ડ્રૉનના નામથી જ કાન પકડી લેતા હતા. આપણે નક્કી કર્યું કે આ માનસિકતાને બદલવી જોઈએ અને નવાં વલણને અપનાવવું જોઈએ. આથી આ વર્ષે 25 ઑગસ્ટે દેશ એક નવી ડ્રૉન નીતિ લઈને આવ્યો. આ નીતિ ડ્રૉન સાથે જોડાયેલી વર્તમાન અને ભવિષ્યની સંભાવનાઓના હિસાબથી બનાવવામાં આવી છે. તેમાં હવે બહુ બધાં ફૉર્મ ચક્કરમાં નહીં પડવું પડે, ન તો પહેલા જેટલી ફી ચૂકવવી પડે. મને તમને જણાવતા આનંદ થાય છે કે નવી ડ્રૉન નીતિ આવ્યા પછી અનેક ડ્રૉન સ્ટાર્ટ અપમાં વિદેશી અને દેશી રોકાણકારોએ રોકાણ કર્યું છે. અનેક કંપનીઓ મેન્યુફૅક્ચરિંગ યૂનિટ પણ લગાવી રહી છે. ભૂમિ દળ, નૌકા દળ અને વાયુ દળે ભારતીય ડ્રૉન કંપનીઓને 500 કરોડ રૂપિયાથી વધુના ઑર્ડર આપ્યા છે. અને આ તો હજુ શરૂઆત છે. આપણે અહીં જ રોકાવાનું નથી. આપણે ડ્રૉન ટૅક્નૉલૉજીમાં અગ્રણી દેશ બનવાનું છે. તેના માટે સરકાર દરેક સંભવ પગલું ઉઠાવી રહી છે. હું દેશના યુવાનોને પણ કહીશ કે તમે ડ્રૉન નીતિ પછી ઊભા થયેલા અવસરોનો લાભ ઉઠાવવા વિશે જરૂર વિચારો, આગળ આવો.

મારા પ્રિય દેશવાસીઓ, ઉત્તર પ્રદેશના મેરઠથી મન કી બાતનાં એક શ્રોતા શ્રીમતી પ્રભા શુક્લએ મને સ્વચ્છતા સાથે જોડાયેલો એક પત્ર મોકલ્યો છે. તેમણે લખ્યું છે કે ભારતમાં તેહવારો પર આપણે બધાં સ્વચ્છતાને ઉજવીએ છીએ. તે જ રીતે જો આપણે સ્વચ્છતાને પ્રત્યેક દિવસની ટેવ બનાવી લઈએ તો સમગ્ર દેશ સ્વચ્છ થઈ જશે.મને પ્રભાજીની વાત ઘણી પસંદ આવી. ખરેખર, જ્યાં સફાઈ છે, ત્યાં સ્વાસ્થ્ય છે, જ્યાં સ્વાસ્થ્ય છે, ત્યાં સામર્થ્ય છે અને જ્યાં સામર્થ્ય છે, ત્યાં સમૃદ્ધિ છે. આથી જ તો દેશ સ્વચ્છ ભારત અભિયાન પર આટલું જોર દઈ રહ્યો છે.

સાથીઓ, મને રાંચી પાસેના એક ગામ સપારોમ, નયા સરાય, ત્યાં વિશે જાણીને ઘણું સારું લાગ્યું. આ ગામમાં એક તળાવ હતું, પરંતુ લોકો આ તળાવવાળી જગ્યાનો ખુલ્લામાં શૌચ માટે ઉપયોગ કરતા હતા. સ્વચ્છ ભારત અભિયાન હેઠળ જ્યારે બધાના ઘરમાં શૌચાલય બની ગયાં તો ગામવાળાઓએ વિચાર્યું કે શા માટે ગામને સ્વચ્છ કરીને સાથોસાથ સુંદર ન બનાવવામાં આવે? પછી તો શું હતું, બધાએ મળીને તળાવવાળી જગ્યા પર બગીચો બનાવી દીધો. આજે તે જગ્યા લોકો માટે, બાળકો માટે, એક સાર્વજનિક સ્થાન બની ગઈ છે. તેનાથી સમગ્ર ગામના જીવનમાં એક મોટું પરિવર્તન આવ્યું છે. હું તમને છત્તીસગઢના દેઉર ગામની મહિલાઓ વિશે પણ બતાવવા માગું છું. અહીંની મહિલાઓ એક સ્વયં સહાયતા સમૂહ ચલાવે છે અને હળીમળીને ગામના ચોક-પાદર, સડકો અને મંદિરોની સફાઈ કરે છે.

સાથીઓ, ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના રામવીર તંવરજીને લોકો પૉન્ડ મેન નામથી જાણે છે. રામવીરજી તો મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યા પછી નોકરી રહ્યા હતા. પરંતુ તેમના મનમાં સ્વચ્છતાની એવી ધૂન જાગી કે તેઓ નોકરી છોડીને તળાવોની સફાઈમાં લાગી ગયા. રામવીરજી અત્યાર સુધી અનેક તળાવોની સફાઈ કરીને તેમને પુનર્જીવિત કરી ચૂક્યા છે.

સાથીઓ, સ્વચ્છતાના પ્રયાસ ત્યારે જ પૂરી રીતે સફળ થાય છે જ્યારે દરેક નાગરિક સ્વચ્છતાને પોતાની જવાબદારી સમજે. અત્યારે દિવાળી પર આપણે બધાં પોતાના ઘરની સાફસફાઈમાં તો લાગી જ જઈએ છીએ. પરંતુ આ દરમિયાન આપણે ધ્યાન રાખવાનું છે કે આપણા ઘરની સાથે આપણી આસપાસ પણ સ્વચ્છ રહે. એવું ન થવું જોઈએ કે આપણે આપણું ઘર તો સાફ કરીએ પરંતુ આપણા ઘરની ગંદગી આપણા ઘરની બહાર, આપણી સડકો પર નાખી દઈએ. અને હા, હું જ્યારે સ્વચ્છતાની વાત કરૂં છું ત્યારે કૃપા કરીને સિંગલ યૂઝ પ્લાસ્ટિકથી મુક્તિની વાત આપણે ક્યારેય નથી ભૂલવાની. તો આવો, આપણે સંકલ્પ લઈએ કે સ્વચ્છ ભારત અભિયાનના ઉત્સાહને ઓછો નહીં થવા દઈએ. આપણે બધાં મળીને આપણા દેશને પૂરી રીતે સ્વચ્છ બનાવીશું અને સ્વચ્છ રાખીશું.

મારા પ્રિય દેશવાસીઓ, ઑક્ટોબરનો પૂરો મહિનો જ તહેવારોના રંગમાં રંગાયેલો રહે છે અને આજથી થોડા દિવસો પછી દિવાળી તો આવી જ રહી છે. દિવાળી, તે પછી ગોવર્ધન પૂજા, પછી ભાઈ બીજ, આ ત્રણ તહેવાર તો હશે જ, સાથે છઠ પૂજા પણ હશે. નવેમ્બરમાં જ ગુરુ નાનક દેવજીની જંયતિ પણ છે. આટલા તહેવાર એક સાથે હોય તો તેની તૈયારીઓ પણ ઘણા સમય પહેલાં જ શરૂ થઈ જાય છે. તમે બધાં પણ અત્યારથી ખરીદીની યોજના કરવા લાગ્યા હશો, પરંતુ તમને યાદ છે ને કે ખરીદી અર્થાત્ વૉકલ ફૉર લૉકલ. તમે લૉકલ ખરીદશો તો તમારો તહેવાર પણ ઉજળો થશે અને કોઈ ગરીબ ભાઈ-બહેન, કોઈ કારીગર, કોઈ વણકરના ઘરમાં પણ પ્રકાશ આવશે. મને પૂરો ભરોસો છેકે જે અભિયાન આપણે બધાંએ મળીને શરૂ કર્યું છે, આ વખતે તહેવારોમાં તે વધુ મજબૂત થસે. તમે તમારે ત્યાંનાં જે સ્થાનિક ઉત્પાદનો ખરીદો, તેના વિશે સૉશિયલ મિડિયા પર લખો. પોતાની સાથેના લોકોને પણ જણાવો. આગલા મહિને આપણે ફરી મળીશું તો ફરી આવા જ અનેક વિષયો પર વાત કરીશું.

તમારા સહુનો ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર.

 

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1766081) Visitor Counter : 438