પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય

સમગ્ર દેશમાં રસીકરણ ઝૂંબેશને પ્રોત્સાહન આપવા માટે પદ્મશ્રી કૈલાશ ખેરે ગાયેલું ગીત લોન્ચ

Posted On: 16 OCT 2021 4:36PM by PIB Ahmedabad

સમગ્ર દેશમાં રસીકરણ ઝૂંબેશને પ્રોત્સાહન આપવા માટે ખ્યાતનામ ગીતકાર પદ્મશ્રી કૈલાશ ખેરનું દૃશ્ય-શ્રાવ્ય ગીત આજે પેટ્રોલિયમ અને કુદરતી વાયુ મંત્રી શ્રી હરદીપસિંહ પુરી અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી મનસુખ માંડવિયા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. પ્રત્યક્ષ અને વર્ચ્યુઅલ એમ બન્ને રીતે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યકક્ષાના પેટ્રોલિયમ અને કુદરતી વાયુ મંત્રી શ્રી રામેશ્વર તેલી, સચિવ PNG તરૂણ કપૂર, મંત્રાલય અને ઓઇલ અને ગેસ PSUના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. આ ગીત ઓઇલ અને ગેસ PSU દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે શ્રી પુરીએ જણાવ્યું હતું કે ભારત આગામી અઠવાડિયે 100 કરોડ રસીઓનો લક્ષ્યાંક પ્રાપ્ત કરવા જઇ રહ્યું છે. જ્યારે માર્ચ 2020માં દેશમાં લૉકડાઉન લાદવામાં આવ્યું હતું ત્યારે ભારત PPE કિટ, વેન્ટિલેટર અને અન્ય જરૂરી તબીબી પુરવઠાની આયાત ઉપર નિર્ભર હતું, પરંતુ ખૂબ ટૂંકા સમયગાળામાં આપણે આ તમામ ચીજ-વસ્તુઓ સ્થાનિક રીતે ઉત્પાદિત કરવા સક્ષમ બન્યા હતા, અને હવે આપણે કોઇપણ પરિસ્થિતિનો સામનો કરવા વધારે સારી રીતે સજ્જ બની ગયા છીએ. આ બાબત આપણાં સૌના યોગદાન અને પ્રધાનમંત્રીના દીર્ધદ્રષ્ટી ભર્યા નેતૃત્વના કારણે શક્ય બની શકી છે. તેમણે જણાવ્યું હતું કે તે સંતોષની વાત છે કે જે લોકો નકારાત્મક વાતાવરણ ઊભું કરવા ઇચ્છતા હતા તેઓ નિષ્ફળ ગયા છે અને કોવિડ સામેની લડાઇએ લોક ઝૂંબેશનું સ્વરૂપ ધારણ કરી લીધું છે. તેમણે જણાવ્યું હતું કે વાઇરસ એક દુશ્મન છે અને તેની સામે લડવા આપણે સૌએ હાથ મિલાવવાના છે. શ્રી પુરીએ જણાવ્યું હતું કે ગીતકારો લોકોની કલ્પના ઝડપી શકે છે અને શ્રી ખેરે ગાયેલું આ ગીત ગેરમાન્યતાઓ દૂર કરવા અને રસીકરણ અંગે જનજાગૃતિનું સર્જન કરવા ખૂબ જ ઉપયોગી નિવડશે.

શ્રી માંડવિયાએ જણાવ્યું હતું કે દેશમાં 97 કરોડથી વધારે રસીના ડોઝ આપી દેવામાં આવ્યાં છે. તેમણે જણાવ્યું હતું કે સરકારે અને લોકોએ સ્વદેશી રીતે રસી વિકસાવવામાં આપણાં વૈજ્ઞાનિકો, સંશોધકો અને તબીબી સમુદાય ઉપર વિશ્વાસ (સબકા વિશ્વાસ) વ્યક્ત કર્યો છે. અને આપણાં સૌના પ્રયાસો (સબકા પ્રયાસ)ના કારણે આપણે દેશના તમામ ખૂણે-ખૂણે રસી પહોંચાડવાની અને આટલા ટૂંકા સમયગાળામાં આટલી મોટી સંખ્યામાં લોકોનું રસીકરણ કરવાની અત્યંત કઠિન કામગીરી હાથ ધરવા સક્ષમ બની શક્યાં છીએ.

શ્રી કૈલાશ ખેરે જણાવ્યું હતું કે સંગીત માત્ર મનોરંજનનો સ્રોત જ નથી પરંતુ તે અન્ય લોકોને પ્રેરણા પૂરી પાડવાનો ગુણ પણ ધરાવે છે. તેમણે જણાવ્યું હતું કે ભારત એક મહાન રાષ્ટ્ર છે જેનું ક્ષમતા અને સિદ્ધીઓને સમગ્ર વિશ્વ સ્વીકારે છે પરંતુ તેના અંગે કેટલીક ગેરસમજ રહેલી છે જે દૂર કરવાની જરૂર છે. તેમણે જણાવ્યું હતું કે પ્રેરણાત્મક ગીતો દ્વારા નૈતિક સમર્થન અને જાગૃતિનું સર્જન કરી શકાય છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ગેરમાન્યતાઓ દૂર કરવામાં અને લોકોમાં રસીની સ્વીકૃતિમાં વધારો કરવા આ ગીત ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

 



(Release ID: 1764440) Visitor Counter : 210