ગૃહ મંત્રાલય

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહે દેશની આઝાદીની 75મી વર્ષગાંઠના અવસરે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ પ્રસંગે દિલ્હીમાં ઐતિહાસિક લાલ કિલ્લાથી નેશનલ સિક્યુરિટી ગાર્ડ (એનએસજી)ની એક અખિલ ભારત કાર રેલી ‘ સુદર્શન ભારત પરિક્રમા’ને લીલી ઝંડી આપી


પ્રધાનમંત્રીના નેતૃત્વ હેઠળ દેશના વિકાસ માટે મોકળા કરાયેલા માર્ગ પર આપણે સૌ ચાલવાનું શરૂ કરીએ

દેશના યુવા, વૈજ્ઞાનિકો અને ટેક્નોક્રેટ્સ જો હાથ મિલાવે તો દરેક બાબત શક્ય છે અને ભારત ગર્વ સાથે આત્મનિર્ભર બની શકે અને એનું શીશ ઊંચું રહી શકે
શ્રી નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારતની સાથે મેક ઈન ઇન્ડિયાનું સૂત્ર આપ્યું છે, દેશના યુવાએ આ લક્ષ્ય સાથે જોડાવું જોઇએ જેથી ભારત વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ બને અને મેડ ઈન્ડિયા લેબલ હેઠળ ભારતીય વસ્તુઓ વિશ્વભરમાં જાય

એ આપણી સામૂહિક જવાબદારી છે કે પ્રધાનમંત્રી શ્રી મોદીના નેતૃત્વ હેઠળ આપણે આઝાદીના અમૃત મહોત્સવને પ્રેરણાસ્ત્રોત અને ચૈતન્ય જાગૃતિ માટેનું માધ્યમ બનાવીએ અને એને ભારતના વિકાસ માટેનો પથ બનાવીએ


41000 કિમીનું અંતર આવરી લેતી સાયકલ રેલીઓ અને આજથી શરૂ થતી સુદર્શન ભારત પરિક્રમા કાર રેલી દેશમાં ચૈતન્ય જાગૃત કરવાનો સંનિષ્ઠ પ્રયાસ છે અને તે આપણને આઝાદી કા અમૃત મહોત્સવના લક્ષ્યો પરિપૂર્ણ કરવા તરફ લઈ જશે

આઝાદી કા અમૃત મહોત્સવના બે મુખ્ય હેતુઓ દેશની આઝાદી માટે સર્વોચ્ચ બલિદાન આપનારા અપ્રસિદ્ધ શહીદોની અમર ગાથાને સજીવન કરવાનો પ્રયાસ અને નવી પેઢીમાં દેશભક્તિની ભાવના જગાડીને એમને દેશના વિકાસ સાથે જોડવાનો છે

આપણને દેશ માટે આપણું જીવન બલિદાન કરવાનો વિશેષાધિકાર-તક ન મળે પણ દેશ માટે જીવવાનું તો આપણા હાથમાં છે


સ્વતંત્રતા સેનાનીઓએ એમનું જીવન બલિદાન કર્યું અને દેશ માટે આઝાદી અપાવીને આજે આપણે જ્યાં છીએ ત્યાં લાવી દીધા, પણ શું આપણે દેશ માટે સમગ્ર જીવન જીવી શકીએ, આ માટે આપણે દેશના વિકાસમાં આપણી સહભાગિતા સુનિશ્ચિત કરવી જોઇએ



આઝાદી કા અમૃત મહોત્સવ દરમ્યાન જો તમામ 130 કરોડ ભારતીયો એક સંકલ્પ લે તો ભારત એક બહુ મોટી શક્તિ બની જશે, જો તમામ ભારતીયો એક જ દિશામાં એક ડગલું માંડે તો આપણે સૌ ભેગા મળીને 130 કરોડ ડગલાં આગળ વધીશું


આઝાદી કા અમૃત મહોત્સવનું વર્ષ 130 કરોડ ભારતીયોનું એમના સંકલ્પો લેવા અને પરિપૂર્ણ કરવા માટેનું વર્ષ છે અને માત્ર આ તમામ 130 કરોડ સંકલ્પો ભારતને આત્મનિર્ભર બનાવી શકે છે


કેન્દ્રીય સશસ્ત્ર દળોના જવાનો માઇનસ 43થી 43 ડિગ્રી સેલ્સિયસ તાપમાનની મુશ્કેલ સ્થિતિઓમાં દેશની સરહદોની રક્ષા કરે છે અને એમનાં બલિદાનને કારણે આજે દેશ સલામત છે અને વિકાસના પંથે આગળ વધી રહ્યો છે

Posted On: 02 OCT 2021 6:04PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહે આજે દેશની આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે ઉજવાતા આઝાદી કા અમૃત મહોત્સવના અવસરે દિલ્હીમાં ઐતિહાસિક લાલ કિલ્લા પરથી નેશનલ સિક્યુરિટી ગાર્ડ (એનએસજી)ની એક અખિલ ભારત કાર રેલી સુદર્શન ભારત પરિક્રમાને લીલી ઝંડી આપી હતી. શ્રી અમિત શાહે સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સીસ (સીએપીએફ)ની અખિલ ભારતીય સાયકલ રેલીઓને પણ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ અવસરે, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીએ ટોક્યો ઑલિમ્પિકના પદક વિજેતા શ્રી બજરંગ પુનિયાનું અભિવાદન કર્યું હતું. ગૃહ રાજ્ય મંત્રીઓ શ્રી નિત્યાનંદ રાય, શ્રી અજય કુમાર મિશ્રા અને શ્રી નિશિથ પ્રામાણિક, કેન્દ્રીય ગૃહ સચિવ અને ભારત સરકાર તેમજ આર્મ્ડ પોલીસ ફોર્સીસના વરિષ્ઠ અધિકારીઓ આ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.

પોતાના સંબોધનમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીએ જણાવ્યું કે આજનો દિવસ સમગ્ર દેશ માટે બહુ અગત્યનો અને શુભ દિન છે. આજે ભારતની બે મહાન વિભૂતિઓની જન્મ જયંતી છે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને પૂર્વ પ્રધાનમંત્રી શ્રી લાલ બહાદુર શાસ્ત્રી. શ્રી અમિત શાહે કહ્યું હતું કે જો આપણે વર્ષ 1900 પછી ભારતના ઈતિહાસને ધ્યાનપૂર્વક જોઇએ તો જણાશે કે આ બેઉ મહાન વિભૂતિઓએ દેશના ઇતિહાસ પર એમની અમીટ છાપ છોડી છે. મહાત્મા ગાંધીએ અન્યાય અને દમન સામે દક્ષિણ આફ્રિકાથી ચળવળ શરૂ કરી અને વિશ્વને સત્યાગ્રહ તરીકે ઓળખાતો મંત્ર આપ્યો. ભારત પાછા ફરીને, દારૂણ ગરીબી, અકલ્પનીય શોષણ અને અંગ્રેજ શાસકોનો ભેદભાવ જોઇને ગાંધીજીએ  એમનું જીવન ભારત માતાની સેવામાં સમર્પિત કરી દીધું અને દેશને આઝાદી અપાવવા શક્ય તમામ કર્યું. મહાત્મા ગાંધીના નેતૃત્વમાં દેશમાં એક અનોખા પ્રકારનો સ્વતંત્રતા સંઘર્ષ થયો, જ્યાં કોઇએ હથિયારો ઉપાડ્યા નહીં, કોઇ હિંસા ન થઈ અને કોઇ રક્તપાત નહીં અને 30 કરોડ ભારતીયો બાપુને અનુસર્યા અને અંતમાં 1947ની 15મી ઑગસ્ટે ભારતને આઝાદી મળી. શ્રી શાહે કહ્યું હતું કે આઝાદીની ચળવળમાં બાપુના યોગદાનને અને એમણે ચીંધેલા માર્ગને દેશ હજીય યાદ કરે છે. 

શ્રી અમિત શાહે કહ્યું હતું કે શ્રી લાલ બહાદુર શાસ્ત્રીએ દેશની સલામતીનાં તમામ પરિમાણો જ નહોતાં બદલ્યાં પણ 1965ના યુદ્ધમાં આપણા દળોએ એમના નેતૃત્વમાં દુશ્મનને જડબાતોડ જવાબ પણ આપ્યો હતો. તેમણે કહ્યું કે શ્રી લાલ બહાદુર શાસ્ત્રીએ કેવી રીતે નિ:સ્વાર્થ સેવા બહુ ટૂંકા સમયગાળામાં લોકશાહીમાં આપી શકાય એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ બેસાડ્યું હતું. શ્રી શાસ્ત્રી દ્વારા અપાયેલું સૂત્ર જય જવાન, જય કિસાનઆજે પણ પ્રસ્તુત છે. સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં શ્રી શાસ્ત્રીજી અમર છાપ છોડી ગયા છે અને આવનારી પેઢીઓને સરસ ઉદાહરણ રજૂ કર્યું છે. આજે, આપણે સૌ એમને શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ અને એમણે ચીંધેલા માર્ગને અનુસરવા આપણી જાતને ફરી સમર્પિત કરીએ છીએ.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે આજે, સીએપીએફના આશરે 1000 જવાનો સમગ્ર દેશમાં એમની સફર દરમ્યાન હજારો શહીદોને શ્રદ્ધાંજલિ અર્પતા રાજઘાટ પહોંચ્યા હતા. શ્રી શાહે કહ્યું કે દેશના વિવિધ ભાગોથી સીએપીએફની 45 સાયકલ રેલીઓએ એક મહિનામાં દિલ્હીના લાલ કિલ્લા પર પહોંચવા 41000 કિલોમીટર્સનું અંતર આવરી લીધું છે. સાયકલ રેલીમાં ભાગ લેનારા અને કાર રેલીમાં ભાગ લઈ રહેલા કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના જવાનો અને અધિકારીઓને અભિનંદન આપતા કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે 41000 કિમીનું અંતર કાપનાર સાયકલ રેલીઓ અને આજથી શરૂ થતી એનએસજીની સુદર્શન ભારત પરિક્રમા કાર રેલી દેશમાં ચૈતન્ય જાગૃત કરવાનો ભાગ છે. આ એક સંનિષ્ઠ પ્રયાસ છે અને એ આપણને આઝાદી કા અમૃત મહોત્સવના લક્ષ્યોને પરિપૂર્ણ કરવા તરફ દોરી જશે. તેમણે કહ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દાંડી કૂચ થઈ એ તારીખથી આઝાદી કા અમૃત મહોત્સવનો આરંભ કર્યો છે અને હવે આ અમૃત મહોત્સવ લોકોનાં મનમાં નવી ચેતના જગાવી રહ્યો છે.

 

શ્રી અમિત શાહે કહ્યું કે આઝાદી કા અમૃત મહોત્સવના બે મુખ્ય હેતુઓ છે. દેશના દરેક રાજ્ય, જિલ્લા, નગર અને ગામમાં વિદેશી આક્રમણના સમયગાળાથી 1857ના વિપ્લવ અને 1857થી 1947 આઝાદી માટે સર્વોચ્ચ બલિદાન આપનારા અપ્રસિદ્ધ શહીદોની અમર ગાથાને પુન:જીવિત કરવી અને નવી પેઢીમાં દેશભક્તિની ભાવના જગાડીને એમને દેશના વિકાસ સાથે જોડવી. તેમણે કહ્યું કે ઘણાં લોકોએ એમનું સમગ્ર જીવન દેશની આઝાદીને સમર્પિત કર્યું અને પેઢીઓ સુધી ઘણાં લોકોએ બલિદાનો આપ્યાં જેના કારણે આપણને આઝાદી મળી.

દેશના યુવાઓને અનુરોધ કરતા શ્રી શાહે કહ્યું કે આપણને દેશ માટે આપણું જીવન બલિદાન કરવાની તક કે વિશેષાધિકાર ન મળે પણ દેશ માટે જીવવાનું તો આપણા હાથમાં છે. તેમણે કહ્યું કે સ્વતંત્રતા સેનાનીઓએ એમનું જીવન બલિદાન કર્યું અને દેશને આઝાદી અપાવીને આપણને આ સ્થાને લાવ્યા છે, પણ શું આપણે દેશ માટે આપણું સમગ્ર જીવન શકીએ. આ માટે કોઇ બલિદાનની જરૂર નથી પણ આપણે દેશના વિકાસમાં આપણી સહભાગિતા સુનિશ્ચિત કરવી રહી. શ્રી શાહે કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં, દેશના વિકાસનો પથ નક્કી થયો છે અને આપણે એ પથ પર ચાલવાનું શરૂ કરી દેવું જોઇએ. તેમણે કહ્યું કે જો દેશના યુવા, વૈજ્ઞાનિકો અને ટેક્નોક્રેટ્સ હાથ મિલાવે તો દરેક બાબત શક્ય છે અને ભારત વિશ્વમાં આત્મનિર્ભર બની શકે અને આપણે ગર્વથી આપણું મસ્તક ઊંચું રાખી શકીએ. આત્મનિર્ભર ભારતની સાથે. શ્રી નરેન્દ્ર મોદીએ મેક ઇન ઈન્ડિયાનું સૂત્ર પણ આપ્યું છે. શ્રી શાહે કહ્યું કે દેશના યુવાએ એમની જાતને આ લક્ષ્યમાં જોડવી જોઇએ જેથી ભારત વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ બને અને મેડ ઇન ઇન્ડિયાના લેબલ સાથે ભારતીય વસ્તુઓ વિશ્વભરમાં પહોંચે. આ તમામ લક્ષ્યો આપણને દેશ માટે કંઈક કરવા પ્રેરિત કરે છે. પ્રધાનમંત્રીએ આવાં ઘણાં સંકલ્પો અને લક્ષ્યો આપણા માટે નક્કી કર્યા છે જે આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરીને દેશ સેવા કરવાની તક આપે છે.

 

શ્રી શાહે કહ્યું કે આઝાદી કા અમૃત મહોત્સવનું આ વર્ષ 130 કરોડ ભારતીયો માટે સંકલ્પો લેવાનું અને એને પરિપૂર્ણ કરવાનું વર્ષ છે અને આ તમામ 130 કરોડ ભારતીયોનાં સંકલ્પો જ ભારતને આત્મનિર્ભર બનાવી શકે. તેમણે કહ્યું કે આઝાદી કા અમૃત મહોત્સવને પ્રેરણા સ્ત્રોત, ચૈતન્ય જાગૃત કરવાનું એક માધ્યમ અને ભારતના વિકાસ માટેની એક કેડી બનાવવાની આપણી સામૂહિક જવાબદારી છે. શ્રી શાહે કહ્યું કે આપણે સૌએ આ દિશામાં કામ કરવું જોઇએ કેમ કે આ સમય સંકલ્પ લેવાનો અને એને પરિપૂર્ણતામાં ફેરવવાનો છે. તેમણે આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો કે જો આપણે આ સંકલ્પ લઈએ અને આપણાં પગલાં સાથે આપણી જાતને ફરી એક વાર ભારત માતાને સમર્પિત કરીએ તો આઝાદીના શતાબ્દી વર્ષમાં ભારત ચોક્ક્સ જ વિશ્વમાં એક બહુ મોટી તાકાત તરીકે ઉભરી આવશે, અને એટલે જ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આઝાદી કા અમૃત મહોત્સવને ઉજવવાનું નક્કી કર્યું છે. શ્રી અમિત શાહે કહ્યું કે આઝાદી કા અમૃત મહોત્સવનો મૂળ વિચાર સમગ્ર દેશમાં હજારો કાર્યક્રમો દ્વારા ચેતના જગાડીને એને પગલાંમાં પરિવર્તિત કરવાનો અને એક અદભુત શક્તિ સર્જવાનો છે.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે આપણા તમામ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળના જવાનો માઈનસ 43થી 43 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં મુશ્કેલ સ્થિતિઓમાં દેશની સીમાઓની રક્ષા કરી રહ્યા છે. એમનાં બલિદાનોને કારણે જ આપણે આજે સલામત છીએ અને દેશ વિકાસના માર્ગે આગળ વધી રહ્યો છે. તેમણે કહ્યું કે દેશનાં સાર્વભૌમની રક્ષા અને એને અકબંધ રાખવા કાજે 35000થી વધુ પોલીસ અને કેન્દ્રીય દળોના જવાનોએ એમનાં જીવનનું બલિદાન આપ્યું છે. શ્રી શાહે કહ્યું કે આજનો દિવસ એમનાં બલિદાનોને યાદ કરવાનો અને એ પ્રતિજ્ઞા લેવાનો છે કે આપણે એમનાં સર્વોચ્ચ બલિદાનને એળે જવા દઈશું નહીં. તેમણે કહ્યું કે આપણે આત્મનિર્ભર અને ગર્વાન્વિત ભારતનું નિર્માણ કરીને  દેશને વિકાસના પંથે આગળ લઈ જઈશું અને આપણે ચોક્કસ જ પ્રધાનમંત્રી શ્રી મોદીના 5 ટ્રિલિયન ડૉલરના અર્થતંત્રના લક્ષ્યને હાંસલ કરીશું.

આજે જેને લીલી ઝંડી આપવામાં આવી એ એનએસજીની કાર રેલી એની 7500 કિમી લાંબી યાત્રા દરમ્યાન, આઝાદીની ચળવળ અને દેશના સ્વતંત્રતા સેનાનીઓ સાથે સંકળાયેલા મહત્વના અને ઐતિહાસિક સ્થળોએથી પસાર થશે અને 2021ની 30મી ઑક્ટોબરે નવી દિલ્હીના પોલીસ સ્મારક ખાતે સમાપ્ત થશે. એનએસજીની કાર રેલી દેશના 12 રાજ્યોના 18 શહેરોમાંથી પસાર થશે અને કાકોરી સ્મારક (લખનૌ), ભારત માતા મંદિર (વારાણસી), નેતાજી ભવન બૅરેકપોર (કોલકાતા), સ્વરાજ આશ્રમ (ભુવનેશ્વર), તિલક ઘાટ (ચેન્નાઇ), ફ્રીડમ પાર્ક (બેંગલુરુ(, મણિ ભવન/ઑગસ્ટ ક્રાંતિ મેદાન (મુંબઈ) અને સાબરમતી આશ્રમ (અમદાવાદ) જેવા ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેશે.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1760447) Visitor Counter : 451