પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ આયુષમાન ભારત ડિજિટલ મિશનનો આરંભ કર્યો


આયુષમાન ભારત ડિજિટલ મિશન એવા અવરોધરહિત ઑનલાઇન પ્લેટફોર્મનું નિર્માણ કરે છે જે ડિજિટલ આરોગ્ય ઇકોસિસ્ટમમાં આંતરિક પોર્ટિબિલિટીનું સામર્થ્ય આપશે

પ્રધાનમંત્રીએ JAM ટ્રિનિટીનો ઉલ્લેખ કરીને કહ્યું કે, આખી દુનિયામાં આટલું મોટું કનેક્ટેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બીજે ક્યાંય નથી

“ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર 'રેશનથી પ્રશાસન' સુધીનું બધુ જ ઝડપી અને પારદર્શક રીતે સામાન્ય ભારતીયો સુધી પહોંચાડે છે”

“ટેલિમેડિસિનમાં પણ અભૂતપૂર્વ વિસ્તરણ થયું છે”

“આયુષમાન ભારત -PMJAYના કારણે ગરીબોના જીવનનો મોટો માથાનો દુખાવો દૂર થયો છે. આજદિન સુધીમાં 2 કરોડ કરતાં વધારે દેશવાસીઓએ આ યોજના હેઠળ વિનામૂલ્યે સારવારની સુવિધા પ્રાપ્ત કરી છે, જેમાંથી અડધી સંખ્યા મહિલાઓની છે”

“આયુષમાન ભારત – ડિજિટલ મિશન હવે દેશભરમાં હોસ્પિટલોના ડિજિટલ આરોગ્ય ઉકેલોને એકબીજા સાથે જોડશે”

“સરકાર દ્વારા લાવવામાં આવતા આરોગ્ય સંભાળ ઉકેલો દેશના વર્તમાન અને ભવિષ્યના નિર્માણમાં થઇ રહેલું ખૂબ જ મોટું રોકાણ છે”

“જ્યારે આપણી આરોગ્ય માળખાકીય સુવિધાઓ એકબીજા સાથે સંકળાયેલી, મજબૂત હોય ત્યારે પર્યટન ક્ષેત્રમાં પણ સુધારો લાવવો શક્ય છે”

Posted On: 27 SEP 2021 12:32PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આયુષમાન ભારત ડિજિટલ મિશનનો પ્રારંભ કર્યો છે.

આ પ્રસંગે સંબોધન કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, છેલ્લા સાત વર્ષથી આરોગ્ય સુવિધાઓને વધુ મજબૂત બનાવવાનું અભિયાન આજે નવા તબક્કામાં પ્રવેશ કરી રહ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “આજે અમે એક એવા મિશનનો પ્રારંભ કરી રહ્યાં છીએ જેમાં ભારતમાં આરોગ્ય સુવિધાઓમાં ક્રાંતિકારી પરિવર્તનો લાવવાની સંભાવનાઓ છે.”

પ્રધાનમંત્રીએ એ તથ્યને રેખાંકિત કર્યું હતું કે, 130 કરોડ આધાર નંબર, 118 કરોડ મોબાઇલ સબ્સ્ક્રાઇબરો, અંદાજે 80 કરોડ ઇન્ટરનેટ વપરાશકર્તાઓ, અંદાજે 43 કરોડ જન ધન ખાતા ધારકો સાથે દુનિયામાં બીજે ક્યાંય આટલું મોટું જોડાયેલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી. આ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર 'રેશનથી પ્રશાસન' (રેશનથી માંડીને વહીવટી સેવાઓ અને સુવિધાઓ) સુધીનું બધું જ ઝડપથી અને પારદર્શક રીતે સામાન્ય ભારતીયો સુધી પહોંચાડવાનું કામ કરે છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “સુશાસનમાં સુધારા માટે અત્યારે જે રીતે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તે અભૂતપૂર્વ છે.”

પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, આરોગ્ય સેતુ એપ્લિકેશનથી કોરોનાનું સંક્રમણ ફેલાતું રોકવામાં ખૂબ જ સારી મદદ મળી શકી હતી. તેમણે વિનામૂલ્યે રસીકરણ અભિયાન અંતર્ગત આજે અંદાજે 90 કરોડ રસીના ડોઝ આપવાનું ભગીરથ કાર્ય કરવામાં Co-WIN એ નિભાવેલી ભૂમિકા બદલ તેની પ્રશંસા કરી હતી.

આરોગ્ય ક્ષેત્રમાં ટેકનોલોજીના ઉપયોગને ચાલુ રાખવા અંગે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, કોરોનાના સમયગાળા દરમિયાન ટેલિમેડિસિન સેવાનું અભૂતપૂર્વ વિસ્તરણ થયું છે અને આજદિન સુધીમાં ઇ-સંજીવનીના માધ્યમથી અંદાજે 125 કરોડ રિમોટ કન્સલ્ટેશન પાર પાડવામાં આવ્યા છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ સુવિધા દેશમાં દૂરસ્થ અને અંતરિયાળ વિસ્તારોમાં વસતા હજારો દેશવાસીઓને તેમના ઘરે બેઠા જ દરરોજ શહેરોની મોટી હોસ્પિટલોના ડૉક્ટરો સાથે જોડે છે.

પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, આયુષમાન ભારત -PMJAYના કારણે ગરીબોનો ખૂબ જ મોટો માથાનો દુખાવો દૂર થયો છે. આજદિન સુધીમાં 2 કરોડ કરતાં વધારે દેશવાસીઓએ આ યોજના અંતર્ગત વિનામૂલ્યે સારવારનો લાભ લીધો છે અને તેમાંથી અડધી સંખ્યા મહિલાઓની છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક કહ્યું હતું કે, પરિવારોને ગરીબીના વિષચક્રમાં ધકેલતા મુખ્ય કારણોમાંથી એક બીમારી પણ છે અને પરિવારમાં મહિલાઓને આના કારણે સૌથી વધુ પીડા ભોગવવી પડે છે કારણ કે, તેઓ હંમેશા પોતાની આરોગ્યની સમસ્યાઓને છુપાવેલી રાખે છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, તેમણે આયુષમાનના કેટલાક લાભાર્થીઓ સમક્ષ વ્યક્તિગત રૂપે આ મુદ્દો રજૂ કર્યો છે અને તેમણે વાતચીત દરમિયાન યોજનાના લાભોનો અનુભવ કર્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, “આ આરોગ્ય સંભાળ ઉકેલો દેશના વર્તમાન અને ભવિષ્યના નિર્માણમાં થઇ રહેલું ખૂબ જ મોટું રોકાણ છે.”

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આયુષમાન ભારત ડિજિટલ મિશન, હવે દેશભરની હોસ્પિટલોના ડિજિટલ આરોગ્ય ઉકેલોને એકબીજા સાથે જોડશે. તેમણે ઉમેર્યું હતું કે, આ મિશન માત્ર હોસ્પિટલોની પ્રક્રિયાને સરળ નહીં કરે પરંતુ તેનાથી ઇઝ ઓફ લિવિંગમાં પણ વધારો થશે. આ અંતર્ગત, હવે દરેક નાગરિકોને ડિજિટલ આરોગ્ય ID પ્રાપ્ત થશે અને તેમનો રેકોર્ડ ડિજિટલ રીતે સુરક્ષિત રહેશે.

પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, ભારત એવા આરોગ્ય મોડલ પર કામ કરી રહ્યું છે જે સર્વાંગી અને સર્વસમાવેશી છે. એક એવું મોડલ જે નિવારાત્મક આરોગ્ય સંભાળ પર વિશેષ ભાર મૂકે છે અને જો બીમારી થાય તો, સરળ, પરવડે તેવી અને પહોંચપાત્ર સારવાર ઉપલબ્ધ કરાવે છે. તેમણે આ પ્રસંગે આરોગ્ય શિક્ષણ ક્ષેત્રમાં કરવામાં આવેલા અભૂતપૂર્વ સુધારાઓ અંગે પણ ચર્ચા કરી હતી અને કહ્યું હતું કે, ભારતમાં 7-8 વર્ષ પહેલાંની સરખામણીએ હાલમાં ખૂબ જ મોટી સંખ્યામાં ડૉક્ટરો અને પેરા મેડિકલ માનવબળ તૈયાર કરવામાં આવી રહ્યું છે. દેશમાં એઇમ્સ અને અન્ય આધુનિક આરોગ્ય સંસ્થાઓનું વ્યાપક નેટવર્ક સ્થાપવામાં આવી રહ્યું છે અને દરેક લોકસભા મતક્ષેત્રમાં એક મેડિકલ કોલેજની સ્થાપના કરવા માટે પણ કામ ચાલી રહ્યું છે. તેમણે ગામડાંઓમાં આરોગ્ય સુવિધાઓ વધારે મજબૂત કરવા અંગે પણ ચર્ચા કરી હતી અને માહિતી આપી હતી કે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નેટવર્ક અને સુખાકારી કેન્દ્રો વધારે મજબૂત બનાવવામાં આવી રહ્યાં છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આવા 80 હજાર કરતા વધારે કેન્દ્રો પહેલાંથી કાર્યરત થઇ ગયા છે.

આજનો કાર્યક્રમ વિશ્વ પર્યટન દિવસના રોજ યોજવામાં આવી રહ્યો હોવાની નોંધ લેતા પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, પર્યટન સાથે આરોગ્યનો ખૂબ જ મજબૂત સંબંધ છે. કારણ કે જ્યારે આરોગ્ય માળખાકીય સુવિધાઓ એકબીજા સાથે જોડાયેલી, મજબૂત હોય ત્યારે જ પર્યટન ક્ષેત્રમાં પણ સુધારો આવે છે.

 

 

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1758509) Visitor Counter : 441