પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના રાષ્ટ્રપતિ સાથે બેઠક યોજી

Posted On: 24 SEP 2021 11:45PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના રાષ્ટ્રપતિ મહામહિમ જોસેફ આર. બાઇડેન વચ્ચે 24 સપ્ટેમ્બર 2021ના રોજ ઉષ્માપૂર્ણ અને ફળદાયી બેઠક યોજાઇ હતી.

રાષ્ટ્રપતિ બાઇડેને જાન્યુઆરી 2021માં અમેરિકાની સત્તાનું સુકાન સંભાળ્યું ત્યારબાદ બંને નેતાઓ વચ્ચે આ પ્રથમ રૂબરૂ મુલાકાત યોજાઇ હતી. બંને નેતાઓએ આ બેઠક દરમિયાન ભારત-US વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી અને દ્વિપક્ષીય સહકારને વધુ મજબૂત બનાવવા માટેની સમીક્ષા કરી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારત અને USA લોકશાહી મૂલ્યોની પરંપરા, ટેકનોલોજી, વેપાર, આપણા લોકોના કૌશલ્ય, પ્રકૃતિની ટ્રસ્ટીશીપ અને આ બધાથી સર્વોપરી એવા ભરોસાના આધારસ્તંભ પર આધારિત પરિવર્તનના દાયકામાં પ્રવેશ્યા છે. બંને નેતાએ વાર્ષિક 2+2 વિદેશમંત્રી અને સંરક્ષણમંત્રી સ્તરની મંત્રણા સહિત વિવિધ ક્ષેત્રોમાં યોજનારી દ્વિપક્ષીય મંત્રણાને આવકારી હતી, જે ભવિષ્ય માટે પ્રાથમિકતાઓને ઓળખી કાઢશે.

બંને નેતાએ કોવિડ-19ની પરિસ્થિતિ અંગે તેમજ મહામારીને નિયંત્રણમાં લેવા માટે હાલમાં ચાલી રહેલા ભારત-US સહકાર અંગે ચર્ચા કરી હતી. આ સંદર્ભમાં રાષ્ટ્રપતિ બાઇડેને ભારત દ્વારા હાલમાં હાથ ધરવામાં આવેલા રસીકરણ પ્રયાસોની અને કોવિડ સહાયતા આપવા માટે આપણી વૈશ્વિક પહોંચની પ્રશંસા કરી હતી.

દ્વિપક્ષીય વેપારને હજુ વધારે ઉન્નત કરવા માટે પ્રબળ સંભાવનાઓ રહેલી છે તે બાબતને ધ્યાનમાં રાખીને, બંને નેતાઓ સંમત થયા હતા કે, કોમર્શિયલ લિંકેજને વેગવાન કરશે તેવા પગલાં ઓળખી કાઢવા માટે આ વર્ષાંતમાં આગામી વેપાર નીતિ મંચનું આયોજન કરવામાં આવશે. ભારત-US આબોહવા અને સ્વચ્છ ઉર્જા એજન્ડા 2030 ભાગીદારી હેઠળ, તેઓ સ્વચ્છ ઉર્જા વિકાસ અને મહત્વપૂર્ણ ટેકનોલોજીઓની નિયુક્તિને વેગવાન બનાવવા માટે સંમત થયા હતા. USAમાં મોટી સંખ્યામાં વસતા પ્રવાસી ભારતીયોની સંખ્યાને સ્વીકારીને પ્રધાનમંત્રીએ બંને દેશોમાં લોકોથી લોકો વચ્ચેના જોડાણના મહત્વ તેમજ પરિવહનની સુવિધા પૂરી પાડવાના અને ઉચ્ચ શિક્ષણ લિંકેજનું વિસ્તરણ કરવાના પારસ્પરિક લાભો પર પ્રકાશ પાડ્યો હતો.

બંને નેતાએ દક્ષિણ એશિયામાં પ્રાદેશિક વિકાસ અંગે પોતાના અભિપ્રાયો રજૂ કર્યા હતા જેમાં અફઘાનિસ્તાનની સ્થિતિ પણ સામેલ હતી અને વૈશ્વિક આતંકવાદ નાથવા માટે સાથે મળીને કામ કરવાની સહિયારી કટિબદ્ધતાનો પુનરુચ્ચાર કર્યો હતો; તેમજ તેમણે સરહદપારથી થતા આતંકવાદની ટીકા કરી હતી. તેમણે તાલીબાનોને તેમના વચનોને વળગી રહેવા, તમામ અફઘાનોના માનવ અધિકારોને આદર આપવા અને અફઘાનિસ્તાનને અવિરત માનવીય સહાયતા આપવા માટે કહ્યું હતું. અફઘાન લોકો પ્રત્યેની લાંબાગાળાની કટિબદ્ધતાને ધ્યાનમાં રાખીને બંને નેતાઓ સંમત થયા હતા કે, તમામ અફઘાનો માટે સમાવેશી અને શાંતિપૂર્ણ ભવિષ્યનું નિર્માણ કરવા માટે ભારત અને USA એકબીજા સાથે તેમજ તેમના ભાગીદારો સાથે ખૂબ જ નીકટતાથી સંકલન કરશે.

બંને નેતાઓએ ઇન્ડો-પેસિફિક પ્રદેશ અંગે પોતાના દૃષ્ટિકોણનું આદાનપ્રદાન કર્યું હતું અને મુક્ત, ખુલ્લા તેમજ સમાવેલી ઇન્ડો-પેસિફિક પ્રદેશ માટે તેમની સહિયારી દૂરંદેશીનો પુનરુચ્ચાર કર્યો હતો.

ભારત અને USA તેમના વ્યૂહાત્મક પરિપ્રેક્ષ્ય અને આબોહવા પરિવર્તન તેમજ આતંકવાદ જેવા વૈશ્વિક મુદ્દાઓ પર સહિયારા હિતોને ધ્યાનમાં રાખીને આંતરરાષ્ટ્રીય સંગઠનોમાં સાથે કામ કરવાનું ચાલુ રાખવા માટે પણ સંમત થયા હતા.

પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રપતિ બાઇડેન અને પ્રથમ મહિલા ડૉ. જિલ બાઇડેનને ભારતની મુલાકાત લેવા માટે આમંત્રણ પાઠવ્યું હતું. બંને નેતાઓ તેમની ઉચ્ચ સ્તરીય મંત્રણા ચાલુ રાખવા, મજબૂત દ્વિપક્ષીય જોડાણને વધુ આગળ લઇ જવા અને તેમની વૈશ્વિક ભાગીદારી વધુ સમૃદ્ધ બનાવવા માટે સંમત થયા હતા.

SD/GP/JD

 

 



(Release ID: 1758219) Visitor Counter : 136