પ્રધાનમંત્રીનું કાર્યાલય
સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય પોલીસ એકેડમી ખાતે આઇપીએસ પ્રોબેશનર્સ સાથે પ્રધાનમંત્રીની વાતચીત
તમે નસીબદાર છો કે આઝાદીના 75મા વર્ષમાં સેવામાં પ્રવેશી રહ્યા છો, આગામી 25 વર્ષો તમારા અને ભારત, બેઉ માટે મહત્વનાં છે: પ્રધાનમંત્રી
“તેઓ ‘સ્વરાજ્ય’ માટે લડ્યા; તમારે ‘સુ-રાજ્ય’ માટે આગળ વધવાનું છે”: પ્રધાનમંત્રી
ટેકનોજિકલ વિક્ષેપોના આ સમયમાં પડકાર પોલીસને તૈયાર રાખવાનો છે: પ્રધાનમંત્રી
તમે ‘એક ભારત-શ્રેષ્ઠ ભારત’ના ધ્વજ વાહક છો, ‘રાષ્ટ્ર પ્રથમ, હંમેશા પ્રથમ’નો મંત્ર હંમેશા સૌથી આગળ રાખો: પ્રધાનમંત્રી
મૈત્રીપૂર્ણ રહો અને ગણવેશના માનને સર્વોચ્ચ જાળવો: પ્રધાનમંત્રી
હું મહિલા અધિકારીઓની એક તેજસ્વી નવી પેઢીને જોઇ રહ્યો છું, આપણે પોલીસ દળમાં મહિલા ભાગીદારીને વધારવા માટે કાર્ય કર્યું છે: પ્રધાનમંત્રી
મહામારી દરમ્યાન સેવા કરતી વખતે જીવ ગુમાવનારા પોલીસ સેવાના સભ્યોને શ્રદ્ધાંજલિ અર્પી
પડોશી દેશોના અધિકારી તાલીમાર્થીઓ આપણા દેશોની નિકટતા અને ગાઢ સંબંધો પર ભાર મૂકે છે: પ્રધાનમંત્રી
Posted On:
31 JUL 2021 1:46PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય પોલીસ એકેડમી ખાતે આઇપીએસ પ્રોબેશનર્સને વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી સંબોધન કર્યું હતું. તેમણે આ કાર્યક્રમ દરમ્યાન પ્રોબેશનર્સ સાથે વાતચીત પણ કરી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી નિત્યાનંદ રાય પણ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.
અધિકારી તાલીમાર્થીઓ સાથે વાતચીત
પ્રધાનમંત્રીએ ઈન્ડિયન પોલીસ સર્વિસના પ્રોબેશનર્સ સાથે જીવંત વાર્તાલાપ કર્યો હતો. અધિકારી તાલીમાર્થીઓ સાથેની વાતચીતમાં સ્વયંસ્ફૂર્ત વાતાવરણ હતું અને પ્રધાનમંત્રીએ સેવાઓનાં સત્તાવાર પાસાંથી આગળ વધીને પોલીસ અધિકારીઓની નવી પેઢીની આકાંક્ષાઓ અને સપનાંઓની ચર્ચા કરી હતી.
હરિયાણાના આઇઆઇટી રૂરકીથી પાસ થયેલા અને કેરળ કેડર ફાળવવામાં આવી છે એવા અનુજ પાલિવાલ સાથેની વાતચીતમાં પ્રધાનમંત્રીએ ઉપલક દ્રષ્ટિએ વિસંગતતાઓની પણ અધિકારીની સમગ્ર ઉપયોગી પસંદગીઓની વાત કરી હતી. આ અધિકારીએ પોતે પસંદ કરેલી કારકિર્દીનાં પાસાંના સંદર્ભમાં પ્રધાનમંત્રીને ગુનાની તપાસમાં બાયો-ટેકનોલોજી પૃષ્ઠભૂમિની ઉપયોગિતા વિશે અને નાગરિક સેવા પરીક્ષામાં તેમના વૈકલ્પિક વિષય વિશે વાત કરી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે શ્રી પાલિવાલનો સંગીતનો શોખ પોલિસિંગના શુષ્ક વિશ્વમાં અસ્થાને લાગે પણ એ એમને મદદ કરશે અને એમને વધુ સારા અધિકારી બનાવશે અને સેવા સુધારવામાં તેમને મદદ કરશે.
પોલિટિકલ સાયન્સ સાથે કાયદાના સ્નાતક થયેલા અને પોતાના સિવિલ સર્વિસીઝના વિષય તરીકે આંતરરાષ્ટ્રીય સંબંધોને વિષય તરીકે રાખનાર અને એક તેજ તરવૈયા એવા રોહન જગદીશ સાથે પ્રધાનમંત્રીએ પોલીસ સેવામાં સુયોગ્યતા-તંદુરસ્તીની મહત્તા વિશે ચર્ચા કરી હતી. શ્રી જગદીશના પિતા પણ તેઓ જ્યાં આઇપીએસ અધિકારી તરીકે જઈ રહ્યા છે તે કર્ણાટકથી રાજ્ય સેવા અધિકારી હતા એટલે પ્રધાનમંત્રીએ તેમની સાથે વર્ષો દરમ્યાન તાલીમમાં થયેલા ફેરફારો વિશે પણ ચર્ચા કરી હતી.
છત્તીસગઢ કૅડર ફાળવવામાં આવી છે એવા મહારાષ્ટ્રના એક સિવિલ ઇજનેર એવા ગૌરવ રામપ્રવેશ રાય સાથેની વાતચીતમાં પ્રધાનમંત્રીએ તેમના ચેસના શોખ વિશે લંબાણથી વાત કરી હતી અને આ રમત ફિલ્ડમાં એમને વ્યૂહાત્મક રીતે કેવી રીતે મદદ કરશે એની ચર્ચા કરી હતી. પ્રદેશમાં ડાબેરી ઉદ્દામવાદના સંદર્ભમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે આ વિસ્તારના અજોડ પડકારો છે અને કાયદો અને વ્યવસ્થાની સાથે, આદિવાસી વિસ્તારોમાં વિકાસ અને સામાજિક જોડાણ પર ભારની જરૂર પડશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમના જેવા યુવા અધિકારીઓ યુવાઓને હિંસાના માર્ગમાંથી પાછા વાળવામાં અપાર યોગદાન આપશે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે આપણે માઓવાદી હિંસાને ફેલાતી અટકાવી રહ્યા છીએ અને આદિવાસી વિસ્તારોમાં વિકાસ અને વિશ્વાસના નવા સેતુઓ સ્થાપિત થઈ રહ્યા છે.
હરિયાણાથી રાજસ્થાન કૅડરનાં રંજીતા શર્મા સાથે પ્રધાનમંત્રીએ એમની તાલીમ દરમ્યાનની સિદ્ધિઓ વિશે વાત કરી હતી. તાલીમ દરમ્યાન તેઓને શ્રેષ્ઠ પ્રોબેશનરનું સન્માન મળ્યું હતું અને માસ કૉમ્યુનિકેશનમાં એમની લાયકાતનો ઉપયોગ તેમનાં કાર્યમાં કેવી રીતે કરશે એના વિશે વાત કરી હતી. શ્રી મોદીએ હરિયાણા અને રાજસ્થાનમાં દીકરીઓની સ્થિતિ સુધારવા કરાયેલાં કાર્યની નોંધ લીધી હતી. તેમણે આ મહિલા અધિકારીને એમના નિમણૂક સ્થળની દીકરીઓની સાથે વાત કરીને તેમને તેમની પૂર્ણ ક્ષમતા હાંસલ કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે દર સપ્તાહે એક કલાકનો સમય ફાળવવાની સલાહ આપી હતી.
જેમને પોતાનું વતન કૅડર તરીકે ફાળવાયું છે એવા કેરળના નિથિનરાજ પીને પ્રધાનમંત્રીએ ફોટોગ્રાફી અને જીવંત શિક્ષણમાં એમના રસને જાળવી રાખવા સલાહ આપી હતી કેમ કે આ લોકો સાથે જોડાવવા માટેનાં સારા માધ્યમો પણ છે.
પંજાબથી દાંતનાં તબીબ અને બિહાર કૅડર ફાળવવામાં આવી છે એવાં નવજોત સિમીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે દળમાં મહિલા અધિકારીઓની હાજરી સેવામાં સકારાત્મક ફેરફાર લાવશે અને કોઇ પણ ભય વિના કરૂણા અને સંવેદનશીલતા સાથે પોતાની ફરજ બજાવવા આ અધિકારીને સલાહ આપવા ગુરુને ટાંક્યા હતા. તેમણે કહ્યું કે સેવામાં વધુ દીકરીઓનો સમાવેશ તેને મજબૂત બનાવશે.
આંધ્ર પ્રદેશના અને એ જ કૅડર ફાળવાઇ છે એવા કોમ્મી પ્રતાપ શિવકિશોર આઇઆઇટી ખડગપુરથી એમ ટેક થયા છે. પ્રધાનમંત્રીએ નાણાકીય છેતરપિંડીઓ હાથ ધરાવા વિશે એમના વિચારોની ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રીએ માહિતી ટેકનોલોજીના સમાવિષ્ટ સંભાવનાઓ પર ભાર મૂક્યો હતો. તેમણે તેમને સાયબર ગુનાઓના વિશ્વમાં બનતી ઘટનાઓ સાથે તાલ મેળવવા કહ્યું હતું. તેમણે યુવા અધિકારીઓને ડિજિટલ જાગૃતિ સુધારવા માટે એમનાં સૂચનો મોકલવા પણ કહ્યું હતું.
માલદીવના એક અધિકારી તાલીમાર્થી મોહંમદ નઝિમ સાથે પણ શ્રી મોદીએ વાત કરી હતી. માલદીવના પ્રકૃતિ પ્રેમી લોકો માટે પ્રધાનમંત્રીએ એમની પ્રશંસા પાઠવી હતી. તેમણે કહ્યું હતું કે માલદીવ એ માત્ર પડોશી નથી પણ સારો મિત્ર પણ છે. ભારત ત્યાં એક પોલીસ એકેડમી સ્થાપવામાં મદદ કરી રહ્યું છે. પ્રધાનમંત્રીએ બેઉ દેશો વચ્ચેના સામાજિક અને વ્યાપારી સંબંધો સ્પર્શ્યા હતા.
પ્રધાનમંત્રીનું સંબોધન
આ પ્રસંગે બોલતા પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે આગામી 15મી ઑગસ્ટ આઝાદીની 75મી વર્ષગાંઠ લઈને આવી રહી છે. છેલ્લાં 75 વર્ષોમાં વધુ સારી પોલીસ સેવાનું નિર્માણ કરવાના પ્રયાસો થયા છે. તાજેતરના વર્ષોમાં, પોલીસ તાલીમ સંબંધમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં નોંધપાત્ર સુધારો થયો છે. પ્રધાનમંત્રીએ અધિકારી તાલીમાર્થીઓને સ્વતંત્રતા સંઘર્ષની ભાવનાને યાદ કરવા પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે કહ્યું કે 1930થી 1947ના ગાળામાં આપણા દેશની યુવા પેઢી એક મહાન લક્ષ્યને હાંસલ કરવા માટે એક જૂથ થઈ હતી. તેમણે કહ્યું કે આજના યુવામાં આ જ લાગણી અપેક્ષિત છે, ‘તેઓ ‘સ્વરાજ્ય’ માટે લડ્યા; તમારે ‘સુ-રાજ્ય’ માટે આગળ વધવાનું છે’; એમ પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો હતો.
પ્રધાનમંત્રી તાલીમાર્થી અધિકારીઓને તેઓ એમની કારકિર્દીમાં પ્રવેશી રહ્યા છે એ સમયના મહત્વને યાદ રાખવા કહ્યું હતું. આ એ સમય છે જ્યારે ભારત દરેક સ્તરે સર્વાંગી પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું છે. સેવામાં તેમના પ્રથમ 25 વર્ષો દેશના જીવનમાં પણ મહત્વપૂર્ણ 25 વર્ષો બની રહેવાના છે જ્યારે ભારત ગણરાજ્ય આઝાદીના 75 વર્ષોમાંથી આઝાદીની શતાબ્દી તરફ આગળ વધશે.
ટેકનોલિજિકલ વિક્ષેપોના આ સમયમાં પોલીસને તૈયાર રહેવાની જરૂરિયાત પર પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે વધારે નવી પદ્ધતિઓથી નવા પ્રકારના ગુનાઓ અટકાવવાનો પડકાર છે. તેમણે સાયબર સલામતી માટે નવીન અખતરાઓ, સંશોધન અને પદ્ધતિઓ હાથ ધરવા ભાર મૂક્યો હતો.
શ્રી મોદીએ પ્રોબેશનર્સને જણાવ્યું હતું કે લોકો એમની પાસે અમુક ચોક્ક્સ પ્રમાણના આચરણની અપેક્ષા રાખે છે. તેમણે તેમને તેમની સેવાઓની ગરિમાને માત્ર કચેરી કે વડા મથકે જ નહીં પણ એનાથી પણ આગળ હંમેશા ધ્યાનમાં રાખવા કહ્યું હતું. ‘ સમાજમાં તમામ ભૂમિકાઓથી તમારે જાગૃત રહેવાનું છે, તમારે મૈત્રીપૂર્ણ રહેવાની જરૂર છે અને ગણવેશના સન્માનને સર્વોચ્ચ રાખવાનું છે’ એમ પ્રધાનમંત્રીએ કહ્યું હતું.
પ્રધાનમંત્રીએ અધિકારી તાલીમાર્થીઓને યાદ અપાવ્યું કે તેઓ ‘એક ભારત-શ્રેષ્ઠ ભારત’ના ધ્વજ વાહકો છે, એટલે તેમણે તેમના મનમાં ‘દેશ સૌથી પહેલા, હંમેશા પહેલાં’ના મંત્રને હંમેશા જાળવવો જોઇએ અને તે એમની પ્રવૃત્તિઓમાં પરાવર્તિત થવો જોઇએ. ફિલ્ડમાં રહીને આપ જે કોઇ નિર્ણયો લો એમાં દેશહિત હોવું જોઇએ અને રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્ય ધ્યાનમાં હોવું જોઇએ, એમ પ્રધાનમંત્રીએ કહ્યું હતું.
શ્રી મોદીએ નવી પેઢીનાં તેજસ્વી યુવા મહિલા અધિકારીઓની કદર કરી હતી અને કહ્યું કે દળમાં મહિલાઓની ભાગીદારી વધારવા માટે પ્રયાસો થયા છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે આપણી દીકરીઓ પોલીસ સેવાને કાર્યદક્ષતા, જવાબદારીના સર્વોચ્ચ ધારાધોરણથી ભરી દેશે અને નમ્રતા, સરળતા અને સંવેદનશીલતાના તત્વો લાવશે. તેમણે એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે 10 લાખથી વધુની વસ્તી ધરાવતા શહેરોમાં રાજ્યો કમિશનર પ્રણાલિ દાખલ કરવા પર કાર્ય કરી રહ્યા છે. 16 રાજ્યોનાં ઘણાં શહેરોમાં આ સિસ્ટમ દાખલ થઈ ચૂકી છે. તેમણે કહ્યું કે પોલીસ સેવાને વધારે અસરકારક અને અતિ આધુનિક બનાવવા માટે સામૂહિક રીતે અને સંવેદનશીલતા સાથે કામ કરવાનું અગત્યનું છે.
મહામારી દરમ્યાન સેવા કરતી વખતે જીવ ગુમાવનારા પોલીસ દળના સભ્યોને પ્રધાનમંત્રીએ તેમની શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમણે મહામારી સામેની લડાઇમાં તેમના યોગદાનને યાદ કર્યું હતું.
પ્રધાનમંત્રીએ કહ્યું કે એકેડમી ખાતે તાલીમ લઈ રહેલા પડોશી દેશોના પોલીસ અધિકારીઓ દેશોની નિકટતા અને ગાઢ સંબંધો પર ભાર મૂકે છે. તેમણે કહ્યું કે ભૂટાન, નેપાળ, માલદીવ કે મોરિશિયશ હોય, આપણે માત્ર પડોશી નથી પણ આપણી વિચારધારા અને સામાજિક તાણાવાણામાં આપણી વચ્ચે ઘણી સમાનતા છે. જરૂરિયાતના સમયમાં આપણે મિત્રો છીએ અને જ્યારે પણ કોઇ આફત આવે છે, મુશ્કેલી આવે છે, આપણે સૌથી પહેલા એકમેકની મદદ કરીએ છી. કોરોના ગાળામાં પણ આ ફલિત થયું છે.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad &nbs…
(Release ID: 1741064)
Visitor Counter : 316
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam