સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ ગુજરાતના ભાવનગરમાં સર તખતસિંહજી હૉસ્પિટલ ખાતે 2 પીએસએ ઑક્સિજન પ્લાન્ટ્સનું ઉદઘાટન કર્યું
આ પ્લાન્ટ એ સુનિશ્ચિત કરશે કે આગામી 20 વર્ષો સુધી હૉસ્પિટલમાં ઑક્સિજન પુરવઠાની કોઇ ખેંચ ન પડે: શ્રી મનસુખ માંડવિયા
દરેકને કોવિડથી સલામત રાખવા દેશ ‘સમગ્ર સમાજ’ મારફત લોક-ભાગીદારીની ભાવનાથી કામ કરી રહ્યો છે
રૂ. 23,000 કરોડના કોવિડ પૅકેજ મારફત આગામી છ મહિનામાં સર્વગ્રાહી યોજના અને ક્ષમતા નિર્માણ હાથ ધરાઇ રહ્યું છે
Posted On:
12 JUL 2021 1:48PM by PIB Ahmedabad
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી અને રસાયણ અને ખાતર મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ આજે કેન્દ્રીય બંદરો, જહાજવટા અને જળમાર્ગો માટેના મંત્રી શ્રી સર્બનંદા સોનોવાલની ઉપસ્થિતિમાં ભાવનગરની સર તખતસિંહજી હૉસ્પિટલ ખાતે બે પીએસએ પ્લાન્ટસનું વર્ચ્યુઅલી ઉદઘાટન કર્યું હતું. 1000 એલપીએમ ક્ષમતાના એક એવા બે ઑક્સિજન જનરેશન પ્લાન્ટ સાથે કૉપર પાઇપિંગ નેટવર્ક અને અગ્નિ શમન પ્રણાલિ તેમજ ઑટોમેટિક ઑક્સિજન સોર્સ ચૅન્જઓવર સિસ્ટમ જેવી સંકળાયેલી સુવિધાઓનું પણ ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કેન્દ્રીય બંદરો, જહાજવટા અને જળમાર્ગોના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી શાંતનુ ઠાકુર, કેન્દ્રીય પર્યટન અને બંદરો, જહાજવટા અને જળમાર્ગોના રાજ્યકક્ષાના મંત્રી શ્રી શ્રીપદ યેસ્સો નાઈક પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે બોલતા શ્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું કે, ‘આ સુવિધા ભાવનગરના લોકોને સમર્પિત કરવામાં આવે છે. આવી અન્ય સુવિધાઓનું તાજેતરમાં ઉદઘાટન થયું એનાથી દેશને કટોકટીના સમયમાં મદદ મળશે.’ દેશ માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વિઝનનો પુનોરુચ્ચાર કરતા શ્રી મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે દેશને કોવિડથી સલામત રાખવા માટે દેશ ‘સમગ્ર સમાજ’ અભિગમ દ્વારા લોક-ભાગીદારીની ભાવનાથી કાર્ય કરી રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ પહેલી કોવિડ-19 લહેરને પરાસ્ત કરવામાં લૉકડાઉન દરમિયાન કોવિડ અનુરૂપ વર્તણૂક અને સામાજિક અંતરના નિયમો જાળવવામાં લોકોએ આપેલા સહકારની નોંધ લીધી હતી. ‘આ જાહેર અને ખાનગી બંને ક્ષેત્રના સંપૂર્ણ સહકારનો પુરાવો જ છે કે આપણે આપણી ઑક્સિજન ક્ષમતાને માત્ર 4000 મેટ્રિક ટન જ હતી એને ટૂંકા ગાળાના સમયમાં વધારીને 12,000 મેટ્રિક ટન કરી દીધી’, એમ તેમણે કહ્યું હતું.
આપણી સામે રહેલા કોવિડ-19ના ચાલુ રહેલા પડકાર અંગે શ્રી માંડવિયાએ ઉલ્લેખ કર્યો હતો કે ‘બીજી લહેરમાંથી આપણે ઑક્સિજન પુરવઠો, હૉસ્પિટલ બૅડ્સ અને દવાઓ જેવું ઘણું બધું શીખ્યા છીએ. આપણે હવે દરેક જિલ્લામાં કટોકટીમાં જરૂરી ક્રિટિકલ કેર મેડિકલની આવશ્યકતાઓ ખરીદવા માટે પૂરતા ફંડ્સને સુનિશ્ચિત કરી દીધું છે. કેન્દ્રીય મંત્રીમંડળે તાજેતરમાં કોવિડ-19ના તાકીદના વળતા પગલાં માટે રૂ. 23000 કરોડના પૅકેજને મંજૂરી આપી છે. તમામ હૉસ્પિટલોમાં બાળકોને સૌથી અસરકારક આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવા આપણે પીડિયાટ્રિક કેર માટે પૂરતી જોગવાઇઓ કરી છે. રાજ્ય અને કેન્દ્રીય સ્તરે આપણે બફર સ્ટૉકની સિસ્ટમ પણ વિક્સાવી રહ્યા છીએ જે કોઇ પણ આરોગ્ય કટોકટીના કિસ્સામાં ઉપયોગમાં લઈ શકાય. આ રીતે, આ કોવિડ પૅકેજ મારફત એક સર્વગ્રાહી યોજના અને ક્ષમતા નિર્માણ આગામી છ મહિનામાં હાથ ધરાઇ રહ્યું છે.’
ગુજરાત સરકાર દ્વારા ચાલતી સર તખતસિંહજી હૉસ્પિટલ, ભાવનગર ખાતે દીનદયાળ પોર્ટ ટ્રસ્ટે એની કૉર્પોરેટ સામાજિક જવાબદારી હેઠળ રૂ. 2.53 કરોડના ખર્ચે બે મેડિકલ ઑક્સિજન પીએસએ યુનિટ્સ સ્થાપિત કર્યા છે. સ્થાપિત પીએસએ ઑક્સિજન જનરેટર યુનિટની દરેકની ક્ષમતા 1000 એલપીએમ (લિટર પર મિનિટ)ની છે, એટલે કે દરેક યુનિટની 5-6 બાર પ્રેસરે 60000 લિટર/કલાક મુજબ કુલ 1,20,000 લિટર/કલાક થાય છે જે કોવિડ અને હૉસ્પિટલના વિસ્તારમાં તમામ પ્રકારના અન્ય માનવજાતના દર્દીઓની સારવારમાં ઉપયોગમાં લઈ શકાય છે. આ સિસ્ટમ દર્દીઓની સારવાર માટે સિલિન્ડર્સ વારંવાર રિફિલિંગ કરવાની હાડમારી દૂર કરશે અને હૉસ્પિટલને સરળ અને સતત ઑક્સિજન પુરવઠો સુનિશ્ચિત કરે છે.
પીએસએ ઑક્સિજન જનરેશન યુનિટ પ્રેસર સ્વિંગ એબ્સોર્પ્શન અને ડિસોર્પ્શન પદ્ધતિઓથી, યુનિટમાં પ્રેસરાઇઝ્ડ અને ડિ-પ્રેસરાઇઝ્ડ અવસ્થામાં આયાતી મોલેક્યુલર ઑક્સિજન ગળણીઓ મારફત સતત પ્રક્રિયા દ્વારા શુદ્ધ ઑક્સિજન ગેસ પેદા કરે છે અને આખરે ઓછામાં ઓછી 93% શુદ્ધતા સાથેનો ઑક્સિજન પૂરો પાડે છે.
બંદરો મંત્રાલયના સચિવ શ્રી સંજીવ રંજન વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા હતા. ભાવનગરનાં સાંસદ ડૉ. ભારતીબેન ધીરુભાઈ શિયાળ, ભાવનગરનાં મેયર સુશ્રી કિર્તી દાણીધારિયા પણ આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખો અને ગુજરાત સરકારના વરિષ્ઠ અધિકારીઓની સાથે રૂબરૂ ઉપસ્થિત રહ્યાં હતાં.
SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1734783)
Visitor Counter : 357