સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19ની રસીઓથી વંધ્યત્વ આવતું નથી
કોવિડ રસીકરણ પછી મોટા ભાગના લોકોને કોઇ આડઅસર થતી નથી પણ એનો અર્થ એ નથી કે રસીઓ અસરકારક નથી
“ભારતમાં જલદી ઓછામાં ઓછા છ વિવિધ પ્રકારની કોવિડ-19 રસીઓ ઉપલબ્ધ બનશે, અમને એક મહિનામાં 30-35 કરોડ ડૉઝીસ પ્રાપ્ત થવાની અપેક્ષા છે, એક દિવસમાં એક કરોડ લોકોને રસી આપવા સમર્થ બનીશું”
કોવિડ-19 રસીકરણ અંગે સહિયારા સવાલોના જવાબો આપે છે, એનટીએજીઆઇમાં કોવિડ-19 અંગે કાર્યકારી જૂથના અધ્યક્ષ ડૉ. એન.કે.અરોરા
Posted On:
25 JUN 2021 10:29AM by PIB Ahmedabad
મુંબઈ, 25 જૂન 2021
આપણી પાસે વિશ્વની પ્રથમ DNA પ્લાસ્મિડ રસી જલદી હશે. ઝાયડસ કેડિલા દ્વારા નિર્મિત આ રસી ભારતમાં બનેલી છે. બીજી એક રસી જે જલદી મળવાની અપેક્ષા છે એ છે બાયોલોજિકલ ઈ- આ એક પ્રોટિન સબ-યુનિટ રસી છે એવી માહિતી, નેશનલ ટેકનિકલ એડવાઈઝરી ગ્રૂપ ઓન ઈમ્યુનાઈઝેશન (એનટીએજીઆઇ)ના કોવિડ-19 કાર્યકારી જૂથના અધ્યક્ષ ડૉ. નરેન્દ્રકુમાર અરોરાએ આપી હતી. તેમણે વધુમાં માહિતી આપી કે આ રસીઓનું પરીક્ષણ ખાસ્સું પ્રોત્સાહજનક રહ્યું છે. “ અમને આશા છે કે આ રસી સપ્ટેમ્બર સુધીમાં ઉપલબ્ધ બનશે. ભારતીય mRNA રસી જેને 2-8 ડિગ્રી સેલ્સિયસ તાપમાને સંગ્રહી શકાય છે એ પણ સપ્ટેમ્બર સુધીમાં ઉપલબ્ધ બનવી જોઇએ. અન્ય બીજી બે રસીઓ – સિરમ ઇન્સ્ટિટ્યુટ ઑફ ઈન્ડિયાની નોવાવેક્સ અને જૉન્સન એન્ડ જૉન્સનની રસી પણ જલદી મળવાની અપેક્ષા છે. જુલાઈના ત્રીજા સપ્તાહ સુધીમાં, ભારત બાયોટેક અને સિરમ ઇન્સ્ટિટ્યુટ ઑફ ઈન્ડિયા (એસઆઇઆઇ)ની ઉત્પાદન ક્ષમતામાં વિલક્ષણ રીતે વધારો થવાનો છે. આનાથી દેશમાં રસીનો પુરવઠો વધશે. ઑગસ્ટ સુધીમાં અમને, એક મહિનામાં 30-35 કરોડ ડૉઝીસ પ્રાપ્ત થવાની અપેક્ષા છે” ડૉ. અરોરા કહે છે કે આનાથી આપણે એક દિવસમાં એક કરોડ વ્યક્તિઓને રસી આપી શકીશું.
વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગની ઓટીટી- ‘ઈન્ડિયન સાયન્સ ચૅનલ’ને આપેલી એક મુલાકાતમાં અધ્યક્ષ, ભારતની કોવિડ-19 રસીકરણ ઝુંબેશના આ અને અન્ય વિવિધ પાસાંઓ અંગે બોલ્યા હતા.
નવી રસીઓ કેટલી અસરકારક રહેશે?
આપણે ક્યારે કહીએ કે અમુક રસી 80% અસરકારક છે, ત્યારે એનો અર્થ એ કે એ રસી કોવિડ-19 રોગ થવાની તકો 80% સુધી ઘટાડી દે છે. ચેપ અને રોગ વચ્ચે તફાવત છે. જો કોઇ વ્યક્તિને કોવિડ ચેપ લાગે પણ એને લક્ષણો ન હોય, તો એ વ્યક્તિને માત્ર ચેપ છે. જો કે, જો વ્યક્તિને ચેપને કારણે લક્ષણો હોય તો એ વ્યક્તિને કોવિડ રોગ છે. વિશ્વમાં તમામ રસીઓ કોવિડ રોગને અટકાવે છે. રસીકરણ બાદ ગંભીર રોગની બહુ ઓછી શક્યતા છે જ્યારે રસીકરણ બાદ મૃત્યુની શક્યતા નગણ્ય છે. જો રસીની અસરકારકતા 80% છે, તો રસી લેનારામાંથી 20% લોકોને હળવો કોવિડ થઈ શકે છે.
ભારતમાં ઉપલબ્ધ રસીઓ કોરોના વાયરસનો પ્રસાર અટકાવવા માટે સક્ષમ છે. જો 60-70% લોકોનું રસીકરણ થઈ જાય તો વાયરસનો ફેલાવો અંકુશમાં આવી જાય.
પહેલા સૌથી હુમલાપાત્ર વસ્તીને રસીકરણ કરવા માટે સરકારે કોવિડ રસીકરણની ઝુંબેશ પ્રોઢોને રસી આપવા સાથે શરૂ કરી અને એ રીતે જાનહાનિ અને આપણી આરોગ્ય સેવાઓ પરનો બોજો ઘટે છે.
કોવિડ રસી અંગે ઘણી બધી ગેર-માહિતી છે. તમે કૃપા કરીને સ્પષ્ટતા કરશો?
તાજેતરમાં, હું હરિયાણા અને ઉત્તર પ્રદેશની મુલાકાતે ગયો હતો અને ત્યાં મેં શહેરી અને ગ્રામીણ એમ વિસ્તારોના લોકો સાથે રસી સામે ખચકાટના મુદ્દાઓ સમજવા માટે વાત કરી હતી. મોટા ભાગે ગ્રામીણ વિસ્તારોના મોટા ભાગના લોકો કોવિડને ગંભીરતાથી લેતા નથી અને એને સામાન્ય તાવ ગણીને ગૂંચવાય છે. લોકોએ એ સમજવાની જરૂર છે કે ઘણા કેસોમાં કોવિડ હળવો હશે પણ એ જ્યારે ગંભીર બને છે ત્યારે એ નાણાંકીય બોજો બની જાય છે અને જિંદગી પણ ગુમાવવા તરફ દોરી જઈ શકે છે.
રસીકરણ દ્વારા આપણે કોવિડથી આપણી જાતની રક્ષા કરી શકીએ છીએ એ બહુ જ ઉત્સાહજનક છે. આપણે બધાંએ એ મક્કમપણે માનવું જ જોઇએ કે ભારતમાં ઉપલબ્ધ કોવિડ-19ની રસીઓ સંપૂર્ણ સલામત છે. હું દરેકને ખાતરી આપું છું કે તમામ રસીઓ વૈશ્વિક રીતે સ્વીકૃત ક્લિનિકલ ટ્રાયલ્સ સહિતના કઠોર પરીક્ષણોમાંથી પસાર થયેલી છે.
જ્યાં સુધી આડ-અસરોને નિસ્બત છે, તમામ રસીઓની હળવી આડ-અસરો હોય છે. એમાં હળવો તાવ, થાક, ઇન્જેક્શન મૂક્યું એ જગાએ દુ:ખાવો, ઇત્યાદિનો સમાવેશ થાય છે. આ આડઅસરો એક બે દિવસ પૂરતી હોય છે. એનાથી કોઇ ગંભીર આડ-અસરો થતી નથી.
બાળકોને જ્યારે એમની નિયમિત રસીઓ મૂકવામાં આવે છે, ત્યારે એમને પણ તાવ, સોજો ઇત્યાદિ જેવી આડ-અસરો દેખાય છે. પરિવારના વયસ્કો જાણે છે કે આડ-અસરો છતાં રસી બાળક માટે સારી છે. એવી જ રીતે, હવે વયસ્કોએ એ સમજવાનું છે કે આપણા પરિવાર અને આપણા સમાજ માટે કોવિડ રસી અગત્યની છે. આથી, હળવી આડ-અસરો આપણને અટકાવવા જોઇએ નહીં.
એવી અફવાઓ છે કે જો કોઇ વ્યક્તિને રસીકરણ બાદ તાવ ન આવે તો, રસી કામ કરતી નથી. આ કેટલું સાચું છે?
મોટા ભાગના લોકોને કોવિડ રસીકરણ બાદ કોઇ આડ અસરો થતી નથી પણ એનો અર્થ એ બિલકુલ નથી કે રસીઓ કાર્યક્ષમ નથી. માત્ર 20%-30% લોકોને રસીકરણ બાદ તાવ આવે છે. કેટલાંક લોકોને પહેલા ડૉઝ બાદ તાવ આવે છે અને બીજા ડૉઝ બાદ તાવ નથી આવતો અને એનાથી ઉલટું પણ બને. વ્યક્તિ-વ્યક્તિએ એ અલગ અલગ હોય છે અને એની આગાહી મોટા ભાગે થઈ શક્તી નથી.
એવા પણ કેસો નોંધાયા છે જેમાં રસીના બેઉ ડૉઝીસ લીધા બાદ પણ લોકોને કોવિડ-19 ચેપ લાગ્યો હોય. આથી કેટલાંક લોકો રસીઓની અસરકારકતા અંગે સવાલો કરી રહ્યા છે.
રસીના બેઉ ડૉઝીસ લીધા બાદ પણ ચેપ લાગી શકે છે. પરંતુ આવા કેસોમાં, રોગ ચોક્કસપણે હળવો હશે અને ગંભીર માંદગીની તકો વ્યવહારિક રીતે શૂન્ય બને છે. વધુમાં, આવું બનતું અટકાવવા માટે, લોકોને રસીકરણ બાદ પણ કોવિડ અનુકૂળ વર્તણૂકનું પાલન કરવાની સલાહ આપવામાં આવે છે. લોકો વાયરસનો પ્રસાર કરી શકે છે, એનો મતલબ એ કે તમારા દ્વારા વાયરસ પરિવારના સભ્યો અને અન્યોને પાસ થઈ શકે છે. જો 45 વર્ષથી વધુની વયના લોકોનું રસીકરણ ન થયું હોત તો, મૃત્યુ દર અને હૉસ્પિટલો પરના બોજાની કલ્પના પણ ન થઈ શકી હોત. હવે બીજી લહેર ઘટાડા તરફ છે, એનો યશ રસીકરણને જાય છે.
શરીરમાં એન્ટીબૉડીઝ ક્યાં સુધી ટકે છે? અમુક વખત પછી આપણને એક બૂસ્ટર ડૉઝ લેવાની જરૂર છે?
રસીકરણ બાદ, જે રોગપ્રતિકારક શક્તિ- ઇમ્યુનિટી વિક્સે છે એ દેખીતી રીતે જ એન્ટીબૉડીઝના વિકાસ દ્વારા નક્કી થઈ શકે. આ એન્ટીબૉડીઝ દ્રશ્યમાન અને માપી શકાય એવી હોય છે. આ ઉપરાંત, અદ્રશ્ય ઇમ્યુનિટી પણ વિકસિત થાય છે. એ ટી-સેલ્સ તરીકે જાણીતી છે. આ ટી-સેલ્સ મેમરી પાવર-યાદશક્તિ ધરાવે છે. હવે પછી, જ્યારે પણ વાયરસ પ્રવેશવાની કોશીશ કરે, ત્યારે સમગ્ર શરીર સાવધાન થઈ જાય છે અને એની સામે કામ કરવાનું શરૂ કરી દે છે. આ રીતે, એન્ટીબૉડીઝ હોવી એ આપણા શરીરના ઇમ્યુનિટી પાવરનો એક માત્ર સંકેત નથી. એટલે, રસીકરણ બાદ એન્ટીબૉડીઝ ટેસ્ટ કરાવવાની, ચિંતિત થવાની અને એના લીધે ઉંઘ હરામ કરવાની કોઇ જ જરૂર નથી.
બીજું, કોવિડ-19 એ નવો રોગ છે જે માત્ર દોઢ વર્ષ અગાઉ જ આવ્યો છે અને રસીઓ આપવાનું શરૂ કર્યાને માત્ર છ મહિના જ થયા છે. પણ એમ લાગે છે કે, બીજી અન્ય રસીઓની જેમ, ઇમ્યુનિટી ઓછામાં ઓછા છ મહિનાથી એક વર્ષ સુધી ટકશે. સમય જતાં કોવિડ-19 વિશેની આપણી સમજ પણ સુધરશે. વધુમાં ટી-સેલ્સ જેવા ચોક્કસ પરિબળો માપી શકાતા નથી. એ જોવાનું રહે છે કે રસીકરણ બાદ ક્યાં સુધી લોકોને ગંભીર બીમારી અને મૃત્યુથી બચાવી શકાય છે. પરંતુ, અત્યારે તો, રસી લીધેલા તમામ વ્યક્તિઓએ છ મહિનાથી એક વર્ષ માટે સલામત રહેશે.
આપણે એક ચોક્કસ કંપનીની રસી લીધી, પછી બીજી વાર એ જ કંપનીની રસી લેવી પડે? ભવિષ્યમાં જો બૂસ્ટર ડૉઝ લેવાનો આવે તો ત્યારે પણ આપણે એ જ કંપનીની રસી લેવી પડે?
કંપનીઓના બદલે આપણે પ્લેટફોર્મ્સ વિશે વાત કરીએ. માનવ ઇતિહાસમાં આવું પહેલા ક્યારેય નથી બન્યું કે એક જ રોગ માટે રસીઓ વિક્સાવવા માટે વિવિધ પ્રક્રિયાઓ અને પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરાયો હોય. આ રસીઓ માટેની ઉત્પાદનની પ્રક્રિયા અલગ અલગ છે એટલે, શરીર પર એમની અસર પણ સરખી નહીં હોય બે ડૉઝીસમાં વિવિધ પ્રકારની રસીઓ લેવાની પ્રક્રિયા, કે પછી બાદમાં બૂસ્ટર ડૉઝ (જો જરૂર પડે તો) સ્વરૂપે ફરી જુદી રસી લેવાની એને ઇન્ટરચૅન્જેબિલિટી કહેવામાં આવે છે. આવું થઈ શકે કે કેમ એ મહત્ત્વનો વૈજ્ઞાનિક સવાલ છે. આનો જવાબ શોધવા માટેનાં પગલાં લેવાઇ રહ્યાં છે. આપણે એવા દુર્લભ દેશોમાં છીએ જ્યાં, વિવિધ પ્રકારની કોવિડ-19 રસીઓ અપાઈ રહી છે. આ પ્રકારની ઇન્ટરચૅન્જેબિલિટી માત્ર ત્રણ કારણોસર જ સ્વીકૃત કે માન્યતાકૃત થઈ શકે: 1) એનાથી ઇમ્યુન પાવર વધે કે વધારે સારો થાય, 2) એનાથી રસી આપવાનો કાર્યક્રમ સરળ બને; 3) સલામતી સુનિશ્ચિત થાય. પરંતુ આ ઇન્ટરચૅન્જેબિલિટી રસીની તંગીના કારણે આગળ ચલાવવી ન જોઇએ કેમ કે રસીકરણ એ શુદ્ધ રીતે વૈજ્ઞાનિક બાબત છે.
વિદેશોમાં રસીઓના મિક્સ અને મૅચ પર સંશોધનો ચાકી રહ્યા છે. ભારત પણ આવું કોઇ સંશોધન કરે છે?
આ પ્રકારના સંસોધનો આવશ્યક છે અને ભારતમાં આવા જૂજ સંશોધનો જલદી શરૂ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. એ જૂજ સપ્તાહોમાં શરૂ થઈ શકે છે.
બાળકોના રસીકરણ અંગે અભ્યાસો થઈ રહ્યા છે? બાળકો માટે રસી ક્યારે મળવાની અપેક્ષા છે?
2-18 વર્ષની વયના બાળકો પર કોવેક્સિનની ટ્રાયલ્સ શરૂ થઈ છે. સમગ્ર દેશમાં ઘણાં કેન્દ્રો પર બાળકો પર ટ્રાયલ્સ થઈ રહ્યા છે આપણને આ વર્ષના સપ્ટેમ્બરથી ઑક્ટોબરમાં પરિણામો મળી જવા જોઇએ. બાળકોને ચેપ લાગી શકે છે, પણ તેઓ ગંભીર રીતે બીમાર નથી પડતા. તેમ છતાં બાળકો વાયરસ માટે પ્રસારક બની શકે છે અને એટલે બાળકોનું રસીકરણ પણ થવું જોઇએ.
પ્રશ્ન ) શું રસીઓથી વંધ્યત્વ-બિનફળદ્રુપતા આવે છે?
જ્યારે પોલિયોની રસી આવી અને ભારતમાં અને વિશ્વના અન્ય ભાગોમાં એ અપાઇ રહી હતી, ત્યારે આ પ્રકારની અફવા એ સમયે પણ ફેલાઇ હતી. એ સમયે, એવી ગેરમાહિતી સર્જવામાં આવી હતી કે પોલિયોની રસી લેનારા બાળકોને ભવિષ્યમાં વંધ્યત્વનો સામનો કરવો પડી શકે છે. આ પ્રકારની ખોટી માહિતીઓ રસી વિરોધી લૉબી દ્વારા ફેલાવવામાં આવે છે. આપણે એ જાણવું જોઇએ કે તમામ રસીઓ સઘન વૈજ્ઞાનિક સંશોધનોમાંથી પસાર થાય છે. આમાંની કોઇ રસીની આ પ્રકારની આડ અસર નથી. હું દરેકને સંપૂર્ણ ખાતરી આપવા માગું છું કે આ પ્રકારનો પ્રોપેગેન્ડા લોકોને માત્ર ગેરમાર્ગે જ દોરવે છે. આપણો મુખ્ય હેતુ આપણી જાતને, પરિવારને અને સમાજને કોરોના વાયરસથી બચાવવાનો છે. આથી, દરેક જણે આગળ આવવું જ જોઇએ અને રસી મૂકાવવી જ જોઇએ.
આ સમગ્ર મુલાકાતને આ લિંક પર ક્લિક કરી નિહાળો:
https://www.indiascience.in/videos/corona-ko-harana-hai-vaccination-special-with-dr-n-dot-k-arora-chairman-covid-19-working-group-of-ntagi-g
SD/GP/JD
(Release ID: 1730266)
Visitor Counter : 849