પ્રધાનમંત્રીનું કાર્યાલય

કોવિડ 19ના અગ્રહરોળના કાર્યકરો માટે પ્રધાનમંત્રીએ ‘કસ્ટમાઈઝ્ડ ક્રેશ કોર્સ પ્રોગ્રામ’ શરૂ કર્યો


આ પહેલ હેઠળ 2-3 મહિનામાં એક લાખ યુવાઓને તાલીમ અપાશે: પ્રધાનમંત્રી

26 રાજ્યોમાં 111 કેન્દ્રો પરથી 6 કસ્ટમાઈઝ્ડ કોર્સીસ શરૂ કરવામાં આવ્યા

વાયરસ હાજર છે અને ગુણવિકાર-મ્યુટેશનની શક્યતા રહેલી છે, આપણે સજ્જ રહેવાની જરૂર છે: પ્રધાનમંત્રી

કોરોના સમયગાળાએ સ્કિલ, રિ-સ્કિલ અને અપ-સ્કિલની અગત્યતતા પુરવાર કરી છે: પ્રધાનમંત્રી

મહામારીએ વિશ્વના દરેક દેશ, સંસ્થા, સમાજ, પરિવાર અને વ્યક્તિની શક્તિની કસોટી કરી છે: પ્રધાનમંત્રી

21મી જૂનથી રસીકરણ માટે 45 વર્ષની ઉપરના વ્યક્તિઓને જે લાભ મળે છે એ 45 વર્ષની નીચેના લોકોને પણ મળશે : પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રીએ ગામોનાં દવાખાનાંમાં કાર્યરત આશા કાર્યકરો, એએનએમ, આંગણવાડી અને હૅલ્થ વર્કર્સની પ્રશંસા કરી

Posted On: 18 JUN 2021 12:28PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી ‘ કસ્ટમાઈઝ્ડ કોર્સ પ્રોગ્રામ ફોર કોવિડ 19 ફ્રન્ટલાઇન વર્કર્સ’નો શુભારંભ કર્યો હતો. આ તાલીમ કાર્યક્રમ 26 રાજ્યોના 111 તાલીમ કેન્દ્રો દ્વારા ચલાવવામાં આવશે. આ પહેલ હેઠળ આશરે એક લાખ જેટલા કોવિડ-19 માટેના અગ્રહરોળના કાર્યકરો- ફ્રન્ટલાઇન વર્કર્સને તાલીમ આપવામાં આવશે. આ પ્રસંગે કેન્દ્રીય કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રી ડૉ. મહેન્દ્રનાથ પાંડે અને બીજા ઘણા કેન્દ્રીય મંત્રીઓ, રાજ્યોના મંત્રીઓ, નિષ્ણાતો અને અન્ય હિતધારકો પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે કોરોના સામેની લડાઇમાં આ શરૂઆત એક અગત્યનું આગામી પગલું છે. પ્રધાનમંત્રીએ ચેતવ્યા હતા કે વાયરસ હાજર છે અને એના મ્યુટેશન-ગુણવિકારની શક્યતા પણ રહેલી છે. મહામારીની બીજી લહેરે સ્પષ્ટ કર્યું કે વાયરસ આપણી સમક્ષ કેવા પ્રકારના પડકારો રજૂ કરી શકે છે. આ પડકારોને પહોંચી વળવા દેશે સજ્જ રહેવાની જરૂર છે અને એક લાખથી વધુ ફ્રન્ટલાઇન વર્કર્સની તાલીમ એ દિશામાં એક પગલું છે એમ પ્રધાનમંત્રીએ કહ્યું હતું.

પ્રધાનમંત્રીએ આપણને યાદ અપાવ્યું હતું કે આ મહામારીએ વિશ્વના દરેક દેશ, સંસ્થા, સમાજ, પરિવાર અને વ્યક્તિની શક્તિની કસોટી કરી છે. એની સાથે જ, એણે આપણને વિજ્ઞાન, સરકાર, સમાજ, સંસ્થા કે વ્યક્તિ તરીકે આપણી ક્ષમતાઓ વિસ્તારવા પણ સચેત કર્યા છે. ભારતે આ પડકાર ઉપાડી લીધો અને પીપીઈ કિટ્સ, ટેસ્ટિંગ અને કોવિડ કેર અને સારવાર સંબંધી અન્ય મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થિતિ પ્રયાસોની સાબિતી ધરાવે છે. શ્રી મોદીએ ધ્યાન દોર્યું હતું કે દૂર-સુદૂરની હૉસ્પિટલોને વેન્ટિલેટર્સ અને ઑક્સિજન કૉન્સન્ટ્રેટર્સ પૂરાં પડાઇ રહ્યા છે. યુદ્ધના ધોરણે 1500થી વધારે ઑક્સિજન પ્લાન્ટ્સ સ્થાપિત થઈ રહ્યા છે. આ તમામ પ્રયાસોની વચ્ચે, કૌશલ્યબદ્ધ માનવબળ નિર્ણાયક છે. આના માટે અને કોરોના યોદ્ધાઓના હાલના દળને ટેકો આપવા, એક લાખ યુવાનોને તાલીમ અપાઇ રહી છે. આ તાલીમ બે-ત્રણ મહિનામાં પૂરી થશે એમ પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું.

પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે આજે શરૂ કરવામાં આવેલા આ છ અભ્યાસક્રમો રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની માગણીઓ મુજબ દેશના ટોચના  નિષ્ણાતોએ ડિઝાઇન કર્યા છે. હૉમ કેર સપોર્ટ, બેઝિક કેર સપોર્ટ, એડવાન્સ્ડ કેર સપોર્ટ, ઇમરજન્સી કેર સપોર્ટ, સેમ્પલ કલેક્શન સપોર્ટ અને મેડિકલ ઇક્વિપમેન્ટ સપોર્ટ એમ છ કસ્ટમાઈઝ્ડ જૉબ ભૂમિકામાં કોવિડ વૉરિયર્સને તાલીમ આપવામાં આવશે. આમાં નવા કૌશલ્યની સાથે સાથે, આ પ્રકારના કાર્યમાં જેમને થોડી તાલીમ મળી છે એમનું પ્રાવીણ્ય વધારવા-અપ- સ્કિલ્સનો પણ સમાવેશ કરાશે. આ અભિયાન આરોગ્ય ક્ષેત્રના ફ્રન્ટલાઇન-અગ્ર હરોળના દળને નવી ઉર્જા આપશે અને આપણા યુવાઓને નોકરીની તકો પણ પૂરી પાડશે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે કોરોના સમયગાળાએ સાબિત કર્યું છે કે સ્કિલ, રિ-સ્કિલ અને અપ-સ્કિલનો મંત્ર કેટલો અગત્યનો છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે દેશમાં પહેલી વાર સ્કિલ ઇન્ડિયા મિશન અલગથી શરૂ કરવામાં આવ્યું હતું, એક કૌશલ્ય વિકાસ મંત્રાલયનું સર્જન કરવામાં આવ્યું અને દેશભરમાં પ્રધાનમંત્રીના સ્કિલ ડેવલપમેન્ટ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા. આજે સ્કિલ ઈન્ડિયા મિશન દેશના લાખો યુવાઓને દર વર્ષે આજની જરૂરિયાતો મુજબ તાલીમ પૂરી પાડવામાં મદદ કરી રહ્યું છે. ગત વર્ષથી, સ્કિલ ડેવલપમેન્ટ મંત્રાલયે મહામારીની મધ્યે પણ, દેશભરમાં લાખો આરોગ્ય કાર્યકરોને તાલીમબદ્ધ કર્યા છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આપણી વસ્તીના કદને જોતા, આરોગ્ય ક્ષેત્રમાં તબીબો, નર્સો અને પેરામેડિક્સની સંખ્યા વધારતા રહેવાનું જરૂરી છે. છેલ્લાં 7 વર્ષોમાં, નવી એઈમ્સ, નવી મેડિકલ કૉલેજો અને નવી નર્સિંગ કૉલેજો શરૂ કરવા માટે કેન્દ્રિત અભિગમ સાથે કામ કરાયું છે. એવી જ રીતે, મેડિકલ શિક્ષણ અને સંબંધી સંસ્થાઓમાં સુધારાને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે. આ ગંભીરતા અને આરોગ્ય વ્યવસાયિકોને તૈયાર કરવા અંગે જે ગતિએ કાર્ય ચાલી રહ્યું છે એ અભૂતપૂર્વ છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ગામોનાં દવાખાનાંમાં કાર્યરત આરોગ્ય વ્યવસાયીઓ જેવા કે આશા કાર્યકરો, એએનએમ, આંગણવાડી અને હેલ્થ વર્કર્સ આપણા આરોગ્ય ક્ષેત્રના મજબૂત સ્તંભોમાંના એક છે અને ઘણી વાર એમને ચર્ચામાંથી બાકાત રાખવામાં આવે છે. તેઓ વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાનને ટેકો આપવા ચેપ અટકાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. દરેકે દરેક દેશવાસીઓની સલામતી માટે અનેક પ્રતિકૂળતાઓમાં એમના કાર્ય માટે આ આરોગ્ય કર્મચારીઓની પ્રધાનમંત્રીએ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે દૂરના વિસ્તારો, પર્વતીય અને આદિવાસી વિસ્તારોમાં ગામોમાં ચેપ ફેલાતો અટકાવવામાં એમની ભૂમિકા બહુ મોટી છે.

પ્રધાનમંત્રી કહ્યું હતું કે 21મી જૂનથી શરૂ થનારા અભિયાન સંબંધી ઘણી ગાઈડલાઇન જારી થઈ છે. 21મી જૂનથી રસીકરણ માટે 45 વર્ષની વયથી ઉપરના લોકોને જે લાભ મળે છે, એ જ 45 વર્ષથી નીચેની વયના લોકોને મળશે. કોરોના પ્રોટોકોલને અનુસરીને દરેક નાગરિકને મફત રસી આપવા માટે કેન્દ્ર સરકાર કટિબદ્ધ છે.

પ્રધાનમંત્રીએ તાલીમાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી અને કહ્યું હતું કે તેઓ માને છે કે એમની નવી કુશળતા દેશવાસીઓની જિંદગીઓ બચાવવામાં ખપ લાગશે.

SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1728148) Visitor Counter : 361