પ્રધાનમંત્રીનું કાર્યાલય

વિવાટેકની પાંચમી આવૃતિમાં પ્રધાનમંત્રીના મુખ્ય પ્રવચનનો મૂળપાઠ

Posted On: 16 JUN 2021 4:20PM by PIB Ahmedabad

એક્સેલન્સી, મારા સારા મિત્ર પ્રેસિડેન્ટ મેક્રોન,

પબ્લિસિસ ગ્રુપના ચેરમેન શ્રી મોરિસ લેવી,

દુનિયાભરમાંથી સામેલ થયેલા મહાનુભાવો,

નમસ્તે !

હાલના કપરા સમયમાં વિવાટેકનુ સફળ આયોજન કરવા બદલ આયોજકોને  ખૂબ ખૂબ અભિનંદન.

આ પ્લેટફોર્મ ફ્રાન્સના ટેકનોલોજી વિઝનનુ પ્રતિબિંબ પાડે છે. ભારત અને ફ્રાન્સ ભિન્ન પ્રકારના વિષયો ઉપર સાથે કામ કરી રહયા છે, જેમાં ટેકનોલોજી અને ડિજિટલ બાબતો એ સહયોગનાં ઉભરતાં ક્ષેત્રો છે. આ પ્રકારનાં સહયોગનાં ક્ષેત્રો વધુ વિકસવાનુ ચાલુ રાખે તે વર્તમાન સમયની જરૂરિયાત છે. તેનાથી આપણાં રાષ્ટ્રોને તો મદદ થવાની  જ છે પણ સાથે સાથે દુનિયાને પણ વ્યાપકપણે સહાય થશે.

ઘણા યુવાનો ફ્રેન્ચ ઓપન ભારે ઉત્સાહ સાથે જોઈ રહયા છે. ભારતની ટેકનોલોજી કંપનીઓમાંની એક ઈન્ફોસિસે ટુર્નામેન્ટને ટેકનોલોજીકલ સહયોગ પૂરો પાડયો છે. સમાન પ્રકારે ભારતમાં સૌથી ઝડપી સુપર કોમ્પયુટરના નિર્માણમાં ફ્રેન્ચ કંપની એટોસ સંકળાયેલી છે. ફ્રાન્સની કેપજેમીની હોય કે ભારતની ટીસીએસ અને વિપ્રો, આપણી આઈટી પ્રતિભાઓ દુનિયાભરની કંપનીઓ અને નાગરિકોને સેવા પૂરી પાડી રહી છે.

મિત્રો,

 હું માનું છું કે જ્યાં પરંપરાગત બાબતો નિષ્ફળ જાય છે ત્યાં ઈનોવેશન સહાય કરે છે. આ સ્થિતિ આપણા સમયનો સૌથી મોટો અવરોધ ગણાતી  કોવિડ-19 વૈશ્વિક મહામારી દરમિયાન પણ જોવા મળી છે. દરેક રાષ્ટ્રને નુકસાન થયુ છે અને અજંપો અનુભવાયો છે. આપણી અનેક પરંપરાગત પધ્ધતિઓને કોરોના મહામારીએ કસોટીની એરણ ઉપર મુકી દીધી છે. આમ છતાં પણ ઈનોવેશન મદદમાં આવ્યું છે.  હું જ્યારે ઈનોવેશનની વાત કરૂં છું ત્યારે મહામારી પહેલાંનાં ઈનોવેશન અને મહામારી પછીનાં ઈનોવેશનનો નિર્દેશ કરી રહ્યો છું.

હું જ્યારે મહામારી પહેલાંના ઈનોવેશનની વાત કરૂ છું ત્યારે  હું અગાઉથી અસ્તિત્વ ધરાવતી પ્રગતિની વાત કરૂ છું. ડિજિટલ ટેકનોલોજીએ આપણને મુકાબલો કરવામાં, જોડાણમાં રાહત અને દિલાસો આપવામાં સહાય કરી છે. ડિજિટલ ટેકનોલોજી મારફતે  આપણે કામ કરી શકયા, આપણા સ્નેહીઓ સાથે  વાતો કરી શકયા અને અન્યને સહાય કરી શકયા છીએ. ભારતની સાર્વત્રિક, અનોખી બાયો-મેટ્રીક સિસ્ટમ -આધાર- ગરીબોને સમયસર સહાય પહોંચાડવામાં મદદરૂપ નિવડી છે.  અમે 800 મિલિયનથી વધુ લોકોને વિનામૂલ્યે  અનાજ  અને ઘણાં આવસોને  રાંધણ ગેસની સબસીડી પહેંચાડી શકયા છીએ.  અમે ભારતમાં વિદ્યાર્થીઓને સહાય કરવા માટે બે પબ્લિક ડિજિટલ એજ્યુકેશન પ્રોગ્રામ -સ્વયમ અને દિક્ષા-નું સંચાલન કરી રહયા  છીએ.

 

બીજો ભાગ એટલે કે મહામારી માટેનાં ઈનોવેશનનો ઉલ્લેખ કરીએ તો માનવજાત કેવી રીતે પ્રસંગ અનુસાર કૌવત દાખવી શકી અને તેની સામેની લડત વધુ અસરકારક બનાવી તેનો સમાવેશ થાય છે. આ સમયમાં આપણા સ્ટાર્ટ-અપ સેકટરની ભૂમિકા સર્વોપરી રહી. હું તમને ભારતનુ ઉદાહરણ આપું તો, જયારે મહામારી અમારે ત્યાં પહોંચી ત્યારે અમારે ત્યાં ટેસ્ટીંગની ક્ષમતા અપૂરતી હતી અને માસ્કસ, પીપીઈ, વેન્ટીલેટર્સ, અને એ પ્રકારનાં અન્ય સાધનોની અછત હતી. અમારા ખાનગી ક્ષેત્રએ આ અછત નિવારવામાં મહત્વની ભૂમિકા બજાવી. અમારા ડોકટરોએ મોટા પાયે ટેલિ-મેડિસીન પધ્ધતિ અપનાવી કે જેથી કોવિડના અને અન્ય કેટલાક કોવિડ સિવાયની સમસ્યાઓ વર્ચ્યુઅલી હલ થઈ શકી. ભારતમાં બે વેકસીન બનાવવામાં આવી અને વધુ વેકસીન ટ્રાયલના તબક્કામાં વિકસી રહી છે. સરકારની ભૂમિકાની વાત કરીએ તો, અમારૂ સ્વદેશી આઈટી પ્લેટફોર્મ આરોગ્ય સેતુ કોન્ટેક્ટ ટ્રેસીંગમાં અસરકારક રહ્યું. અમારૂં કોવિન ડિજિટલ પ્લેટફોર્મ કરોડો લોકોને રસી મળી રહે તેમાં સહાય કરી રહ્યું છે. અમે સતત ઈનોવેશન કર્યુ ના હોત તો અમારી કોવિડ સામેની લડત ઘણી નબળી  પડી હોત. હવે પછી નવી આફત ત્રાટકે ત્યારે સારી રીતે સુસજ્જ હોઈએ તે માટે અમારે આ ઈનોવેટિવ ઉત્સાહ ત્યજવાનો નથી.

મિત્રો,

ટેકનોલોજી અને સ્ટાર્ટ-અપના ક્ષેત્રે ભારતના પ્રયાસો  જાણીતા છે. અમારા રાષ્ટ્રની  દુનિયાની સૌથી મોટી સ્ટાર્ટ-અપ તંત્ર વ્યવસ્થામાં ગણના થાય છે. તાજેતરનાં વર્ષોમાં અનેક યુનિકોર્ન આવી ચૂકયાં છે.  ઈનોવેટર્સ અને ઈનવેસ્ટર્સને જેની જરૂર છે તેવી બાબતો ભારત ઓફર કરે છે. હું પ્રતિભા, બજાર, મૂડી, તંત્ર વ્યવસ્થા  અને નિખાલસતાની સંસ્કૃતિ  જેવા પાંચ સ્થંભોને આધારે વિશ્વને ભારતમાં મૂડીરોકાણ કરવા આમંત્રણ આપુ છું.

ભારતની ટેકનોલોજી પ્રતિભાઓનો સમુદાય  દુનિયાભરમાં વિખ્યાત  છે. ભારતના યુવાનોએ દુનિયાની કેટલીક કપરી સમસ્યાઓ માટેના ઉપાયો પૂરા પાડયા છે. આજે ભારતમાં 1.18 અબજ મોબાઈલ ફોન અને 775 મિલિયન ઈન્ટરનેટ યુઝર્સ છે. આ સંખ્યા દુનિયાના કેટલાક દેશની વસતી કરતાં પણ વધારે છે.  ભારત દુનિયામાં ડેટાનો સૌથી વધુ વપરાશ કરનારમાં અને સૌથી સસ્તો ડેટા ધરાવનાર  દેશમાં સમાવેશ પામે છે. ભારતીયો સોશિયલ મિડીયાના સૌથી મોટા વપરાશકારો છે. અહીં વિવિધતા ધરાવતું અને વ્યાપક બજાર તમારી પ્રતિક્ષામાં છે.

મિત્રો,

આ ડિજિટલ વિસ્તરણને અદ્યતન પબ્લિક ડિજિટલ ઈનફ્રાસ્ટ્રકચરની તાકાત પ્રાપ્ત થઈ છે.  523 હજાર કિલોમીટરનુ ઓપ્ટિક ફાઈબર નેટવર્ક અમારી 56 હજાર ગ્રામ પંચાયતો સુધી પહોંચી ગયુ છે. આગામી સમયમાં ઘણી પંચાયતોનુ જોડાણ થશે. દેશભરમાં પબ્લિક વાઈ-ફાઈ નેટવર્કનુ આગમન થઈ રહ્યુ છે.

સમાન પ્રકારે ભારત ઈનોવેશનની સંસ્કૃતિનુ સક્રીય રીતે સંવર્ધન થઈ રહ્યુ છે. અટલ ઈનોવેશન મિશન હેઠળ 7500 સ્કૂલોમાં અદ્યતન ઈનોવેશન લેબઝ કામ કરે છે. વિદેશ સ્થિત વિદ્યાર્થીઓ સહિત અમારા વિદ્યાર્થીઓ વિવિધ હેકેથોનમાં સામેલ થઈ રહયા છે. આનાથી તેમને વૈશ્વિક પ્રતિભાઓ અને ઉત્તમ પ્રણાલીઓનો પરિચય થાય છે.

મિત્રો,

વિતેલાં વર્ષો દરમ્યાન અમે વિવિધ ક્ષેત્રોમાં અનેક અવરોધો જોયા છે. એમાંના કેટલાક હજુ પણ અસ્તિત્વ ધરાવે છે. અવરોધોનો અર્થ  હતાશા થતો નથી. હતાશાને બદલે  આપણે માવજત અને તૈયારી  (રિપેર એન્ડ પ્રિપેર) ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનુ રહે છે. ગયા વર્ષે આ સમયે, દુનિયા રસીની શોધમાં હતી.  આજે અમારી પાસે કેટલીક રસી છે. સમાન પ્રકારે આપણે હેલ્થ ઈનફ્રાસ્ટ્રકચરમાં અને અર્થતંત્રોમાં સુધારા કરવાનુ ચાલુ રાખવાનું છે. ખાણકામ હોય, અવકાશ સંશોધન હોય કે એટમિક એનર્જી હોય, અમે ભારતમાં અનેક ક્ષેત્રોમાં મોટા સુધારા અમલમાં મુકી રહયા છીએ. આ બાબત બતાવે છે કે મહામારીની વચ્ચે પણ એક રાષ્ટ્ર તરીકે ભારત નવી પરિસ્થિતિને અનુકૂળ થવાની અને ચપળ રહેવાની ક્ષમતા ધરાવે છે. અને હું જ્યારે પ્રિપેરની વાત કરૂ છું ત્યારે મારા કહેવાનો અર્થ આપણી પૃથ્વીને હવે પછીની મહામારી સામે સુરક્ષા આવરણ પૂરૂં પાડવાનો છે. આપણે પર્યાવરણલક્ષી જીવનશૈલીઓ અપનાવાય અને આસપાસની પરિસ્થિતિમાં થતી અવનતિ (ડીગ્રેડેશન) રોકવામાં આવે તેમાં ધ્યાન કેન્દ્રિત કરવાનું છે.  સંશોધનની અને સાથે સાથે ઈનોવેશન આગળ ધપે તે માટેના સહયોગને મજબૂત કરવાનો છે.

મિત્રો, આપણી પૃથ્વી જે પડકારોનો સામનો કરી રહી છે તેનો સમૂહ ભાવના અને માનવ કેન્દ્રિત અભિગમથી ઉકેલ લાવવાનો છે. આ માટે હું સ્ટાર્ટ-અપ સમુદાયને આગેવાની લેવા માટે હાકલ કરૂં છું. સ્ટાર્ટ-અપ ક્ષેત્રમાં યુવાનોનું વર્ચસ્વ છે. આ લોકો ભૂતકાળના બોજથી મુક્ત છે. તે લોકો વૈશ્વિક પરિવર્તન લાવવાની ઉત્તમ સ્થિતિમાં છે. આપણી સ્ટાર્ટ-અપ વ્યવસ્થાએ હેલ્થકેર અને કચરાના રિસાયકલિંગ સહિતની  ઈકો-ફ્રેન્ડલી ટેકનોલોજી જેવાં નવા યુગના ભણતરનાં ક્ષેત્રોમાં  કામ કરવાનું છે.

મિત્રો,

એક ખુલ્લા સમાજ અને અર્થતંત્ર તરીકે, એક રાષ્ટ્ર તરીરે  ભારત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા માટે કટિબધ્ધ છે. ભારત માટે સહયોગ મહત્વનો છે. ફ્રાન્સ અને યુરોપનો અમારા મહત્વના સહયોગીઓમાં સમાવેશ થાય છે. પ્રેસિડેન્ટ મેક્રોન સાથેની ઘણી ચર્ચાઓમાં, મે માસમાં યોજાયેલી યુરોપિયન લીડર્સ સાથેની મારી પોર્ટો સમિટમાં સ્ટાર્ટ-અપથી માંડીને ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ સુધીની બાબતો ડિજિટલ પાર્ટનરશિપ મહત્વની અગ્રતા તરીકે ઉભરી આવી હતી. ઈતિહાસે દર્શાવ્યુ છે કે નવી ટેકનોલોજીમાં આગેવાની આર્થિક તાકાત, રોજગારી અને સમૃધ્ધિને વેગ આપે છે, પરંતુ આપણી ભાગીદારીમાં માનવજાતની સેવાનો વ્યાપક ઉદ્દેશ  હલ થવો જોઈએ. આ મહામારીએ આપણી સ્થિતિસ્થાપકતાની માત્ર કસોટી જ કરી નથી પણ આપણી કલ્પના શક્તિની પણ કસોટી કરી છે. તમામ લોકો માટે  વધુ સમાવેશી કાળજીની વ્યવસ્થા અને લાંબા ગાળા માટે ટકાઉ ભાવિના નિર્માણની તક છે. પ્રેસિડેન્ટ મેક્રોનની જેમ મને પણ આપણા વિજ્ઞાનની શક્તિમાં અને આપણને ભવિષ્યની સિધ્ધિઓ માટે ઈનોવેશનની સંભાવનાઓમાં શ્રધ્ધા છે.

આપનો આભાર.

 

SD/GP/JD


(Release ID: 1727678) Visitor Counter : 348