વહાણવટા મંત્રાલય

કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ હોસ્પિટલ ખાતે ઓક્સિજન પ્લાન્ટ અને ફાયર ફાઇટિંગ સિસ્ટમનું ઉદ્ઘાટન કર્યું


આ પ્લાન્ટ હોસ્પિટલમાં 24X7 ધોરણે ઓક્સિજનનો પુરવઠો સુનિશ્ચિત કરશે; DPT સ્ટાફ અને સ્થાનિક વિસ્તારમાં વસતા લોકો માટે લાભદાયી પુરવાર થશે

ઓક્સિજન જનરેટર યુનિટ દર કલાકે 5-6 બારના પ્રેશર સાથે 20,000 લીટર ઓક્સિજનનું ઉત્પાદન કરી શકે છે

Posted On: 02 JUN 2021 5:27PM by PIB Ahmedabad

કેન્દ્રીય બંદર, જહાજ અને જળમાર્ગ રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) શ્રી મનસુખ માંડવિયાએ આજે વર્ચ્યુઅલ માધ્યમથી ગોપાલપુરી, ગાંધીધામ (કચ્છ) ખાતે આવેલી દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ હોસ્પિટલમાં મેડિકલ ઓક્સિજન કોપર પાઇપિંગ નેટવર્ક અને ફાયર ફાઇટિંગ સિસ્ટમ તેમજ ઓક્સિજન સિલિન્ડર બેંક દ્વારા સ્વયંચાલિત ઓક્સિજન સોર્સ ચેન્જઓવર સિસ્ટમ જેવી સંલગ્ન સુવિધાઓ સાથે મેડિકલ ઓક્સિજન જનરેટર યુનિટનું ઉદ્ઘાટન કર્યું છે.

પ્રસંગે સંબોધન આપતા શ્રી માંડવિયાએ ફક્ત 20 દિવસમાં ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરવાનું સંપૂર્ણ કાર્ય સંપન્ન કરવામાં બંદરની ટીમે તેમજ તમામ હિતધારકોએ કરેલી કામગીરીને બિરદાવી હતી. મહામારી દરમિયાન તમામ બંદરોએ કરેલા પ્રયાસોની પ્રશંસા કરતા શ્રી માંડવિયાએ જણાવ્યું હતું કે, બંદરો ઓક્સિજનનો પુરવઠો પહોંચાડવાની સુવિધા આપીને, કોવિડ-19 સંબંધિત સામગ્રીઓનું વહન કરતા માલવાહક જહાજો માટે ગ્રીન ચેનલની રચના કરીને તેમજ બંદરો પર લેવામાં આવતા ચાર્જમાંથી મુક્તિ આપીને કોવિડ-19 મહામારી સામેની જંગમાં ઘણું યોગદાન આપી રહ્યાં છે

 

 

તમામ મોટા બંદરોમાંથી દીનદયાળ પોર્ટ એવું પહેલું બંદર છે જ્યાં મહામારીની પરિસ્થિતિમાં આવો ઓક્સિજન ઉત્પાદન પ્લાન્ટ સ્થાપિત કરીને તેનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અહીં લગાવવામાં આવેલા ઓક્સિજન જનરેટર યુનિટમાંથી 20 cu.m./ hr. એટલે કે દર કલાકે 5-6 બારના પ્રેશર સાથે 20,000 લીટર ઓક્સિજનનું ઉત્પાદન કરવાની ક્ષમતા છે જે પ્રતિ કલાકે મોટાકદના ત્રણ સિલિન્ડરની સમકક્ષ છે. ઓક્સિજનનો ઉપયોગ પોર્ટ હોસ્પિટલમાં કોવિડની સારવાર તેમજ DPT સ્ટાફ, તેમના સંબંધીઓ અને સ્થાનિક વિસ્તારમાં વસતા અન્ય દર્દીઓની સારવાર માટે થઇ શકશે. સિસ્ટમના કારણે દર્દીઓની સારવાર માટે વારંવાર સિલિન્ડર રીફિલ કરવાની ઘણી કષ્ટરૂપ પ્રક્રિયાની ઝંઝટમાંથી મુક્તિ મળી જશે અને હોસ્પિટલમાં ખૂબ સરળતાથી તેમજ એકધારો ઓક્સિજનનો પુરવઠો સુનિશ્ચિત થઇ શકશે.

 

ઓક્સિજન યુનિટ આયાત કરવામાં આવેલા મોડ્યૂલર ઓક્સિજન સિવ્સ (ગળણીઓ) દ્વારા યુનિટમાં પ્રેશરની સ્થિતિમાં પ્રેશર વિંગ શોષણની પદ્ધતિઓની એકધારી પ્રક્રિયા દ્વારા ઓક્સિજન ઉત્પન્ન કરે છે અને અંતે ઓછામાં ઓછી 93% શુદ્ધતા સાથે ઓક્સિજન પૂરો પાડે છે.

 

WhatsApp Image 2021-06-01 at 13.21.30.jpeg

 

હોસ્પિટલમાં તમામ વૉર્ડ એટલે કે પુરુષોનો વૉર્ડ, મહિલાઓનો વૉર્ડ, બાળકોનો વૉર્ડ, પ્રસૂતાઓનો વૉર્ડ, સ્પેશિયલ રૂમ, સૂચિત ICU રૂમ, VIP રૂમ, ઓપરેશન થિયેટર, આઇસોલેઝન વૉર્ડ વગેરે દરેકમાં રાખવામાં આવેલા બેડમાં ઓક્સિજન ફિટિંગ સુધી મેડિકલ ઓક્સિજનના પુરવઠાનું વિતરણ કરવા માટે મેડિકલ ઓક્સિજન કોપર પાઇપિંગ નેટવર્ક લગાવવામાં આવ્યું છે. નેટવર્ક પાઇપલાઇનમાં વિવિધ કદની ભારે કોપરની સાંધા વગરની સળંગ પાઇપોનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેથી આખા નેટવર્કમાં ઓક્સિજન રેગ્યુલેટર, ફ્લો મીટર અને કંટ્રોલ વાલ્વની મદદથી હોસ્પિટલમાં ઉલ્લેખ કરવામાં આવેલા 78 બેડ-પોઇન્ટ્સ સુધી એકસરખા દબાણ સાથે ઓક્સિજનનું વિતરણ સુનિશ્ચિત થઇ શકે. પાઇપલાઇન નેટવર્ક લૉ ઓક્સિજન પ્રેશર અલાર્મ સિસ્ટમથી સજ્જ છે જેથી હોસ્પિટલને ઓછા પ્રેશર અંગે અગાઉથી જાણ થઇ જાય અને ઓક્સિજનના પુરવઠામાં અસમાનતા અથવા લિકેજ વગેરે જેવી કોઇપણ સમસ્યા ઉભી થતી રોકી શકાય.

 

હોસ્પિટલમાં ઓક્સિજનના પુરવઠા માટે વૈકલ્પિક સ્રોત તરીકે ઓક્સિજન જનરેશન યુનિટની બાજુમાં ઓક્સિજન સિલિન્ડર બેંક પણ લગાવવામાં આવી છે. તેમાં સ્વયંચાલિત ઓક્સિજન સોર્સ ચેન્જઓવર સિસ્ટમ છે જેથી ઓક્સિજન જનરેશન યુનિટમાં કોઇપણ પ્રકારે ખામી, વીજળી બંધ થવી વગેરે સ્થિતિ આવે તો ઓક્સિજનનો પુરવઠો આપોઆપ સિલિન્ડર બેંકમાંથી શરૂ થઇ જાય અને જ્યારે ફરી સામાન્ય સ્થિતિ થાય ત્યારે ઓક્સિજન જનરેશન યુનિટમાંથી પુરવઠો શરૂ થઇ જાય.

 

પોર્ટ કોલોની હોસ્પિટલમાં આધુનિક ફાયર ફાઇટિંગ સિસ્ટમ પણ લગાવવામાં આવી છે જેમાં હોસ્પિટલના વૉર્ડ્સ અને ઓરડાઓમાં ફાયર અલાર્મ સિસ્ટમ, સ્મોક ડિટેક્શન સિસ્ટમ અને ફાયર સ્પ્રિંકલર સિસ્ટમ, ઓટો સ્ટાર્ટ ફ્લો સ્વિચ પેનલ, અગ્નિશામકો વગેરે પ્રમાણભૂત સુવિધાઓ સમાવવામાં આવી છે. ફાયર ફાઇટિંગ સિસ્ટમ 650 લીટર પ્રતિ મિનિટ (lpm)ની પમ્પ ક્ષમતા ધરાવે છે અને તેમાં મુખ્ય પમ્પ, જોકી પમ્પ, આખા હોસ્પિટલ પરીસરમાં પૂરતા પ્રમાણમાં પ્રવાહ અને પ્રેશર સુનિશ્ચિત કરવા માટે વિવિધ કદનું ભારે કામગીરી આપી શકતું પાઇપિંગ અને સલામતી માટેના સંજ્ઞાસૂચકો વગેરે પણ સમાવી લેવામાં આવ્યા છે.



(Release ID: 1723847) Visitor Counter : 287