જળશક્તિ મંત્રાલય

જલ જીવન મિશન હેઠળ કેન્દ્ર સરકારે ગુજરાતને 2021-22 માટે રૂ. 3411 કરોડની ગ્રાન્ટ ફાળવી


રૂ. 852.65 કરોડનો પહેલો ભાગ જારી કરાયો

2022 સુધીમાં દરેક ગ્રામીણ ઘરને નળ દ્વારા પાણી પુરવઠો પૂરો પાડવા રાજ્યની યોજના

Posted On: 31 MAY 2021 3:30PM by PIB Ahmedabad

‘હર ઘર જલ’ એટલે કે નિયમિત અને લાંબા ગાળાના આધારે દરેક ઘરને ખાતરીબદ્ધ નળ દ્વારા પાણી પુરવઠો પૂરો પાડવાના લક્ષ્યને હાંસલ કરવા માટે ભારત સરકારના જળ શક્તિ મંત્રાલયના રાષ્ટ્રીય જલ જીવન મિશને વર્ષ 2021-22 માટે જલ જીવન મિશન હેઠળ રૂ. 3410.61 કરોડની ગ્રાન્ટ ગુજરાત રાજ્યને ફાળવી છે. આમાંથી રૂ. 852.65 કરોડનો પહેલો ભાગ છૂટો કરવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી શ્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે પાણી પુરવઠા માટે ગુજરાત રાજ્યને ગ્રાન્ટ ફાળવણીમાં ચાર ગણા વધારાને મંજૂરી આપી હતી. વર્ષ 2019-20 માટે કેન્દ્ર સરકારની ફાળવણી રૂ. 390.31 કરોડ હતી જેને 2020-21માં વધારીને રૂ. 883.08 કરોડ કરવામાં આવી હતી.

ગામોમાં વસતા લોકોનું ખાસ કરીને મહિલાઓ અને કન્યાઓનું જીવન સુધરે એ માટે 2024 સુધીમાં દરેક ગ્રામીણ ઘરને નળ મારફતે પીવાનું પાણી પહોંચાડવાનું સુનિશ્ચિત કરવા પ્ર્ધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 15મી ઑગસ્ટ, 2019ના રોજ,  જીવન બદલી નાખતી ‘જલ જીવન મિશન-હર ઘર જલ’ યોજના શરૂ કરી હતી. ગુજરાતમાં 2020-21 દરમ્યાન, 10.94 લાખ ગ્રામીણ ઘરોને પાણીનાં નળ જોડાણો પૂરાં પડાયાં હતાં અને 2021-22માં પણ રાજ્ય 10 લાખથી વધારે ઘરોને પાણીનાં નળ જોડાણો પૂરાં પાડવાંની યોજના ધરાવે છે. ગુજરાતમાં 92.92 લાખ ગ્રામીણ ઘરો છે એમાંથી હવે 77.21 લાખ (83%) ઘરોમાં પાઇપ દ્વારા પાણી પુરવઠો છે.

ગત વર્ષે કેન્દ્રીય જલ શક્તિ મંત્રી શ્રી શેખાવત સાથેની સમીક્ષા બેઠક દરમ્યાન ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જલ જીવન મિશનને ઝડપની અમલી કરવા અને રાષ્ટ્રીય લક્ષ્યાંક કરતા બે વર્ષ વહેલું, 2022 સુધીમાં રાજ્યના દરેક ગ્રામીણ ઘરને નળ દ્વારા પાણી પુરવઠો સુનિશ્ચિત થાય એ વ્યાપે એને અમલી કરવાનું વચન આપ્યું હતું.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ‘સબ કા સાથ, સબ કા વિકાસ અને સબ કા વિશ્વાસ’ પર ભાર મૂક્યો છે. જલ જીવન મિશન એ આ સિદ્ધાંતના શ્રેષ્ઠ ઉદાહરણોમાંનુ એક છે અને ગામમાં દરેક ઘરને પાણી પુરવઠો નળ મારફત મળે એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ છે. ગુજરાતમાં, 18 હજાર ગામોમાંથી, 6700થી વધારે ગામોમાં દરેક ઘરમાં નળ દ્વારા પાણી પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવ્યો છે. 2020-21માં દરેકે દરેક ઘરને પાણીનું કાર્યરત નળ જોડાણ પૂરું પાડીને આશરે 5900 ગામોને ‘હર ઘર જલ’ બનાવાયાં છે. રાજ્યના 5 જિલ્લાઓમાં દરેક ગ્રામીણ ઘર પાસે નળ પાણી પુરવઠો છે.

રાષ્ટ્રીય જલ જીવન મિશન દ્વારા મંજૂર કરાયેલી રાજ્યની વાર્ષિક કાર્ય યોજના મુજબ વધુ 18 જિલ્લાઓ અને વધુ 6400 ગામોને નળ મારફત પાણી પુરવઠાનું 100% કવરેજ હશે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ‘કોઇ બાકી ન રહેવું જોઇએ’ એવા સ્વપ્ન અનુસાર, રાષ્ટ્રીય જલ જીવન મિશન રાજ્ય સરકારની સાથે તમામ ગામોમાં પાઇપ્ડ પાણી પુરવઠા સિસ્ટમ હોય, દરેક ઘરને અગ્રતા પર પાણીનું નળ જોડાણ પૂરું પાડવામાં આવે એ સુનિશ્ચિત કરવા માટે કાર્ય કરી રહ્યું છે. એવી અપેક્ષા છે કે આગામી જૂજ મહિનાઓમાં ગુજરાતના 12 હજારથી વધુ ગામો અને 23 જિલ્લાઓ ‘હર ઘર ગામો’ બની જશે, એટલે કે દરેક ઘરમાં પાણી પુરવઠો નળ મારફત આવશે.

શાળાઓ, આંગણવાડી કેન્દ્રો અને આશ્રમ શાળાઓમાં પાણીનાં નળ જોડાણો પૂરાં પાડવા માટે 2020ની બીજી ઑક્ટોબરે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરાયેલા 100 દિવસના અભિયાન હેઠળ રાજ્ય સરકારે તમામ 29,754 ગ્રામીણ શાળાઓ અને 42,279 આંગણવાડી કેન્દ્રોમાં પાણીનાં નળ જોડાણ સુનિશ્ચિત કર્યાં હતાં. 98.5% શાળાઓ અને આશરે 91% આંગણવાડી કેન્દ્રોમાં તેણે હાથ ધોવાની સુવિધાઓ પણ પૂરી પાડી હતી. આ અભિયાન અને એના સફળતાપૂર્વકના અમલીકરણે એ સુનિશ્ચિત કર્યું છે કે તમામ શીખવાના અને ડે કેર કેન્દ્રોમાં આપણા બાળકોને હવે સલામત પાણી ઉપલબ્ધ છે અને આ રીતે એમના વધુ સારા આરોગ્ય, સુધારેલ સ્વાસ્થ્ય  સ્વચ્છતા અને ચોખ્ખાઇ સુલભ બની છે.

ગ્રામીણ જલ પુરવઠા માટે સામુદાયિક રોકાણ અને પાણી સમિતિઓ સ્થાપવા માટે ગુજરાત દેશમાં પહેલ કરનારું રહ્યું છે. 2002ના આરંભે આની શરૂઆત વૉટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઑર્ગેનાઇઝેશન (ડબલ્યુએએસએમઓ)ની સ્થાપના સાથે થઈ હતી. 17,255 ગામોમાં 10-15 સભ્યોની વિલેજ વોટર એન્ડ સેનિટેશન કમિટીઝ (વીડબલ્યુએસસીઝ) ગામોમાં પાણી પુરવઠાની સિસ્ટમ્સના આયોજન, અમલીકરણ, વ્યવસ્થાપન, પ્રક્રિયા અને જાળવણીમાં સક્રિય ભૂમિકા ભજવે છે. અત્યાર સુધીમાં, 17,107 ગામોમાં, 15મા નાણાં પંચના ગ્રાન્ટ ગાળા સાથે સમાપ્ત થતો 5 વર્ષનો વિલેજ એક્શન પ્લાન્સ (વીએપી) લાંબા ગાળાની જળ સુરક્ષા અને સુધારેલ આરોગ્ય સ્વચ્છતા સુનિશ્ચિત કરવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. આ એક સર્વગ્રાહી અભિગમ છે જેમાં શરૂઆતથી જ સમુદાય એક મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે, જાહેર આરોગ્યના ઇજનેરોની ટેકનિકલ મદદથી એક યોજના તૈયાર કરે છે.

સ્થાનિક સમુદાયને એકત્ર કરવા અને એકતાંતણે રાખવા માટે ઇમ્લિમેન્ટેશન સપોર્ટ એજન્સી (આઇએસએ) તરીકે કાર્ય કરવા રાજ્યએ એનજીઓ/સીબીઓ સાથે ભાગીદારી નિર્માણ કરી છે. હાલ આવા 21 આઇએસએઝ કામ કરે છે અને બીજા 25ને આઇએસએઝ તરીકે રોકવાની યોજના છે. વાસ્મો પાસે ઉપલબ્ધ 400 સોશિયલ મોબિલાઇઝર્સની મજબૂટ ટીમની સાથે આ ટીમ વિલેજ એક્શન પ્લાન તૈયાર કરવા, રોજિંદા વપરાશના પાણીના વ્યવસ્થાપન, ઓપરેશન એન્ડ મેઇનટેનન્સ અને સ્ત્રોત મજબૂતીકરણ ઇત્યાદિ  માટે સમુદાયનો હાથ ઝાલશે. આ વર્ષે રાજ્ય સરકારે મુખ્ય પ્રવૃત્તિઓમાંની એક તરીકે ક્ષમતા નિર્માણ અને તાલીમને હાથ ધરવાની યોજના બનાવી છે. રાજ્ય સરકાર પાણી સમિતિ, જાહેર આરોગ્ય ઇજનેરો, આઇએસએખ ઇત્યાદિથી 8 હજારથી વધુ લોકોને તાલીમ આપવા ધારે છે જેથી પાણી પુરવઠાની યોજનાઓ અને દરેક ઘરને પાણીનાં નળ જોડાણોની કાર્યશીલતા સુનિશ્ચિત થાય. રાજ્યમાં દરેક પરિવારને પાણી સુરક્ષા હાંસલ કરવા અંગે પર આની લાંબા ગાળાની અસર પડશે.

આકાંક્ષી જિલ્લાઓ અને એસએજીવાય ગામોમાં પાણીનાં નળ જોડાણો પૂરાં પાડવા માટે રાજ્યએ ગતિ વધારી છે. ગુજરાત પાસે કુલ 86 જેટલી પાણીના ટેસ્ટિંગ માટેની લૅબોરેટરીઝ છે અને એમાંથી 8 એનએબીએલ દ્વારા અધિકૃત છે. આગામી જૂજ મહિનાઓમાં રાજ્ય જિલ્લા સ્તરની તમામ લૅબોરેટરીઝને એનએબીએલ અધિકૃત કરવાની યોજના ધરાવે છે. ગ્રામીણ ઘરોમાં નળ દ્વારા પૂરાં પડાતાં પાણી પર દેખરેખને મજબૂત કરવા, ગુજરાતે 20 ગામોમાં સ્માર્ટ વૉટર મોનિટરિંગ હાથ ધર્યું છે. દાહોદ જિલ્લામાં ચાર પાઇલટ્સ શરૂ થઇ ચૂક્યા છે. આ વર્ષે રાજ્ય 500થી વધુ ગામોને આઇઓટી (ઇન્ટરનેટ ઑફ થિંગ્સ) આધારિત પાણી પુરવઠા દેખરેખ માટે હાથ ધરવાની યોજના કરી રહ્યું છે.

રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે ભાગીદારીમાં અમલીકરણ હેઠળ જલ જીવન મિશન આ વર્ષે 2021-22માં જલ જીવન મિશન માટેના રૂ. 50000 કરોડના બજેટ સહિત, રાજ્ય તરફથી એટલાં જ સંસાધન અને 15મા નાણા પંચના પાણી અને સેનિટેશન માટેના પીઆરઆઇઝને રૂ. 26940 કરોડના બાંધેલા ફંડ સહિત ગ્રામીણ પીવાના પાણી પુરવઠા ક્ષેત્રે રૂ. એક લાખ કરોડથી વધુનું રોકાણ કરીને ગામોમાં રોજગારની નવી તકો સર્જી રહ્યું છે અને ગ્રામીણ અર્થતંત્રને વેગ આપી રહ્યું છે.

SD/GP/JD



(Release ID: 1723154) Visitor Counter : 440


Read this release in: English , Urdu , Hindi , Tamil , Telugu