માહિતી અને પ્રસારણ મંત્રાલય

કેન્દ્ર સરકારે કોવિડ-19ના કારણે જીવ ગુમાવનારા 67 પત્રકારોના પરિવારો માટે આર્થિક સહાય મંજૂર કરી


પ્રત્યેક પરિવારને માહિતી અને પ્રસારણ મંત્રાલયની પત્રકાર કલ્યાણ યોજના અંતર્ગત રૂપિયા 5 લાખ આપવામાં આવશે

અરજીઓની ઝડપથી પ્રક્રિયા કરવા માટે સમિતિએ સાપ્તાહિક ધોરણે JWSની બેઠક યોજવાનો નિર્ણય લીધો

Posted On: 27 MAY 2021 7:23PM by PIB Ahmedabad

માહિતી અને પ્રસારણ મંત્રાલય અને પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરોએ આદરણીય માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી પ્રકાશ જાવડેકરના માર્ગદર્શન હેઠળ સૂઓ મોટો હાથ ધરીને, વર્ષ 2020 અને 2021 દરમિયાન મહામારીના કારણે જીવ ગુમાવનારા પત્રકારોની વિગતો એકત્રિત અને સંકલિત કરી છે અને પત્રકાર કલ્યાણ યોજના અંતર્ગત આવા પત્રકારોના પરિવારોને આર્થિક સહાયતા આપવા માટે વિશેષ કવાયત હાથ ધરી છે.

આજે, કેન્દ્ર સરકારે માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ શ્રી અમિત ખરેની અધ્યક્ષતામાં પત્રકાર કલ્યાણ યોજના સમિતિ દ્વારા કરવામાં આવેલા પ્રસ્તાવને મંજૂરી આપી હતી. આ પ્રસ્તાવમાં કોવિડ-19ના કારણે મૃત્યુ પામનારા 26 પત્રકારોના પ્રત્યેક પરિવારોને રૂપિયા 5 લાખની આર્થિક સહાય આપવાની જોગવાઇ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે કોવિડના કારણે મૃત્યુ પામનારા 41 પત્રકારોના પરિવારોને આ પ્રકારની સહાયતા આપી હોવાથી કુલ 67 પરિવારોને સહાય આપવામાં આવી છે. સમિતિએ કોવિડના કારણે જીવ ગુમાવનારા પત્રકારોના પરિવારો પ્રત્યે ખૂબ જ દિલસોજી વ્યક્ત કરી હતી.

પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરોએ કોવિડ-19ના કારણે જીવ ગુમાવનારા સંખ્યાબંધ પરિવારો સુધી પહોંચવા માટે સક્રિય કામગીરી કરી છે અને તેમને આ યોજના તેમજ દાવો દાખલ કરવા વિશે માર્ગદર્શન આપ્યું છે.

સમિતિએ JWS હેઠળ આર્થિક સહાયતાની અરજીઓની પ્રક્રિયા ઝડપથી આગળ વધી શકે તે માટે સાપ્તાહિક ધોરણે બેઠક યોજવાનો પણ નિર્ણય લીધો છે.

સમિતિએ આજે કોવિડ-19 સિવાયના કારણોસર જીવ ગુમાવનારા 11 પત્રકારોના પરિવારોની અરજીઓ પણ ધ્યાને લીધી હતી. 

JWSની બેઠકમાં PIBના અગ્ર મહા નિદેશક શ્રી જયદીપ ભટનાગર, સંયુક્ત સચિવ (I&B) શ્રી વિક્રમ સહાય, સમિતિના પત્રકારોના પ્રતિનિધિઓ શ્રી સંતોષ ઠાકુર, શ્રી અમિત કુમાર, શ્રી ઉમેશ કુમાર, સુશ્રી સર્જના શર્મા સહિત અન્ય સભ્યોએ પણ ભાગ લીધો હતો.

પત્રકારો અને તેમના પરિવારો PIBની વેબસાઇટ મારફતે પત્રકાર કલ્યાણ યોજના (JWS) અંતર્ગત મદદ માટે અરજી કરી શકે છે, જે આ લિંક પર ઉપલબ્ધ છે: https://accreditation.pib.gov.in/jws/default.aspx.

                       



(Release ID: 1722307) Visitor Counter : 230