આયુષ

ગુજરાતની કંપનીએ પોતાના ઉત્પાદન આયુધ એડવાન્સ બાબતે ગેરમાર્ગે દોરનારા દાવાઓ કરવા બદલ આયુષ મંત્રાલયે તેની સામે સખત પગલાંના નિર્દેશ આપ્યા

Posted On: 20 APR 2021 3:59PM by PIB Ahmedabad

આયુષ મંત્રાલય પાસેથી પ્રાપ્ત થયેલા પત્રના આધાર પર પગલાં લઇને ગુજરાતના ખાદ્ય અને દવા નિયંત્રણ પ્રશાસનના સંયુક્ત કમિશનરે (આયુર્વેદ) રાજકોટ સ્થિત દવા ઉત્પાદક કંપનીને કારણદર્શક નોટિસ પાઠવીને જવાબ માંગ્યો છે. આ કંપની પોતાના ઉત્પાદન આયુધ એડવાન્સ બાબતે ગેરમાર્ગે દોરનારા દાવા કરતી હોવાથી તેના વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કંપની દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, તેમનું કથિત ઉત્પાદન સૌથી પહેલી તબીબી ધોરણો અનુસાર પરીક્ષણ કરેલી કોવિડ-19 વ્યવસ્થાપન અને સારવાર માટેની દવા છે. કંપનીએ વધુમાં એવો પણ દાવો કર્યો છે કે, આ ઉત્પાદન રેમડેસિવીરની સરખામણીએ ત્રણ ગણું બહેતર છે અને એવું પણ કહ્યું છે કે, જ્યાં રસી અટકી જાય છે ત્યાં આયુધ એડવાન્સ કામ કરવાનું શરૂ કરે છે.

આયુષ મંત્રાલયના દવા નીતિ વિભાગે ગુજરાતના આયુર્વેદ લાઇસન્સિંગ ઓથોરિટીને આ કંપની વિરુદ્ધ પગલાં લેવા માટે નિર્દેશો આપ્યા છે જેણે પોતાના ઉત્પાદન આયુધ એડવાન્સ સંદર્ભે આવા ગેરમાર્ગે દોરનારા દાવાઓ કર્યા છે.

આયુષ મંત્રાલયના દવા નીતિ વિભાગના નાયબ સલાહકાર ડૉ. એસ.આર. ચિંતા દ્વારા 18 એપ્રિલના રોજ ઇશ્યુ કરવામાં આવેલા પત્રમાં ગુજરાતના આયુર્વેદિક દવાના લાઇસન્સિંગ ઓથોરિટીના સંયુક્ત કમિશનરને રાજકોટ સ્થિત મેસર્સ શુકલા આશર ઇમ્પેક્સ પ્રા. લિ. વિરુદ્ધ તાત્કાલિક ધોરણે અને સખત પગલાં લેવા માટે નિર્દેશો આપવામાં આવ્યા છે. આ પત્રમાં 5-6 કારણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે કંપની વિરુદ્ધ સખત પગલાં લેવાનું દર્શાવે છે.

આયુષ મંત્રાલય દ્વારા મોકલવામાં આવેલા આ પત્રમાં ટાંકવામાં આવ્યું છે કે, કંપની દ્વારા દવાના ફોર્મ્યુલેશન સંબંધિત કરવામાં આવેલા દાવાઓમાં ગંભીર ગેરવર્તન કરવામાં આવ્યું છે. આયુર્વેદના નિયમોને ટાંકતા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, દવાના ફોર્મ્યુલેશનમાં “EEBની કલમ 33નું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું જે કોઇ ચોક્કસ દવાને ખોટું બ્રાન્ડિંગ કરેલી, ભેળસેળ યુક્ત અને બનાવટી દવાની શ્રેણીમાં મૂકે છે. આ પત્રમાં નિયમ 158-બીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને જણાવ્યું છે કે, તેની શરતોને પરિપૂર્ણ કરવામાં આવી નથી. આ નિયમ 3(h) ફોર્મ્યુલેશન (બંધારણ)ના લાઇસન્સિંગ સંબંધિત બાબતો જુએ છે અને આ ઘટકો પ્રથમ અનુસૂચિ હેઠળ ઉલ્લેખ કરવામાં આવેલા અધિકૃત પુસ્તકનો હિસ્સો જોવા જોઇએ તે જરૂરી છે.

અહીં નોંધનીય છે કે, કથિત ઉત્પાદનના તબીબી અભ્યાસને વિવિધ સમિતિઓ જેમ કે, કોવિડ-19 પર આંતર શાખીય આયુષ સંશોધન અને વિકાસ ટાસ્ક ફોર્સ અને આંતર શાખીય ટેકનિકલ સમીક્ષા સમિતિ (ITRC)ને સંદર્ભ માટે મોકલવામાં આવ્યો હતો. બંને સમિતિએ આ ઉત્પાદનને તેમજ તેમના તબીબી પરીક્ષણોને નકારી કાઢ્યા છે કારણ કે, તેમાં આયુર્વેદના સિદ્ધાંતો અને અભ્યાસના પ્રોટોકોલને અનુસરવામાં આવ્યા નથી.

અહીં ખાસ ઉલ્લેખનીય છે કે, કંપનીએ દાવો કર્યો છે કે આ ઉત્પાદન, ... એક પ્રવાહી ફોર્મ્યુલેશન છે જેમાં 21 અલગ અલગ પ્રકારના છોડ આધારિત અર્ક ઉમેરવામાં આવ્યા છે. આયુર્વેદિક શાસ્ત્રો અનુસાર આ ઘટકો માણસો દ્વારા ઉપયોગ કરવા માટે અસરકારક અને સલામત છે. આ દાવા બાબતે મંત્રાલય તરફથી મોકલવામાં આવેલા પત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, આ ઉત્પાદનના ફોર્મ્યુલેશનમાં કેટલાક ઘટકો સામે પ્રશ્ન ઉભો થાય છે જેનો ઉલ્લેખ દવા અને કોસ્મેટિક્સ અધિનિયમ 1940ની પ્રથમ અનુસૂચિમાં સૂચવ્યા અનુસાર પરંપરાગત આયુર્વેદિક લખાણોમાં નથી આથી તેને દવા અને કોસ્મેટિક્સ અધિનિયમ 1940ના નિયમ 3a અને 3 (h) (i) અનુસાર આયુર્વેદિક દવા તરીકે ગણી શકાય નહીં.

મંત્રાલયે ગુજરાત ખાદ્ય અને દવા નિયંત્રણ પ્રશાસનના સંયુક્ત કમિશનર (આયુર્વેદ)ને લેવાયેલા પગલાંનો રિપોર્ટ આપવા જણાવ્યું છે જેના આધારે પગલાં લેઇને રાજ્ય સત્તામંડળે કંપનીને 7 દિવસમાં જવાબ આપવા માટે કારણદર્શક નોટિસ પાઠવી છે. અહીં ઉલ્લેખનીય છે કે, આયુષ મંત્રાલય દ્વારા ઇશ્યુ કરવામાં આવેલા પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે, કથિત દવા આયુધ એડવાન્સમાં ઉત્પાદકે કરેલા દાવા અનુસાર ઉપચારાત્મક મૂલ્ય ના હોવા બદલ કલમ 33 EEDનું ઉલ્લંઘન થયું છે અને તેના કારણે જાહેર ફરિયાદ બને છે.

SD/GP/JD(Release ID: 1713083) Visitor Counter : 534