સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ કોવિડના કેસોમાં તીવ્ર વૃદ્ધિ થઇ રહેલા 11 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઓક્સીજન, વેન્ટીલેટર્સ, માનવબળ, દવાઓ, હોસ્પિટલોમાં બેડની ઉપલબ્ધતાની સમીક્ષા કરી


કોવિડ-19 સામેની જંગમાં ભારત સરકાર તેમને સતત સહકાર આપશે તેવી ખાતરી આપી

Posted On: 17 APR 2021 3:59PM by PIB Ahmedabad

ભારત સરકારના તબક્કાવાર, પૂર્વ-અસરકારક અને પૂર્વ-સક્રિય અભિગમને અનુરૂપ, કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણમંત્રી ડૉ. હર્ષવર્ધનની અધ્યક્ષતામાં આજે જ્યાં કોવિડના કેસોની સંખ્યામાં તીવ્ર વધારો નોંધાઇ રહ્યો છે તેવા 11 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય મંત્રીઓએ એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકનું આયોજન કરીને આ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા તાજેતરમાં થયેલી કોવિડ-19ના કેસોની સંખ્યામાં વૃદ્ધિના નિવારણ, નિયંત્રણ અને વ્યવસ્થાપન માટે લેવામાં આવેલા પગલાંઓની સમીક્ષા કરવામાં આવી હતી. આ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં મહારાષ્ટ્ર, છત્તીસગઢ, રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, કેરળ, દિલ્હી, કર્ણાટક, તમિલનાડુ અને ઉત્તરપ્રદેશનો સમાવેશ થાય છે જ્યાં તાજેતરમાં કોવિડના નવા કેસોમાં અભૂતપૂર્વ વધારો નોંધાઇ રહ્યો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001PHT2.jpg https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002PIPV.jpg

કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ શરૂઆતમાં નવા કેસોની સંખ્યામાં થઇ રહેલી અભૂતપૂર્વ વૃદ્ધિનો ચિતાર રજૂ કર્યો હતો. તેમણે નોંધ્યું હતું કે, ભારતમાં 21 એપ્રિલ 2021ના રોજ આજદિન સુધીમાં એક દિવસમાં સૌથી વધારે નવા કેસોનો ઉછાળો નોંધાયો હતો જે દુનિયામાં દૈનિક ધોરણે આજદિન સુધીમાં નોંધાયેલો સૌથી વધુ એક દિવસીય વધારો છે. 12 એપ્રિલ 2021ના રોજ સમગ્ર દુનિયામાં નોંધાયેલા કુલ નવા કેસોમાંથી 22.8% દર્દીઓ માત્ર ભારતમાં જ નોંધાયા હતા. તેમણે કહ્યું હતું કે, ભારતમાં હાલમાં કોવિડના નવા કેસોમાં 7.6%ના દરે સૌથી તીવ્ર ઉછાળો નોંધાયો છે જે જૂન 2020માં 5.5%ના દરે નોંધાયેલા સૌથી તીવ્ર ઉછાળાની સરખામણીએ 1.3 ગણો વધારે છે. આના કારણે સક્રિય કેસોની સંખ્યામાં દૈનિક ધોરણે ચેતવણીજનક વધારો થયો છે અને હાલમાં સક્રિય કેસોની સંખ્યા વધીને 16,79,000 થઇ ગઇ છે. મૃત્યુની સંખ્યામાં પણ 10.2%નો તીવ્ર વધારો નોંધાયો છે. તમામ 11 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં પહેલાંથી જ તેમના દૈનિક ધોરણે નોંધાયેલું અગાઉનું સર્વાધિક સ્તર ઓળંગાઇ ગયું છે અને મુંબઇ, નાગપુર, પુણે, નાસિક, થાણે, લખનઉ, રાયપુર, અમદાવાદ અને ઔરંગાબાદ જેવા કેટલાક જિલ્લામાં પણ આવી જ રૂપરેખા જોવા મળી રહી છે.

ડૉ. હર્ષવર્ધને કટોકટીની સ્થિતિનો સામનો કરવા માટે આરોગ્ય માળખાગત સુવિધાઓમાં કરવામાં આવેલી અનુરૂપ વૃદ્ધિ વિશે પણ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ મહામારીની શરૂઆત થઇ ત્યારે પરીક્ષણ માટે 1 લેબોરેટરી ઉપલબ્ધ હતી ત્યાંથી વૃદ્ધિ થઇને આજે દેશમાં કુલ 2463 લેબોરેટરી છે જ્યાં સંયુક્ત રીતે દૈનિક પરીક્ષણોની ક્ષમતા 15 લાખ સુધી પહોંચી ગઇ છે. છેલ્લા 24 કલાકમાં 14,95,397 પરીક્ષણો કરવામાં આવ્યા છે જેથી આજદિન સુધીમાં થયેલા કુલ પરીક્ષણોનો આંકડો 26,88,06,123 સુધી પહોંચી ગયો છે. કોવિડના ચેપની તીવ્રતા અનુસાર ત્રિ-સ્તરીય આરોગ્ય માળખાગત સુવિધાઓ ઉભી કરવામાં આવી છે જેમાં 2084 સમર્પિત કોવિડ હોસ્પિટલો (જેમાંથી 89 કેન્દ્ર સરકાર હેઠળ આવે છે જ્યારે 1995 રાજ્યો હેઠળ આવે છે), 4043 સમર્પિત કોવિ આરોગ્ય કેન્દ્રો અને 12,673 કોવિડ સંભાળ કેન્દ્રો સામેલ છે. તેમની કુલ ક્ષમતા 18,52,265 બેડની છે જેમાંથી 4,68,974 બેડ સમર્પિત કોવિડ હોસ્પિટલોમાં છે. કેન્દ્ર દ્વારા ગયા વર્ષે 34,228 વેન્ટિલેટર્સ રાજ્યોને મંજૂર કરવામાં આવ્યા હતા તે બાબત રાજ્યોના આરોગ્ય મંત્રીઓને યાદ અપાવતા ડૉ. હર્ષવર્ધને જીવનરક્ષક મશીનોનો નવો પૂરવઠો પહોંચાડવાની ખાતરી આપી હતી: 1121 વેન્ટિલેટર્સ મહારાષ્ટ્રને આપવામાં આવ્યા છે, તેમજ ઉત્તરપ્રદેશને 1700, ઝારખંડને 1500, ગુજરાતને 1600, મધ્યપ્રદેશને 152 અને છત્તીસગઢને 230 આપવામાં આવ્યા છે.

પ્રત્યે વસ્તીસમુદાયના લક્ષિત વર્ગમાં રસીકરણ કરવામાં આવેલા લાભાર્થીઓની સંખ્યાની વિગતવાર માહિતી આપતા ડૉ. હર્ષવર્ધને રસીની અછતના મુદ્દાને પણ ધ્યાનમાં લીધો હતો. આજદિન સુધીમાં રસીનો કુલ વપરાશ (બગાડ સહિત) અંદાજે 12 કરોડ 57 લાખ 18 હજાર ડોઝ સુધી પહોંચી ગયો છે જેની સામે કેન્દ્ર દ્વારા રાજ્યોને 14 કરોડ 15 લાખ ડોઝ પૂરાં પાડવામાં આવ્યા છે. અંદાજે 1 કરોડ 58 લાખ ડોઝ હજુ પણ રાજ્યો પાસે ઉપલબ્ધ છે જ્યારે અન્ય 1 કરોડ 16 લાખ 84 હજાર ડોઝ પહોંચાડવા માટે કામગીરી ચાલી રહી છે અને આવતા અઠવાડિયામાં તે પહોંચી જશે. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, ખૂબ જ નાના રાજ્યોના સ્ટોકમાં દર 7 દિવસે આપૂર્તિ કરવામાં આવે છે જ્યારે મોટા રાજ્યોમાં આ સમયગાળો 4 દિવસનો છે. રસીની અત્યારે કોઇ જ અછત નથી તે બાબત પર ભાર મૂકતા તેમણે પ્રબળપણે કહ્યું હતું કે, આવનારા સમયમાં રસીકરણ કવાયતને હજુ પણ વેગવાન બનાવવામાં આવે.

NCDCના નિદેશક ડૉ. એસ.કે.સિંહે આ રાજ્યોની પરિસ્થિતિનું વિગતવાર વિશ્લેષણ રજૂ કર્યું હતું. દૈનિક ધોરણે વધી રહેલા નવા કેસો, સંખ્યાબંધ જિલ્લાઓમાં દૈનિક પોઝિટીવિટી દરમાં થતો તફાવત, મૃત્યુદરમાં થઇ રહેલી તીવ્ર વૃદ્ધિ, રાજ્યોમાં તબીબી માળખાગત સુવિધાઓ પર વધતી દબાણની સ્થિતિ અને વધુ આરોગ્ય સંભાળ કર્મચારીઓની જરૂરિયાત સહિતની વિવિધ બાબતો પર રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે ચર્ચા થઇ હતી.

રાજ્યોના આરોગ્ય મંત્રીઓએ તેમના રાજ્યોમાં કોવિડના પોઝિટીવ કેસોના નિયંત્રણ, દેખરેખ અને સારવાર માટે લેવામાં આવેલા પગલાં અને રાજ્યો દ્વારા પાલન કરવામાં આવતા શ્રેષ્ઠ આચરણો વિશે ચિતાર આપ્યો હતો. ઓક્સીજનના સિલિન્ડરોમાં વૃદ્ધિ; હોસ્પિટલમાં રેમડેસિવીરના પૂરવઠામાં વધારો; વેન્ટિલેટર્સના સ્ટોકમાં ઉમેરો; અને રસીના ડોઝના પૂરવઠામાં વધારો જેવા મુદ્દાઓ પણ લગભગ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ ઉઠાવ્યા હતા. તેમનામાંથી ઘણાએ મેડિકલ ઓક્સીજનની પૂરવઠા લાઈનોને યોગ્ય કરવાનો તેમજ રેમડેસિવીર જેવી આવશ્યક દવાઓની કિંમતની ઉપલી મર્યાદા નક્કી કરવા જેવા મુદ્દા પણ ઉઠાવ્યા હતા કારણ કે, આવી દવાઓનો ખૂબ જ ઉંચા ભાવે કાળાબજારમાં વેપાર થઇ રહ્યો છે. મહારાષ્ટ્રમાં ડબલ મ્યુટન્ટ સ્ટ્રેઇન મુખ્ય ચિંતાનો મુદ્દો છે. દિલ્હી સરકારે 2020ની જેમ આ વખતે પણ કેન્દ્ર સરકારની હોસ્પિટલોમાં બેડની સંખ્યા બમણી કરવાની વિનંતી કરી હતી જેથી વધી રહેલી આરોગ્ય કટોકટીની સ્થિતિમાં મદદ મળી શકે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003BWB1.jpg

રાજ્યોને દર વર્ષે ફાળવવામાં આવતી રાજ્ય આપદા પ્રતિક્રિયા ભંડોળની 50% સુધીની રકમ કોવિડ વ્યવસ્થાપન ના ઉદ્દેશ માટે ઉપયોગમાં લેવા માટેની મંજૂરી આપતી અધિસૂચના ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવી છે અને 1 એપ્રિલ 2021 સુધીમાં રાષ્ટ્રીય આરોગ્ય મિશન હેઠળ ન વપરાયેલી બાકી રહેલી રકમનો ઉપયોગ કરવા માટે પણ કેન્દ્રીય ગૃહ મંત્રાલય મંજૂરી આપે છે તે વાતનો આ બેઠકમાં પુનરુચ્ચાર કરવામાં આવ્યો હતો.

મેડિકલ ગ્રેડ ઓક્સીજન પૂરો પાડવા માટે અને દેશમાં રેમડેસિવીરનો સ્ટોક વધારવા માટે હાથ ધરવામાં આવેલા પગલાં કેન્દ્રીય આરોગ્ય સચિવે રાજ્યોને માહિતી આપી હતી જે આ સંબંધે આરોગ્ય સચિવ, ગૃહ સચિવ, DPIIT સચિવ, ફાર્માસ્યુટિલ્સ સચિવ વગેરે દ્વારા કરવામાં આવેલી કેટલીક બેઠકોનું પરિણામ છે. તેમણે દેશમાં અલગ અલગ ઓક્સીજન ઉત્પાદકો પાસેથી રાજ્યોને મેડિકલ ઓક્સીજનના પૂરવઠાના કૅલેન્ડર બહાર પાડવામાં આવ્યું હોવાની પણ માહિતી આપી હતી. ઓક્સીજનના સિલિન્ડરો તેમના ઉત્પાદક એકમોથી તમામ રાજ્યો સુધી કોઇપણ અવરોધ વગર પહોંચી શકે તે માટે હાથ ધરવામાં આવેલા પગલાંઓ વિશે પણ માહિતી આપવામાં આવી હતી.

ગયા ફેબ્રુઆરીથી સક્રિય કેસોની સંખ્યામાં સંખ્યામાં થઇ રહેલી વૃદ્ધિના કારણે મોટાભાગના રાજ્યોમાં તેમની સર્વાધિક સંખ્યાનો આંકડો પાર થઇ ગયો છે તે બાબતની નોંધ લેતા ડૉ. હર્ષવર્ધને રાજ્યોને કોવિડ હોસ્પિટલો, ઓક્સીજન સાથેના બેડ અને અન્ય સંબંધિત માળખાગત સુવિધાઓમાં વધારો કરવા માટે આગોતરું આયોજન કરવા માટે ભારપૂર્વક કહ્યું હતું જેથી આંકડામાં કોઇપણ પ્રકારે વૃદ્ધિ થાય તે તેવી સ્થિતિને નિયંત્રણમાં લાવી શકાય. તેમણે રાજ્યોને 5-6 અગ્રણી શહેરોમાં તેમના પ્રશાસનમાં વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપી હતી અને તે શહેરોમાં અથવા તેની આસપાસના 2-3 જિલ્લામાં આવેલી મેડિકલ કોલેજોનું મેપિંગ કરવા કહ્યું હતું. રાજ્યોને પોઝિટીવ કેસોને પ્રારંભિક લક્ષણોના તબક્કે જ ઓળખી કાઢવા માટે કહેવામાં આવ્યું હતું જેથી તાત્કાલિક અને અસરકારક સારવાર આપીને બીમાર વ્યક્તિની સ્થિતિને વધુ બગડતી અટકાવી શકાય. વ્યૂહનીતિના ભાગરૂપે, સામુદાયિક ક્વૉરેન્ટાઇન માટે મોટા કન્ટેઇન્મેન્ટ ઝોન વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી. કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ રાજ્યોને યાદ અપાવ્યું હતું કે, રોગકારક જંતુઓના જીનોમિક મ્યૂટન્ટ્સનું મૂલ્યાંકન કરવા માટે સંકલન કરી રહેલા INSACOG નોડલ અધિકારીઓને તબીબી અને રોગચાળા સંબંધિત ચિત્ર પૂરું પાડવામાં આવે. તબીબી ચિત્ર સાથે જાહેર આરોગ્યની પરિસ્થિતિનો સહસંબંધ ઓળખવાનો પ્રયાસ કરવાનું પણ તેમણે કહ્યું હતું. NCDCના નિદેશકે, મ્યૂટન્ટ સ્ટ્રેઇન્સ સંબંધિત મુદ્દાઓને સમજવા માટે જીનોમ સિક્વન્સિંગ માટે હાથ ધરવામાં આવેલા પગલાંઓ વિશે માહિતી આપી હતી.

આ ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકમાં ભાગ લેનારા રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોના આરોગ્ય મંત્રીઓમાં શ્રી ટી.એસ. સિંહ દેવ (છત્તીસગઢ), શ્રી સત્યેન્દર જૈન (દિલ્હી), ડૉ. કે. સુધાકર (કર્ણાટક), ડૉ. પ્રભૂરામ ચૌધરી (મધ્યપ્રદેશ), શ્રી રાજેશ ટોપે (મહારાષ્ટ્ર), શ્રી જય પ્રતાપ સિંહ (ઉત્તરપ્રદેશ), સુશ્રી કે.કે. શૈલેજા (કેરળ), ડૉ. રઘુ શર્મા (રાજસ્થાન) સામેલ છે. તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય સચિવો, અધિક મુખ્ય સચિવો અને અગ્ર સચિવો (આરોગ્ય)એ પણ વર્ચ્યુઅલ માધ્યમથી આ બેઠકમાં ભાગ લીધો હતો.

SD/GP/JD

 

 


(Release ID: 1712464) Visitor Counter : 288