પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ઓક્સીજનનો પૂરતો પૂરવઠો સુનિશ્ચિત કરવા માટે તેની ઉપલબ્ધતાની સમીક્ષા કરી

Posted On: 16 APR 2021 2:43PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેશમાં મેડિકલ ગ્રેડ ઓક્સીજનનો પૂરતો પૂરવઠો સુનિશ્ચિત કરવા માટે તેની વર્તમાન ઉપલબ્ધતાની વ્યાપક સમીક્ષા કરી હતી. આરોગ્ય, DPIIT, સ્ટીલ, માર્ગ પરિવહન વગેરે મંત્રાલયો દ્વારા આ સંદર્ભે પ્રધાનમંત્રી સાથે ઇનપુટ્સ શેર કરવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક કહ્યું હતું કે, તમામ મંત્રાલયો અને રાજ્ય સરકારો વચ્ચે તાલમેલ જળવાઇ રહે તે સુનિશ્ચિત કરવું ખૂબ જ મહત્વનું છે.

પ્રધાનમંત્રીએ ઓક્સીજનના વર્તમાન પૂરવઠા અને આગામી 15 દિવસમાં કેસોનું ઉચ્ચ ભારણ ધરાવતા તમામ 12 રાજ્યો (મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત, ઉત્તરપ્રદેશ, દિલ્હી, છત્તીસગઢ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, પંજાબ, હરિયાણા અને રાજસ્થાન)માં સંભવિત ઉપયોગ વિશે વિગતવાર સમીક્ષા કરી હતી. પ્રધાનમંત્રી સમક્ષ આ રાજ્યોમાં જિલ્લા સ્તરની પરિસ્થિતિઓનું વિહંગાવલોકન પણ રજૂ કરવામાં આવ્યું હતું.

પ્રધાનમંત્રીને માહિતી આપવામાં આવી હતી કે, કેન્દ્ર અને રાજ્યો નિયમિત ધોરણે એકબીજાના સંપર્કમાં રહે છે અને 20 એપ્રિલ, 25 એપ્રિલ અને 30 એપ્રિલ સુધીના સમય માટે સંભવિત માંગના અનુમાનો રાજ્યો સાથે શેર કરવામાં આવ્યા છે. તદઅનુસાર, આ 12 રાજ્યોને 20 એપ્રિલ, 25 એપ્રિલ અને 30 એપ્રિલ સુધીમાં તેમની સંભવિત માંગને પહોંચી વળવા માટે અનુક્રમે 4,880 MT, 5,619 MT અને 6,593 MT જથ્થો ફાળવવામાં આવ્યો છે.

પ્રધાનમંત્રીને દેશમાં વધતી માંગને પહોંચી વળવા માટે ઉત્પાદનની ક્ષમતા વિશે માહિતી આપવામાં આવી હતી. પ્રધાનમંત્રીએ દરેક પ્લાન્ટમાં ક્ષમતા અનુસાર ઓક્સીજનનું ઉત્પાદન વધારવા માટે સૂચન કર્યું હતું. સ્ટીલના પ્લાન્ટ્સમાં ઓક્સીજનનો વધારાનો જથ્થો તબીબી ઉપયોગ માટે આપવામાં આવી રહ્યો હોવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

પ્રધાનમંત્રીએ અધિકારીઓને અનુરોધ કર્યો હતો કે, સમગ્ર દેશમાં ઓક્સીજનનું પરિવહન કરતી ટેન્કો વિના અવરોધે અને મુક્ત રીતે ફરી શકે તે સુનિશ્ચિત કરવામાં આવે. સરકારે એકબીજા રાજ્યોમાં ઓક્સીજનની હેરફેર કરતા તમામ ટેન્કરો સરળતાથી પરિવહન કરી શકે તે માટે તેમને મંજૂરીની નોંધણીમાંથી મુક્તિ આપી દીધી છે. પ્રધાનમંત્રીએ એવી પણ માહિતી આપી છે કે, રાજ્યો અને ટ્રાન્સપોર્ટરોને કહેવામાં આવ્યું છે કે, તેઓ શિફ્ટમાં ડ્રાઇવરો પાસેથી કામ લઇને સતત ટેન્કરોની હેરફેર ચાલુ રાખવાનું સુનિશ્ચિત કરે જેથી ઝડપથી પહોંચી શકે અને વધતી માંગ અનુસાર પૂરતી ક્ષમતા ઉભી થઇ શકે. સિલિન્ડર ભરવાનું કામ કરતા પ્લાન્ટ્સને પણ જરૂરી સલામતીના માપદંડો સાથે 24 કલાકના ધોરણે કામ કરવાની મંજૂરી આપવામાં આવશે. સરકાર ઔદ્યોગિક સિલિન્ડરોમાં યોગ્ય શુદ્ધિકરણ કર્યા પછી તબીબી હેતુસર તેનો ઉપયોગ કરવાની મંજૂરી આપી રહી છે. તેવી જ રીતે નાઇટ્રોજન અને એર્ગોને ટેન્કરોને આપોઆપ ઓક્સીજન ટેન્કરોમાં રૂપાંતરિત કરવાની મંજૂરી મળી જશે જેથી ટેન્કરોની સંભવિત અછતને પૂરી કરી શકાય.

અધિકારીઓએ મેડિકલ ઓક્સીજનની આયાત કરવા માટે ચાલી રહેલા પ્રયાસો વિશે પણ પ્રધાનમંત્રીને માહિતગાર કર્યા હતા.

SD/GP/JD


(Release ID: 1712243) Visitor Counter : 394