સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કેન્દ્રએ દેશમાં કોવિડની પરિસ્થિતિમાં સુધારો ના આવે ત્યાં સુધી રેમડેસિવીર ઇન્જેક્શન અને રેમડેસિવીર સક્રિય ફાર્મસ્યુટિકલ ઘટકો (API)ની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો
કેન્દ્રએ દર્દીઓ અને હોસ્પિટલોને રેમડેસિવીરની પહોંચ સરળતાથી પ્રાપ્ત થાય તે સુનિશ્ચિત કરવા માટે વિવિધ પગલાં લીધા
Posted On:
11 APR 2021 5:25PM by PIB Ahmedabad
ભારતમાં કોવિડ-19ના નવા કેસોની સંખ્યામાં તાજેતરમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. 11.04.2021 સુધીની સ્થિતિ અનુસાર, દેશમાં કોવિડ-19ના 11.08 લાખ સક્રિય કેસો છે અને તેની સંખ્યામાં એકધારો વધારો નોંધાઇ રહ્યો છે. આના કારણે કોવિડના દર્દીઓની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવતા રેમડેસિવીર ઇન્જેક્શનની માંગમાં પણ તીવ્ર ઉછાળો નોંધાયો છે. આવનારા દિવસોમાં તેની માંગમાં હજુ પણ વધારો થવાની સંભાવના છે.
ભારતની સાત કંપનીઓ મેસર્સ ગીલીડ સાયન્સિસ, USA માટે સ્વૈચ્છિક લાઇસન્સિંગ કરાર અંતર્ગત રેમડેસિવીરનું ઉત્પાદન કરે છે. તેમની પાસે દર મહિને 38.80 લાખ એકમના ઉત્પાદનની સ્થાપિત ક્ષમતા છે.
ઉપરોક્ત બાબતને ધ્યાનમાં રાખીને, ભારત સરકારે દેશમાં કોવિડની પરિસ્થિતિમાં સુધારો ના આવે ત્યાં સુધી રેમડેસિવીર ઇન્જેક્શન અને રેમડેસિવીર સક્રિય ફાર્માસ્યુટિકલઘટક (API)ની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે.
વધુમાં, ભારત સરકારે દેશમાં દર્દીઓ અને હોસ્પિટલોને રેમડેસિવીરની પહોંચ સરળતાથી ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવા માટે નીચે ઉલ્લેખ કર્યા અનુસાર વિવિધ પગલાં લીધા છે:
- રેમડેસિવીરના તમામ સ્થાનિક ઉત્પાદકોને આ દવાની પહોંચ સરળ થઇ શકે તેની સુવિધારૂપે તેમના સ્ટોકિસ્ટ્સ/ વિતરકોની વિગતો તેમની વેબસાઇટ પર મુકવાની સલાહ આપવામાં આવી છે.
- દવા નિરીક્ષકો અને અન્ય અધિકારીઓને સ્ટોકની ચકાસણી કરવા તેમજ તે સંદર્ભમાં થતી કોઇપણ ગેરરિતીઓને નિયંત્રણમાં લેવા અને દવાની સંગ્રહખોરી તેમજ કાળાબજારની પ્રવૃત્તિઓને ડામવા માટે અન્ય અસરકારક દંડાત્મક પગલાં લેવાની સલાહ આપવામાં આવી છે. રાજ્ય આરોગ્ય સચિવોને તેમના સંબંધિત રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં દવાના નિરીક્ષકો સાથે મળીને દવાની સ્થિતિની સમીક્ષા કરવાનું કહેવામાં આવ્યું છે.
- ફાર્માસ્યુટિકલ્સ વિભાગ રેમડેસિવીરના ઉત્પાદનમાં વધારો કરવા માટે સ્થાનિક ઉત્પાદકો સાથે સંપર્કમાં છે.
ભારત સરકારે રાજ્યોને એવી પણ સલાહ આપી છે કે, તેઓ “કોવિડ-19ના વ્યવસ્થાપન માટે રાષ્ટ્રીય તબીબી પ્રોટોકોલ”નું વિસ્તરણ કરે જે પુરાવા આધારિત છે અને નિષ્ણાતોની સમિતિ દ્વારા સંખ્યાબંધ પરામર્શ કર્યા પછી તૈયાર કરવામાં આવ્યા છે અને કોવિડ-19ના દર્દીઓની સારવાર માટે તે માર્ગદર્શક દસ્તાવેજ છે. આ પ્રોટોકોલમાં, રેમડેસિવીરનો ઉલ્લેખ તપાસાત્મક સારવાર તરીકે કરેલો છે એટલે કે, તેના ઉપયોગના કિસ્સામાં માહિતીપૂર્ણ અને સાથે મળીને સંમતિપૂર્ણ નિર્ણય લેવો આવશ્યક છે, તેમજ વિગતવાર માર્ગદર્શિકામાં વિરોધી સંકેતોની પણ નોંધ કરવામાં આવી છે.
રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એવી પણ સલાહ આપવામાં આવી છે કે, આ પગલાં વિશે ફરી એકવાર ખાનગી અને સાર્વજિક હોસ્પિટલો સાથે કમ્યુનિકેશન કરવામાં આવે છે અને તેના અનુપાલન પર દેખરેખ રાખવામાં આવે.
SD/GP/JD
(Release ID: 1711058)
Visitor Counter : 321