વહાણવટા મંત્રાલય

સુરત અને દીવ વચ્ચે પ્રથમ એવી ક્રૂઝ સર્વિસનો શુભારંભ


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વિઝનરી નેતૃત્વ હેઠળ સરકારે જળ પરિવહન પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે તથા પરિવહનનું નવું ભવિષ્ય જળ પરિવહન છેઃ ક્રૂઝ સર્વિસનો વર્ચ્યુઅલ શુભારંભ કરાવતા શ્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું

प्रविष्टि तिथि: 31 MAR 2021 6:02PM by PIB Ahmedabad

રાજ્ય કક્ષાના કેન્દ્રીય બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી મનસુખ માંડવિયાએ આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા સુરતના હજીરા પોર્ટ પરથી દીવ સુધીની ક્રૂઝ સર્વિસનો શુભારંભ કર્યો હતો.

શ્રી મનસુખ માંડવિયાએ આ ક્રૂઝ સર્વિસના શુભારંભ કાર્યક્રમને સંબોધન કરતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વિઝનરી નેતૃત્વ હેઠળ ભારત સરકારે ક્રૂઝ પ્રવાસનના વિકાસ પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે.

શ્રી માંડવિયાએ ઉમેર્યું હતું કે, મને એ જાહેર કરતા અતિ આનંદ થાય છે કે, વર્ષ 2014 અગાઉ ભારતીય બંદરો પર 139 ક્રૂઝ આવતી હતી, પણ અત્યારે કોવિડ-19 રોગચાળા વચ્ચે પણ દેશમાં 450 ક્રૂઝ આવે છે. વર્ષ 2014 પછી અત્યાર સુધી ક્રૂઝ સેવાઓ દ્વારા પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. વર્ષ 2014 અગાઉ ક્રૂઝ પ્રવાસીઓની સંખ્યા એક લાખ હતી અને વર્ષ 2019-20માં પ્રવાસીઓની સંખ્યા 4.5 લાખ હતી.

https://ci4.googleusercontent.com/proxy/AyEw6mZL-h1whTt0sgszFlXbA3B2qPpand2Tdo_Hf1nlEk9_EpAS7I3zdd6rwXrJIY4butyRH0MmB4zOVaSAg2AcZm5XLFl0sOc6rlNkB_FcPWQH3iaHCJvl1Q=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001UIPY.jpg

 

શ્રી માંડવિયાએ આગ્રહપૂર્વક જણાવ્યું હતું કે, ભારતીય દરિયા કિનારો ક્રૂઝ પ્રવાસનના ઉદ્યોગ માટે પ્રચૂર સંભવિતતા ધરાવે છે તથા ભારતના પશ્ચિમ દરિયા કિનારા (મુંબઈ, ગોવા, કોચી) અને પૂર્વ દરિયા કિનારા (વિશાખાપટનમ, કોલકાતા, ચેન્નાઈ) એમ બંને તરફ 6 આંતરરાષ્ટ્રીય ક્રૂઝ ટર્મિનલ્સ બનાવવાની યોજના ધરાવે છે. શ્રી મનસુખ માંડવિયાએ ગુજરાતના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તાર વચ્ચે ફેરી, રોરો અને રોપેક્સ સેવાઓના વિકાસ વિશે આશાવાદ વ્યક્ત કર્યો હતો તથા કહ્યું હતું કે, ક્રૂઝ સેવાઓમાં અદ્યતન ફેરી ટર્મિનલ્સ અને આધુનિક સુવિધાઓ સાથે પરિવહનનું નવું ભવિષ્ય જળ પરિવહન છે.

આ ક્રૂઝ સેવાના એક તરફ પ્રવાસનો સમય અંદાજે 13 થી 14 કલાક છે. ક્રૂઝની ક્ષમતા 300 પેસેન્જર છે અને 16 કેબિન ધરાવે છે. આ ક્રૂઝ એક અઠવાડિયામાં બે રાઉન્ડ ટ્રિપ કરશે. ક્રૂઝ ડેક પર ગેમિંગ લોંજ, વીઆઇપી લોંજ, મનોરંજન તથા અન્ય આધુનિક સુવિધાઓ ધરાવે છે. એક તરફના પ્રવાસનો ખર્ચ રૂ. 900 + કરવેરા (પ્રવાસીદીઠ) હશે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવેમ્બર, 2020માં હજીરા-ઘોઘા રોપેક્સ સર્વિસનું ઉદ્ઘાટન કર્યું હતું તથા ચાર મહિનાની અંદર એક લાખ પેસેન્જર અને હજારો વાહનોએ ફેરી સર્વિસનો ઉપયોગ કરીને હજીરા (સુરત)થી ઘોઘા (ભાવનગર) સુધી પ્રવાસનો સમય અને ખર્ચ બંને બચાવ્યાં છે. શ્રી મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે, ફેરી સર્વિસની સફળતાએ ગુજરાત અને ભારતમાં જળ પરિવહનના વધુ ઘણા રૂટ માટે દરવાજા ખોલી નાંખ્યા છે.

 

 

SD/GP


(रिलीज़ आईडी: 1708766) आगंतुक पटल : 360
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Telugu