ગૃહ મંત્રાલય
ગૃહ મંત્રાલયે કોવિડ-19ના અસરકારક નિયંત્રણ માટે માર્ગદર્શિકા જાહેર કરી
રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારોને ટેસ્ટ-ટ્રેક-ટ્રીટ આચારસંહિતાનો કડકપણે અમલ કરવા, નિયંત્રણ માટે પગલાં લેવા, કોવિડને અનુરૂપ વર્તણૂંકને પ્રોત્સાહન આપવા અને વિવિધ પ્રવૃત્તિઓ પર એસઓપીનું પાલન કરવાનો આદેશ
Posted On:
23 MAR 2021 4:53PM by PIB Ahmedabad
- ગૃહ મંત્રાલય (એમએચએ)એ આજે કોવિડ-19ના અસરકારક નિયંત્રણ માટે માર્ગદર્શિકા સાથે એક આદેશ જાહેર કર્યો હતો, જે 1 એપ્રિલ, 2021થી અમલમાં આવશે તથા 30 એપ્રિલ, 2021 સુધી અમલમાં રહેશે.
- માર્ગદર્શિકામાં મુખ્યત્વે કોવિડ-19ના પ્રસારને નિયંત્રણ કરવામાં પ્રાપ્ત થયેલી નોંધપાત્ર સફળતાને વધારે મજબૂત કરવાનો છે, જે આશરે 5 મહિનાથી સતત સક્રિય કેસોની સંખ્યામાં સતત ઘટાડા સ્વરૂપે જોવા મળી હતી.
- દેશના કેટલાંક રાજ્યોમાં કોવિડ-19 કેસોમાં નવા વધારાને ધ્યાનમાં રાખીને આ માર્ગદર્શિકામાં રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારોને દેશના તમામ વિસ્તારોમાં ટેસ્ટ-ટ્રેક-ટ્રીટ (પરીક્ષણ-નિરીક્ષણ-સારવાર) આચારસંહિતાના કડક અમલ કરાવવાની સૂચના આપી છે; તેમને દરેક દ્વારા કોવિડને અનુરૂપ અભિગમનું પાલન સુનિશ્ચિત કરાવવા અને તમામ લક્ષિત જૂથોને આવરી લેવા રસીકરણ અભિયાન વધારવાની સૂચના પણ આપવામાં આવી છે.
- આ બાબત પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો કે, વિવિધ પ્રવૃત્તિઓ ફરી શરૂ કરવામાં સફળતા હાંસલ થાય અને રોગચાળામાંથી સંપૂર્ણ બહાર નીકળી શકાય એવી સુનિશ્ચિતતા કરવા સૂચિત નિયંત્રણ વ્યૂહરચનાને કડકપણે અનુસરવાની તથા ગૃહ મંત્રાલય અને આરોગ્ય અને કલ્યાણ મંત્રાલય (એમઓએચએફડબલ્યુ) દ્વારા તેમજ કેન્દ્ર સરકાર અને રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારોના અન્ય મંત્રાલયો/વિભાગો દ્વારા ઇશ્યૂ થયેલી માર્ગદર્શિકા/એસપીઓનું પાલન કરાવવાની જરૂર છે.
ટેસ્ટ-ટ્રેક-ટ્રીટ આચારસંહિતા
- જે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આરટી-પીસીઆર પરીક્ષણો ઓછા થઈ રહ્યાં છે, તેમને આ પરીક્ષણોમાં ઝડપથી વધારો કરવો જોઈએ, જેથી સૂચિત સ્તર 70 ટકા કે વધારે થાય.
- સઘન પરીક્ષણના પરિણામે નિદાન થયેલા નવા પોઝિટિવ કેસો વહેલામાં વહેલી તકે આઇસોલેટ/ક્વારેન્ટાઇન કરવાની તથા સમયસર સારવાર પ્રદાન કરવાની જરૂર પડશે.
- ઉપરાંત આચારસંહિતા મુજબ, આ પ્રકારની વ્યક્તિઓના સંપર્કમાં આવેલા લોકોની જાણકારી વહેલામાં વહેલી તકે મેળવવી પડશે અને તેમને પણ એ જ રીતે આઇસોલેટ/ક્વોરેન્ટાઇન કરવા પડશે.
- પોઝિટિવ કેસો અને તેમના સંપર્કો પર નજર રાખવાને આધારે જિલ્લા સત્તામંડળ દ્વારા પાયાના સ્તરે નિયંત્રણ ઝોનને કાળજીપૂર્વક અંકિત કરવા પડશે, જે માટે આ સંબંધમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે બહાર પાડેલી માર્ગદર્શિકાને ધ્યાનમાં લેવી પડશે.
- નિયંત્રણ ઝોનની યાદી સંબંધિત જિલ્લા કલેક્ટર્સ દ્વારા અને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા વેબસાઇટ પર જાહેર કરવી પડશે. આ યાદી આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય સાથે નિયમિત ધોરણે વહેંચવી પણ પડશે.
- આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા સૂચવ્યા મુજબ, અંકિત કરેલા નિયંત્રણ ઝોનમાં નિયંત્રણ માટેના સૂચિત પગલાં લેવા પડશે, જેમાં કડક પરિમિતિનું કડક નિયંત્રણ, ઘેરઘેર સઘન નિરીક્ષણ, કોન્ટેક્ટ ટ્રેસિંગ, આઇએલઆઇ/એસએઆરઆઈ વગેરે માટે નિરીક્ષણ સામેલ છે.
- સ્થાનિક જિલ્લા, પોલીસ અને મ્યુનિસિપલ સત્તામંડળો એ સુનિશ્ચિત કરવા માટે જવાબદાર રહેશે કે નિયંત્રણ માટેના સૂચિત પગલાનું પાલન કડકપણે થાય અને રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારોએ આ સંબંધમાં સંબંધિત અધિકારીઓની જવાબદારી સુનિશ્ચિત કરવી પડશે.
કોવિડને અનુરૂપ અભિગમ
- રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારો કાર્યસ્થળો અને જાહેર સ્થળો, ખાસ કરીને ગીચ જગ્યાઓમાં કોવિડ-19ને અનુરૂપ વર્તણૂંકને પ્રોત્સાહન આપવા તમામ જરૂરી પગલાં લેશે.
- ફેસ માસ્ક પહેરવા, હાથને ચોખ્ખા રાખવા અને સોશિયલ ડિસ્ટન્સિંગનું કડકપણે પાલન કરવા માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો વહીવટી પગલાં લેવા વિચારી શકે છે, જેમાં ઉચિત દંડ લાગુ કરવાની જોગવાઈ પણ સામેલ છે.
- કોવિડ-19 વ્યવસ્થાપન માટે રાષ્ટ્રીય સૂચનોનું સમગ્ર દેશમાં પાલન કરવામાં ચાલુ રાખવામાં આવશે, જેથી કોવિડ-19ને અનુરૂપ વર્તણૂંકને લાગુ કરી શકાય.
સ્થાનિક નિયંત્રણો
- કોવિડ-19ના પ્રસારને નિયંત્રણમાં રાખવા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સ્થિતિસંજોગોનાં પોતાના મૂલ્યાંકનોને આધારે જિલ્લા/પેટાજિલ્લા અને શહેર/વોર્ડ સ્તરે સ્થાનિક નિયંત્રણો લાગુ કરી શકે છે.
આંતર-રાજ્ય અને રાજ્યો વચ્ચે અવરજવર પર કોઈ નિયંત્રણ નહીં
- વ્યક્તિઓ અને ચીજવસ્તુઓની આંતર-રાજ્ય અને રાજ્યો વચ્ચે અવરજવર પર કોઈ નિયંત્રણ નહીં લાગુ થાય, જેમાં પડોશી દેશો સાથે થયેલી સંધિઓ અંતર્ગત આંતરરાષ્ટ્રીય વેપાર માટેની ચીજવસ્તુઓની અવરજવર પણ સામેલ છે. આ પ્રકારની અવરજવર માટે અલગથી કોઈ મંજૂરી/સંમતિ/ઇ-પરમિટ લેવાની જરૂર નહીં પડે.
સૂચિત એસઓપીનું કડકપણે પાલન
- નિયંત્રણ ઝોનની બહાર તમામ પ્રકારની પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં આવી છે અને વિવિધ પ્રવૃત્તિઓ માટે એસઓપી સૂચિત કરવામાં આવી છે. એમાં સામેલ છેઃ પેસેન્જર ટ્રેનોની અવરજવર; હવાઈ પ્રવાસ; મેટ્રો ટ્રેનો; શાળાઓ; ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ; હોટેલ્સ અને રેસ્ટોરાં; શોપિંગ મોલ્સ, મલ્ટિપ્લેક્સિસ અને મનોરંજન પાર્ક્સ; યોગ કેન્દ્રો અને જીમ્નેશિયમ્સ; પ્રદર્શન, સભા અને સરઘસ વગેરે.
- સમયેસમયે સુધારાવધારા થયેલી એસઓપીનું સંબંધિત સત્તામંડળો દ્વારા કડકપણે પાલન કરવામાં આવશે, જે આ એસઓપીનું કડકપણે પાલન કરવા માટે જવાબદાર રહેશે.
રસીકરણ
- ભારત સરકારે કોવિડ-19 સામે વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન શરૂ કર્યું છે.
- જ્યારે રસીકરણ અભિયાન સરળતાપૂર્વક, ઝડપથી ચાલી રહ્યું છે, ત્યારે તેની ઝડપ વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં જુદી જુદી છે તથા કેટલાંક રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં રસીકરણની ધીમી ઝડપ ચિંતાજનક બાબત છે. વર્તમાન સ્થિતિસંજોગોમાં કોવિડ-19 સામે રસીકરણ સંક્રમણની સાંકળ તોડવા માટે મહત્વપૂર્ણ છે.
- એટલે તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારોએ ઝડપથી પ્રાથમિકતા ધરાવતા તમામ જૂથોને આવરી લેવા માટે રસીકરણની ઝડપ વધારવા માટે પગલાં લેવા પડશે.
(Release ID: 1707014)
Visitor Counter : 327