પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ભારતના સ્વતંત્રતાના સંગ્રામમાં ભાગ લેનારી તમામ મહાન હસ્તીઓને સ્મરણાંજલી અર્પણ કરી


આ સંગ્રામોએ એવી જ જાગૃતિ અને જુસ્સો લાવી દીધો હતો જે રામ, મહાભારત, હલ્દીઘાટી અને શિવાજીના સમયમાં હતો: પ્રધાનમંત્રી

આપણા સંતો, મહંતો અને આચાર્યોએ દરેક સમયમાં અને દેશના દરેક હિસ્સામાં સ્વતંત્રતાની જ્યોત સતત પ્રજ્વલિત રાખી હતી: પ્રધાનમંત્રી

Posted On: 12 MAR 2021 3:06PM by PIB Ahmedabad

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓ, ચળવળો, વિદ્રોહ અને સ્વતંત્રતાની ચળવળના સંગ્રામને સ્મરણાંજલી અર્પણ કરી હતી. તેમણે ખાસ કરીને, એવી ચળવળો, સંઘર્ષો અને હસ્તીઓને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી જેમણે ભારતની સ્વતંત્રતાના સંઘર્ષની ગાથામાં પૂરતું સન્માન અને સ્વીકૃતિ પ્રાપ્ત થયા નથી. આજે, અમદાવાદમાં સાબરમતી આશ્રમ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ (India@75)ના શુભારંભ બાદ તેમણે સંબોધન આપ્યું ત્યારે સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કર્યા હતા.

ઓછી જાણીતી ચળવળો અને સંગ્રામોએ આપેલા યોગદાનની પ્રશંસા કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, પ્રત્યેક સંગ્રામ અને સંઘર્ષો જુઠ્ઠાણા સામે સત્યની પ્રબળ ઘોષણા હતા જે ભારતની સ્વતંત્રતાના જુસ્સાની સાક્ષી પૂરે છે. તેમણે કહ્યું હતું કે, આ સંઘર્ષે એવી જ જાગૃતિ અને જુસ્સો લાવી દીધા હતા જે રામ, મહાભારતમાં કુરુક્ષેત્ર, હલ્દીઘાટીના સમયમાં અને વીર શિવાજીની ત્રાડ વખતે જોવા મળ્યા હતા.

પ્રધાનમંત્રીએ કોલ, કાશી, સંથાલ, નાગા, ભીલ, મુંડા, સન્યાસી, રમોશી, કિત્તુર ચળવળ, ત્રાવણકોર ચળવળ, બારડોલી સત્યાગ્રહ, ચંપારણ સત્યાગ્રહ, સંબલપુર, ચૌર, બંદેલ અને કુકા વિદ્રોહ અને ચળવળોની નોંધ લીધી હતી. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, આવા સંખ્યાબંધ સંઘર્ષોએ દેશમાં દરેક સમયે અને દરેક પ્રાંતમાં સ્વતંત્રતાની જ્યોતને પ્રજ્વલિત રાખી હતી. તેમણે ઉમેર્યું હતું કે, શીખ ગુરુ પરંપરાએ દેશમાં સંરક્ષણની સંસ્કૃતિમાં ઉર્જા પૂરી હતી.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આપણે હંમેશા યાદ રાખવું જોઇએ કે, સ્વતંત્રતાની જ્યોત સતત પ્રજ્વલિત રાખવાનું કામ આપણા સંતોએ, મહંતોએ અને આચાર્યોએ દરેક સમયે, દેશના દરેક હિસ્સામાં અવિરતપણે કર્યું હતું. તેમણે દેશવ્યાપી સ્વતંત્રતાના સંગ્રામનો આધારખડક તૈયાર કર્યો હતો.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, પૂર્વમાં ચૈતન્ય મહાપ્રભુ અને શ્રીમંત શંકર દેવ જેવા સંતોએ સમાજને માર્ગદર્શન આપ્યું હતું અને તેમને લક્ષ્ય પર સતત કેન્દ્રિત રાખ્યા હતા. પશ્ચિમમાં, મીરાબાઇ, એકનાથ, તુકારામ, રામદાસ અને નરસિંહ મહેતાએ જ્યારે ઉત્તરમાં સંત રામાનંદ, કબીરદાસ, ગોસ્વામી તુલસીદાસ, સૂરદાસ, ગુરુ નાનક દેવ, સંત રાયદાસે જવાબદારી ઉપાડી હતી. તેવી જ રીતે, દક્ષિણમાં માધવાચાર્ય, નિમ્બાર્કચાર્ય, વલ્લભાચાર્ય અને રામાનુજચાર્ય હતા.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભક્તિ કાળ દરમિયાન, મલિક મોહંમદ જયાસી, રાસ ખાન, સૂરદાસ, કેશવદાસ અને વિદ્યાપતિ જેવી હસ્તીઓએ સમાજની બદીઓ દૂર કરીને સુધારા લાવવા માટે પ્રેરણા આપી હતી. આ હસ્તીઓ સમગ્ર ભારતમાં સ્વતંત્રતાની ચળવળને પોષવા માટે જવાબદાર છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક કહ્યું હતું કે, આ લોકનાયકો અને લોકનાયિકાઓના જીવનચરિત્રને લોકોની સમક્ષ લાવવાની જરૂર છે. પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનનું સમાપન કરતા કહ્યું હતું કે, આ પ્રેરક કથાઓ આપણી નવી પેઢીને, એકતા વિશે અને પોતાના લક્ષ્યો પ્રાપ્ત કરવા અંગેના મૂલ્યવાન પાઠ શીખવશે.

 

SD/GP/BT

 

 



(Release ID: 1704361) Visitor Counter : 388