સંસ્કૃતિ મંત્રાલય

પ્રધાનમંત્રી આવતીકાલે અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતે 'અમૃત મહોત્સવ'નું ઉદ્ઘાટન કરશે અને પદયાત્રાનો પ્રારંભ કરાવશે

Posted On: 11 MAR 2021 4:48PM by PIB Ahmedabad

કેન્દ્રીય સંસ્કૃતિ અને પ્રવાસન રાજ્ય મંત્રી (સ્વતંત્ર પ્રભાર) શ્રી પ્રહલાદ સિંહ પટેલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે અમદાવાદમાં આવેલા સાબરમતી આશ્રમ ખાતે 'આઝાદી કા અમૃત મહોત્સવ'નું ઉદ્ઘાટન કરશે અને પદયાત્રાનો પ્રારંભ કરાવશે. આજે પત્રકાર પરિષદને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, સરકારે ભારતની સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠની ઉજવણી કરવા માટે 'આઝાદી કા અમૃત મહોત્સવ' તરીકે શ્રેણીબદ્ધ કાર્યક્રમોનું આયોજન કરવાનો નિર્ણય લીધો છે જેનો પ્રારંભ 15 ઑગસ્ટ, 2022ના બરાબર 75 અઠવાડિયા પહેલાં એટલે કે, 12 માર્ચ, 2021ના રોજથી થઇ રહ્યો છે. તેમણે માહિતી આપી હતી કે, રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા પણ 12 માર્ચ, 2021ના રોજ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીએ 12 માર્ચથી 6 એપ્રિલ, 1930 દરમિયાન અન્ય 81 પદયાત્રીઓ સાથે મળીને દાંડી પદયાત્રા કરી હતી. પ્રધાનમંત્રી દ્વારા આવતીકાલે જે પદયાત્રાનો પ્રારંભ કરાવવામાં આવશે તે અમદાવાદમાં સાબરમતી આશ્રમથી શરૂ થઇને 241 માઇલ દૂર નવસારીમાં આવેલા દાંડી ખાતે 5 એપ્રિલ, 2021ના રોજ સંપન્ન થશે. આ પદયાત્રા 25 દિવસ સુધી ચાલશે. તેમાં 81 પદયાત્રીઓ ભાગ લેશે અને દાંડી સુધીમાં માર્ગમાં લોકોના વિવિધ સમૂહો પણ તેમની સાથે જોડાશે.

શ્રી પટેલે એવી પણ જાહેરાત કરી હતી કે, પદયાત્રાના પ્રારંભિક ચરણમાં 75 કિમી સુધી તેઓ નેતૃત્ત્વ સંભાળશે.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સરકારે દેશની સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠને અમૃત મહોત્સવ તરીકે ઉજવવાનો નિર્ણય લીધો છે. 15 ઑગસ્ટ, 2022 સુધી આગામી 75 અઠવાડિયા દરમિયાન સાપ્તાહિક ધોરણે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, દર અઠવાડિયે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. આ મહોત્સવમાં તમામ લોકો સહભાગી થાય તે સુનિશ્ચિત કરવા માટે, સંસ્કૃતિ મંત્રાલયની સહાયક ભૂમિકામાં લોકોની રૂચિને અનુરૂપ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

 

 

SD/GP/BT


(Release ID: 1704165) Visitor Counter : 322