માહિતી અને પ્રસારણ મંત્રાલય

આઝાદીના અમૃત મહોત્સવના કવરેજ માટે માહિતી અને પ્રસારણ મંત્રાલયે પૂરતી વ્યવસ્થાઓ કરી


શ્રી પ્રકાશ જાવડેકર દિલ્હી સહિત સાત સ્થળોએ પ્રદર્શનનું ઉદઘાટન કરશે

Posted On: 11 MAR 2021 11:02AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રીએ કહ્યું છે કે સ્વતંત્રતાના 75 વર્ષનો ઉત્સવ એ એક મહોત્સવ હશે જેમાં આઝાદીનો સંઘર્ષ, શહીદોને શ્રદ્ધાંજલિ અને ભારતના સર્જન માટે એમની પ્રતિજ્ઞાનો અનુભવ કરાશે. આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવવા માટે રાષ્ટ્રીય સમિતિને સંબોધતા પ્રધાનમંત્રી શ્રી મોદીએ જણાવ્યું છે કે આ મહોત્સવમાં સનાતન ભારતની ખ્યાતિ અને ભવ્યતાની ઝાંખી મૂર્તિમંત થવી જોઇએ અને સાથે આધુનિક ભારતની ભાવના પણ, આ મહોત્સવમાં  આપણા ઋષિ-મુનિઓ, જ્ઞાની પુરુષોની દિવ્યતા અને આપણા વૈજ્ઞાનિકોની પ્રતિભા અને શક્તિઓ પણ પ્રતિબિંબિત થવી જોઇએ. તેમણે ભાર મૂક્યો કે આ ઘટના આપણા આ 75 વર્ષની ઉપલબ્ધિઓ વિશ્વને પ્રદર્શિત કરશે અને આગામી 25 વર્ષો માટેના સંકલ્પો માટે આપણને માળખું પણ આપશે.

પ્રધાનમંત્રીએ એવી માહિતી પણ આપી કે 75 વર્ષની ઉજવણી માટે 5 સ્તંભો નક્કી કરાયા છે અને એ છે:

  1. સ્વતંત્રતા માટેનો સંઘર્ષ
  2. 75 વર્ષે વિચારો
  3. 75 વર્ષે ઉપલબ્ધિઓ
  4. 75 વર્ષે કાર્યો
  5. 75 વર્ષે સંકલ્પો

 

2022ના સ્વાતંત્ર્ય  દિનના 75 સપ્તાહો પૂર્વે આઝાદીનો અમૃત મહોત્સવ શરૂ થશે અને 2023ના સ્વતંત્રતા દિન સુધી ચાલુ રહેશે. આ મહત્ત્વની ઘટના 2021ની 12મી માર્ચે ( દાંડી કૂચની શરૂઆતની વર્ષગાંઠ) શરૂ કરીને 25 દિવસની ઉજવણી સાથે આરંભ કરાશે. એ દિવસે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતમાં ઉદઘાટન સમારોહ યોજાશે અને એનું સમાપન 2021ની 5મી એપ્રિલે (દાંડી કૂચની સમાપ્તિ) થશે.

પ્રધાનમંત્રીના આ સ્વપ્નનું અનુસરણ કરતા અને તહેવારના જોશમાં યોગદાન આપવા માહિતી અને પ્રસારણ મંત્રાલયે દેશભરમાં આ કાર્યક્રમોને આવરી લેવા માટે પૂરતી યોજનાઓ ઘડી કાઢી છે.

  1. દૂરદર્શન ન્યુઝ અને ન્યુઝ સર્વિસ ડિવિઝન ગુજરાતમાં ઉદઘાટનના કાર્યક્રમોનું જીવંત કવરેજ પૂરું પાડશે. ત્યાર પછી પ્રાદેશિક ન્યુઝ યુનિટ્સ સમગ્ર દેશમાં રાજ્ય સ્તરે આયોજિત કાર્યક્રમોનું કવરેજ પૂરું પાડશે. અમૃત મહોત્સવ અંગે બંને સંસ્થાઓ દ્વારા પ્રાઇમ ટાઇમ ચર્ચાઓ અને વિશેષ કાર્યક્રમો યોજાશે અને ઉદઘાટનના કાર્યક્રમો બાદ નેશનલ રાઉન્ડ-અપ તૈયાર કરાશે.
  2. રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશની સરકારો સાથે ભાગીદારીમાં બ્યુરો ઑફ આઉટરિચ કૉમ્યુનિકેશન આઝાદીના 75 વર્ષ એ વિષય પર સમગ્ર દેશમાં પ્રદર્શનો યોજશે. મુખ્ય કાર્યક્રમનું ઉદઘાટન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા સાબરમતી આશ્રમ ખાતે કરવામાં આવશે. ત્યાર બાદ બપોરે 12 વાગ્યા બાદ અગ્રણી મહાનુભાવો દ્વારા કુલ 27 રાજ્ય સ્તરના પ્રદર્શનોનું ઉદઘાટન કરવામાં આવશે. આ પ્રદર્શનોમાં આઝાદી માટે ભારતના સંઘર્ષના મુખ્ય સીમાચિહ્નો જેવા કે અસહકારનું આંદોલન, સવિનય કાનૂન ભંગ, ભારત છોડો વગેરે દાંડી કૂચ, મહાત્મા ગાંધી, નેતાજી સુભાષ ચંદ્ર બૉઝ, સરદાર પટેલ અને આપણા દેશ માટે બલિદાન આપનારા આઝાદીની ચળવળના નેતાઓને કેન્દ્રમાં રાખીને  આવરી લેવાશે.

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી પ્રકાશ જાવડેકર 13મી માર્ચ, 2021ના રોજ આમાંના 37 સ્થળો પૈકી છ સ્થળોએ પ્રદર્શનોનું વર્ચ્યુઅલી ઉદઘાટન કરશે, જેમ કે

  1. સાંબા જિલ્લો, જમ્મુ અને કાશ્મીર.
  2. બેંગલુરુ, કર્ણાટક.
  3. પૂણે, મહારાષ્ટ્ર
  4. ભુવનેશ્વર, ઓડિશા
  5. મોઇરંગ જિલ્લો, બીશ્નુપુર, મણિપુર
  6. પટણા, બિહાર.

 

શ્રી પ્રકાશ જાવડેકર 2021ની 13મી માર્ચે નેશનલ મીડિયા સેન્ટર, નવી દિલ્હી ખાતે પણ એક પ્રદર્શનનું ઉદઘાટન કરશે.

આ કાર્યક્રમો અંગે બોલતા મંત્રીશ્રીએ કહ્યું કે આ કાર્યક્રમો માટે તમામ રાજ્યોએ અપાર રસ દાખવ્યો છે. તેમણે ઉમેર્યું કે દાંડી કૂચની વર્ષગાંઠે 12મી માર્ચથી શરૂ થતાં કાર્યક્રમો લગભગ અઢી વર્ષ ચાલવાના છે અને એ દેશમાં ઉજવણીનું વાતવરણ સર્જશે.

  1. પ્રકાશન વિભાગ આઝાદીની ચળવળના અજ્ઞાત નાયકો, મહિલા સ્વાતંત્ર્ય સેનાનીઓ, પૂર્વોત્તર ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓ અને લડાઇઓ, લાલ કિલ્લામાં ઇન્ડિયન નેશનલ આર્મી ટ્રેન, આઝાદીની ચળવળમાં અખબારોની ભૂમિકા વગેરે પર પુસ્તકો પ્રસિદ્ધ કરશે. બે વર્ષના ગાળામાં આ પ્રકાશનો બહાર પડશે.

 

SD/GP/BT

 



(Release ID: 1704070) Visitor Counter : 578