ઉપરાષ્ટ્રપતિ સચિવાલય

ઉપરાષ્ટ્રપતિએ ગ્રામીણ વિસ્તારોમાં અદ્યતન આરોગ્ય સુવિધાઓ લાવવા માટે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપનું આહ્વાન કર્યું


સારું આરોગ્ય સંભાળ વ્યવસ્થાતંત્ર આર્થિક વિકાસને વેગ આપી શકે છે: ઉપરાષ્ટ્રપતિ

શ્રી નાયડુએ કહ્યું, 'ચાલો સૌ, માનસિક સ્વાસ્થ્ય વિશે ચર્ચા કરીએ'; આ મુદ્દે જનજાગૃતિનું સર્જન કરવાની જરૂરિયાત છે

શ્રી નાયડુએ આરોગ્ય સંભાળ માટે સર્વાંગી અને લોક-કેન્દ્રિત અભિગમ અપનાવવા માટે આહ્વાન કર્યું

દાંડી કૂચ અને બારડોલી સત્યાગ્રહની શાંતિપૂર્ણ પદ્ધતિઓ આજના સમયમાં પણ સાંદર્ભિક છે: ઉપરાષ્ટ્રપતિ

ઉપરાષ્ટ્રપતિએ નવસારીમાં નિરાલી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલનો શિલાન્યાસ કર્યો

Posted On: 05 MAR 2021 5:26PM by PIB Ahmedabad

ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ. વેંકૈયા નાયડુએ આજે આરોગ્ય સંભાળ માળખાગત સુવિધાઓમાં શહેરો અને ગામડાંઓ વચ્ચેની અસમાનતા દૂર કરવા માટે મિશન મોડ પર કામ કરવા આહ્વાન કર્યું હતું અને ખાનગી ક્ષેત્રોને અનુરોધ કર્યો હતો કે, તેઓ અર્ધ શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પોતાનો પગદંડો વધુ મજબૂત કરે અને લોકોને પરવડે તેવા દરે આરોગ્ય સંભાળ સુવિધાઓ ઉપલબ્ધ કરાવે. તેમણે ગ્રામીણ વિસ્તારોમાં અને ખાસ કરીને અંતરિયાળ પ્રદેશોમાં આધુનિક તબીબી સુવિધાઓ લઇ જવા માટે ખાનગી ક્ષેત્રો માટે સક્રિયતાપૂર્વક ભાગીદારી કરવાનું સરકારોને સૂચન કર્યું હતું.

નિરાલી મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલના શિલાન્યાસ પ્રસંગે સંબોધન આપતા ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, કોવિડ-19 મહામારીએ આપણને સારા આરોગ્ય વિશે ઘણો મહત્વનો બોધપાઠ શીખવ્યો છે અને તેમણે અવલોકન કર્યું હતું કે, સારી આરોગ્ય સંભાળ પ્રણાલી વાસ્તવમાં કોઇપણ પ્રદેશના આર્થિક વિકાસને વેગ આપી શકે છે.

તેમણે ઉમેર્યું હતું કે, કાર્યદક્ષ અને પરવડે તેવી આરોગ્ય સંભાળ પ્રણાલી "ગરીબો પર નાણાકીય બોજ ઘટાડી શકે છે, કામદારોની ઉત્પાદકતા વધારી શકે છે, શાળાઓમાં બાળકોની ગેરહાજરીમાં ઘટાડો લાવી શકે છે અને છેવટે તેનાથી વિકાસના સંબંધમાં પ્રબળ સકારાત્મક પ્રભાવ પડે છે.” શ્રી નાયડુએ એ વાતને ખાસ રેખાંકિત કરી હતી કે, “આ પ્રકારે સારું આરોગ્ય કોઇપણ વ્યક્તિ માટે, સમુદાય માટે અને વ્યાપક રીતે જોવામાં આવે તો આખા સમાજ માટે એક મિલકત સમાન છે.”

સ્વતંત્રતા પછી ભારતે આરોગ્ય સૂચકાંકોમાં પ્રાપ્ત કરેલી પ્રચંડ પ્રગતિનો સંદર્ભ ટાંકતા ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, એ સમયે એવા મોટા અને નોંધનીય પડકારો હતા જેના પર ખૂબ જ નક્કર પગલાં લેવાની જરૂર હતી. તેમણે ઉમેર્યું હતું કે, આપણી આરોગ્ય સંભાળ પ્રણાલીમાં સુધારો લાવવા માટે, ખાનગી ક્ષેત્ર, નાગરિક સમાજ અને અન્ય સંગઠનોએ અવશ્યપણે સરકાર સાથે સક્રિયતાપૂર્વક ભાગીદારી કરવી જોઇએ.

શ્રી નાયડુએ એ વાતને રેખાંકિત કરી હતી કે, લોકોમાં આરોગ્ય મુદ્દાઓ પર વ્યાપકપણે જનજાગૃતિનું નિર્માણ કરવાની જરૂર છે. આ સંદર્ભમાં, તેમણે 2019ના WHOના અનુમાનોનો સંદર્ભ ટાંક્યો હતો જેમાં કહેવામાં આવ્યું છે કે, 7.5% ભારતીયો માનસિક આરોગ્યની બીમારીથી અસરગ્રસ્ત હતા અને મહામારીની અસરનો લોકોના માનસિક આરોગ્ય પર હજુ પૂરેપૂરો અંદાજ આંકવામાં આવ્યો નથી. તેમણે માનસિક આરોગ્ય સાથે સંકળાયેલી કલંકની ભાવનાને દૂર કરવા માટે અને માનસિક આરોગ્યના પ્રશ્નો ઉકેલવા માટે સર્વાંગી અભિગમ અપનાવવા માટે આહ્વાન કર્યું હતું. બીજી બધી બાબતો ઉપરાંત તેમણે કહ્યું હતું કે, આપણે અવશ્યપણે માનસિક આરોગ્ય વિશે ચર્ચા કરવા માટે ઇચ્છા દર્શાવવી જોઇએ.

ઉપરાષ્ટ્રપતિએ બિન-ચેપી રોગોના વધી રહેલા ભારણ પર વિશેષ ધ્યાન આપવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. કેન્સર, ડાયાબિટિસ અને હૃદયની બીમારી જેવી જીવનશૈલી આધારિત બીમારીઓ હવે દેશમાં 60 ટકા કરતાં વધારે મૃત્યુ માટે જવાબદાર છે તે બાબતની નોંધ લેતા તેમણે એ વાતને રેખાંકિત કરી હતી કે, હાલમાં લોકોમાં આ બાબતે ખૂબ જ વ્યાપક જાગૃતિ લાવવાની જરૂરિયાત છે.

તેમણે સાર્વજનિક અને ખાનગી ક્ષેત્રોના આરોગ્ય સંભાળ નિષ્ણાતોને બેઠાડુ જીવનશૈલી અને બિન-આરોગ્યપ્રદ ભોજનના કારણે થતા આરોગ્યના જોખમો વિરુદ્ધ ઝુંબેશ શરૂ હાથ ધરવા માટે આગળ આવવાનો અનુરોધ કર્યો હતો.

ઉપરાષ્ટ્રપતિએ ભારપૂર્વક કહ્યું હતું કે, આરોગ્ય સંભાળના પરિપ્રેક્ષ્યમાં વધુ સર્વાંગી અને વ્યાપક અભિગમ અપનાવવાની જરૂર છે. આ સંદર્ભમાં તેમણે WHOની પરિભાષા ટાંકી હતી જેમાં કહ્યું છે કે, “આરોગ્ય એ માત્ર બીમારીની ગેરહાજરી નથી; તે લોકોનું પોતાના સમગ્ર જીવન દરમિયાન પોતાની સંભાવનાઓ વિકસાવવાનું સામર્થ્ય પણ છે.”

તેમણે સૂચન કર્યું હતું કે, આરોગ્ય સંભાળ "શારીરિક, માનસિક અને આધ્યાત્મિક રીતે 'ખુશ' રહેવાનો પ્રયાસ” સૂચિત કરે છે. તેમજ આ અભિગમને અનુરૂપ, તેમણે ડૉક્ટરો અને હોસ્પિટલોને તબીબી સંભાળ માટે વધુ લોક-કેન્દ્રિત અભિગમ અપનાવાનું આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, “આ પ્રકારે સાથે મળીને, આપણે અવશ્યપણે માનવજાતની પીડાઓનું શમન કરવાની અને લોકોમાં ખુશીઓ ફેલાવવાની ઝંખના રાખીએ.”

પોતાની વાતનું સમાપન કરતા પહેલાં, ઉપરાષ્ટ્રપતિએ મીઠા માટેની દાંડી કૂચ અને બારડોલી સત્યાગ્રહની ઐતિહાસિક ચળવળોનું સ્મરણ કર્યું હતું જે આ પ્રદેશમાં જ થઇ હતી. 1930માં વૈશ્વિક સ્વીકૃતિ મેળવનારી દાંડી કૂચને નોંધતા શ્રી નાયડુએ કહ્યું હતું કે, તે આપણને આત્મશક્તિ અને આત્મ-નિર્ભરતાની તાકાતની યાદ અપાવે છે. તેમણે ધ્યાને લીધું હતું કે, ઇચ્છિત લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે શાંતિપૂર્ણ માધ્યમોના ઉપયોગના કારણે આ ચળવળો દરેક જગ્યાએ દૃશ્ટાંતરૂપ રહી છે.

શ્રી નાયડુએ આ પ્રદેશના લોકોની સેવા કરવા માટે આરોગ્ય સંભાળ સંકુલ ઉભું કરવા માટે L&T સમૂહના ચેરમેન શ્રી એ.એમ. નાઇકે કરેલા પરોપકારની ભાવના સાથેના પ્રયાસોની પ્રશંસા કરી હતી.

ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી આદરણીય શ્રી ઇશ્વર પરમાર, નવસારીના સાંસદ શ્રી સી.આર. પાટીલ, નિરાલી મેડિકલ મેમોરિયલ ટ્રસ્ટના સ્થાપક શ્રી અનિલ મણીભાઇ નાઇક, લાર્સન એન્ડ ટુબ્રોના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી એસ.એન. સુબ્રમણ્યન, નિરાલી મેડિકલ મેમોરિયલ ટ્રસ્ટના બોર્ડના સભ્ય શ્રી વાય.એસ. ત્રિવેદી અને અન્ય મહાનુભવોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

 

ઉપરાષ્ટ્રપતિના સંબોધનનો મૂળપાઠ વાંચવા અહીં ક્લિક કરો

 

SD/GP/BT/JD


(Release ID: 1702722) Visitor Counter : 274