સંરક્ષણ મંત્રાલય
સંરક્ષણ મંત્રી કમ્બાઇન્ડ કમાન્ડર્સ સાથે વિવેચના સત્રોમાં જોડાયા
प्रविष्टि तिथि:
05 MAR 2021 4:41PM by PIB Ahmedabad
સંરક્ષણ મંત્રી માનનીય રાજનાથ સિંહ ગુજરાતમાં કેવડિયા ખાતે હાલ ચાલુ કમ્બાઇન્ડ કમાન્ડર્સ કોન્ફરન્સ 2021માં વિવેચના સત્રો માટે સૈન્ય દળોના કમ્બાઇન્ડ કમાન્ડર્સ સાથે જોડાયા હતા. તેમણે કેવડિયા પહોંચી તરત સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લઈને ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.
સંરક્ષણ મંત્રીએ ઉદ્ઘાટન સંબોધન કરતા દેશની સુરક્ષા અને એના રક્ષણને અસર કરતા વિવિધ મુદ્દાઓ વિશે વાત કરી હતી. તેમણે સૈન્ય સ્તરના જોખમનાં સંપૂર્ણ સ્વરૂપ, આ જોખમોનો સામનો કરવામાં સશસ્ત્ર દળોની મહત્વપૂર્ણ ભૂમિકા અને ભવિષ્યમાં યુદ્ધનાં સ્વરૂપમાં અપેક્ષિત પરિવર્તનો વિશે વિગતવાર વાત કરી હતી. માનનીય સંરક્ષણ મંત્રીએ પીએલએ સાથે પૂર્વ લદાખમાં મડાગાંઠ દરમિયાન સૈનિકોએ દર્શાવેલા નિઃસ્વાર્થ સાહસની પ્રશંસા કરી હતી અને એને બિરદાવ્યું હતું. આ પ્રસંગે સંરક્ષણ વિભાગ, સંરક્ષણ ઉત્પાદન, સંશોધન અને વિકાસ વિભાગના સચિવો તથા સંરક્ષણ સેવાના નાણાકીય સલાહકારે કમ્બાઇન્ડ કમાન્ડર્સ સાથે વિવિધ પ્રસ્તુત પાસાઓ પર તેમના વિચારો પણ વહેંચ્યા હતા.
સંરક્ષણ મંત્રીની હાજરીમાં દિવસ દરમિયાન બે વિવેચના સત્રો યોજાયા હતા, જેમાં વિવિધ પ્રકારના મુદ્દાઓ પર ચર્ચાવિચારણા થઈ હતી, જેમાંથી કેટલીક ચર્ચા બંધબારણે થઈ હતી. આ ચર્ચાઓમાં સશસ્ત્ર દળોના હાલ ચાલુ આધુનિકીકરણનો મુદ્દો સામેલ હતો. તેમાં ખાસ કરીને સંકલિત થિયેટર કમાન્ડ્સ ઊભું કરવું અને આધુનિક ટેકનોલોજીને ઉમેરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. સશસ્ત્ર દળોમાં નૈતિક અને પ્રેરણાત્મક અને નવીનતાના જુસ્સાને પ્રોત્સાહન જેવા મુદ્દા પર ઉત્સાહભેર ભાગીદારી જોવા મળી હતી, જેમાં ત્રણેય પાંખોના સૈનિકો અને યુવાન અધિકારીઓ પાસેથી ઉપયોગી પ્રતિભાવો અને સૂચનો મળ્યાં હતાં.
SD/GP/BT/JD
(रिलीज़ आईडी: 1702700)
आगंतुक पटल : 313