પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ઉત્પાદન સાથે સંબંધિત પ્રોત્સાહન (પીએલઆઇ) યોજના પર આયોજિત એક વેબિનારમાં સંબોધન કર્યું


13 ક્ષેત્રોમાં પીએલઆઇએ ભારતમાં ઉત્પાદન ક્ષેત્રને વેગ આપવાની સરકારની કટિબદ્ધતા પ્રદર્શિત કરીઃ પ્રધાનમંત્રી

પીએલઆઇનો લાભ ક્ષેત્ર સાથે સંબંધિત સંપૂર્ણ ઇકોસિસ્ટમને મળશેઃ પ્રધાનમંત્રી

ઉત્પાદનને વેગ આપવા ઝડપ અને મોટા પાયે ઉત્પાદન વધારવું પડશેઃ પ્રધાનમંત્રી

ભારતમાં બનાવો, દુનિયા માટે બનાવોઃ પ્રધાનમંત્રી

દુનિયાભરમાં ભારત એક મોટી બ્રાન્ડ બની ગયું છે, નવા વિશ્વાસનો ઉપયોગ કરવા યોજના ઘડોઃ પ્રધાનમંત્રી

Posted On: 05 MAR 2021 12:19PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઔદ્યોગિક અને આંતરરાષ્ટ્રીય વેપાર વિભાગ અને નીતિ આયોગ દ્વારા ઉત્પાદન સાથે સંબંધિત પ્રોત્સાહન (પીએલઆઇ) યોજના પર આયોજિત એક વેબિનારમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધન કર્યું હતું.

ચાલુ વર્ષના યુનિયન બજેટમાં વેપાર વાણિજ્ય અને ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે લેવાયેલા પગલાં વિશે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, છેલ્લાં 6થી 7 વર્ષ દરમિયાન વિવિધ સ્તરે મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે સફળતાપૂર્વક કેટલાંક પ્રયાસો હાથ ધરવામાં આવ્યાં છે. તેમણે ઉત્પાદનને વેગ આપવા મોટી હરણફાળ ભરવા, ઝડપ વધારવા અને મોટા પાયે ઉત્પાદન કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે દુનિયાભરમાં પોતાની ઉત્પાદન ક્ષમતા વધારીને દેશના વિકાસને વેગ આપનાર વિવિધ દેશોના ઉદાહરણો આપ્યાં હતાં. તેમણે કહ્યું હતું કે, ઉત્પાદનક્ષમતા વધારવાથી દેશમાં સપ્રમાણ ધોરણે રોજગારીનું સર્જન વધશે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સરકારની વિચારસરણી સ્પષ્ટ છે – ઓછામાં ઓછો સરકારી હસ્તક્ષેપ, મહત્તમ સુશાસન. વળી અમે ઝીરો ઇફેક્ટ, ઝીરો ડિફેક્ટની અપેક્ષા ધરાવીએ છીએ. તેમણે જણાવ્યું હતું કે, સરકાર વેપારવાણિજ્ય સરળ કરવા, નીતિનિયમોનું ભારણ ઘટાડવું, લોજિસ્ટિક ખર્ચ ઘટાડવા મલ્ટિમોડલ માળખાગત સુવિધા ઊભી કરવી, જિલ્લા સ્તરે નિકાસ કેન્દ્રો ઊભા કરવા જેવા વિવિધ પ્રકારના પગલાં લઈને ઉદ્યોગને પ્રોત્સાહન આપવા દરેક સ્તરે કામ કરી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, સરકાર માને છે કે, દરેક બાબતમાં સરકારનો હસ્તક્ષેપ સમાધાનને બદલે સમસ્યાઓ વધારે પેદા કરે છે. એટલે સ્વનિયમન, સ્વચકાસણી, સ્વપ્રમાણન પર ભાર મૂકવામાં આવ્યો છે. તેમણે ભારતીય કંપનીઓ અને ભારતમાં થતા ઉત્પાદનને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધાત્મક બનાવવા તેમજ આપણા ઉત્પાદન ખર્ચ, ઉત્પાદનો, ગુણવત્તા અને કાર્યદક્ષતા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકાર્યતા ઊભી કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે, આપણે આપણી મુખ્ય ક્ષમતા સાથે સંબંધિત ક્ષેત્રોમાં અદ્યતન ટેકનોલોજી અને મહત્તમ રોકાણને આકર્ષવા પડશે.

અગાઉની સરકારી યોજનાઓ અને વર્તમાન સરકારની યોજનાઓ વચ્ચે રહેલા ફરક પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અગાઉ ઔદ્યોગિક પ્રોત્સાહનો ઓપન એન્ડેડ ઇનપુટ આધારિત સબસિડીઓ હતી, હવે તેમને સ્પર્ધાત્મક પ્રક્રિયા દ્વારા લક્ષિત અને કામગીરી આધારિત બનાવવામાં આવી છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ઉત્પાદન સાથે સંબંધિત પ્રોત્સાહન (પીએલઆઇ) યોજના અંતર્ગત પહેલીવાર 13 ક્ષેત્રોને સામેલ કરવામાં આવ્યાં છે. પીએલઆઈથી આ ક્ષેત્રો સાથે સંબંધિત સંપૂર્ણ ઇકોસિસ્ટમને લાભ થશે. ઓટો અને ફાર્મામાં પીએલઆઇ સાથે ઓટો પાર્ટ્સ, મિકેનિકલ ઉપકરણ અને દવાઓ માટેના કાચા માલ સાથે સંબંધિત વિદેશી નિર્ભરતામાં મોટો ઘટાડો થશે. તેમણે ઉમેર્યું હતું કે, દેશમાં અદ્યતન સેલ બેટરીઓ, સોલર પીવી મોડ્યુલ્સ અને સ્પેશિયાલ્ટી સ્ટીલની મદદ સાથે દેશમાં ઊર્જા ક્ષેત્રને અદ્યતન બનાવવામાં આવશે. એ જ રીતે ટેક્સટાઇલ અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્ર માટે પીએલઆઇથી સંપૂર્ણ કૃષિ ક્ષેત્રને ફાયદો થશે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ ગર્વની વાત છે કે, ભારતે પ્રસ્તાવ રજૂ કર્યા પછી સંયુક્ત રાષ્ટ્રએ વર્ષ 2023ને આંતરરાષ્ટ્રીય બાજરા વર્ષ તરીકે જાહેર કર્યુ છે. તેમણે જણાવ્યું હતું કે, ભારતના પ્રસ્તાવને દુનિયાના 70થી વધારે દેશોએ ટેકો આપ્યો હતો અને સંયુક્ત રાષ્ટ્રની સાધારણ સભામાં એનો સર્વસંમતિથી સ્વીકાર કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, આ આપણા ખેડૂતો માટે મોટી તક પણ છે. તેમણે લોકોને બીમારીથી બચાવવા માટે બાજરામાંથી પ્રાપ્ત પોષણ સાથે સંબંધિત ફાયદાઓ વિશે જાણકારી આપવા વર્ષ 2023માં આંતરરાષ્ટ્રીય અભિયાન શરૂ કરવાની અપીલ કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, સંયુક્ત રાષ્ટ્રએ વર્ષ 2023ને આંતરરાષ્ટ્રીય બાજરા વર્ષ તરીકે જાહેર કરવાની સાથે દેશવિદેશમાં બાજરા માટેની માગમાં ઝડપથી વધારો થશે. તેમણે કૃષિ અને ખાદ્ય પ્રસંસ્કરણ ક્ષેત્રને આ તકનો સંપૂર્ણ લાભ લેવા પણ અપીલ કરી હતી.

પ્રધાનમંત્રીએ એ જાણકારી પણ આપી હતી કે, ચાલુ વર્ષના બજેટમાં પીએલઆઇ યોજના સાથે સંબંધિત વિવિધ પેટાયોજનાઓ માટે આશરે રૂ. 2 લાખ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. પ્રોત્સાહન સ્વરૂપે ઉત્પાદનનો સરેરાશ 5 ટકા હિસ્સો આપવામાં આવ્યો છે. એનો અર્થ એ થયો કે, પીએલઆઇ યોજના આગામી પાંચ વર્ષમાં ભારતમાં 520 અબજ ડોલરના ઉત્પાદન તરફ દોરી જશે. વળી એક અંદાજ મુજબ, પીએલઆઇ અંતર્ગત આવરી લેવામાં આવેલા ક્ષેત્રોમાં કર્મચારીઓની સંખ્યા બમણી થશે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, પીએલઆઇ સાથે સંબંધિત જાહેરાતોનો અમલ ઝડપથી થઈ રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, તાજેતરમાં આઇટી હાર્ડવેર અને ટેલીકોમ ઉપકરણ ઉત્પાદનમાં પીએલઆઇ યોજનાઓને મંજૂરી આપવામાં આવી છે, જે ઉત્પાદન અને સ્થાનિક મૂલ્ય સંવર્ધનમાં પ્રચંડ વધારા તરફ દોરી જશે. આઇટી હાર્ડવેર 4 વર્ષમાં અંદાજે 3 ટ્રિલિયન રૂપિયાનું ઉત્પાદન હાંસલ કરશે અને સ્થાનિક મૂલ્ય સંવર્ધનમાં 5 વર્ષમાં હાલના 5-10થી 20-25 ટકા સુધીનો વધારો અપેક્ષિત છે. એ જ રીતે ટેલીકોમ ઉપકરણ ઉત્પાદન વધીને આગામી 5 વર્ષમાં આશરે રૂ. 2.5 લાખ કરોડ થઈ જશે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આપણે એમાંથી રૂ. 2 લાખ કરોડના મૂલ્યની નિકાસ કરવાની સ્થિતિમાં હોવા જોઈએ.

પ્રધાનમંત્રીએ ફાર્મા ક્ષેત્રમાં પીએલઆઇ અંતર્ગત આગામી 5થી 6 વર્ષમાં 15 હજાર કરોડ રૂપિયાથી વધારેના રોકાણની અપેક્ષા વ્યક્ત કરી હતી, જેથી ફાર્મા વેચાણ 3 લાખ કરોડ રૂપિયા થશે અને નિકાસ વધીને રૂ. 2 લાખ કરોડની થશે.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, અત્યારે ભારત માનવતાના ધોરણે જે રીતે સેવા કરી રહ્યો છે, એ જોતા આપણો દેશ આખી દુનિયામાં મોટી બ્રાન્ડ બની ગયો છે. ભારતની વિશ્વસનીયતા અને ભારતની ઓળખ સતત નવી ઊંચાઈ સર કરી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, ભારતની બ્રાન્ડ સતત નવી ઊંચાઈ સર કરે છે. તેમણે કહ્યું હતું કે, દુનિયાભરમાં આપણી દવાઓ, આપણા તબીબી વ્યાવસાયિકો અને આપણા તબીબી ઉપકરણોમાં વિશ્વાસ વધ્યો છે. આ વિશ્વાસને જાળવી રાખવા તેમણે ફાર્મા ક્ષેત્રને આનો લાભ લેવા લાંબા ગાળાની યોજના ઘડવાની અપીલ કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, પીએલઆઇ યોજના ભારતમાં ગયા વર્ષે મોબાઇલ ફોન અને ઇલેક્ટ્રોનિક ઉપકરણોના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે પ્રસ્તુત થઈ હતી. રોગચાળા દરમિયાન પણ ગયા વર્ષે આ ક્ષેત્રમાં રૂ. 35000 કરોડની ચીજવસ્તુઓનું ઉત્પાદન થયું હતું, આશરે રૂ. 1300 કરોડનું નવું રોકાણ મળ્યું હતું અને હજારો નવી રોજગારીનું સર્જન થયું હતું.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, પીએલઆઇ યોજના દરેક ક્ષેત્રમાં એન્કર યુનિટો ઊભા કરીને દેશની એમએસએમઇ ઇકોસિસ્ટમ પર મોટી અસર પેદા કરશે, જે માટે સંપૂર્ણ મૂલ્ય સાંકળમાં નવા સપ્લાયરના આધારની જરૂર પેદા થશે. તેમણે ઉદ્યોગજગતને પીએલઆઇ યોજનામાં સામેલ થવા અને એનો લાભ લેવા અપીલ કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, ઉદ્યોગનું ધ્યાન દેશ અને દુનિયા માટે શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત ચીજવસ્તુઓનું સર્જન કરવા કેન્દ્રિત કરવું પડશે. તેમણે ઉદ્યોગજગતને ઝડપથી બદલાતી દુનિયાની જરૂરિયાતો મુજબ નવીનતા લાવવા, સંશોધન અને વિકાસમાં આપણી ભાગીદારી વધારવા, વર્કફોર્સની કુશળતા વધારવા અને નવી ટેકનોલોજીના વધારે ઉપયોગની અપીલ કરી હતી.

 

SD/GP/BT/JD



(Release ID: 1702648) Visitor Counter : 273