પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને સ્વિડનના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી સ્ટીફન લફ્વેન વચ્ચે વર્ચ્યુઅલ શિખર મંત્રણા યોજાશે

Posted On: 04 MAR 2021 6:28PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને કિંગડમ ઓફ સ્વિડનના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી સ્ટીફન લફ્વેન વચ્ચે 5 માર્ચ 2021ના રોજ વર્ચ્યુઅલ શિખર મંત્રણાનું આયોજન કરવામાં આવશે.

બંને નેતાઓ વચ્ચે 2015થી અત્યાર સુધીમાં પાંચમી વખત સંવાદ યોજાઇ રહ્યો છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એપ્રિલ 2018માં પ્રથમ ભારત નોર્ડિક શિખર મંત્રણા માટે સ્ટોકહોમની મુલાકાત લીધી હતી. પ્રધાનમંત્રી મહામહિમ સ્ટીફન લફ્વેન વિશેષ મેક ઇન ઇન્ડિયા સપ્તાહ માટે ફેબ્રુઆરી 2016માં ભારતની મુલાકાતે આવ્યા હતા. અગાઉ, બંને નેતાઓ વચ્ચે સપ્ટેમ્બર 2015માં સંયુક્ત રાષ્ટ્ર સાધારણ સભા દરમિયાન પણ મુલાકાત થઇ હતી. એપ્રિલ 2020માં બંને દેશોના પ્રધાનમંત્રી વચ્ચે કોવિડ-19 મહામારી સંદર્ભે ટેલિફોનિક વાર્તાલાપ થયો હતો. ઉપરાંત, સ્વિડનના રાજા કાર્લ XVI ગુસ્તાફ અને રાણી સિલ્વિઆએ પણ ડિસેમ્બર 2019માં ભારતની મુલાકાત લીધી હતી.

ભારત અને સ્વિડન વચ્ચે સહિયારા લોકશાહી, સ્વતંત્રતા, બહુતાવાદ અને નિયમો આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાના મૂલ્યો આધારિત ઉષ્માપૂર્ણ અને મૈત્રીપૂર્ણ સંબંધો છે. બંને દેશો વેપાર અને રોકાણ, આવિષ્કાર, વિજ્ઞાન અને ટેકનોલોજી તેમજ સંશોધન અને વિકાસના ક્ષેત્રોમાં ખૂબ નિકટતાપૂર્વકનો સહકાર ધરાવે છે. અંદાજે 250 સ્વિડિશ કંપનીઓ ભારતમાં આરોગ્ય અને જીવન વિજ્ઞાન, આટો ઉદ્યોગ, સ્વચ્છ ટેકનોલોજી, સંરક્ષણ, ભારે મશીનરી અને ઉપકરણો સહિતના વિવિધ ક્ષેત્રોમાં સક્રિયપણે કાર્યાન્વિત છે. અંદાજે 75 જેટલી ભારતીય કંપનીઓ પણ સ્વિડનમાં સક્રિય છે.

શિખર મંત્રણા દરમિયાન, બંને દેશના નેતાઓ દ્વિપક્ષીય સંબંધોના તમામ પરિબળો પર વ્યાપક ચર્ચા કરશે અને કોવિડ પછીના સમયમાં પારસ્પરિક સહકાર વઘુ ઘનિષ્ઠ બનાવવા સહિત પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પોતાના અભિપ્રાયોનું આદાનપ્રદાન કરશે.

SD/GP/JD



(Release ID: 1702549) Visitor Counter : 231