પ્રધાનમંત્રીનું કાર્યાલય

ઈન્ડીયા ટૉય ફેર -2021ના ઉદ્દઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 27 FEB 2021 2:04PM by PIB Ahmedabad

આપ સૌની સાથે વાત કરતાં મને ખ્યાલ આવ્યો કે આપણા દેશના રમકડાં ઉદ્યોગમાં કેટલી તાકાત છૂપાયેલી છે. આ તાકાતને વધારવી, તેની ઓળખમાં વધારો કરવો તે આત્મનિર્ભર ભારત અભિયાનનો એક ખૂબ મોટો હિસ્સો છે. આજે આપણે દેશના પ્રથમ ટૉય ફેરનો હિસ્સો બની રહ્યા છીએ. ટૉય ફેરના આ કાર્યક્રમમાં મારી સાથે જોડાયેલા મંત્રીમંડળના મારા તમામ સાથીઓ, ટૉય ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા તમામ પ્રતિનિધિઓ, તમામ કારીગર ભાઈઓ અને બહેનો, માતા- પિતા, શિક્ષકો અને વ્હાલા બાળકો !

આ પ્રથમ ટૉય ફેર માત્ર વ્યાપારી અથવા આર્થિક કાર્યક્રમ જ નથી, આ કાર્યક્રમ દેશની સદીઓ જૂની રમત અને ઉલ્લાસની સંસ્કૃતિને મજબૂત કરનારી એક કડી છે. મને કહેવામાં આવ્યું છે કે આ કાર્યક્રમના પ્રદર્શનમાં કારીગરો અને શાળાઓથી માંડીને બહુરાષ્ટ્રીય કંપની ઉપરાંત 30 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી 1,000થી વધુ પ્રદર્શકો ભાગ લઈ રહ્યા છે. તમારા સૌના માટે એક એવો મંચ તૈયાર થઈ રહ્યો છે કે જ્યાં તમે રમકડાંની ડિઝાઈન, ઈનોવેશન અને ટેકનોલોજીથી માંડીને માર્કેટીંગ અને પેકેજીંગ સુધીની ચર્ચાઓ પણ કરશો અને પોતાના અનુભવ પણ એકબીજાને જણાવશો. ટૉય ફેર 2021માં તમને ઓનલાઈન ગેમીંગ ઉદ્યોગ અને ઈ-સ્પોર્ટસ ઉદ્યોગના વ્યવસ્થાતંત્ર બાબતે જાણવાની તક પણ પૂરી પાડશે. મને એ જોઈને આનંદ થયો છે અને સારૂં લાગે છે કે અહીં બાળકો માટે અનેક પ્રવૃત્તિઓ પણ રાખવામાં આવી છે. ટૉય ફેરના આ આયોજનમાં પોતાની ભૂમિકા બજાવનારા તમામ સાથીઓને હું હાર્દિક અભિનંદન પાઠવું છું.

સાથીઓ,

રમકડાં સાથે ભારતને રચનાત્મક સંબંધ છે, કલ્પનાશીલ સંબંધ છે, આ સંબંધ એટલો જૂનો છે કે જેટલો આ ભૂમિનો ઈતિહાસ છે. સિંધુ ખીણની સભ્યતા, મોહન જો-દેરો, અને હરપ્પા સંસ્કૃતિનાં રમકડાં અંગે સમગ્ર દુનિયાએ સંશોધન કર્યું છે. પ્રાચીન કાળમાં દુનિયાના પ્રવાસીઓ જ્યારે ભારત આવતા હતા ત્યારે તે ભારતની રમતોમાંથી શીખતા પણ હતા અને આ રમતો પોતાની સાથે લઈને પણ જતા હતા. આજે જે શતરંજની રમત દુનિયામાં ખૂબ જ લોકપ્રિય છે, તે અગાઉ ચતુરંગ અથવા ચાદુરંગા (ચોપાટ) તરીકે ભારતમાં રમવામાં આવતી હતી. આધુનિક લૂડો એ વખતે પચ્ચીસી તરીકે રમવામાં આવતો હતો. તમે જોશો તો આપણા ધર્મ ગ્રંથોમાં બલરામના માટે અલગ અલગ ઘણાં રમકડાંના વર્ણનો જોવા મળે છે. ગોકુળમાં ગોપાળ કૃષ્ણ ઘરની બહાર પોતાના મિત્રો સાથે કંદુક અથવા તો દડાથી રમવા જતા હતા. આપણાં પ્રાચીન મંદિરોમાં પણ રમતોના, રમકડાંનાં શિલ્પો આલેખાયેલા જોવા મળે છે. ખાસ કરીને તામિલનાડુમાં ચેન્નાઈમાં, તમે જો ત્યાંનાં મંદિરો જોશો તો, આવાં અનેક ઉદાહરણો તમને જોવા મળશે. મંદિરોમાં અલગ અલગ ખેલ, અલગ અલગ રમકડાં, આ બધી ચીજો ત્યાં હાલ પણ દિવાલો ઉપર જોવા મળે છે.

સાથીઓ,

કોઈ પણ સંસ્કૃતિમાં જ્યારે રમતો અને રમકડાં આસ્થાના કેન્દ્ર બની જાય છે તો તેનો અર્થ થાય છે કે તે સમાજ રમતોના વિજ્ઞાનને ઊંડાણથી સમજતો હતો. આપણે ત્યાં એવાં રમકડાં તૈયાર કરવામાં આવે છે કે જે બાળકોના ચતુર્મુખી વિકાસમાં યોગદાન આપતાં હોય છે. તેમનામાં વિશ્લેષણાત્મક માનસ વિકસિત કરતાં હોય છે. આજે પણ ભારતીય રમકડાં ફેન્સી રમકડાંની તુલનામાં ખૂબ સરળ અને સસ્તાં હોય છે. સામાજિક અને ભૌગોલિક વાતારણ સાથે જોડાયેલાં હોય છે.

સાથીઓ,

રિયુઝ (ફરીથી ઉપયોગ) અને રિસાયકલીંગ જે રીતે ભારતીય જીવનશૈલીનો હિસ્સો બની ગયાં છે તે બાબત આપણાં રમકડાં માં પણ જોવા મળે છે. મોટા ભાગનાં ભારતીય રમકડાં પ્રાકૃતિક અથવા ઈકો-ફ્રેન્ડલી ચીજોમાંથી બનતાં હોય છે. એમાં ઉપયોગમાં લેવાતા રંગો પણ પ્રાકૃતિક અને સલામત હોય છે. હમણાં અમે વારાણસીના લોકો સાથે વાત કરી રહ્યા હતા. વારાણસીનાં લાકડાનાં રમકડાંમાં ઢીંગલી જુઓ, રાજસ્થાનનાં માટીનાં રમકડાં જુઓ, એવી જ રીતે પૂર્વ મેદિનીપુરની ગલર ગુડીયા છે, કચ્છમાં કપડાના ઢીંગલા-ઢીંગલી છે. એવી જ રીતે આંધ્ર પ્રદેશમાં ઈટીકોપ્પકા, બોમ્બલુ અને બુધનીનાં લાકડાનાં રમકડાં હોય છે. કર્ણાટકમાં જશો તો ત્યાંના ચન્ન પટના રમકડાં પણ આપણે હમણાં જોઈ રહ્યા હતા. તેલંગણાનાં નિર્મલ રમકડાં, ચિત્રકૂટનાં લાકડાનાં રમકડાં, ધુબરી આસામનાં ટેરાકોટાનાં રમકડાં. આ તમામ રમકડાં પોતાની રીતે કેટલા અલગ-અલગ પ્રકારનાં છે અને કેટલી ખૂબીઓથી ભરેલાં છે, પણ એમાં એક સમાનતા એ છે કે આ તમામ રમકડાં ઈકો ફ્રેન્ડલી અને રચનાત્મક છે. આ રમકડાં આપણાં નાનાં બાળકોને આપણાં ઈતિહાસ અને સંસ્કૃતિ સાથે પણ જોડે છે અને સામાજીક તથા માનસિક વિકાસમાં પણ સહભાગી બને છે. અને એટલા માટે જ હું દેશના રમકડાં ઉત્પાદકોને પણ અનુરોધ કરવા માંગુ છું કે તમે એવાં રમકડાં બનાવો કે જે ઈકોલોજી અને સાયકોલોજી (માનસશાસ્ત્ર) એમ બંને માટે બહેતર હોય ! શું આપણે એવો પ્રયાસ કરી શકીએ કે રમકડાંમાં પ્લાસ્ટીકનો ઓછામાં ઓછો ઉપયોગ કરવામાં આવે ? એવી ચીજોનો ઉપયોગ કરો કે જેને રિસાયકલ કરી શકાય તેમ હોય? સાથીઓ, આજે દુનિયાના દરેક ક્ષેત્રમાં ભારતીય દ્રષ્ટિકોણ અને ભારતીય વિચારોની વાત થઈ રહી છે. ભારતની પાસે દુનિયાને આપવા માટે એક અનોખો દ્રષ્ટિકોણ છે- તે આપણી પરંપરાઓમાં, આપણાં પોષાકોમાં અને આપણી ખાણી- પીણીમાં, દરેક જગાએ વિવિધતાઓ એક તાકાત સ્વરૂપે નજરે પડે છે. અને એટલા જ માટે રમકડાં ઉદ્યોગમાં અનોખો ભારતીય દ્રષ્ટિકોણ છે, જે ભારતીય વિચારધારાને પ્રોત્સાહિત કરી શકે તેમ છે. આપણે ત્યાં રમકડાંની પેઢીઓના વારસા તરીકે રાખવામાં કે જાળવવામાં આવે છે. દાદા અને નાની સમયનાં રમકડાં ચોથી પેઢી સુધી આપવામાં આવતાં હતાં. તહેવારોમાં લોકો પોતાનાં રમકડાં બહાર કાઢતા હતા અને પોતાનો પરંપરાગત સંગ્રહ એક બીજાને દેખાડતા હતા. જ્યારે આપણાં રમકડાં ભારતીય સૌંદર્યશાસ્ત્રથી સજાવેલાં હોય ત્યારે ભારતીય વિચારોની ભાવના પણ બાળકોની અંદર સબળપણે વિકસિત થતી હોય છે અને તેમાં માટીની મહેક પણ હોય છે.

વ્હાલા બાળકો અને સાથીઓ,

ગુરૂદેવ રવિન્દ્રનાથ ટાગોરે પોતાની એક કવિતામાં કહ્યું છે કે મારાં બાળકો હું જ્યારે તમારી પાસે રંગીન રમકડાં લઈને આવું છું ત્યારે હું સમજું છું કે વાદળો, પાણી અને ફૂલ ઉપર શા માટે રંગો રમતા હોય છે. અને મારાં બાળકો હું તમને રમકડાં આપુ છું ત્યારે શા માટે ફૂલ ઉપર વિવિધ રંગોની છાંટ જોવા મળતી હોય છે. આનો અર્થ એ થાય છે કે રમકડાં બાળકોને આનંદની અનંત દુનિયામાં લઈ જાય છે. રમકડાં નો એક રંગ બાળકોના જીવનને કેટલા રંગ વિખેરી દે છે. આજે અહીં આટલાં બધાં રમકડાં જોઈને અહીં હાજર બાળકો જે ભાવના અનુભવી રહ્યાં છે તે તેમને અનંતની દુનિયામાં લઈ જાય છે. આવા અનુભવ આપણે બાળપણની યાદોમાં સાચવીને રાખ્યા છે. કાગળનાં હવાઈ જહાજ, ભમરડા, લખોટીઓ, પતંગ, સીટીઓ, હીંચકા, કાગળના ફરતા પંખા, ઢીંગલા અને ઢીંગલીઓ, આવાં અનેક રમકડાં દરેકના બાળપણનાં સાથી રહ્યાં છે. વિજ્ઞાનના અનેક સિધ્ધાંતો દ્વારા અનેક બાબતો જેવી કે ભ્રમણ શક્તિ, લોલક જેવી ગતિ, દબાણ અને ઘર્ષણ આ બધું આપણે રમકડાં રમતાં રમતાં શિખ્યા છીએ, એને બનાવતા રહયા છીએ અને તેમાંથી શિખતા પણ રહ્યા છીએ. ભારતની રમતો અને રમકડાંની એક ખૂબી એ રહી છે કે તેમાં જ્ઞાન હોય છે, વિજ્ઞાન પણ હોય છે. મનોરંજન પણ હોય છે અને મનોવિજ્ઞાન પણ હોય છે. ઉદાહરણ તરીકે ભમરડાની જ વાત કરીએ તો જ્યારે બાળક ભમરડાથી રમતાં શીખે છે ત્યારે તેને ભમરડાંના ખેલમાં ગુરૂત્વાકર્ષણ અને સમતોલનનો પાઠ શીખવા મળતો હોય છે. આવી જ રીતે ગિલોલથી રમતું બાળક જાણે અજાણે તે સંભાવ્યશક્તિથી માંડીને ગતિ સંબંધી ઊર્જા અંગે પાયાની બાબતો શીખવા લાગતો હોય છે.  કોયડાનાં રમકડાંને કારણે વ્યૂહાત્મક વિચારણા અને સમસ્યા ઉકેલવાની વિચાર પ્રક્રિયા વિકસિત થતી હોય છે. સમાન પ્રકારે નવજાત બાળક માટે ઉપયોગમાં લેવાતા ઘૂઘરા અને વાજાં ફેરવી ફેરવીને વર્તુળાકાર ગતિનો અનુભવ કરાવે છે. આગળ જતાં આ બધી ચીજો જ્યારે તેમને વર્ગ ખંડમાં, પુસ્તકોમાંથી ભણાવવામાં આવે છે ત્યારે તે બાળકો આ બાબતોને પોતાની રમત સાથે સાંકળી શકતાં હોય છે. તેનો પ્રયોગાત્મક ઉપયોગ પણ સમજી શકતાં હોય છે. માત્ર પુસ્તકીયા જ્ઞાનને કારણે જ આ પ્રકારની સમજ વિકસિત થઈ શકતી નથી.

સાથીઓ,

તમે સૌએ પણ જોયું હશે કે કલ્પનાશીલ રમકડાં કેવી રીતે બાળકોની ઈન્દ્રિયોને વિકસિત કરતાં હોય છે. તેમની કલ્પનાઓને પાંખો આપતા હોય છે અને પોતાના રમકડાંની આસપાસ બાળકો કેવી રીતે પોતાની કલ્પનાઓનો એક પૂરો સંસાર રચી દેતા હોય છે. જેવી રીતે તમે કોઈ બાળકને રમકડાંવાળા વાસણો આપશો તો તે એવી પ્રવૃત્તિ કરવા લાગશે કે જે એક સમગ્ર રસોડાની વ્યવસ્થા સંભાળવામાં આવતી હોય અને કુટુંબને તે અહીંથી જ ખોરાક ખવડાવવાનો હોય. તેને તમે જો જાનવરો જેવા રમકડાં આપશો તો તે પોતાના માનસમાં એક સમગ્ર જંગલ રચી દેશે અને તેને જે રીતે ઠીક લાગે તે રીતે પોતાનો અવાજ પણ કાઢવા માંડશે. તેને લાગે છે કે તે સિંહ છે, તો તે સિંહ જેવો અવાજ કાઢશે. તેને જો તમે એક સ્ટેથોસ્કોપ આપશો તો તે થોડીકવારમાં જ ફેમિલી ડોક્ટર બની જશે અને સમગ્ર પરિવારના તમામ લોકોની તબિયત તપાસવાનું શરૂ કરી દેશે. તેમની તપાસ કરવામાં લાગી જશે. આવી જ રીતે ફક્ત એક દડો આપવાથી તે ઘરની અંદર એક સંપૂર્ણ ફૂટબોલ ગ્રાઉન્ડ બનાવી દે છે. રોકેટ જેવા રમકડાં મળવાથી તે સ્પેસ મિશન ઉપર નિકળી પડતું હોય છે. તેમના સપનાંના ઉડાન માટે કોઈ સીમા હોતી નથી, કોઈ અંત હોતો નથી. તેમને માત્ર એક નાનુ સરખુ રમકડું જોઈએ કે જે તેમની ઉત્સુકતાને અને કલ્પનાશક્તિને જગાવી મૂકે. સારા રમકડાંની એક ખૂબસુરતી એ હોય છે કે તે સમય અને વયથી પર હોય છે તમે પણ જ્યારે બાળકો સાથે રમવા લાગો છો. એટલા માટે હું તમામ માતા- પિતાને એવો અનુરોધ કરૂં છું કે તમે જે રીતે બાળકો સાથે ભણતર આપવામાં સામેલ થતા હોવ છો તે રીત રમતોમાં પણ સામેલ થઈ જાવ. હું એવું નથી કહી રહ્યો કે તમે તમારા ઘર અને ઓફિસનું તમામ કામ છોડીને કલાકો સુધી બાળકો સાથે રમતા જ રહો. પરંતુ તમે તેમની રમતમાં સામેલ તો થઈ શકો છો. આજ કાલ પરિવારોમાં રમતનો સમય સ્ક્રીન ટાઈમે પડાવી લીધો છે, પરંતુ તમારે પણ રમત અને રમકડાંની ભૂમિકાને ચોક્કસપણે સમજવી જોઈએ. રમકડાંનું એક વૈજ્ઞાનિક પાસુ હોય છે, જે બાળકોના વિકાસમાં, તેમના ભણતરમાં રમકડાંની જે ભૂમિકા છે તેને માતા-પિતાએ સમજવી જોઈએ. શિક્ષકોએ શાળાઓમાં પણ તેનો પ્રયોગ કરતાં રહેવુ જોઈએ. આ દિશામાં હવે દેશ પણ અસરકારક કદમ ઉઠાવી રહ્યો છે. વ્યવસ્થાઓમાં જરૂરી પરિવર્તન પણ કરી રહ્યો છે અને તેનું એક ઉદાહરણ આપણી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પણ છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં રમત આધારીત અને પ્રવૃત્તિ આધારીત શિક્ષણને મોટા પાયે સામેલ કરવામાં આવ્યું છે. આ એક એવી શિક્ષણ વ્યવસ્થા છે કે જેમાં બાળકોને કોયડા અને રમતોના માધ્યમથી તેમની તાર્કિક અને કલ્પનાશીલ વિચાર પધ્ધતિ આગળ વધે તે માટે વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે.

સાથીઓ,

રમકડાંના ક્ષેત્રમાં ભારતની પાસે પરંપરા પણ છે અને ટેકનોલોજી પણ છે. ભારત પાસે અભિગમ પણ છે અને ક્ષમતા પણ છે. આપણે દુનિયાને ઈકો-ફ્રેન્ડલી રમકડાં તરફ પાછા લઈ જઈ શકીએ તેમ છીએ. આપણાં સોફ્ટવેર એન્જીનિયર્સ કોમ્પ્યુટર ગેમ્સના માધ્યમથી ભારતની વાર્તાઓ તથા ભારતના જે મૂળભૂત મૂલ્યો છે તે કથાઓને દુનિયા સુધી પહોંચાડી શકે તેમ છે. પરંતુ આ બધા ઉપરાંત વિશ્વના 100 અબજ ડોલરના રમકડાંના બજારમાં આપણો હિસ્સો ખૂબ ઓછો છે. દેશમાં 85 ટકા રમકડાં બહારથી આવે છે. વિદેશથી મંગાવવામાં આવે છે. વિતેલા સાત દાયકામાં ભારતીય કારીગરોની, ભારતીય વારસાની જે ઉપેક્ષા થઈ છે તેનું પરિણામ એ આવ્યું છે કે ભારતના બજારથી માંડીને પરિવારો સુધી વિદેશી રમકડાં ગોઠવાઈ ગયા છે અને માત્ર રમકડાં જ આવ્યા નથી, એક વિચાર પ્રવાહ પણ આપણાં ઘરમાં ઘૂસી ગયાં છે. ભારતીય બાળકો પોતાના દેશના વીરલાઓ, આપણાં નાયકોથી વધારે બહારના સ્ટાર બાબતે વાતો કરતાં હોય છે. આ પ્રવાહને કારણે આ બહારના પ્રવાહને કારણે આપણાં વેપારની ખૂબ જ મજબૂત કડી તોડી નાંખવામાં આવી છે, નષ્ટ કરવામાં આવી છે. કારીગર પોતાની આગળની પેઢીને પોતાનો હુન્નર આપવાથી બચવા લાગ્યા છે. તે એવુ વિચારતા હોય છે કે પોતાના દિકરાઓ પોતાના વ્યવસાયમાં ના આવે. આજે આપણે આ સ્થિતિ બદલવા માટે સાથે મળીને કામ કરવાનું છે. આપણે રમતો અને રમકડાંના ક્ષેત્રમોમાં દેશને આત્મનિર્ભર બનાવવાનો છે. વોકલ ફોર લોકલ થવાનું છે. એટલા માટે જ આપણે આજની જરૂરિયાતોને સમજવાનું જરૂરી બને છે. આપણે દુનિયાના બજારને, દુનિયાની અગ્રતાઓને જાણવી પડશે. આપણા રમકડાંમાં બાળકો માટે આપણાં મૂલ્ય, સંસ્કાર અને શિક્ષણ પણ હોવું જોઈએ અને તેની ગુણવત્તા પણ આંતરરાષ્ટ્રીય ધોરણો પ્રમાણ હોવી જોઈએ. આ દિશામાં દેશે અનેક મહત્વના નિર્ણયો લીધા છે. ગયા વર્ષથી રમકડાંની ગુણવત્તા ચકાસણી ફરજીયાત કરવામાં આવી છે. આયાત થતા રમકડાંની દરેક ખેપમાં પણ સેમ્પલ ટેસ્ટીંગ કરવાની છૂટ આપવામાં આવી છે. અગાઉ સરકારોને રમકડાં બાબતે વાત કરવાની પણ જરૂર સમજાતી ન હતી. તેને કોઈ ગંભીર વિષય તરીકે લેવામાં જ આવતો ન હતો. પરંતુ હવે દેશના રમકડાં ઉદ્યોગને મહત્વના 24 ક્ષેત્રોમાં દરજ્જો આપવામાં આવ્યો છે. આ દરજ્જો તેમને અપાયો છે અને નેશનલ ટોય એક્શન પ્લાન પણ તૈયાર કરવામાં આવ્યો છે અને એમાં 15 મંત્રાલયો અને વિભાગોને સામેલ કરવામાં આવ્યા છે કે જેથી આ ઉદ્યોગ સ્પર્ધાત્મક બને અને દેશ રમકડાં બાબતે આત્મનિર્ભર બને અને ભારતનાં રમકડાં દુનિયામાં પણ જાય. આ સમગ્ર અભિયાનમાં રાજ્યોને પણ સમાન પ્રકારે ભાગીદાર બનાવીને ટોય ક્લસ્ટર્સ વિકસીત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેની સાથે સાથે ટોય ટુરિઝમની સંભાવનાઓ પણ મજબૂત બનાવવામાં આવી રહી છે. ભારતીય રમતો આધારિત રમકડાંને પ્રોત્સાહિત કરવા માટે દેશમા ટાયકાથોન-2021નું આયોજન પણ કરવામાં આવ્યું હતું. મને એવું પણ કહેવામાં આવ્યું છે કે ટાયકાથોનમાં 12 લાખ કરતાં વધુ યુવાનો અને શિક્ષકો તથા નિષ્ણાતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને 7 હજારથી વધુ નવા વિચારો પણ દર્શાવ્યા હતા. આ બાબત દર્શાવે છે કે દાયકાઓની ઉપેક્ષા અને મુશ્કેલીઓ હોવા છતાં પણ ભારતની પ્રતિભા, ભારતનો હુન્નર આજે પણ અસાધારણ સંભાવનાઓથી ભરેલો છે. જે રીતે ભારતમાં પોતાના ભૂતકાળમાં પોતાના ઉલ્લાસથી, પોતાની ઊર્જાથી માનવતાના જીવનમાં રંગો પૂર્યા હતા તેવી જ ઊર્જા આજે પણ જીવંત છે. આજે ટોય ફેરના આ પ્રસંગે આપણે સૌની એ જવાબદારી બની રહે છે કે આપણે આપણી ઊર્જાને આધુનિક સ્વરૂપ આપીએ. આ સંભાવનાઓને સાકાર કરીએ. અને હા, યાદ રાખીએ કે આજે મેડ ઈન ઈન્ડિયાની માંગ છે. આજે હેન્ડ મેડ ઈન્ડિયાની માંગ પણ એટલી જ વધી રહી છે. આજે લોકો રમકડાંને માત્ર પ્રોડક્ટ સ્વરૂપે જ નહીં, પણ રમકડાં સાથે જોડાયેલા અનુભવ સાથે પણ જોડાવા ઈચ્છે છે. એટલા માટે જ આપણે હેન્ડમેડ ઈન ઈન્ડિયાને પણ પ્રોત્સાહિત કરવાનું છે. આપણે એ બાબત પણ યાદ રાખવાની છે કે જ્યારે પણ આપણે રમકડાં બનાવીએ છીએ ત્યારે એક બાળ માનસનું ઘડતર કરતાં હોઈએ છીએ. બાળપણને અપાર ઉલ્લાસ સાથે ઘડતાં હોઈએ છીએ. તેમાં સપનાં ભરતા હોઈએ છીએ અને આ જ ઉલ્લાસ આપણી આવતીકાલનું નિર્માણ કરશે. મને આનંદ છે કે આજે આપણો દેશ આ જવાબદારી સમજી રહ્યો છે. આપણાં પ્રયાસો આત્મનિર્ભર ભારતને એવી સ્ફૂર્તિ પૂરી પાડશે કે જે બાળપણમાં એક નવી દુનિયા રચતી હોય છે. આવા વિશ્વાસ સાથે આપ સૌને ફરી એક વખત ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને હવે દુનિયામાં ભારતના રમકડાંઓનો ડંકો વગાડવાની આપણાં સૌની જવાબદારી છે, આપણે સૌએ સાથે મળીને પ્રયાસ કરવાનો છે, નિરંતર પ્રયાસ કરવાનો છે. નવા નવા સ્વરૂપ સાથે પ્રયાસ કરવાનો છે. નવા નવા વિચારો, નવું નવું વિજ્ઞાન, નવી નવી ટેકનોલોજી આપણાં રમકડાં સાથે જોડતાં રહેવાનું છે. અને મને વિશ્વાસ છે કે આપણો આ ટોય ફેર આપણને એ દિશામા લઈ જવા માટે એક મજબૂત કદમ સ્વરૂપે પૂરવાર થશે. હું ફરી એક વખત આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.

ખૂબ ખૂબ ધન્યવાદ !!

SD/GP/JD



(Release ID: 1701460) Visitor Counter : 321