પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ આઇઆઇટી, ખડગપુરના 66મા પદવીદાન સમારંભમાં સંબોધન કર્યું


તેમણે વિદ્યાર્થીઓને સેલ્ફ 3 એટલે કે સેલ્ફ-અવેરનેસ (સ્વજાગૃતિ), સેલ્ફ કોન્ફિડન્સ (આત્મવિશ્વાસ) અને સેલ્ફલેસનેસ (નિઃસ્વાર્થવૃત્તિ)નો મંત્ર આપ્યો

Posted On: 23 FEB 2021 1:50PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા આઇઆઇટી ખડગપુરના 66મા પદવીદાન સમારંભમાં સંબોધન કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી રમેશ પોખરિયાલ ‘નિશંક અને રાજ્ય કક્ષાના કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી સંજય ધોત્રે ઉપસ્થિત રહ્યાં હતાં.

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આજનો દિવસ માતાપિતાઓ અને આઇઆઇટીના શિક્ષકોની સાથે નવા ભારત માટે પણ મહત્વપૂર્ણ છે, કારણ કે વિદ્યાર્થીઓ સમગ્ર દેશનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે પાસ થયેલા વિદ્યાર્થીઓને જીવનની નવી સફરમાં સ્ટાર્ટઅપ્સ ઊભા કરવા અને દેશમાં કરોડો લોકોના જીવનમાં પરિવર્તન લાવી શકે એવી ઇનોવેટિવ ચીજવસ્તુઓ બનાવવા માટે કામ કરવાની અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આજે તેમણે પ્રાપ્ત કરેલી ડિગ્રીઓ લાખો લોકોની આકાંક્ષાઓનું પ્રતિનિધિત્વ કરે છે, જે તેમણે પૂર્ણ કરવી પડશે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, અત્યારે ભવિષ્યની જરૂરિયાતોની ધારણા બાંધીને કામ કરવાની જરૂર હોવાથી તમારે ભવિષ્ય માટે ઇનોવેશન કરવું પડશે. તેમણે જણાવ્યું હતું કે, એક ઇજનેર ચીજવસ્તુઓને વધારે બારીક રીતે જોવાની ક્ષમતા ધરાવે છે અને આ સમજણ નવા સંશોધનો અને ભવિષ્યમાં નવી સફળતાનો પાયો બનશે. તેમણે વિદ્યાર્થીઓને લાખો લોકોના જીવનની ગુણવત્તા સુધારી શકે અને જીવનને બચાવી શકે તથા દેશના સંસાધનોની બચત કરી શકે એવા સમાધાનો શોધવા અપીલ કરી હતી.

શ્રી નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓને તેમની શંકાઓ દૂર કરવા અને ભવિષ્યમાં અવરોધોનો સફળતાપૂર્વક સામનો કરવા સેલ્ફ 3નો મંત્ર અપનાવવા અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આ સેલ્ફ 3 છે – સેલ્ફ-અવેરનેસ (સ્વજાગૃતિ), સેલ્ફ-કોન્ફિડન્સ (આત્મવિશ્વાસ) અને સેલ્ફલેસનેસ (નિઃસ્વાર્થપણું). તેમણે વિદ્યાર્થીઓને તેમની અંદર રહેલી શક્તિઓને પિછાણવાની અને આગળ વધવાની, આત્મવિશ્વાસ સાથે પ્રગતિ કરવાની, નિઃસ્વાર્થવૃત્તિ સાથે અગ્રેસર થવાની સલાહ આપી હતી.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં અધીરાઈને કોઈ સ્થાન નથી. તેમણે ઉમેર્યુ હતું કે, તમે જેના પર કામ કરો છો, એ ઇનોવેશનમાં તમને સંપૂર્ણ સફળતા ન મળે એવું બની શકે છે. પણ તમારી નિષ્ફળતા પણ સફળતા ગણાશે, કારણ કે તમને તેમાંથી કશું શીખવા મળશે. તેમણે કહ્યું હતું કે, 21મી સદીમાં આઇઆઇટી સંસ્થાઓએ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ ટેકનોલોજીને ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ ઇન્ડિજિનિયસ ટેકનોલોજીસના આગામી સ્તરે લઈ જવાની જરૂર છે, જેથી નવા ભારતની વિવિધ માગ અને અપેક્ષાઓ-આકાંક્ષાઓને પૂરી કરી શકાય.

શ્રી મોદીએ કહ્યું હતું કે, જ્યારે દુનિયા આબોહવામાં પરિવર્તનના પડકાર સામે સંઘર્ષ કરી રહી છે, ત્યારે ભારતે આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન (આઇએસએ)નો વિચાર રજૂ કર્યો છે અને એને અપનાવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, અત્યારે ભારત સૌર ઊર્જાનો યુનિટદીઠ અતિ ઓછો ખર્ચ ધરાવતા દેશો પૈકીનો એક છે. પણ ઘરેઘરે સૌર ઊર્જા પહોંચાડવા માટે ઘણા પડકારો છે. તેમણે ઉમેર્યું હતું કે, ભારતે પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન કરે, ટકાઉ હોય અને વપરાશકર્તાને અનુકૂળ હોય એવી ટેકનોલોજી વિકસાવવાની જરૂર છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આપત્તિ વ્યવસ્થાપન એક વિષય છે, જે માટે દુનિયા ભારત તરફ મીટ માંડે છે. મોટી આપત્તિઓ કે આફતોમાં જીવનની સાથે માળખાગત સુવિધાઓને સૌથી વધુ નુકસાન થાય છે. તેમણે ઉમેર્યું હતું કે, બે વર્ષ અગાઉ આ વાતને સમજીને ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં ડિઝાસ્ટર રિસાયલન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે જોડાણ સ્થાપિત કરવાની પહેલ હાથ ધરી હતી.

પ્રધાનમંત્રીએ ઉદ્યોગ 4.0 માટે નોંધપાત્ર ઇનોવેશન કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે આઇઆઇટી ખડગપુરની એઆઈ સાથે સંબંધિત એકેડેમિક સંશોધનને ઔદ્યોગિક સ્તરે, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ અને આધુનિક નિર્માણ ટેકનોલોજીમાં પરિવર્તિત કરવાના પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, આઇઆઇટી ખડગપુરના સોફ્ટવેર સોલ્યુશનો કોરોના સામે લડવામાં પણ અતિ ઉપયોગી પુરવાર થયા હતા. તેમણે સંસ્થાને આરોગ્યલક્ષી ટેકનોલોજીમાં ભવિષ્યલક્ષી સમાધાનો પર ઝડપથી કામ કરવા અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પર્સનલ હેલ્થકેર ઉપકરણ માટે મોટું બજાર વિકસ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, આરોગ્ય અને ફિટનેસ સાથે સંબંધિત ઉપકરણો માટેનું બજાર પણ વધી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, ભારતમાં પર્સનલ હેલ્થકેર ઉપકરણો પ્રદાન કરવા માટે ટેકનોલોજી વિકસાવવી પડશે, જે વાજબી અને સચોટ હોય.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, કોરોના પછી ભારત વિજ્ઞાન, ટેકનોલોજી, સંશોધન અને ઇનોવેશનના ક્ષેત્રમાં મુખ્ય આંતરરાષ્ટ્રીય કેન્દ્ર તરીકે બહાર આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, એ પ્રેરણા સાથે વિજ્ઞાન અને સંશોધન માટે બજેટમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું હતું કે, થોડા દિવસ અગાઉ સરકારે મેપ અને જિયોસ્પેતિયલ ડેટાને નિયંત્રણમુક્ત કર્યા છે. આ પગલું ટેક સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમની ક્ષમતામાં વધારો કરશે, આત્મનિર્ભર ભારત માટેના અભિયાનને સઘન બનાવશે તથા દેશના નવા સ્ટાર્ટઅપ્સ અને ઇનોવેટર્સને નવી સ્વતંત્રતા પણ આપશે.

પ્રધાનમંત્રીએ નવી શિક્ષણ નીતિનો અમલ કરવા બદલ આઇઆઇટી ખડગપુરના પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે આપણા ભવિષ્યની ઇનોવેશનની ક્ષમતા તરીકે જ્ઞાન અને વિજ્ઞાનમાં સંશોધન કરવા બદલ સંસ્થાની પ્રશંસા કરી હતી. તેમણે સંસ્થાને ભારતની આઝાદીના 75 વર્ષ સાથે જોગાનુજોગે સંસ્થાના મુખ્ય 75 ઇનોવેશનનું સંકલન કરવા અને તેમને દેશ અને દુનિયામાં પહોંચાડવા અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આ પ્રેરણા દેશમાં ઇનોવેશનને નવો વેગ આપશે અને દેશવાસીઓનો આત્મવિશ્વાસ વધારશે.

SD/GP/BT



(Release ID: 1700168) Visitor Counter : 209