પ્રધાનમંત્રીનું કાર્યાલય

સંરક્ષણ ક્ષેત્રમાં બજેટની જોગવાઇઓના અસરકારક અમલીકરણ અંગે એક વેબીનાર દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 22 FEB 2021 2:47PM by PIB Ahmedabad

નમસ્કાર જી,

આમ તો તમે સૌ જાણો જ છો કે બજેટ પછી ભારત સરકાર જુદા જુદા ક્ષેત્રના લોકો સાથે વેબીનાર કરીને બજેટને જલ્દીથી જલ્દી કઈ રીતે અમલીકૃત કરી શકાય, બજેટનું અમલીકરણ કરતી વખતે કઈ રીતે ખાનગી કંપનીઓને ભાગીદાર બનાવવામાં આવે અને બજેટને અમલીકૃત કરાવવા માટેનો સાથે મળીને રોડમેપ કેવી રીતે બને, તેની ઉપર ચર્ચાઓ ચાલી રહી છે. મને ખુશી છે કે આજે સંરક્ષણ મંત્રાલયના વેબીનારમાં ભાગ લઈ રહેલા તમામ ભાગીદારો, હિતધારકોને મળવાનો અવસર મળ્યો છે, મારા તરફથી આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ!

ભારત સંરક્ષણ ક્ષેત્રમાં કઈ રીતે આત્મનિર્ભર બને, તે સંદર્ભમાં આજનો આ સંવાદ મારા તરફથી ખૂબ મહત્વનો છે. બજેટ પછી સંરક્ષણ ક્ષેત્રમાં શું નવી સંભાવનાઓ ઊભી થઈ છે, આપણની આગળની દિશા કઈ હોય, તે વિષયમાં જાણકારી અને મંથન બંને ખૂબ જરૂરી છે. જ્યાં આપણાં વીર યોદ્ધાઓ તાલીમ લે છે, ત્યાં આપણે ઘણી વાર કઇંક આવું લખેલું જોઈએ છીએ કે શાંતિના સમયમાં વહાવેલો પરસેવો, યુદ્ધ કાળમાં લોહી વહેવાથી બચાવે છે. એટલે કે શાંતિની પૂર્વ શરત છે વીરતા, વીરતાની પૂર્વ શરત છે સામર્થ્ય, અને સામર્થ્યની પૂર્વ શરત છે પહેલેથી કરવામાં આવેલી તૈયારી, અને બાકી બધુ પછીથી આવે છે. આપણે ત્યાં એવું પણ કહેવામાં આવે છે- “સહનશીલતા, ક્ષમા, દયાને પણ ત્યારે પૂજે છે આ જગ, બળનું દર્પણ ચમકે તેની પાછળ જ્યારે ઝગમગ છે”.

સાથીઓ,

હથિયાર અને મિલીટરી સાધનો બનાવવાનો ભારત પાસે સદીઓ જૂનો અનુભવ છે. આઝાદી પહેલા આપણે ત્યાં સેંકડો ઓર્ડિનન્સ ફેક્ટરીઓ જોવા મળતી હતી. બંને વિશ્વ યુદ્ધોમાં ભારતમાંથી મોટા પ્રમાણમાં હથિયારો બનાવીને મોકલવામાં આવ્યા હતા. પરંતુ આઝાદી પછી અનેક કારણોના લીધે આ વ્યવસ્થાને એટલી મજબૂત નથી કરવામાં આવી જેટલી કરવી જોઈતી હતી. પરિસ્થિતિ એ છે કે નાના હથિયારો માટે પણ આપણે બીજા દેશોની સામે જોતાં રહેવું પડે છે. આજે ભારત વિશ્વના સૌથી મોટા સંરક્ષણ આયાતકારોમાંથી એક છે અને આ કોઈ બહુ મોટા ગૌરવની વાત નથી. એવું નથી કે ભારતના લોકોમાં પ્રતિભા નથી. એવું નથી કે ભારતના લોકોમાં સામર્થ્ય નથી.

તમે જુઓ, જ્યારે કોરોના શરૂ થયો ત્યારે ભારત એક પણ વેન્ટીલેટર નહોતું બનાવતું. આજે ભારત હજારો વેન્ટીલેટર્સનું નિર્માણ કરી રહ્યું છે. મંગળ સુધી પહોંચવાની ક્ષમતા રાખનાર ભારત આધુનિક હથિયાર પણ બનાવી શકે તેમ હતું. પરંતુ બહારથી હથિયારો મંગાવવા, સહેલો રસ્તો થઈ ગયો હતો. અને મનુષ્યનો સ્વભાવ પણ એવો જ છે કે જે સહેલું છે, જે સરળતાથી મળી જાય છે, ચલો ભાઈ તે જ રસ્તા ઉપર ચાલી નીકળો. તમે પણ આજે તમારા ઘરે જઈને જો ગણશો તો ખબર પડશે કે જાણે અજાણે એવી કેટલીય વિદેશી ચીજ વસ્તુઓનો તમે વર્ષોથી ઉપયોગ કરી રહ્યા છો. સંરક્ષણ ક્ષેત્ર સાથે પણ આવું જ થયું છે. પરંતુ હવે આજનું ભારત, આ સ્થિતિને બદલવા માટે કમર કસીને કામ કરી રહ્યું છે.

હવે ભારત પોતાની ક્ષમતા અને સામર્થ્યને ઝડપી ગતિએ આગળ વધારવામાં લાગેલું છે. એક સમય હતો જ્યારે આપણાં પોતાના લડાયક વિમાન તેજસને ફાઈલોમાં બંધ કરી દેવાની નોબત આવી ગઈ હતી. પરંતુ અમારી સરકારે આપણાં એન્જિનિયરો વૈજ્ઞાનિકો અને તેજસની ક્ષમતાઓ ઉપર ભરોસો કર્યો અને આજે તેજસ શાન સાથે આકાશમાં ઉડાન ભરી રહ્યું છે. કેટલાક અઠવાડિયાઓ પહેલા જ તેજસ માટે 48 હજાર કરોડ રૂપિયાનો ઓર્ડર આપવામાં આવ્યો છે. કેટલાય એમએસએમઈ ક્ષેત્ર દેશની સાથે જોડાશે, કેટલો મોટો કારોબાર થશે. આપણાં જવાનોને બુલેટ પ્રૂફ જેકેટ્સ સુદ્ધાં માટે પણ લાંબી રાહ જોવી પડે છે. આજે આપણે માત્ર ભારતમાં જ આપણી માટે બુલેટ પ્રૂફ જેકેટ્સ નથી બનાવી રહ્યા પરંતુ બીજા દેશોને પણ આપવા માટે આપણી પોતાની ક્ષમતા વધારી રહ્યા છીએ.

સાથીઓ,

ચીફ ઓફ ડિફેન્સના પદની નિયુક્તિ થવાના કારણે ઉત્પાદન પ્રક્રિયા, ટ્રાયલ અને પરીક્ષણ, સાધનોના ઇન્ડક્શન, સેવાઓની પ્રક્રિયાઓમાં એકરૂપતા લાવવામાં ઘણી સરળતા થઈ ગઈ છે અને આપણાં તમામ સંરક્ષણ બળની તમામ પાંખોના સહયોગ વડે આ કામ ખૂબ ઝડપી ગતિએ આગળ પણ વધી રહ્યું છે. આ વર્ષના બજેટમાં સેનાના આધુનિકીકરણની આ પ્રતિબદ્ધતા હજી વધારે મજબૂત બની છે. લગભગ દોઢ દાયકા પછી સંરક્ષણ ક્ષેત્રમા કેપિટલ આઉટલેમાં 19 ટકાની વૃદ્ધિ કરવામાં આવી છે. આઝાદી પછી સૌપ્રથમ વખત સંરક્ષણ ક્ષેત્રમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારી વધારવા પર આટલો ભાર મૂકવામાં આવ્યો છે. ખાનગી ક્ષેત્રને આગળ લાવવા માટે તેમની માટે કામ કરવું વધારે સરળ બનાવવા માટે સરકાર તેમની વેપાર કરવાની સરળતા ઉપર ભાર મૂકી રહી છે.

સાથીઓ,

હું ડિફેન્સ સેક્ટરમાં આવી રહેલ ખાનગી ક્ષેત્રની એક ચિંતા પણ સમજું છું. અર્થવ્યવસ્થાના અન્ય ક્ષેત્રોની સરખામણીએ સંરક્ષણ ક્ષેત્રમાં સરકારની દખલગીરી અનેક ગણી વધારે છે. સરકાર જ એકમાત્ર ખરીદદાર છે, સરકાર પોતે જ ઉત્પાદક પણ છે અને સરકારની પરવાનગી વિના નિકાસ કરવી એ પણ અઘરી છે. અને તે સ્વાભાવિક પણ છે, કારણ કે આ ક્ષેત્ર રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલું છે. પરંતુ સાથે જ ખાનગી ક્ષેત્રની ભાગીદારી વિના 21 મી સદીનું સંરક્ષણ ઉત્પાદન ઇકોસિસ્ટમ ઊભું નથી થઈ શકતું અને વેપાર કરવાની સરળતાની સાથે આપણે આ ક્ષેત્રમાં સતત એક પછી એક પગલાઓ ભરતા આગળ વધી રહ્યા છીએ. ડી-લાયસન્સિંગ, ડી-રેગ્યુલેશન, નિકાસ પ્રોત્સાહન, વિદેશી રોકાણ ઉદારીકરણ, એવા અનેક ઉપાયોની સાથે આપણે આ ક્ષેત્રમાં એક પછી એક મજબૂત પગલાઓ ભર્યા છે. અને હું એ પણ કહીશ કે મને આ બધા પ્રયાસો માટે સૌથી વધારે સહયોગ, સૌથી વધારે મદદ યુનિફોર્મ ફોર્સના નેતૃત્વ પાસેથી મળી છે. તેઓ પણ એક રીતે આ બાબત ઉપર ભાર મૂકી રહ્યા છે, વાતને આગળ વધારી રહ્યા છે.

સાથીઓ,

જ્યારે ડિફેન્સ ફોર્સનો ગણવેશ ધારણ કરેલ વ્યક્તિ તે જ્યારે આ વાતને કહે છે ત્યારે તેની તાકાત ઘણી વધી જાય છે કારણ કે જે ગણવેશ પહેરીને ઊભો છે, તેની માટે તો જીવન અને મૃત્યુની જંગ હોય છે. તે પોતાનું જીવન સંકટમાં નાખીને દેશની રક્ષા કરે છે. તે જ્યારે આત્મનિર્ભર ભારત માટે આગળ આવ્યો હોય તો કેટલું સકારાત્મકતા અને ઉત્સાહ વડે ભરાયેલું વાતાવરણ હશે તેની તમે ખૂબ સારી રીતે કલ્પના કરી શકો છો. તમે એ પણ જાણો છો કે ભારતે સંરક્ષણ સાથે જોડાયેલ આવી 100 મહત્વપૂર્ણ વસ્તુઓની યાદી બનાવી છે જેણે નેગેટિવ લિસ્ટ કહેવામાં આવે છે કે જેમને આપણા સ્થાનિક ઉદ્યોગની મદદથી જ ઉત્પાદિત કરી શકાય તેમ છે. તેની માટે ટાઈમ લાઇન એટલા માટે રાખવામાં આવી છે કે જેથી આપણાં ઉદ્યોગો આ જરૂરિયાતોને પૂરી કરવાનું સામર્થ્ય પ્રાપ્ત કરવા માટે આયોજન કરી શકે.

સરકારી ભાષામાં આ નેગેટિવ લિસ્ટ છે પરંતુ હું તેને જરા જુદી રીતે જોઉં છું જેને દુનિયા નેગેટિવ લિસ્ટના નામે ઓળખે છે. મારી દ્રષ્ટિએ તે આત્મનિર્ભરતાની ભાષામાં તે પોઝિટિવ લિસ્ટ છે. આ તે હકારાત્મક યાદી છે કે જેના બળ પર આપણી પોતાની ઉત્પાદન ક્ષમતા વધવાની છે. આ તે હકારાત્મક યાદી છે કે જે ભારતમાં જ રોજગાર નિર્માણનું કામ કરશે. આ તે હકારાત્મક યાદી છે કે જે પોતાની સંરક્ષણ જરૂરિયાતો માટે આપણી વિદેશો ઉપરની નિર્ભરતાને ઓછી કરવાની છે. આ તે હકારાત્મક યાદી છે કે જેના કારણે ભારતમાં બનેલા ઉત્પાદનોની ભારતમાં જ વેચાવાની બાહેંધરી પણ છે. અને આ તે વસ્તુઓ છે કે જે ભારતની જરૂરિયાત અનુસાર આપણાં વાતાવરણ અનુસાર આપણાં લોકોના સ્વભાવ અનુસાર સતત ઇનોવેશન થવાની શક્યતાઓ તેની અંદર જ આપમેળે સમાયેલી છે.

ભલે આપણી સેના હોય કે પછી આપણું આર્થિક ભવિષ્ય, તે આપણી માટે એક રીતે હકારાત્મક યાદી જ છે. અને તમારી માટે તો સૌથી વધારે હકારાત્મક યાદી છે અને હું આજે આ બેઠકમાં આપ સૌને એ ભરોસો આપું છું કે સંરક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલ તે દરેક સામાન જેને ડિઝાઇન કરવાનું, જેને બનાવવાનું સામર્થ્ય દેશમાં છે, કોઈપણ સરકારી અથવા ખાનગી કંપનીમાં છે, તેને બહારથી લાવવાનો અભિગમ નહિ રાખવામાં આવે. તમે જોયું હશે કે સંરક્ષણના કેપિટલ બજેટમાં પણ સ્થાનિક ઉત્પાદન માટે એક ભાગ અનામત રાખી દેવામાં આવ્યો છે, તે પણ અમારી નવી પહેલ છે. હું ખાનગી ક્ષેત્રને આગ્રહ કરું છું કે ઉત્પાદનની સાથે સાથે ડિઝાઇન અને નિર્માણમાં પણ તમે લોકો આગળ આવો, ભારતનો વિશ્વ ભરમાં ધ્વજ લહેરાય, અવસર છે, હાથમાંથી જવા ના દેશો. સ્વદેશી ડિઝાઇન અને વિકાસના ક્ષેત્રમાં ડીઆરડીઓનો અનુભવ પણ દેશના ખાનગી ક્ષેત્રએ લેવો જોઈએ. તેમાં નિયમો કાયદાઓ આડા ના આવે, તેની માટે ડીઆરડીઓમાં ખૂબ ઝડપથી સુધારાઓ પણ કરવામાં આવી રહ્યા છે. હવે પ્રોજેક્ટ્સની શરૂઆતમાં જ ખાનગી ક્ષેત્રને સામેલ કરી લેવામાં આવશે.

સાથીઓ,

દુનિયાના અનેક નાના નાના દેશ, પહેલા ક્યારેય પોતાની સુરક્ષા માટે આટલી ચિંતા નહોતા કરતાં. પરંતુ બદલાઇ રહેલા વૈશ્વિક માહોલમાં નવા પડકારો સામે આવવાના કારણે હવે આવા નાના નાના દેશોને પણ પોતાની સુરક્ષા માટે ચિંતા કરવી પડી રહી છે, સુરક્ષા તેમની માટે પણ એક બહુ મહત્વપૂર્ણ વિષય બનતો જઈ રહ્યો છે. તે ખૂબ સ્વાભાવિક છે કે આવા ગરીબ અને નાના દેશ, પોતાની સુરક્ષા જરૂરિયાતો માટે સ્વાભાવિક રૂપે ભારતની સામે જોશે કારણ કે આપણે ઓછા ખર્ચે ઉત્પાદનની ક્ષમતા ધરાવીએ છીએ. આપણે ગુણવત્તા યુક્ત ઉત્પાદનની તાકાત ધરાવીએ છીએ, માત્ર આગળ વધવાની જરૂર છે. આ દેશોની સહાયતા કરવામાં પણ ભારતની બહુ મોટી ભૂમિકા છે, ભારતના વિકસિત થઈ રહેલા સંરક્ષણ ક્ષેત્રની બહુ મોટી ભૂમિકા પણ છે, બહુ મોટો અવસર પણ છે. આજે આપણે 40 થી વધુ દેશોને સંરક્ષણના સામાનની નિકાસ કરી રહ્યા છીએ. આયાત પર નિર્ભર દેશની ઓળખમાંથી બહાર નીકળીને આપણે દુનિયાના અગ્રણી સંરક્ષણ નિકાસકાર તરીકે આપણી ઓળખ બનાવવાની છે અને તમને સાથે લઈને આ ઓળખને મજબૂત કરવાની છે.

આપણે એ પણ ધ્યાન રાખવાનું છે કે એક તંદુરસ્ત સંરક્ષણ ઉત્પાદન ઇકોસિસ્ટમ માટે મોટા ઉદ્યોગોની સાથે જ નાના અને મધ્યમ ઉત્પાદન એકમો પણ ખૂબ જરૂરી છે. આપણાં સ્ટાર્ટ અપ્સ બદલાતા સમયની સાથે ઝડપથી પરિવર્તન લાવવા માટે જરૂરી ઇનોવેશન આપણને આપી રહ્યા છે, આપણી સંરક્ષણ તૈયારીઓમાં આપણને આગળ રાખી રહ્યા છે. એમએસએમઈ તો સંપૂર્ણ ઉત્પાદન ક્ષેત્ર માટે કરોડરજ્જુનું કામ કરે છે. આજે જે સુધારાઓ થઈ રહ્યા છે તેનાથી એમએસએમઈને વધારે આઝાદી મળી રહી છે, તેમને વિસ્તૃત કરવા માટે પ્રોત્સાહન મળી રહ્યું છે.

આ એમએસએમઈ મધ્યમ અને મોટા ઉત્પાદન એકમોને મદદ કરે છે, કે જે સંપૂર્ણ ઇકોસિસ્ટમમાં ફાયર પાવરનો ઉમેરો કરે છે. આ નવી વિચારધારા અને નવો અભિગમ આપણાં દેશના નવયુવાનો માટે પણ ખૂબ મહત્વનો છે. આઈડેક્સ જેવા મંચ આપણી સ્ટાર્ટ અપ કંપનીઓ અને યુવા ઉદ્યોગ સાહસિકોને આ દિશામાં પ્રોત્સાહન આપી રહ્યા છે. દેશમાં આજે જે ડિફેન્સ કોરિડોર બનાવવામાં આવી રહ્યા છે તે પણ સ્થાનિક ઉદ્યોગકારો, સ્થાનિક ઉત્પાદનને મદદ કરશે. એટલે કે આજે આપણાં સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતાને આપણે ‘જવાન પણ યુવાન પણ’, આ બંને મોરચાના સશક્તિકરણના રૂપમાં જોવાની છે.

સાથીઓ,

એક સમય હતો કે જ્યારે દેશની સુરક્ષા જળ, જમીન અને આકાશની સુરક્ષા સાથે સંબંધિત હતી. હવે સુરક્ષાની સીમા રેખા જીવનના દરેક ક્ષેત્ર સાથે જોડાઈ ગઈ છે. અને તેનું બહુ મોટું કારણ આતંકવાદ જેવા હથિયારો છે. એ જ રીતે સાયબર એટેક, એક આવો જ નવો મોરચો ખૂલી ગયો છે જેણે સુરક્ષાનો સંપૂર્ણ દ્રષ્ટિકોણ જ બદલી નાખ્યો છે. એક જમાનો હતો કે જ્યારે સુરક્ષા માટે મોટા મોટા હથિયારો મંગાવવા પડતાં હતા. હવે એક નાનકડા ઓરડામાં, એક નાનકડા કમ્પ્યુટર વડે પણ દેશની સુરક્ષાનું એક પાસું સંભાળવું પડે એવી સ્થિતિ બની ચૂકી છે અને એટલા માટે આપણે પરંપરાગત સંરક્ષણ સાધનોની સાથે જ 21 મી સદીની ટેકનોલોજી અને તે ટેકનોલોજી સંચાલિત જરૂરિયાતોને જોઈને જ આપણે એક ભવિષ્યના વિઝન સાથે કામ કરવું પડશે. અને રોકાણ અત્યારે જ કરવું પડશે.

એટલા માટે આજે એ પણ જરૂરી છે કે આપણાં ઉચ્ચ શિક્ષણ ધરાવતા સંસ્થાનોમાં, સંશોધન સંસ્થાનોમાં, યુનિવર્સિટીઓમાં, આપણાં શૈક્ષણિક વિશ્વમાં સંરક્ષણ સાથે જોડાયેલ, સંરક્ષણ કૌશલ્ય સાથે જોડાયેલ કોર્સ પર પણ કૌશલ્ય વિકાસ, માનવ સંસાધન વિકાસ તેની પર ધ્યાન આપવું પડશે. સંશોધન અને ઇનોવેશન પર પણ ધ્યાન આપવું પડશે. આ કોર્સને ભારતની જરૂરિયાતોને અનુસાર ડિઝાઇન કરવા એ સમયની માંગ છે. એટલા માટે પરંપરાગત સંરક્ષણ માટે જે રીતે એક યુનિફોર્મ ધરાવતો ફૌજી હોય છે, તે જ રીતે આપણે શૈક્ષણિક વિશ્વવાળા, સંશોધન કરનારા, સુરક્ષા નિષ્ણાતોને પણ જોવા પડશે, આપણે તે જરૂરિયાતને સમજીને પણ પગલાં ભરવા પડશે. મને આશા છે કે હવે તમે લોકો આ દિશામાં પણ આગળ વધશો.

સાથીઓ,

હું સંરક્ષણ મંત્રાલય અને આપ સૌને વિનંતી કરીશ કે આજની ચર્ચાના આધાર પર એક સમય બદ્ધ કાર્ય યોજના અને એક પૂર્ણ રોડમેપ બનાવવામાં આવે અને તેને સરકાર અને ખાનગી બંનેની ભાગીદારી વડે અમલીકૃત બનાવવામાં આવે. તમારી ચર્ચા, તમારા સૂચનો, દેશને સંરક્ષણ ક્ષેત્રમાં નવી ઊંચાઈઓ પર લઈ જાય, એ જ કામના સાથે હું આજના વેબીનાર માટે, તમારા ઉત્તમ વિચારો માટે અને દેશના સુરક્ષા ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવાના સંકલ્પ માટે ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું.

ખૂબ ખૂબ આભાર!

SD/GP/JD

 



(Release ID: 1699976) Visitor Counter : 293