પ્રધાનમંત્રીનું કાર્યાલય

સંરક્ષણ ક્ષેત્રમાં બજેટની જોગવાઇઓના અસરકારક અમલીકરણ અંગે પ્રધાનમંત્રીએ વેબીનારમાં સંબોધન કર્યું


ભારતનું સંરક્ષણ ક્ષેત્ર એ પારદર્શકતા, પૂર્વાનુમાન અને વેપાર કરવાની સરળતા સાથે આગળ વધી રહ્યું છે: પ્રધાનમંત્રી

સંરક્ષણ ક્ષેત્રમાં ઉત્પાદન ક્ષમતા વધારવા ઉપર ભાર મૂકવામાં આવી રહ્યો છે: નરેન્દ્ર મોદી

Posted On: 22 FEB 2021 1:36PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સંરક્ષણ ક્ષેત્રમાં કેન્દ્રીય બજેટની જોગવાઇઓના અસરકારક અમલીકરણ વિષય ઉપર એક વેબીનારને સંબોધન કર્યું હતું. આ સંબોધનમાં, પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આ વેબીનારનું ઘણું મહત્વ છે કારણ કે તે દેશના સંરક્ષણ ક્ષેત્રને આત્મનિર્ભર બનાવવાના મહત્વના મુદ્દા ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે.

શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આઝાદી પહેલા હજારોની સંખ્યામાં શસ્ત્રના કારખાનાઓ જોવા મળતા હતા. બંને વિશ્વ યુદ્ધની અંદર ભારતમાંથી મોટી સંખ્યામાં શસ્ત્રોની નિકાસ કરવામાં આવી હતી. પરંતુ અનેક કારણોના લીધે આ વ્યવસ્થાને આઝાદી પછી જેટલી મજબૂત કરવી જોઈતી હતી તેટલી કરી શકાઈ નથી.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે તેમની સરકારને તેજસ ફાઇટર એરક્રાફ્ટનું નિર્માણ કરવા માટે આપણાં એન્જિનિયરો અને વૈજ્ઞાનિકોની ક્ષમતાઓ ઉપર ભરોસો હતો અને આજે તેજસ આકાશમાં ગૌરવપૂર્ણ ઉડાન ભરી રહ્યું છે. કેટલાક અઠવાડિયાઓ અગાઉ જ તેજસ માટે 48,000 કરોડ રૂપિયાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો.

તેમણે જણાવ્યું કે વર્ષ 2014 થી સરકારનો પ્રયાસ રહ્યો છે કે આ ક્ષેત્રમાં પારદર્શકતા, પૂર્વાનુમાન અને વેપાર કરવાની સરળતા સાથે આગળ વધવામાં આવે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે સરકારે ડી-લાયસન્સિંગ, ડી-રેગ્યુલેશન, નિકાસ પ્રોત્સાહન, વિદેશી રોકાણ માટે ઉદારીકરણ વગેરે લાવવા માટે અનેક પગલાઓ ભર્યા છે.

પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે ભારતે સંરક્ષણને લગતી 100 મહત્વની વસ્તુઓની યાદી બનાવી છે કે જે આપણાં સ્થાનિક ઉદ્યોગોની મદદથી સ્વદેશમાં નિર્મિત થઈ શકે તેમ છે. તેમણે કહ્યું કે એક ટાઈમ લાઇન પણ નિર્ધારિત કરવામાં આવી છે કે જેથી કરીને આપણાં ઉદ્યોગો આ જરૂરિયાતોને પહોંચી વળવા માટે આયોજન કરી શકે.

તેમણે કહ્યું કે અધિકૃત ભાષામાં તેને નેગેટિવ લિસ્ટ તરીકે ઓળખવામાં આવે છે પરંતુ આત્મ નિર્ભરતાની ભાષામાં તે હકારાત્મક યાદી છે. આ એક હકારાત્મક યાદી છે કે જેની ઉપર દેશની ઉત્પાદક ક્ષમતા વધવા જઈ રહી છે. આ એખકરાત્મક યાદી છે કે જે ભારતમાં રોજગારીનું નિર્માણ કરશે. આ એક હકારાત્મક યાદી છે કે જે આપણી સંરક્ષણ જરૂરિયાતો માટે વિદેશી દેશો ઉપરની ભારતની નિર્ભરતાને ઘટાડવા જઈ રહી છે. આ એક હકારાત્મક યાદી છે કે જે ભારતમાં સ્વદેશી ઉત્પાદનોના વેચાણની બાહેંધરી આપે છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે સંરક્ષણના કેપિટલ બજેટમાં પણ સ્થાનિક ઉત્પાદન માટે એક ભાગ અનામત રાખવામાં આવ્યો છે. તેમણે ખાનગી ક્ષેત્રને વિનંતી કરી હતી કે તેઓ આગળ આવે અને આ સંરક્ષણના સાધનોની ડિઝાઇનિંગ અને ઉત્પાદન આ બંને કાર્યો પોતાના હાથમાં લે કે જેથી કરીને ભારતનો ધ્વજ વૈશ્વિક મંચ પર હંમેશા લહેરાતો રહી શકે.

તેમણે કહ્યું કે એમએસએમઇ એ સમગ્ર ઉત્પાદન ક્ષેત્ર માટે કરોડરજ્જુ સમાન છે. આજે જે સુધારાઓ થવા જઈ રહ્યા છે તે એમએસએમઇને વધુ સ્વતંત્રતા અને વિસ્તરણ માટે પ્રોત્સાહન આપી રહ્યા છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આજે દેશમાં જે ડિફેન્સ કોરિડોરનું બાંધકામ થવા જઈ રહ્યું છે તે સ્થાનિક ઉદ્યોગો અને સ્થાનિક ઉત્પાદનને પણ સહાયક સાબિત થશે. આજે, આપણાં સંરક્ષણ ક્ષેત્રમાં થઈ રહેલ આત્મનિર્ભરતાને આ બંને મોરચાઓ – જવાન અને સાથે સાથે યુવાનs તે બંનેના સશક્તિકરણ તરીકે જોવાવી જોઈએ.

 

SD/GP/JD


(Release ID: 1699912) Visitor Counter : 204