પ્રધાનમંત્રીનું કાર્યાલય

નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની છઠ્ઠી બેઠકમાં પ્રધાનમંત્રીના પ્રારંભિક સંબોધનનો મૂળપાઠ

Posted On: 20 FEB 2021 2:10PM by PIB Ahmedabad

નમસ્કાર!

 

નીતિ આયોગની ગવર્નીંગ કાઉન્સિલમાં હું આપ સૌનું સ્વાગત કરૂં છું. કેન્દ્ર અને રાજ્ય સાથે મળીને કામ કરે તથા નિશ્ચિત દિશામાં આગળ વધે તેની ઉપર દેશની પ્રગતિનો આધાર છે. કોઓપરેટિવ ફેડરાલિઝમને અધિક સાર્થક બનાવવાનો છે અને એટલું જ નહીં, આપણે પ્રયત્નપૂર્વક સ્પર્ધાત્મક કોઓપરેટિવ ફેડરાલિઝમને માત્ર રાજ્યોની વચ્ચે નહીં, જિલ્લા સુધી લઈ જવાનો છે કે જેથી વિકાસની સ્પર્ધા નિરંતર ચાલતી રહે. વિકાસનો એક મુખ્ય એજન્ડા આગળ ધપે. દેશને નવી ઉંચાઈ પર લઈ જવાની સ્પર્ધા કેવી રીતે આગળ વધે તે બાબતે મંથન કરવા માટે આપણે અગાઉ પણ ઘણી વખત ચર્ચા કરી ચૂક્યા છીએ. આજે પણ એ સ્વાભાવિક છે કે આ બાબત ઉપર ભાર મૂકવામાં આવશે. આપણે સૌએ કોરોનાકાળમાં જોયું છે કે જ્યારે રાજ્ય અને કેન્દ્ર સરકારે સાથે મળીને કામ કર્યું છે ત્યારે સમગ્ર દેશ સફળ થયો છે અને દુનિયામાં પણ ભારતની એક સારી છબીનું નિર્માણ થયું છે.

 

સાથીઓ,

આજે જ્યારે દેશ પોતાની આઝાદીના 75 વર્ષ પૂરાં કરવા તરફ આગળ ધપી રહ્યો છે ત્યારે આ ગવર્નીંગ કાઉન્સિલની બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ બની રહી છે. હું રાજ્યોને પણ આગ્રહ કરીશ કે આઝાદીના 75 વર્ષ માટે પોતપોતાના રાજ્યોના, સમાજના તમામ લોકોને જોડીને સમિતિઓની  રચના કરવામાં આવે. જિલ્લાઓમાં પણ સમિતિઓની રચના થવી જોઈએ. હજુ થોડીવાર પહેલાં જ આ બેઠક માટે મુદ્દાઓને આવરી લેતી નોંધ તમારી સામે મૂકવામાં આવી છે. આ એજન્ડા પોઈન્ટસની પસંદગી દેશની સર્વોચ્ચ પ્રાથમિકતાઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. આ એજન્ડા પોઈન્ટ ઉપર રાજ્યો પાસેથી સૂચનો મેળવવા માટે રાજ્યોને તૈયારી કરવાનો પૂરતો સમય આપવા એક નવો પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે કે જેથી આ વખતે નીતિ આયોગની સાથે સાથે રાજ્યોના તમામ ટોચના અધિકારીઓની સાથે એક સારો વર્કશોપ પણ થયો. તેની પહેલાં અને એ ચર્ચામાં જે મુદ્દા ઉપસ્થિત થયા તેને પણ તેની સાથે જોડવાનો અમે પ્રયાસ કર્યો છે. અને તેના કારણે ઘણાં સુધારા અને એક પ્રકારે કહીએ તો રાજ્યોની અપેક્ષાઓને ધ્યાનમાં રાખીને એક એજન્ડા તૈયાર કરવામાં આવ્યો છે. આવી પ્રક્રિયામાંથી પસાર થવાનું કારણ આ વખતે ગવર્નીંગ કાઉન્સિલના એજન્ડા પોઈન્ટ ખૂબ જ ચોક્કસ પ્રકારના છે અને તે આપણી ચર્ચાને વધુ અર્થપૂર્ણ બનાવશે.

 

સાથીઓ,

વિતેલા કેટલાક વર્ષોમાં આપણે જોયું છે કે આપણાં દેશમાં ગરીબોનું સશક્તિકરણ કરવાની દિશામાં બેંક ખાતા ખોલવાથી, રસીકરણ વધારવાથી, આરોગ્યની સુવિધાઓ વધારવાથી, વીજળીનું જોડાણ મફત આપવાથી, ગેસ કનેક્શન મફત આપવાથી, મફત શૌચાલય નિર્માણની યોજનાઓથી, તેમના જીવનમાં ખાસ કરીને ગરીબોના જીવનમાં એક અભૂતપૂર્વ પરિવર્તન જોવા મળ્યું છે. દેશમાં હાલમાં દરેક ગરીબને પાકી છત પૂરી  પાડવાનું અભિયાન પણ ખૂબ ઝડપથી ચાલી રહ્યું છે. કેટલાક રાજ્યો ઘણો સારો દેખાવ કરી રહયા છે, કેટલાક રાજ્યોએ પોતાની ગતિ વધારવાની જરૂર પણ છે. વર્ષ 2014 પછીની સ્થિતિ જોઈએ તો ગામડાં અને શહેરોમાં મળીને 2 કરોડ 40 લાખથી વધુ ઘરના નિર્માણનું કામ પૂરૂ કરવામાં આવ્યું છે. તમને જાણકારી હશે કે દેશના 6 શહેરોમાં આધુનિક ટેકનોલોજી મારફતે ઘર બનાવવાનું એક અભિયાન ચાલી રહ્યું છે. એકાદ મહિનાની અંદર નવી ટેકનોલોજી દ્વારા ઝડપથી સારી ગુણવત્તા ધરાવતા મજબૂત મકાન બનાવવાની દિશામાં દેશના 6 શહેરોમાં નવા મોડેલ તૈયાર કરવામાં આવશે. તે મોડેલ પણ આ કામગીરી માટે દરેક રાજ્યને ઉપયોગી નીવડનારા છે. સમાન પ્રકારે પાણીની અછત અને પ્રદુષિત પાણીના ઉપયોગને કારણે થતા રોગો લોકોના વિકાસમાં અવરોધરૂપ બને નહીં અને કુપોષણની સમસ્યા વધે નહીં તે હેતુથી આ દિશામાં મિશન મોડ સાથે કામ થઈ રહ્યું છે. જલ જીવન મિશન શરૂ કર્યા પછી વિતલા 18 માસમાં જ સાડા ત્રણ કરોડ કરતાં વધુ ગ્રામ્ય વિસ્તારના ઘરોમાં પાઈપથી પાણી પૂરૂ પાડીને વોટર સપ્લાયથી જોડવામાં આવ્યા છે. ગામડાંઓમાં ઈન્ટરનેટ કનેક્ટીવિટી ઉપલબ્ધ કરવા માટે ભારત નેટ યોજના એક મોટા પરિવર્તનનું માધ્યમ બની રહી છે. આવી સારી યોજનાઓમાં જ્યારે કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે મળીને કામ કરશે તો કામની ગતિ પણ વધશે અને છેલ્લી વ્યક્તિ સુધી તેનો લાભ પહોંચી શકે તેની ખાતરી પણ રાખી શકાશે.

 

સાથીઓ,

આ વર્ષના બજેટને જે રીતે એક હકારાત્મક પ્રતિભાવ પ્રાપ્ત થયો છે, ચારેય તરફથી એક નવી આશાનું વાતાવરણ ઉભુ થયું છે તેનાથી ખ્યાલ આવે છે કે રાષ્ટ્રનો મૂડ શું છે તે દેશ નિર્ણય કરી ચૂક્યો છે. દેશ ઝડપથી આગળ ધપવા માંગે છે. દેશ હવે સમય ગૂમાવવા માંગતો નથી અને આ બધી બાબતો મળીને દેશનું ધ્યેય નક્કી કરવામાં દેશનું યુવા માનસ ખૂબ મોટી ભૂમિકા અદા કરી રહ્યું છે અને તેથી જ આ પરિવર્તન તરફ એક નવું આકર્ષણ ઉભુ થયું છે. અને આપણે પણ એ જોઈ રહ્યા છીએ કે દેશનું ખાનગી ક્ષેત્ર કેવી રીતે, દેશની આ વિકાસ યાત્રામાં વિશેષ ઉત્સાહ સાથે આગળ ધપી રહ્યું છે. સરકારમાં હોવાના કારણે આપણે પણ આ ઉત્સાહનું, ખાનગી ક્ષેત્રની ઊર્જાનું સન્માન કરવાનું છે અને તેને આત્મનિર્ભર ભારત અભિયાનમાં એટલી જ તક પૂરી પાડવાની છે. આત્મનિર્ભર ભારત એ એક એવા નવા ભારત તરફનું કદમ છે કે જ્યાં દરેક વ્યક્તિને, દરેક સંસ્થાને અને દરેક ઉદ્યોગને પોતાની પૂરી ક્ષમતા સાથે આગળ વધવાની તક મળે.

 

સાથીઓ,

આત્મનિર્ભર ભારત અભિયાન એ એક એવા ભારતના નિર્માણ તરફનો માર્ગ છે કે જે માત્ર પોતાની જરૂરિયાતો માટે જ નહીં, વિશ્વ માટે પણ ઉત્પાદન કરે અને આ ઉત્પાદન વિશ્વની શ્રેષ્ઠતાની કસોટીમાં પાર ઉતરે. અને એટલા માટે જ હું કહેતો હોઉં છું કે ઝીરો ડિફેક્ટ, ઝીરો ઈફેક્ટ. ભારત જેવો યુવા દેશ અને તેની આકાંક્ષાઓને ધ્યાનમાં રાખીને આપણે આધુનિક માળખાગત સુવિધાઓનું નિર્માણ કરવાનુ રહેશે. ઈનોવેશનને પણ પ્રોત્સાહન આપવાનું રહેશે. ટેકનોલોજીનો વધુને  વધુ ઉપયોગ કરવો પડશે. શિક્ષણ અને કૌશલ્ય માટેની ઉત્તમ તકો તેમને પૂરી પાડવાની રહેશે.

 

સાથીઓ,

આપણે પોતાના બિઝનેસ ક્ષેત્રને અને એમએસએમઈ ક્ષેત્રને તથા સ્ટાર્ટઅપ્સને વધુ મજબૂત કરવાની જરૂર છે. આપણું દરેક રાજ્ય પોતાની એક ખાસિયત ધરાવે છે, દરેક રાજ્યના દરેક જિલ્લા પાસે પોતાનું આગવું હુન્નર છે, પોતાની ખાસિયત છે, અનેક પ્રકારની ક્ષમતાઓ છે. આપણે ઝીણવટપૂર્વક જોઈશું તો તે આપણને નજરે પડશે. સરકાર તરફથી, દેશના સેંકડો જિલ્લાઓની પ્રોડક્ટસને શોર્ટલીસ્ટ કરીને તેની મૂલ્યવૃધ્ધિ માટે, માર્કેટીંગ અને નિકાસ માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. આના કારણે રાજ્યો વચ્ચે એક તંદુરસ્ત સ્પર્ધા શરૂ થઈ છે, પરંતુ આપણે તેને આગળ ધપાવવાની છે. કયું રાજ્ય સૌથી વધુ નિકાસ કરી શકે છે, વધુને વધુ પ્રકારની ચીજોની નિકાસ કરી શકે છે, વધુને વધુ દેશોમાં નિકાસ કરી શકે છે, વધુને વધુ મૂલ્ય ધરાવતી ચીજોની નિકાસ કરી શકે છે. જો જિલ્લાઓમાં પણ આ સ્પર્ધા ચાલુ રહેશે અને આ નિકાસ ઉપર દરેક રાજ્યના દરેક જિલ્લામાં કઈ રીતે વિશેષ પ્રયાસ કરવો તે જોવાનું રહેશે. આપણે આ પ્રયોગને જિલ્લા અને તાલુકાઓમાં પણ લઈ જવાનો છે. આપણે રાજ્યોના સાધનોનો પૂરો ઉપયોગ કરવો પડશે. રાજ્યોમાંથી થનારી નિકાસ બાબતે આપણે આગ્રહપૂર્વક તેનો હિસાબ દર મહિને લેવો જોઈએ અને તેમાં વૃધ્ધિ પણ કરવી જોઈએ. આ હેતુથી નીતિ વિષયક માળખા અને કેન્દ્ર તથા રાજ્યોની વચ્ચે બહેતર તાલમેલ જળવાય તે ખૂબ જ જરૂરી છે. હવે જે રીતે આપણે ત્યાં સાગરકાંઠાના રાજ્યોમાં મત્સ્ય ઉદ્યોગને, બ્લૂ ઈકોનોમીને અને મત્સ્યને વિદેશમાં નિકાસ કરવાની અસિમિત તકો છે તેના કારણે અર્થતંત્રને ઘણું મોટું બળ પ્રાપ્ત થઈ શકે તેમ છે. આપણાં માછીમારોને પણ ઘણું બધુ પ્રોત્સાહન મળી શકે છે. કેન્દ્ર સરકારે વિવિધ ક્ષેત્રો માટે એક પીએલઆઈ યોજના શરૂ કરી છે તેની તમને જાણકારી હોય એવી હું ઈચ્છા રાખું છું. આ દેશમાં મેન્યુફેક્ચરીંગમાં વૃધ્ધિ કરવાની બહેતર તકો છે. રાજ્યોએ પણ આ યોજનાનો પૂરો લાભ લઈને પોતાને ત્યાં વધુને વધુ મૂડી રોકાણ આકર્ષીત કરવું જોઈએ. કોર્પોરેટ વેરાના દર ઓછા કરવાનો લાભ પણ રાજ્યોએ વધુને વધુ પ્રમાણમાં લેવો જોઈએ. દુનિયામાં આટલો ઓછો વેરાનો દર રાખવામાં આવ્યો છે તેનો ફાયદો તમારા રાજ્યને મળવો જોઈએ તે માટે તમારે એવી કંપનીઓનો સંપર્ક કરવો જોઈએ.

 

સાથીઓ,

આ વર્ષે બજેટમાં માળખાગત સુવિધાઓ માટે ફાળવવામા આવેલા ભંડોળ અંગે પણ ઘણી ચર્ચાઓ થઈ રહી છે. માળખાગત સુવિધાઓ માટે થનારા આ ખર્ચને કારણે દેશની અર્થ વ્યવસ્થાને અનેક સ્તરે આગળ ધપાવવાની કામગીરી થશે. રોજગારી માટે પણ ઘણી તકો ઉભી થશે અને તેની એક બહુમુખી અસર પેદા થશે. નેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાઈપલાઈનમાં રાજ્યોનો હિસ્સો 40 ટકા છે અને એટલા માટે જરૂરી છે કે રાજ્ય અને કેન્દ્ર મળીને પોતાના  બજેટમાં એકરૂપતા સ્થાપે, આયોજન કરે. અગ્રતાઓની પણ અગ્રતા નક્કી કરે. હવે ભારત સરકારે પોતાનું બજેટ અગાઉના વર્ષોની તુલનામાં એક મહિનો વહેલું રજૂ કર્યું છે. રાજ્યોના બજેટ અને કેન્દ્ર સરકારના બજેટ વચ્ચે ત્રણથી ચાર સપ્તાહનો સમય મળી રહેતો હોય છે. તેથી કેન્દ્ર સરકારના બજેટને ધ્યાનમાં રાખીને રાજ્યોના બજેટ બની શકે તો, બંને સાથે મળીને એક દિશામાં આગળ ધપી શકે તેમ છે. અને હું એવી ઈચ્છા રાખું છું કે આ દિશામાં રાજ્યો પોતાના બજેટની ચર્ચા કરતા હશે. જે રાજ્યોના બજેટ હવે પછી આવવાના છે તે રાજ્યો આ કામગીરીને વધુ અગ્રતા આપી શકે તેમ છે. કેન્દ્રના બજેટની સાથે સાથે રાજ્યોના બજેટ પણ વિકાસને ગતિ પૂરી પાડવામાં, રાજ્યને આત્મનિર્ભર બનાવવામાં એટલા જ મહત્વના પૂરવાર થઈ શકે તેમ છે.

 

સાથીઓ,

15મા નાણાંપંચમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના આર્થિક સાધનોમાં મોટો વધારો કરવામાં આવી રહ્યો છે. સ્થાનિક સ્તરે વહિવટમાં સુધારો થાય તો લોકોના જીવનની ગુણવત્તા અને તેમના આત્મવિશ્વાસનો તે આધાર બની શકે છે. આ પ્રકારના સુધારામાં ટેકનોલોજીની સાથે સાથે લોકભાગીદારી પણ ખૂબ જ આવશ્યક છે. મારી એવી સમજ છે કે પંચાયત રાજ વ્યવસ્થા તથા નગરપાલિકાઓના ચૂંટાયેલા પ્રતિનિધિઓને આ પ્રકારના રૂપાંતર તથા પરિણામો માટે જવાબદાર બનાવવાનો સમય  પણ આવી પહોંચ્યો છે. સ્થાનિક સ્તરે પરિવર્તન લાવવા માટે જિલ્લા, રાજ્ય અને કેન્દ્ર સરકાર એક સાથે મળીને કામ કરે તો પરિણામ કેટલું હકારાત્મક આવે છે તેના ઉદાહરણ તરીકે આકાંક્ષી જિલ્લાઓ આપણી સામે છે. આકાંક્ષી જિલ્લાઓનો જે પ્રયોગ થઈ રહ્યો છે તેના સારા પરિણામો પ્રાપ્ત થઈ રહ્યા છે, પરંતુ વિતેલા કેટલાક દિવસોમાં કોરોનાને કારણે જે ગતિ પ્રાપ્ત થવી જોઈએ તે થઈ શકી નથી, પરંતુ હવે ફરીથી આપણે આ બાબતે ઝોક વધારી શકીએ તેમ છીએ.

 

સાથીઓ,

ખેતી અપાર ક્ષમતાઓથી ભરેલી છે, પરંતુ આપણે કેટલીક વાસ્તવિકતાનો સ્વિકાર કરવો પડશે. આપણે કૃષિ પ્રધાન દેશ તરીકે ઓળખાઈએ છીએ. આ સ્થિતિ હોવા છતાં પણ આજે આશરે લગભગ 65 થી 70 કરોડ રૂપિયાનું ખાદ્યતેલ આપણે બહારથી લાવીએ છીએ તે આપણે બંધ કરી શકીએ તેમ છીએ. આપણાં ખેડૂતોના ખાતામાં જે પૈસા જઈ શકે છે તે પૈસાના હક્કદાર આપણાં ખેડૂતો પોતે જ છે, પરંતુ તેના માટે આપણે આપણી યોજનાઓને એ પ્રકારે ઘડવાની જરૂર છે. આપણે વિતેલા વર્ષોમાં વિવિધ દાળ અંગે પ્રયોગ કર્યો હતો. તેમાં આપણને સફળતા મળી હતી.  હવે બહારથી  વિવિધ દાળ ખરીદવાનો ખર્ચ ઘણો ઓછો થયો છે. એવી ઘણી ચીજો છે, ઘણી ખાદ્ય ચીજો કારણ વગર આપણાં ટેબલ ઉપર આ જતી હોય છે. આપણાં દેશના ખેડૂતોને આવી ચીજોનું ઉત્પાદન કરવામાં કોઈ મુશ્કેલી નથી. તેમને થોડુંક માર્ગદર્શન આપવાની જરૂર છે અને એટલા માટે એવી અનેક ખેતપેદાશો છે કે જે આપણાં ખેડૂતો પેદા કરી શકે તેમ છે અને સાથે સાથે દુનિયામાં પણ પૂરવઠો આપી શકે તેમ છે. આવુ કરી શકાય તે માટે તમામ રાજ્યો પોતાનું એગ્રો ક્લાયમેટીક રિજિયોનલ પ્લાનીંગ કરે તે જરૂરી છે. આ માટે વ્યૂહરચના ઘડી કાઢે અને તે મુજબ ખેડૂતોને મદદ કરે તે જરૂરી છે.

 

સાથીઓ,

વિતેલા વર્ષોમાં ખેતીથી માંડીને પશુપાલન તથા માછીમારી સુધી એક સમગ્રલક્ષી અભિગમ અપનાવવામાં આવ્યો છે. આનું પરિણામ એવું પ્રાપ્ત થયું છે કે કોરોના કાળ વચ્ચે પણ દેશમાં ખેતપેદાશોની નિકાસમાં ઘણો વધારો થયો છે, પરંતુ આપણી ક્ષમતા આનાથી અનેકગણી છે. આપણી ખેતપેદાશોનો બગાડ ઓછામાં ઓછો થાય તેના માટે સંગ્રહક્ષમતા અને પ્રોસેસીંગ ઉપર પણ વધુ ધ્યાન આપવાની જરૂર છે. તેના મૂડી રોકાણ માટે આપણે ત્યાં જેટલી પણ ક્ષમતા છે ત્યાં આ વ્યવસ્થાને જોડવી પડશે. આપણે જાણીએ છીએ કે ભારત દક્ષિણ- પૂર્વ એશિયામાં રૉ- ફીશની નિકાસ કરે છે. અગાઉ મેં કહ્યુ તે મુજબ આ મત્સ્યનું પ્રોસેસ  કરીને વધુ નફો મેળવી શકાય તેમ છે અને તેને  પ્રોસેસ્ડ પ્રોડક્ટ તરીકે પણ વેચી શકાય તેમ છે. શું આપણે પ્રોસેસ્ડ ફીશ પ્રોડક્ટસની મોટાપાયે નિકાસ કરી શકીએ તેમ નથી ? શું આપણાં તમામ સાગરકાંઠાના રાજ્યો આ બાબતે જાતે પહેલ કરીને આ સમગ્ર ગ્લોબલ માર્કેટમાં પોતાનો પ્રભાવ પેદા ન કરી શકે ? આવી સ્થિત અન્ય ઘણાં ક્ષેત્રોમાં છે, અન્ય ઘણી પ્રોડક્ટસ બાબતે પણ છે. આપણાં ખેડૂતોને જરૂરી આર્થિક સાધનો પ્રાપ્ત થાય, બહેતર માળખાગત સુવિધાઓ મળી રહે, આધુનિક ટેકનોલોજી મળી રહે તે માટે સુધારા કરવા ખૂબ જ જરૂરી છે.

 

સાથીઓ,

થોડા સમય પહેલા જ આવા અનેક સુધારા કરવામાં આવ્યા છે કે જે નિયમન ઓછુ કરે છે, સરકારની દખલ ઓછી રહે છે. મેં વિતેલા દિવસો દરમ્યાન જોયું છે કે સામાન્ય વ્યક્તિઓની ફરિયાદો, હજારો ફરિયાદો એવી છે કે જે રીતે વિતેલા દિવસોમાં અમે 1500 કાયદાઓ  રદ કર્યા તે રીતે તેનો આપણે નિકાલ કરી શકીએ તેમ છીએ. હું રાજ્યોને આગ્રહ કરૂં છું કે તમે એક નાની ટીમની રચના કરો. હવે ટેકનલોજી ઉપલબ્ધ છે તો કારણ વગર ચીજો માંગવાની જરૂર નથી. લોકોની ફરિયાદોનો બોજો દેશના નાગરિકોના માથે રહેતો હોય તો તેને ઓછો કરવો જોઈએ. રાજ્યો તે માટે આગળ આવે. મેં પણ ભારત સરકારને કહ્યું છે અને આપણાં કેબિનેટ સેક્રેટરી આ કામમાં લાગી ગયા છે. ફરિયાદોની સંખ્યા હવે જેટલી ઓછી થઈ શકે તે બાબત જીવન જીવવામાં આસાની માટે ખૂબ જરૂરી છે.

 

 

એ જ પ્રકારે સાથીઓ, આપણે યુવાનોને મોકળા મને તેમનું સામર્થ્ય દેખાડવાની તક પૂરી પાડવી જોઈએ. હજુ થોડાક મહિના પહેલાં જ તમે જોયું હશે કે કેટલાક મહત્વના નિર્ણયો કરવામાં આવ્યા હતા તેની ખાસ ચર્ચા થઈ નથી, પરંતુ તેના મોટા પરિણામો મળી શકે તેમ છે. ઓએસસી નિયમનોના સુધારા કરવામાં આવ્યા હતા અને આ કારણે યુવાનોને કોઈપણ સ્થળેથી કામ કરવાની સુગમતા પ્રાપ્ત થઈ છે. આનો ઘણો મોટો લાભ આપણાં ટેકનોલોજી સેક્ટરને મળ્યો છે.

 

હમણાં થોડાંક દિવસ પહેલાં હું માહિતી ટેકનોલોજી ક્ષેત્રના લોકો સાથે વાત કરી રહ્યો હતો ત્યારે મને ઘણાં લોકોએ જણાવ્યું હતું કે તેમના 95 ટકા લોકો હવે ઘરેથી જ કામ કરી રહ્યા છે અને તેમનું કામ સારી રીતે ચાલી રહ્યું છે. તમે જુઓ, કેટલું મોટું પરિવર્તન આવી રહ્યું છે. આપણે આ બાબતો ઉપર ભાર મૂકવો પડશે. આપણે ત્યાં આવા અવરોધો હોય તો તે અવરોધ દૂર કરવા જોઈએ. આપણે વિતેલા દિવસોમાં ઘણાં મોટા પ્રમાણમાં સુધારા પણ કર્યા છે. તમે જોયું હશે કે થોડાં દિવસ પહેલા આપણે એક ખૂબ જ મહત્વનો નિર્ણય કર્યો હતો. જીઓ સ્પેશ્યલ ડેટા સાથે જોડાયેલા નિયમોનું પણ ઉદારીકરણ કરવામાં આવ્યું છે.  આપણે જે કામ અત્યારે કર્યું છે તે કામ 10 વર્ષ પહેલાં આપણે કરી શક્યા હોત તો કદાચ ગૂગલ વગેરે ભારતની બહાર નહીં, પણ ભારતમાં જ નિર્માણ પામી શક્યા હોત. આપણાં લોકોમાં પ્રતિભા છે પણ આપણી પાસે પ્રોડક્ટ નથી. આનાથી આપણાં સ્ટાર્ટઅપ અને ટેકનોલોજી સેક્ટરને ઘણી મોટી મદદ મળી છે. હું ઈચ્છા રાખું છું કે આ નિર્ણયો દેશના સામાન્ય માનવીના જીવન જીવવાની આસાનીમાં વધારો કરવામાં મદદ કરશે.

 

અને સાથીઓ, હું તમને બે બાબતો અંગે આગ્રહ કરીશ. આજે વિશ્વમાં આપણને અનેક તકો પ્રાપ્ત થઈ છે. આ તકોનો ઉપયોગ કરવા માટે આપણે કોશિશ કરવાની રહેશે. બિઝનેસ કરવામાં આસાની અને ભારતના નાગરિકોને જીવન જીવવામાં આસાની થાય તેવા પ્રયાસો આપણે કરતા રહેવું પડશે. વિશ્વમાં ભારતના સ્થાન માટે, ભારતને તકો પ્રાપ્ત થાય તે માટે, બિઝનેસ કરવામાં આસાનીનું મહત્વ છે અને તેના માટે આપણે આપણાં કાયદાઓમાં સુધારા કરવા જરૂરી છે. વ્યવસ્થાઓમાં પણ સુધારા કરવા પડશે અને દેશના નાગરિકોની આશાઓ અને અપેક્ષાઓ પૂર્ણ કરવા માટે તથા તેમનું જીવન સરળ કરવા માટે, જીવન જીવવામાં આસાની માટે જે બાબતો આવશ્યક છે તેની ઉપર ઝોક દર્શાવવો પડશે.

 

સાથીઓ,

હવે હું તમારા અનુભવ અને તમારા સૂચનો સાંભળવા માટે આતુર છું. આજે આપણે સમગ્ર દિવસ સાથે બેસવાના છીએ. વચ્ચે થોડા સમયનો એક વિરામ લઈશું, પણ આપણે તમામ વિષયો બાબતે વાત કરીશું. મને વિશ્વાસ છે કે હંમેશાની જેમ આ વખતે પણ આપ સૌ તરફથી રચનાત્મક અને હકારાત્મક વિચારો સાંભળવા મળશે, જે દેશને આગળ લઈ જવામાં ખૂબ જ કામ  લાગશે. અને આપણે સૌ સાથે મળીને, કેન્દ્ર અને રાજ્ય, આપણે સૌ એક દેશ તરીકે એક જ દિશામાં જેટલી શક્તિ લગાવી શકીએ તેટલી લગાવીને વિશ્વમાં ભારત માટે એક અભૂતપૂર્વ તક ઉભી કરી શકીએ તેમ છીએ. આ તક આપણે જવા દેવી જોઈએ નહીં તેવી એક અપેક્ષા સાથે ફરી એક વખત હું આ મહત્વપૂર્ણ બેઠકમાં તમારી ઉપસ્થિતનું સ્વાગત કરૂં છું. તમારા સૂચનોની પ્રતિક્ષા કરૂં છું. 

 

ખૂબ ખૂબ ધન્યવાદ!

 



(Release ID: 1699722) Visitor Counter : 257