પ્રવાસન મંત્રાલય
પર્યટન મંત્રાલય 12થી 14 ફેબ્રુઆરી 2021 દરમિયાન કેવડિયામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે તેમનું વાર્ષિક સંમેલન યોજવા માટે સ્થાનિક ટૂર ઓપરેટરોના સંગઠન સાથે ભાગીદારી કરશે
આ વાર્ષિક સંમેલન લૉકડાઉન પછી પર્યટન ઉદ્યોગના હિતધારકોના સંગઠન દ્વારા પ્રત્યક્ષરૂપે યોજવામાં આવી રહેલો પ્રથમ મોટો કાર્યક્રમ છે: પર્યટન સચિવ
પોસ્ટેડ ઓન:
10 FEB 2021 7:15PM by PIB Ahmedabad
ભારત સરકારના પર્યટન મંત્રાલય દ્વારા ઉદ્યોગજગત અને તેના હિતધારકો સાથે હાલમાં ચાલી રહેલા જોડાણના ભાગરૂપે, 12થી 14 ફેબ્રુઆરી 2021 દરમિયાન કેવડિયામાં આવેલા સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે તેમના વાર્ષિક સંમેલનનું આયોજન કરીને સ્થાનિક ટૂર ઓપરેટરોના સંગઠનને સહકાર આપવામાં આવી રહ્યો છે. પર્યટન મંત્રાલયના સચિવ શ્રી અરવિંદસિંહ સંમેલન ખાતે “પર્યટનમાં પ્રોત્સાહન માટે ઉડ્ડયનની ભૂમિકા” વિષય પર સંબોધન આપશે. પર્યટન મંત્રાલયના અધિક મહાનિદેશક સુશ્રી રુપિન્દર બ્રાર “ટેકનોલોજી ભવિષ્ય છે- વાસ્ત્વિકમાંથી વર્ચ્યુઅલ પ્રવાસ” વિષય પર યોજનારા સત્રમાં મધ્યસ્થતા કરશે.
સંમેલન અંગે આજે નવી દિલ્હીમાં પર્યટન સચિવ શ્રી અરવિંદસિંહે વાત કરતા જણાવ્યું હતું કે, આ વાર્ષિક સંમેલન લૉકડાઉન પછી હિતધારક સંગઠન દ્વારા આટલા મોટાપાયે પ્રત્યક્ષરૂપે યોજવામાં આવી રહેલો પ્રથમ કાર્યક્રમ છે અને સમગ્ર દેશમાંથી સરકારના મહાનુભાવો, ઉદ્યોગજગતના અગ્રણી વક્તાઓ, સ્થાનિક ટૂર ઓપરેટરો, એરલાઇન્સ, હોટેલ ઉદ્યોગના અગ્રણીઓ, મીડિયા વગેરે સહિત અંદાજે 350-400 પ્રતિનિધીઓ આ કાર્યક્રમમાં ભાગ લેવા આવશે તેવી અપેક્ષા છે. શ્રી સિંહે ઉમેર્યું હતું કે, આ સંમેલનનો પ્રારંભ 12 ફેબ્રુઆરી 2021ના રોજ સાંજે 5 કલાકે થશે અને 13 ફેબ્રુઆરીના રોજ વ્યવસાય સત્રનું આયોજન કરવામાં આવશે જેમાં પર્યટન, ઉત્પાદન પ્રેઝન્ટેશન, પ્રવાસ, પર્યટન અને આતિથ્ય ભાગીદારો સાથે B2B બેઠકો તેમજ પર્યટન સંબંધિત વિવિધ ઉત્પાદનોનું પ્રદર્શન વગેરે સામાવી લેવામાં આવ્યા છે.
શ્રી સિંહે જણાવ્યું હતું કે, “ભારત ખૂબ જ મજબૂત સ્થાનિક બજાર ધરાવે છે જે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ પર ખૂબ જ વ્યાપક રીતે નિર્ભર રહેતા દેશોની સરખામણીએ આપણા દેશમાં કોવિડ-19ની વિપરિત અસરને હળવી કરી શકે છે અને મહામારીના સંક્રમણ પર નિયંત્રણ મેળવી લેવામાં આવ્યું હોવાથી વ્યાપકપણે એવો એકમત થયો છે કે, આંતરરાષ્ટ્રીય પર્યટનની સરખામણીએ સ્થાનિક પર્યટન વધુ ઝડપથી રિકવર થઇ શકશે. દેખો અપના દેશ એ પર્યટન મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલી એક પહેલ છે; આ પહેલ ભારતમાં સ્થાનિક પર્યટનને પ્રોત્સાહન આપી શકાય તે માટે પ્રધાનમંત્રીએ 15 ઑગસ્ટ 2019ના રોજ લાલ કિલ્લાની પ્રાચીર પરથી તેમના સંબોધન દરમિયાન પ્રત્યેક નાગરિકને વર્ષ 2022 સુધીમાં ઓછામાં ઓછા 15 સ્થાનિક મુકામોની મુલાકાત લેવા માટે કરેલી અપીલને અનુરૂપ શરૂ કરવામાં આવી છે, જેનો ઉદ્દેશ પર્યટકોની રુચિના સ્થળોમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો કરવાનો છે જેથી સ્થાનિક અર્થતંત્રના વિકાસમાં મદદ મળી શકે.”
શ્રી સિંહે ઉમેર્યું હતું કે, “પ્રધાનમંત્રીએ 17 જાન્યુઆરી 2021ના રોજ સવારે 11 વાગે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી દેશના અલગ અલગ સ્થળોને કેવડિયા સાથે જોડતી આઠ ટ્રેનોને એક સાથે લીલીઝંડી બતાવી તેનો પ્રારંભ કરાવ્યો હતો જેથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી પહોંચવા માટે છેવટના સ્થળો સુધીની કનેક્ટિવિટીમાં વધારો થઇ શકે. અમદાવાદથી કેવડિયા સુધીની ટ્રેનમાં વિસ્ટા-ડોમ કોચ પણ છે જે પ્રવાસીઓમાં ખૂબ જ આકર્ષણ જમાવી રહ્યો છે.”
(રીલીઝ આઈડી: 1696949)
મુલાકાતી સંખ્યા : 268