પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ આસામમાં ‘અસોમ માલા’નો શુભારંભ કર્યો અને બે નવી હોસ્પિટલોનું ભૂમિપૂજન કર્યું


આસામમાં 1.25 કરોડ લોકોને આયુષ્માન ભારત યોજનાનો લાભ મળી રહ્યો છેઃ પ્રધાનમંત્રી

ભારતીય ચા ઉદ્યોગની છબી ખરડવાના ષડયંત્રને સફળ નહીં થવા દઈએઃ પ્રધાનમંત્રી

અસોમ માલા પ્રોજેક્ટ આસામની જનતાના પહોળા માર્ગો અને તમામ ગામડાઓમાં માટે જોડાણના સ્વપ્નને સાકાર કરશેઃ પ્રધાનમંત્રી

Posted On: 07 FEB 2021 3:03PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આસામના સોનિતપુરમાં ઢેકિયાજુલીમાં બે હોસ્પિટલોનુ ભૂમિપૂજન કર્યું હતું તથા અસોમ માલા નામના કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો. આ કાર્યક્રમનો ઉદ્દેશ રાજ્યમાં પ્રાદેશિક રાજમાર્ગો અને મુખ્ય જિલ્લા રોડનું નેટવર્ક ઊભું કરવાનો છે. આ પ્રસંગે આસામના મુખ્યમંત્રી શ્રી સર્વાનંદ સોનોવાલ, કેન્દ્રીય મંત્રી શ્રી રામેશ્વર તેલી, આસામની રાજ્ય સરકારના મંત્રીઓ અને બોડોલેન્ડ પ્રાદેશિક વિસ્તારના વડા શ્રી પ્રમોદ બોરો ઉપસ્થિત રહ્યાં હતાં.

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ તેમને પ્રેમભર્યા આવકાર બદલ આસામની જનતાનો આભાર માન્યો હતો. તેમણે આસામના મુખ્યમંત્રી શ્રી સર્વાનંદ સોનોવાલ અને મંત્રી શ્રી હેમંત વિશ્વાસ, બોડો પ્રાદેશિક વિસ્તારના વડા શ્રી પ્રમોદ બોરો તથા રાજ્ય સરકારની આસામની ઝડપી પ્રગતિ અને આસામની જનતાની સેવા કરવામાં તેમની ભૂમિકા બદલ પ્રશંસા કરી હતી. તેમણે આ પ્રદેશે વર્ષ 1942માં આક્રમણખોરોનો બહાદુરી સાથે કરેલા સામનાનો અને તિરંગા માટે પોતાની જાતનું સમર્પણ કરનાર શહીદોના બલિદાનના ભવ્ય ઇતિહાસને પણ યાદ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, હિંસા, વંચિતતા, તણાવ, સંઘર્ષ, ભેદભાવને ભૂલી અત્યારે સંપૂર્ણ ઉત્તરપૂર્વ વિકાસના માર્ગે અગ્રેસર છે અને એમાં આસામ ચાવીરૂપ ભૂમિકા ભજવી રહ્યું છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, ઐતિહાસિક બોડો સમજૂતી થયા પછી બોડોલેન્ડ પ્રાદેશિક પરિષદની તાજેતરમાં ચૂંટણીઓ થઈ હતી, જેણે આ વિસ્તારમાં વિકાસ અને વિસ્તારનું નવું પ્રકરણ લખ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આજનો દિવસ આસામના ભવિષ્ય અને ભાગ્યમાં મહત્ત્વપૂર્ણ પરિવર્તન લાવનારો દિવસ છે, કારણ કે આસામને વિશ્વનાથ અને ચરાઇદેવમાં બે નવી મેડિકલ કોલેજોની ભેટ મળી છે તથા અસોમ માલા દ્વારા આધુનિક માળખાગત સુવિધાનો પાયો નાંખવામાં આવ્યો છે.

રાજ્યમાં અગાઉ તબીબી માળખાગત સ્થિતિ નબળી હતી એને યાદ કરીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દેશને આઝાદી મળ્યા પછી વર્ષ 2016 સુધી આસામમાં ફક્ત 6 મેડિકલ કોલેજો હતી, ત્યારે છેલ્લાં પાંચ વર્ષમાં 6 નવી મેડિકલ કોલેજો સ્થાપિત કરવાની કામગીરી શરૂ થઈ છે. વિશ્વનાથ અને ચરાઈ દેવ કોલેજો ઉત્તર અને ઉપરી આસામના લોકોને સેવા પ્રદાન કરશે. એ જ રીતે રાજ્યમાં અગાઉ મેડિકલ અભ્યાસક્રમો માટે ફક્ત 725 બેઠકો હતી, પણ આ નવી મેડિકલ કોલેજો સંપૂર્ણપણે કાર્યરત થવાની સાથે દર વર્ષે આસામમાંથી 16000 નવા ડૉક્ટરો બહાર આવશે. એનાથી રાજ્યના અંતરિયાળ વિસ્તારમાં તબીબી સુવિધાઓમાં મહત્ત્વપૂર્ણ સુધારો થશે. પ્રધાનમંત્રીએ  એવી જાણકારી પણ આપી હતી કે, ગૌહાટી એમ્સ પર કામગીરી ઝડપથી આગળ વધી રહી છે અને સંસ્થામાં પહેલી બેચનો અભ્યાસ શરૂ થઈ ગયો છે. એમ્સનું કામકાજ આગામી દોઢથી બે વર્ષમાં પૂર્ણ થશે. આસામની સમસ્યાઓ પ્રત્યે અગાઉ દાખવવામાં આવેલી ઉપેક્ષાનો સંદર્ભ આપીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, વર્તમાન સરકાર સંપૂર્ણ સમર્પણ સાથે આસામની જનતા માટે કામ કરે છે.

પ્રધાનમંત્રીએ આસામની જનતાની તબીબી જરૂરિયાતો પૂર્ણ કરવા માટે સરકારે હાથ ધરેલા વિશેષ પ્રયાસો પર રૂપરેખા પણ પ્રસ્તુત કરી હતી. તેમણે કહ્યું હતું કે, આસામમાં આશરે 1.25 કરોડ લોકોને આયુષ્માન ભારત યોજનામાંથી લાભ મળે છે, કારણ કે 350થી વધારે હોસ્પિટલોને આ યોજનામાં સામેલ કરવામાં આવી છે. આસામમાં આશરે 1.50 લાખ ગરીબ લોકોએ આયુષ્માન ભારત અંતર્ગત નિઃશુલ્ક સારવાર મેળવી હતી. રાજ્યમાં આશરે 55 લાખ લોકોએ રાજ્મયાં સ્થાપિત કરવામાં આવેલા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર્સમાં પ્રાથમિક આરોગ્યલક્ષી સારવારનો લાભ લીધો છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જનૌષધિ કેન્દ્રો, અટલ અમૃત યોજના અને પ્રાઇમ મિનિસ્ટર ડાયાલીસિસ પ્રોગ્રામથી સામાન્ય નાગરિકના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે.

શ્રી મોદીએ જણાવ્યું હતું કે, આસામની વૃદ્ધિમાં ચાના બગીચાઓ કેન્દ્રસ્થાને છે. આસામનું અર્થતંત્ર ચાના બગીચા પર મોટા પાયે આધારિત છે. તેમણે જાણકારી આપી હતી કે, ગઈ કાલે ધન પુરસ્કાર મેલા યોજના અંતર્ગત ચાના બગીચાના 7.5 લાખ કામદારોના ખાતામાં કરોડો રૂપિયા હસ્તાંતરિત થયા હતા. આ વિશેષ યોજનાનો સૌથી વધુ લાભ ગર્ભવતી મહિલાઓને મળી રહ્યો છે. બગીચાઓમાં કામ કરતા કામદારોની સારસંભાળ કરવા માટે વિશેષ તબીબી ટુકડીઓ મોકલવામાં આવે છે. તેમને નિઃશુલ્ક દવાઓ પૂરી પાડવામાં આવે છે. ચાલુ વર્ષના બજેટમાં ચાના બગીચામાં કામ કરતા કામદારોના કલ્યાણ માટે રૂ. 1000 કરોડની યોજના જાહેર કરવામાં આવી છે.

પ્રધાનમંત્રીએ એવી જાણકારી પણ આપી હતી કે, ભારતીય ચા ઉદ્યોગની છબી ખરડવા માટે ષડયંત્ર ચાલી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, કેટલાંક દસ્તાવેજો બહાર આવ્યાં છે, જેમાંથી જાણકારી મળી છે કે, કેટલીક વિદેશી તાકાતો ભારતીય ચા ઉદ્યોગની છાપ ખરડવા માટે યોજના બનાવી રહી છે. આસામની ધરતી પરથી પ્રધાનમંત્રીએ જાહેરાત કરી હતી કે, આ ષડયંત્રોને સફળ થવા દેવામાં નહીં આવે અને આ ષડયંત્રકારો પાસેથી અને એમને ટેકો આપતા લોકો પાસેથી આસામની જનતા જવાબ માંગશે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આપણા ચાના બગીચામાં કામ કરતા લોકો આ લડાઈમાં જીત મેળવશે. ભારતીય ચા ઉદ્યોગ પર આ પ્રકારે હુમલા કરતા લોકોમાં આપણા ચાના બગીચામાં કામ કરતા લોકોની મહેનતનો સામનો કરવાની ક્ષમતા નથી.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આધુનિક માર્ગો અને માળખાગત સુવિધાઓ આસામની ક્ષમતા વધારવામાં મુખ્ય ભૂમિકા ત્રભજવે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ભારત માલા પ્રોજેક્ટની જેમ અસોમ માલા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. શ્રી મોદીએ કહ્યું હતું કે, છેલ્લાં થોડાં વર્ષો દરમિયાન હજારો કિલોમીટરની લંબાઈ ધરાવતા માર્ગોનું નિર્માણ થયું છે અને રાજ્યમાં અનેક પુલોનું નિર્માણ થયું છે. તેમણે એવી આશા વ્યક્ત કરી હતી કે, અસોમ માલા પ્રોજેક્ટ રાજ્યનું વિસ્તૃત માર્ગો તથા તમામ ગામડાઓ અને આધુનિક શહેરો સાથે જોડાણ ધરાવવાની આકાંક્ષા પૂર્ણ કરશે. પ્રધાનમંત્રીએ એમની વાત પૂરી કરતાં કહ્યું હતું કે, આ તમામ કાર્યોથી આગામી દિવસોમાં રાજ્યના વિકાસને નવો વેગ મળશે, કારણ કે આ બજેટમાં ઝડપથી વૃદ્ધિ અને પ્રગતિ કરવા માટે માળખાગત સુવિધાઓ વિકસાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે.


(Release ID: 1695946) Visitor Counter : 259