પ્રધાનમંત્રીનું કાર્યાલય

કેન્દ્ર સરકારનું વર્ષ 2021-22નુ બજેટ રજૂ થયા પછી પ્રધાનમંત્રીનું નિવેદન

Posted On: 01 FEB 2021 3:52PM by PIB Ahmedabad

નમસ્કાર,

વર્ષ 2021નુ બજેટ અસાધારણ પરિસ્થિતિ વચ્ચે રજૂ કરવામાં આવ્યું છે. એમાં વાસ્તવિકતાનો પરિચય થવા ઉપરાંત વિકાસનો વિશ્વાસ પણ છે. કોરોનાએ દુનિયામાં જે અસર ઉભી કરી તેનાથી સમગ્ર માનવજાત હલી ગઈ છે. આવી પરિસ્થિતિઓની વચ્ચે આજનુ બજેટ ભારતના આત્મવિશ્વાસને બળ આપનારૂ અને સાથે સાથે દુનિયામાં એક નવો વિશ્વાસ ભરી દેનારૂ છે.

આજના બજેટમાં આત્મનિર્ભરતાનું વિઝન પણ છે અને દરેક નાગરિક, દરેક વર્ગનો સમાવેશ પણ છે. અમે આ બજેટમાં જે સિધ્ધાંતોને આધારે ચાલ્યા છીએ, તે છે વૃધ્ધિ માટે નવી તકો, નવી સંભાવનાઓનુ વિસ્તરણ કરવું, યુવાનો માટે નવી તકોનુ નિર્માણ કરવું. માનવ સંસાધનને એક નવું પાસુ આપવું, માળખાગત સુવિધાઓના નિર્માણ માટે નવાં નવાં ક્ષેત્રો વિકસાવવાં, આધુનિકતા તરફ આગળ વધવું, અને નવા સુધારા કરવા.

સાથીઓ,

નિયમો અને પ્રક્રિયાઓને સરળ બનાવીને સામાન્ય લોકોના જીવનમાં, જીવન જીવવાની આસાનીમાં વધારો કરવા બાબતે આ બજેટમાં ભાર મુકવામાં આવ્યો છે. વ્યક્તિઓ, રોકાણકારો, ઉદ્યોગ અને સાથે સાથે આ બજેટ માળખાગત સુવિધાઓના નિર્માણમાં હકારાત્મક ફેરફારો લાવશે. હું આ બદલ દેશનાં નાણાં મંત્રી શ્રીમતી નિર્મલાજી અને તેમના સાથી મંત્રી અનુરાગજી અને તેમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.

સાથીઓ,

આવાં બજેટ ખૂબ ઓછાં જોવા મળતાં હોય છે કે જેને શરૂઆતના એક બે કલાકમાં જ આટલો હકારાત્મક પ્રતિભાવ હાંસલ થયો હોય. કોરોનાને કારણે અનેક નિષ્ણાતો એવું માનતા રહ્યા હતા કે સરકાર સામાન્ય નાગરિકો ઉપર બોજમાં વધારો કરશે. પરંતુ નાણાકીય સાતત્ય તરફની પોતાની જવાબદારીનું ધ્યાન રાખતાં સરકારે બજેટનુ કદ વધારવા ઉપર ધ્યાન આપ્યું છે. અમારી સરકારનો સતત એવો પ્રયાસ રહ્યો છે કે બજેટ પારદર્શક હોવુ જોઈએ અને મને આનંદ છે કે આજે અનેક વિદ્વાનોએ આ બજેટની પારદર્શકતાની પ્રશંસા કરી છે.

સાથીઓ,

ભારત કોરોના સામેની લડાઈમાં પ્રતિભાવ આપવાને બદલે હંમેશાં સક્રિય રહ્યું છે. ભલેને પછી તે કોરોના કાળ દરમિયાન કરવામાં આવેલા સુધારા હોય કે પછી આત્મનિર્ભર ભારતનો સંકલ્પ હોય. આ સક્રિયતાને વધારતાં આજના બજેટમાં રિએક્ટિવિટીનું નામો નિશાન નથી. સાથે જ અમે સક્રિય રહીને જ અટક્યા નથી. અમે આ સક્રિય બજેટ આપીને દેશના માટે સક્રિય હોવાનો સંદેશ આપ્યો છે. આ બજેટ મુખ્યત્વે એ ક્ષેત્રો ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે કે જેમાં, જાન પણ જહાન પણ છે, સંપત્તિ અને વેલનેસ બંનેમાં ઝડપી ગતિથી વધારો થશે. આ બજેટ જે રીતે હેલ્થકેર ઉપર કેન્દ્રિત છે, તે બાબત પણ અભૂતપૂર્વ છે. આ બજેટ દેશને દરેક ક્ષેત્રમાં વિકાસ, એટલે કે સર્વગ્રાહી વિકાસની વાત કરે છે. ખાસ કરીને મને એ બાબતનો આનંદ છે કે બજેટમાં દક્ષિણનાં આપણાં રાજ્યો, પૂર્વોત્તરનાં આપણાં રાજ્યો અને ઉત્તરમાં લેહ લદાખ જેવાં ક્ષેત્રોના વિકાસ ઉપર વધુ ધ્યાન આપવામાં આવ્યું છે. આ બજેટમાં ભારતનાં દરિયાકાંઠાનાં રાજ્યો, જેવાં કે તામિલનાડુ, કેરળ, પશ્ચિમ બંગાળને બિઝનેસનું પાવર હાઉસ બનાવવાની દિશામાં એક મોટુ કદમ ભરવામાં આવ્યું છે. ઉત્તર પૂર્વનાં રાજ્યો, ખાસ કરીને આસામ કે જ્યાંની ક્ષમતાનો ઉપયોગ કરવામાં બજેટ મારફતે ખૂબ મોટી મદદ થશે. આ બજેટમાં જે રીતે સંશોધન અને ઈનોવેશનની વ્યવસ્થા ઉપર જે રીતે ભાર મુકીને જે રીતે જોગવાઈઓ કરવામાં આવી છે, તેનાથી આપણાં યુવાનોને તાકાત મળશે. ભારત ઉજળા ભવિષ્ય તરફ ખૂબ નક્કર કદમ ઉઠાવશે.

સાથીઓ,

દેશમાં સામાન્ય માનવીનુ, મહિલાઓનુ જીવન આસાન બને તે માટે તેમના આરોગ્ય, સ્વચ્છતા, પોષણ, શુધ્ધ પાણી અને તકોની સમાનતા બાબતે આ બજેટમાં વિશેષ ભાર મુકવામાં આવ્યો છે. બજેટમાં માળખાગત સુવિધાઓ માટેના ખર્ચમાં અભૂતપૂર્વ વધારા સાથે કેટલાક વ્યવસ્થાલક્ષી સુધારા પણ કરવામાં આવ્યા છે. જેનો સૌથી મોટો લાભ, દેશના વિકાસ અને રોજગાર નિર્માણ, રોજગારી માટે થવાનો છે. દેશમાં કૃષિ ક્ષેત્રને મજબૂતી પૂરી પાડવા માટે, ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે, આ બજેટમાં વિશેષ ભાર મુકવામાં આવ્યો છે. આ માટે અનેક જોગવાઈઓ કરવામાં આવી છે. કૃષિ ક્ષેત્રમાં ખેડૂતોને આસાનીથી વધુ ધિરાણ મળી શકશે. દેશની મંડીઓ એટલે કે ખેત બજાર સમિતિઓને મજબૂત કરવા માટે, સશક્ત કરવા માટે એગ્રીકલ્ચરલ ઈન્ફ્રાસ્ટ્રકચર ફંડમાંથી મદદની જોગવાઈ કરવામાં આવી છે. આ બધા નિર્ણયો એવુ દર્શાવે છે કે આ બજેટના દિલમાં ગામડુ છે, આપણા ખેડૂતો છે. એમએસએમઈ ક્ષેત્રને વેગ આપવા માટે,  રોજગારીની તકો વધારવા માટે, આ વર્ષે એમએસએમઈ ક્ષેત્રનું બજેટ પણ વિતેલા વર્ષની તુલનામાં બે ગણુ કરી દેવામાં આવ્યું છે.

સાથીઓ,

આ બજેટ આત્મનિર્ભરતાના એ રસ્તા ઉપર આગળ વધી રહ્યું છે કે જેમાં દેશના દરેક નાગરિકની પ્રગતિ સામેલ છે. આ બજેટ આ દાયકાની શરૂઆતનો એક મજબૂત પાયો નાંખનાર બની રહેશે. તમામ દેશવાસીઓને, આત્મનિર્ભર ભારતના આ મહત્વપૂર્ણ બજેટ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. ફરી એકવાર નાણાં મંત્રી, અને તેમની ટીમને ખૂબ ખૂબ અનિનંદન પાઠવું છું, ધન્યવાદ આપું છું.

 

SD/GP 


(Release ID: 1694098) Visitor Counter : 280